ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૪)

બુદ્ધિ ફેરવે, મોઢાં પર દીવેલ !

આ શેઠિયાઓ બુદ્ધિ વાપરે છે. મૂઆ, બુદ્ધિના તો ચાર આનાય કોઈ ના આપે ! આ બુદ્ધિથી લોકો બળી મર્યા છે. બુદ્ધિની જરૂર નહીં. આ નાના છોકરાં વગર બુદ્ધિથી કેવું સરસ સામ્રાજ્ય ચલાવે છે ! આ બુદ્ધિએ તો બખેડા કર્યા છે. આ મારું જ્ઞાન આપ્યા પછી જો બુદ્ધિ ના વાપરે તો જ્ઞાની પુરુષ જેવો રહે.

એક માણસ સાત વર્ષથી ઘર ચલાવે છે. ખેતરાં ખેડે છે, ગાયો-ભેંસો રાખે છે. હમણાં છોકરી પૈણાવી. તે બધા મહાત્માને બોલાવ્યા'તા. મને કહે છે, કે 'ભઈ, સાત વર્ષથી એક મિનિટ પણ અસમાધિ થઈ નથી, આ દાદાના જ્ઞાનથી. દુકાળ પડે છે તોય અસમાધિ નથી થઈ. સુકાળ પડે તોય અસમાધિ નથી થઈ.' એનું કારણ શું ? તેને પૂછયું, તો એ કહે, 'દાદાએ પાંચ આજ્ઞા આપી છે, તેનાથી ક્યાંય ડખલ નહીં કરવાની, નામેય. પાંચ આજ્ઞામાં જ રહું છું. બીજું કાંઈ હું સમજું નહિ. આ સુંદર વિજ્ઞાન છે !' અને આ ડખો બુદ્ધિને લઈને છે. બુદ્ધિની ક્યાં સુધી જરૂર છે ? જ્યાં સુધી જ્ઞાન ના મળ્યું હોય. જ્ઞાન મળ્યા પછી બુદ્ધિની જરૂર નથી. બુદ્ધિ તો હંમેશાં એની મેળે પેસી જાય છે. બુદ્ધિ જ એને જીવવા નથી દેતી, મૂઆને.

નાના છોકરાંનું બહુ સરસ ચાલે, કંઈ દાદરા પરથી પડી જતાં નથી અને બાપ બિચારો કહે, 'પડી જશે, પડી જશે, પડી જશે.' મૂઆ, કોઈ બાપોય કોઈ દહાડો પડ્યો નથી. મુંબઈ શહેરમાં છોકરાં કોઈ દહાડો પડ્યાં નથી. અને બાપ પડેલા, એની ચિંતા કરનારા. આ ડફોળ કહેવાય ! જ્ઞાન મળ્યા પછી જે બુદ્ધિનો આશરો લે એ ડફોળ કહેવાય.

અમે એક ફેરો અહીંથી જાત્રાએ જતા'તા, માથેરાનની. તે દાદર સ્ટેશન પર બેઠા'તા. તે સવારના સાડા છ થયા, તે બત્તીઓ બધી એકદમ બંધ થઈ ગઈ. ત્યારે મેં બધાને કહ્યું કે 'આ બત્તીઓ કેમ એકદમ બંધ કરી ?' ત્યારે કહે, 'દાદા, અજવાળું થયું એટલે.' ત્યારે મેં કહ્યું, 'આપણે આત્માનું અજવાળું થયું છે, એટલે બત્તી બંધ કરી દો. કોઈ મૂરખેય ચાલુ ના રાખે.' એ બત્તીને લઈને તો આ બધો ડખો છે. એ બત્તીઓની જરૂર નહીં. બંધ કરી દેવી જોઈએ. આ બુદ્ધિઓને લઈને તો મોઢાં દિવેલ પીધાં જેવાં દેખાય. મોઢાં પર જાણે દિવેલ ફરી વળ્યું હોય !

બુદ્ધિની જરૂર નહીં. આપણે બુદ્ધિને કહી દેવાનું કે તું બેસ. બહુ દહાડા તેં કામ આપ્યું છે, તે હવે તને પેન્શન આપી દઈશું. તારું પેન્શન ચાલુ છે. હજુ તો બુદ્ધિનો અમલ આવે છે. જ્યાં આવડો મોટો પ્રકાશ થયો, આખા વર્લ્ડનો પ્રકાશ ઉત્પન્ન થયો, ત્યાં હવે આ બુદ્ધિનો દીવો શું કામ સળગાવી રાખ્યો છે ? એટલે અબુધ થવાની જરૂર છે. અમે શા માટે કહીએ છીએ કે અમે અબુધ થઈને બેઠા છીએ. આ બુદ્ધિવાળા તો ક્યારે બુદ્ધુ થઈ જાય તેનું ઠેકાણું નહીં. આ બધા બુદ્ધુ થઈ ગયા. દાદાને બુદ્ધિ સોંપી દેવી, એ બહુ સારું. ગીરો નહીં મૂકવાની, કાયમની સોંપી દેવાની.

ચૂંથાચૂંથ, બુદ્ધિની !

પ્રશ્શનકર્તા : જ્ઞાન બરાબર ફીટ થઈ ગયું હોય તો ચિત્ત પ્રસન્નતા રહે ?

દાદાશ્રી : હા, અગર તો બીજા કેટલાક માણસો એવા ભોળા હોય છે ને, એમને ચિત્ત પ્રસન્ન રહે છે જ, બીજી બહુ પડેલી ના હોય. બુદ્ધિથી ચીકણું કર કર ના કરે એ. આ ચીકણું કરનારા તો ચૂંથીને ચીકણું કર કર કરે, એને બહુ દુઃખ.

પ્રશ્શનકર્તા : ચીકણું કરનારાને તો કાયમ જ દુઃખ ?

દાદાશ્રી : હા, કાયમ જ દુઃખ, પરમેનન્ટ દુઃખનો એ સ્વભાવ જ લઈને આવેલો હોય ! એટલે ચીકણું નહીં કરવાનું. 'તમારા ફાધર કેમ મરી ગયા ?' ત્યારે કહીએ, 'તાવ આવ્યો ને ટપ' એવું કહી દીધું એટલે ચીકણું કરે નહીં. 'જો ફલાણા ડૉક્ટરને મળ્યો' એમ કહે ત્યારે લોકો કહેશે, 'તો પેલાને કેમ ના બોલાવ્યા ? પેલા બીજાને કેમ ના બોલાવ્યા ?' એમ લોક બધા આવે, માથાફોડ કરીને તેલ કાઢી નાખે, એના કરતાં 'તાવ આવ્યો ને ટપ' કહ્યું, પછી પૂછે જ નહીં ને વધારે.

પ્રશ્શનકર્તા : જે બુદ્ધિવાળો હોય ને, બુદ્ધિના ડેવલપમેન્ટવાળો હોય ને એ ઇચ્છા-અનિચ્છાએ પણ એમાં આમ ખૂંપી તો જાય જ ને ? કારણ કે એને બધું દેખાય એટલે.

દાદાશ્રી : એટલો માર પડે. એટલે પછી એ પોતે બુદ્ધિના ડેવલપમેન્ટવાળો પાછો ફરે. ફરી બુદ્ધિ વાપરવાની બંધ કરી દે કે આ જગ્યાએ સ્વીચ દબાવવાની નહીં.

પ્રશ્શનકર્તા : પણ એ બુદ્ધિનો સવળો ઉપયોગ કેવી રીતે વધારે થાય ?

દાદાશ્રી : સ્વીચ દબાવવાની જરૂર નહીં, વગર કામની.

પ્રશ્શનકર્તા : એ તો મશીનને બેસાડી રાખવા જેવું થાય ?

દાદાશ્રી : બેસાડી રાખવાનું નહીં, લાઈટ ચાલુ રાખવાની. પણ લાઈટ ઉપર લાલ લૂગડું કે ગમે તેવું કાળું લૂગડું બાંધી દઈએ ને પછી વાંધો નહીં. ગોળો તો એકસોનો હોય. એ કંઈ આછો ના થાય. એ તો આપણે કાળું લૂગડું બાંધીએ તો એના પંદર સેન્ટ જેવું અજવાળું આવે. એટલે આપણને મહીં સાપ પેસી ગયેલો દેખાય નહીં. નહીં તો સાપ પેસી ગયેલો દેખાય. જેણે જોયો તેને તો પછી આખી રાત ઊંઘ ના આવે. એ તો જ્યારે સાપ નીકળી ગયો એવું દેખાય, ત્યારે ઊંઘ આવે.

જ્ઞાનીની આજ્ઞા, ત્યાં બુદ્ધિ બંધ !

પ્રશ્શનકર્તા (મહાત્મા) : આ જ્ઞાન લીધા પછી પણ આ બુદ્ધિ જે ઊભી થયા કરે છે, તે હવે જો જ્ઞાન હોય તો બુદ્ધિ ઊભી ન થવી જોઈએ, ને બુદ્ધિ હોય ત્યાં જ્ઞાન ના હોય ? તો એ કેમ થયા કરે છે ?

દાદાશ્રી : ના, પણ આ જે થયા કરે છે ને, આ તમને પહેલાંની આદત છે એટલે બુદ્ધિનો દુરુપયોગ થાય છે. તેથી અમે આજ્ઞા આપીને. જો આજ્ઞામાં રહો તો બુદ્ધિનો ઉપયોગ ના થાય. પણ પહેલાંની તમને આદત છે ને, તે આદત ખસતી નથી. એટલે આદતને લઈને આ દેખાય છે, આવું બધું. એ આદત જવા માટે અમુક વર્ષો થશે, ત્યારે એ આદત જશે અને બુદ્ધિ જો ખલાસ થઈ ગઈને, તો પછી આ ડિસ્ચાર્જ (નિર્જરા થતો) અહંકાર, તે પણ ખલાસ થઈ જશે.

પ્રશ્શનકર્તા : એ ડિસ્ચાર્જ અહંકાર જ્યાં સુધી છે, ત્યાં સુધી બુદ્ધિનાય પર્યાય ઊભા તો થવાના ?

દાદાશ્રી : ઊભા રહેવાના ને ! પણ તે ડિસ્ચાર્જ અહંકાર અમુક સ્ટેજમાં આવશે, ત્યારે બુદ્ધિ ગયા બરાબર જ થઈ ગઈ કહેવાય. એટલે જ્યાં સુધી આ હાયર સ્ટેજમાં છે ત્યાં સુધી ઓછી થતી જાય, પછી રાગે પડી જાય, પછી તમને એમ નહીં લાગે કે બુદ્ધિ છે મારામાં.

પ્રશ્શનકર્તા : એટલે જેમ આજ્ઞામાં વધુ રહેતા જઈએ, તેમ તેમ ડખો ઓછો થાય ?

દાદાશ્રી : પછી ડખો નહીં કરે. બુદ્ધિને મેલો પૂળો ! થઈ જાવ શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું !

બુદ્ધિના ડખાના સ્વરૂપો...

પ્રશ્શનકર્તા (મહાત્મા) : અત્યાર સુધી બુદ્ધિથી ચલાવ્યું છે, એટલે બુદ્ધિ ઉપર મોહ થઈ ગયો છે કે આ જ સાચું છે. બુદ્ધિ જ સાચી છે.

દાદાશ્રી : એમ ? પણ બુદ્ધિ ખોટી છે એવું કોઈ માને જ નહીં ને કોઈ દહાડોય ! એ માને નહીં. પણ હજુ આ બધો ચોંટેલો માલ છે ને, એ ઉખડે નહીં ત્યાં સુધી બુદ્ધિ જ ઉખાડેને પાછું ! બુદ્ધિથી ઉખાડે ને પાછું આપણે જ્ઞાનથી ઉખાડવાનું.

પ્રશ્શનકર્તા : એટલે સમ્યક બુદ્ધિ થાય તો પાછી ઉખાડતી જાય ને ?

દાદાશ્રી : સમ્યક બુદ્ધિ તો પાછું નવું લેવા માટે. આ જે જૂની છે ને બુદ્ધિ, એ તો આપણને શું દેખાડે કે કો'કે અહીં દૂધ ઢોળ્યું હોય, તો બુદ્ધિ શું કહે કે ખોટ ગઈ આ ! એટલે આપણે કહેવાનું કે આ સાચવવું હતું ને, આમ હવે તે ઘડીએ બુદ્ધિ એમ કહે ને ત્યાં આપણું જ્ઞાન શું કરે ? 'આમ કરવાની જરૂર નથી આ.' એટલે પેલી બુદ્ધિ એનો પાઠ ભજવી લે, ત્યારે ચોખ્ખું થાય.

પ્રશ્શનકર્તા : એટલે આ બુદ્ધિ તેનો પાઠ ભજવ્યા વગર રહે જ નહીં ?

દાદાશ્રી : એ તો ભજવે ને !

પ્રશ્શનકર્તા : એટલે આપણે આમનેસામને જ્ઞાને કરીને એને ચોખ્ખું કરીએ તો જ ? એ પાઠ ભજવ્યા વગર પછી ઊડી જાય, દાદા ?

દાદાશ્રી : ના, ના, એ તો પાઠ ભજવે જ ને !

પ્રશ્શનકર્તા : જ્ઞાન પરિણામ પામે પછી પણ એવી બુદ્ધિ ડખો કરે ?

દાદાશ્રી : ડખો કરે. જ્ઞાન એક બાજુ ચોખ્ખું કરે. બુદ્ધિ ડખો કરે અને જે ચોખ્ખું થાય એ આપણું. ડખો કર્યો એ ગયું. ડખો કર્યો હતો તે ઊડી ગયું. ડખો કર્યા વગર રહે નહીં ને !

પ્રશ્શનકર્તા : એ જ ચારિત્રમોહ થયો ?

દાદાશ્રી : એ જ ચારિત્રમોહ. ચારિત્રમોહ એ બુદ્ધિ. બધું બુદ્ધિને આધીન ચારિત્રમોહ છે. દર્શનમોહ એ ગાઢ બુદ્ધિનો પ્રતાપ છે અને ચારિત્રમોહ એ મંદબુદ્ધિનો પ્રતાપ છે. ચારિત્રમોહ એટલે શું ? બુદ્ધિ હવે ખલાસ થવા માટે આવી છે. અને પેલો જે દર્શન મોહ છે ને, એનાથી બુદ્ધિ ખલાસ થાય નહીં, બુદ્ધિ વધ્યા જ કરે. ચારિત્રમોહનો વાંધો નથી. નિવેડો લાવો તો વાંધો નથી. ચારિત્રમોહ ઉપર રાગ-દ્વેષ ના કરે, એનું નામ વીતરાગ. છોકરાએ લાખ રૂપિયા ખોયા, તે ઘડીએ આપણને ચારિત્રમોહ શું કહે ? તને પહેલેથી સમજણ હતી નહીં, પહેલેથી અક્કલ ન હતી, તે આ ઊંધું બાફ્યું. આ પાછો ચારિત્રમોહ. એમની પાછળ તમને પોતાને સમજાય કે આ ખોટું થઈ ગયું. આ બોલીએ છીએ તે ખોટું છે. તે ઘડીએ ભૂંસી નાખે એ. પેલાને કહે ખરો, ડખો કરી નાખે.

પ્રશ્શનકર્તા : ડખો કરી નાખે એ ચારિત્રમોહ અને પછી જ્ઞાન ભૂંસી નાખે.

દાદાશ્રી : દર્શનમોહવાળાનો નિવેડો ના આવે, ચારિત્રમોહવાળાને નિવેડો આવશે એવું નક્કી થઈ ગયું, ગમે એટલું જબરજસ્ત હોય તોય ! તમારામાં ચારિત્રમોહ થોડોઘણો ખરો કે ? તમારે શેનો ?

પ્રશ્શનકર્તા : આ ચારિત્રમોહ જ છે ને ? આ સવારથી ઊઠીને સાંજ સુધીનો ચારિત્રમોહ જ છે ને ?

દાદાશ્રી : ના, એ ચારિત્રમોહ ના કહેવાય.

પ્રશ્શનકર્તા : આ જે જે કરીએ તે શું કહેવાય ?

દાદાશ્રી : ના, જે થઈ રહ્યું છે એ ચારિત્રમોહ ના કહેવાય. આપણે આમાં ડખો કરીએ તે ચારિત્રમોહ કહેવાય. આમ રાત્રે સૂઈ ગયા એ મોહ કહેવાય નહીં અને સૂઈ ગયા પછી કહે કે આજે બહુ ગરમી છે, એ ચારિત્રમોહ કહેવાય. સૂવાનો વાંધો નથી, ખાવાનો વાંધો નથી. ખાવું એ ચારિત્રમોહ નથી, પણ આપણે કહીએ કે શાક બરાબર નથી એ ચારિત્રમોહ છે. હા, જેવું હોય તેવું, ઈઝીલી, સહજભાવે. ના અનુકૂળ આવે તો ના ખાય, અનુકૂળ આવે એ ખાય, પણ બોલવા-કરવાનું નહીં. કશું ડખો નહીં. જેટલો ડખો છે એટલો ચારિત્રમોહ.

પ્રશ્શનકર્તા : બાકીના ટાઈમમાં જ્ઞાતા-દ્રષ્ટા ?

દાદાશ્રી : એ તો જ્ઞાતા-દ્રષ્ટા હોય જ. ડખો નહીં એટલે જ્ઞાતા-દ્રષ્ટા. ડખો કર્યા વગર રહે નહીં. મોંઘા ભાવની કેરી લાવ્યા અને જરાક ખાટી નીકળે, તે કહેશે કે 'તું મને કહીને ગયો હોત તો સારું. હું તને કહેત કે અમુક દુકાનેથી લઈ આવ.' આવું હઉ કહે. ડખો કર્યા વગર રહે નહીં અને પછી એમેય પાછા જાણે કે આ ડખો થઈ ગયો, આ ન થવું જોઈએ. ચારિત્રમોહનો ખરો અર્થ ડખો. આ તમે ખાવ છો, પીવો છો, એ નહીં. ચા-બા પીવો છો, એ નહીં. હા, 'ચા વગર નહીં ચાલે' એ ડખો. કોઈ પણ ચીજ વગર મારે ચાલે નહીં એ ડખો. જે આવે તે ચાલે. પછી બીજી વખત જેને સ્પૃહા નથી કોઈ પણ વસ્તુની, ડખો નથી, તેને કંઈ નહીં.

પ્રશ્શનકર્તા : એની શુદ્ધ નિર્જરા થઈ રહી છે ?

દાદાશ્રી : હા, શુદ્ધ નિર્જરા. એ તો થઈ ગયું ખલાસ ! ચોખ્ખું થઈ ગયું. બીજું ચોખ્ખું કરવાનું રહ્યું, તે આ ચારિત્રમોહ ચોખ્ખો કરવાનો રહ્યો.

પ્રશ્શનકર્તા : કારણ કે બીજી કોઈ ક્રિયાના આપણે માલિક નથી. જે કંઈ થઈ રહ્યું છે એના માલિક નથી.

દાદાશ્રી : એ તો ડિસ્ચાર્જ થઈ રહ્યું છે.

પ્રશ્શનકર્તા : એમાં ડખો કરીએ તો જ ચારિત્રમોહ.

દાદાશ્રી : ડખો કરીએ તો ચારિત્રમોહ. નહીં તો ભગવાન મહાવીર ચાલ્યા તેને ચારિત્રમોહ કહેત. ચાલત શી રીતે ? એવું નહીં. મહાવીર ખાતા હતા, ચાલતા હતા, બધું જ કરતા હતા.

પ્રશ્શનકર્તા : પણ તો તમે કહ્યું ને કે આ વિધિ કરીએ એ ચારિત્રમોહ.

દાદાશ્રી : વિધિ કરવાનો વાંધો નથી પણ એમાં ડખો હોય છે કે આ કર્યા વગર નહીં ચાલે મારે. સહજાસહજ મળ્યું તો કંઈ નહિ ને ના મળ્યું તોય કંઈ નહીં પણ ડખો નહીં. કોઈ પણ વસ્તુમાં ડખો માત્ર ના હોવો જોઈએ. ચા મળે તો પીએ અને ના મળે તો કંઈ નહીં. યાદ આવે તેય ડખો !

પ્રશ્શનકર્તા : જમવાનું યાદ આવે એ ચારિત્રમોહ ?

દાદાશ્રી : જમવાનું યાદ આવે એ ચારિત્રમોહ નહીં. ભૂખ લાગે એ ચારિત્રમોહ નહીં. ભૂખમાં શું ખઈશ એ ચારિત્રમોહ. આ જોઈશે મારે એ ચારિત્રમોહ. ખાય-પીએ તેને કોઈ ના નથી. બાવીસ રોટલી ખાતો હોય તોય ભગવાનને ત્યાં વાંધો નથી. આ લોકોને વાંધો છે તે કહે કે, 'બહુ ખા ખા કરે છે આ !' પછી બીજે દહાડે બે રોટલી હોય તો બે ખાય, પણ ડખો નહીં.

પ્રશ્શનકર્તા : એટલે ટોટલ (પૂર્ણ) સહજ.

દાદાશ્રી : સહજ સિવાય બીજો બધો ડખો. હવે આ ડખો છે, ત્યાં સહજ થઈ જાવ એવું કહે છે. હવે ત્યાં સહજ થઈ ગયા એટલે તમારે કશી લેવાદેવા નહિ, તમે મુક્ત જ છો.

પ્રશ્શનકર્તા : અને ખાઈએ-પીઇએ નહીં, તો એ બધી ક્રિયા કરી કહેવાય ? એને શું કહેવાય ?

દાદાશ્રી : ના, એ ક્રિયા ના કહેવાય. 'કરું છું' એમ કહે તો ક્રિયા. સહજાસહજ થાય તેને કશું નહીં. 'હું કરું છું, મારે ન્હાયા વગર ચાલે નહીં', એ બધી ક્રિયા કહેવાય. પોતે કર્તા થયો કહેવાય.

બુદ્ધિને વળાવો એને ઘેર !

આ દુનિયામાં કશું ના જોઈતું હોય એનું નામ જ્ઞાની પુરુષ. જે પોતાના દેહના પણ માલિક નથી, મનના માલિક નથી, વાણીના માલિક નથી, એવા જ્ઞાની પુરુષ, ત્યાં આગળ ડખો કરવાની શી જરૂર ? આપણે સૂઈ જવાનું કહે તો નિરાંતે સૂઈ જવાનું. એ તો સારું કહે છે કે આ ખોટું કહે છે ?

પ્રશ્શનકર્તા : આ જમાનામાં બુદ્ધિ જ હેરાન કરે છે ને ? ડખો એ કરાવે છે ને ?

દાદાશ્રી : હા, બુદ્ધિ ડખો કરાવે છે. પણ બુદ્ધિને આપણે ઓળખવી જોઈએ કે બુદ્ધિબેન, હવે તમે જાવને, કહીએ. તમે અહીં ને અહીં પિયરમાં ને પિયરમાં કંઈ સુધી પડ્યા રહેશો ? તમારે સાસરે જાવ. બાર મહિને હજાર રૂપિયા મોકલી આપીશ. એને વળાવીએ તો એ જાય ને ? એને બોલાવવી જ ના પડે. એને આપણે મોટી કરીએ એટલે ચઢી વાગે જ ને ? બુદ્ધિને મોટી કરનારા આપણે જ ને ? એ તો બુદ્ધિ છે ત્યાં સુધી એની મેળે ડખો કર્યા કરે ને !

પ્રશ્શનકર્તા : પણ ડખો કરવાથી બગડે જ છે ને ?

દાદાશ્રી : તેમાં શું બગડે છે તે આપણે જોયા કરીએ બધું. એને જે ડખા કરવા હોય તે કરે. તો આપણે શું કરવું ? જોવું કે આપણે હઉ મહીં પેસી જવું ? આપણે જોયા કરવું.

ડખા, બુદ્ધિ તણા !

પ્રશ્શનકર્તા : આ ખ્યાલમાં આવી જાય છે, દાદાજી જે કહેવા માંગે છે એ સમજાય છે, પણ પછી બુદ્ધિ એટલું બધું તોફાન કરતી હોય છે કે...

દાદાશ્રી : બુદ્ધિ તોફાન કરે તો તોફાન, આપણે જાણીએ ને કે બુદ્ધિ તોફાન કરે છે.

પ્રશ્શનકર્તા : પણ એ જાણપણામાં નથી રહેવાતું, એ લપસી પડાય છે.

દાદાશ્રી : એ લપસી પડાય તે લપસી પડાતું નથી, એ તો લાગે એવું.

પ્રશ્શનકર્તા : લાગે પણ, એ તમારા જેવું નથી થઈ શકાતું.

દાદાશ્રી : બુદ્ધિ ડખલ કરે ખરી પણ બુદ્ધિને જાણવી જોઈએ કે આ બુદ્ધિની ડખલ છે. એવું આપણે સમજીએ નહીં ? આપણા ઘરમાં પેલી બેન આવી, એક છોકરો ને એક છોકરી હોય તો આપણે ના સમજીએ કે આ બેન ડખલ કરે છે. એ તો આપણે ડખલને જાણવી જોઈએ, બીજું કંઈ નહીં. ડખલ કોની છે, આપણને ખબર ના પડે ?

પ્રશ્શનકર્તા : પાછળથી ખ્યાલ આવી જાય છે.

દાદાશ્રી : ના, એ નહીં. એ તો આવી જાય છે, માટે છે તે આ કશું બનતું નથી. તમે ડખલને ડખલ રૂપે જાણો ને, એટલે પછી કશું જ નહીં.

પ્રશ્શનકર્તા : બુદ્ધિ ગૂંચો પાડે, એ શું છે ?

દાદાશ્રી : ગૂંચો એ આ ઓવરવાઈઝનેસ (દોઢ ડહાપણ) છે. ઓવરવાઈઝનેસ (દોઢ ડહાપણ) એટલે શું કે પોતાનાં ડહાપણે બધું જ કામ કરવા જાય. દરેકમાં પોતાનું એ ડહાપણ વાપર્યા કરે. આમ જ્ઞાનીના કહ્યા પ્રમાણે ચાલે, પણ તોય પોતાનું ડહાપણ વાપરે કે દવા ત્રણ વાગે પીવાની કહી છે. હવે સવા ત્રણ વાગે પીશું તો શું વાંધો છે ? એટલે પોતાનું ડહાપણ મૂક્યા વગર રહે નહીં. એની બધી ગૂંચો ઊભી થઈ જાય.

હવે બુદ્ધિ ઉપર વેર બાંધજો આજથી. અને આમાં પછી બુદ્ધિ આડી આવશે. તે બુદ્ધિ કેવી રીતે આડી આવશે ? એક માણસને ત્યાં પંદર-વીસ માણસો ગેસ્ટ આવવાના હતા. તે શ્રીખંડ બનાવવા માટે દહીં બનાવવું'તું. હવે પોતાનો ઓળખાણવાળો ભૈયો હતો, તેને કહે છે, 'તું મને મારે ઘેર દહીં બનાવી આપ.' એટલે ભૈયો આવ્યો અને અધ (અડધો) મણ દૂધ હતું, એને ગરમ કરાવડાવી એને ઠંડંુ પડવા દઈને આટલું દહીં નાખી અને હલાવી આપ્યું. પછી કહે છે કે, 'હવે તું આને મૂકી રાખ.' ત્યારે પેલાએ કહ્યું, 'મારે શું કરવાનું પણ હવે ?' ત્યારે કહે, 'તારે કંઈ નહીં કરવાનું. તું સૂઈ જજે.' ત્યારે કહે, 'એમ તે થાય કંઈ, સૂઈ જવાનું ?' ત્યારે એ કહે, 'ના, તું સૂઈ જજે ને ! ઘસઘસાટ ઊંઘી જજે. સવારમાં ઊઠશે એટલે દહીં ત્યાં ચોસલાં થયેલાં હશે.' પણ પેલો અક્કલવાળો ખરો ને ? તે રાત્રે એક વાગે ઊઠ્યો. એના મનમાં એમ કે એમ ને એમ તો થાય શી રીતે ? જોવું તો પડે ને ? તપાસ તો કરવી પડે ને ? રાત્રે એક વાગે ઊઠ્યો તે મૂઆએ આંગળી ઘાલી. દહીંનો ડખો થઈ ગયો ! પેલાએ કહેલું કે, 'સવારમાં ઊઠીને જોજે.' એટલે આ બુદ્ધિ છે તે ડખો કરે. તે આજની રાત એમ કહેજો કે, 'હે બુદ્ધિ ! કાલે બાર વાગે જમવા આવજે. ત્યાં સુધી ના આવીશ.' તમે એન કહેશો કે તરત એ માની જશે. કારણ કે એ રોજની જોડે રહેનારી, તમારી જોડે ઝઘડો કરીને કેટલા દહાડા કાઢે ?

અહીં તો બધી વાત સાંભળવી. અહીં તો લાખો ચાવીઓ મળે એવી છે. આપણે અહીં સાંભળવું ને એડજસ્ટ કરવું. બુદ્ધિ પાછું મહીં આડુંઅવળું દેખાડે તો એ બુદ્ધિને કહીએ, 'બેસ બા, અમે સંસાર શીખવા નથી આવ્યા. અમે તો મોક્ષમાર્ગી છીએ. માટે તું અમને સલાહ આપીશ નહીં.' વચ્ચે પછી બુદ્ધિ આવે, ડખો કરવા આવે કે ના આવે ? આપણી બુદ્ધિ અવળું દેખાડે તો આપણી જ ભૂલ ને ?

બુદ્ધિ, મહાવીર સામેય...

એવું છે ને, જે માર્ગ ઉપર હું ચાલ્યો છું એ માર્ગ ઉપર તમને ચલાવું છું અને હું તો તમારી આગળ જ, એક ડગલું જ આગળ છું. તમે ખાલી મને ફૉલો કરો (અનુસરો) છો એટલું જ. હું કંઈ વધારે આગળ રહ્યો નથી. મેં મારી પાસે હતી, એ બધી વસ્તુ તમને આપી દીધી. ગુપ્ત રાખે, તે કોણ રાખે ? જેને ગુરુ રહેવું હોય તે. ગુરુ બધી ચાવીઓ શિષ્યોને ના આપે. મારે તો ગુરુ રહેવું જ નથી. મને તો તમે મારા જેવા થાવ, એ જ ઇચ્છા. હું પાછો ગુરુનો ધંધો ક્યાં લઈ બેસું, કાયમ ગુરુ થયા કરવાનો ? બિઝનેસ છે ને એ તો ?

પ્રશ્શનકર્તા : દાદા, એવો તમારો ભાવ છે કે અમે તમારાથી નજીક છીએ, પણ સાચે જ અમે નજીક છીએ એટલા તમારાથી ?

દાદાશ્રી : હા. તમને તાવ આવતો હોય તેથી મને વાંધો નથી, પણ તમે મારી જોડે છો અને તમારો તાવ મટી જશે થોડા વખતમાં, પછી તમે મારી જોડે જ છો. લિફ્ટ માર્ગ છે આ તો. હા, તમે મારી જોડે વાંકા થઈ જાવ તો બગડે તમારું. મારામાં કોઈ એવા લક્ષણ નથી કે તમે મારી જોડે વાંકા થાવ. મારું એવું લક્ષણ વાંકું હોય ને તમે વાંકા થાવ તો જુદી વાત છે. તમે તમારી મેળે વાંકા થાવ, તે ન હોવું જોઈએ.

તમારા કર્મો તમને વાંકા કરે તો, એ તમારે સમજી લેવાનું ને એવું તમારે પોતાની જાતને કહેવું જોઈએ કે 'ભઈ, અહીં હઉ તું આ જગ્યાએ પાંસરો નથી રહેતો ?' એટલે મહીં કર્મ અવળું દેખાડે તે ઘડીએ આપણે કહીએ, 'અહીંય પાંસરો નથી રહેતો ? નહીં તો તને ડિસમિસ કરીશ.' બુદ્ધિ તમને ખોતરે, છતાંય અક્રમ છે તે રક્ષણવાળું છે, ઠેઠ સુધી રક્ષણવાળું છે. અમને ગાળો દઈ ગયો હોય તેનીય અમે રક્ષા કરીએ છીએ. કારણ કે ગાળો દે છે, તે એના પોતાના હિસાબથી નથી દેતો. એને મહીં કર્મના ભૂતાં ફરી વળ્યા છે. એવું ના ફરી વળે ? છતાંય આપણી શી ફરજ હોય ત્યાં ? કોઈને એક્સિડન્ટ થયો હોય તો આપણી ફરજ શી હોય ?

પ્રશ્શનકર્તા : બચાવવાની, મદદ કરવાની.

દાદાશ્રી : હા, એને કેમ કરીને પાટો બાંધી દેવો, કેમ કરીને રાગે પાડી દેવું. આપણી ફરજ આ હોય.

બુદ્ધિ પછી શું કરાવડાવે ?

બુદ્ધિ સ્વચ્છંદ કરાવડાવે. મહાવીર ભગવાનની પાસે બેસી રહેતો હોય તોય સ્વચ્છંદ કરાવે, 'ભગવાન તો કહે પણ આપણે તો આમ....' આ બુદ્ધિ આવું કરાવે.

આપણા એક મહાત્માએ બુદ્ધિને એક ફેરો ફટકારી હતી. આવું ઊંધું બોલીને એક ફેરો, તે એને હંટરથી ફટકારીને તેલ કાઢી નાખ્યું કે, 'શું સમજે છે તું ? આ હું સમજી શકું છું. તું મને મૂરખ બનાવે છે ? આમનાં વાક્યો પર તું આટલી બધી વકીલાત કરે છે ? જેનાં વાક્યો છેલ્લાં વાક્યો કહેવાય, ત્યાંય પણ પાંસરી નથી રહેતી ?' બુદ્ધિ તો બૈરી જોડે કચકચ કરાવે કે છોકરા જોડે કચકચ કરાવે, પણ અહીંયાં ? બુદ્ધિ તો જંપીને બેસવા ના દે.

બુદ્ધિ ભમાવે આમ....

પ્રશ્શનકર્તા : દાદાના ચરણમાં આવ્યા પછી તો મોક્ષ જ છે ને ?

દાદાશ્રી : પણ એ ઘડીકમાં પાછું ત્યાં જાયને, પાટિયાં બેસી જાય પાછળથી. બુદ્ધિ પાછી ભમાવ ભમાવ કર્યા કરે. બીજા બધા છે તે કોઈને ભમાવતી નથી ને આમને એકલાને જ ભમાવ્યા કરે. બુદ્ધિ ભમે ત્યારે એનો કોઈ ઉપાય જ નહીં ને ? જ્યાં ઉપાય નહીં ત્યાં કશું કામ થાય નહીં. જ્યારે બુદ્ધિ ભમાવે ને, ત્યારે કશું કામ થાય નહીં. ના ઘરનું સારું થાય ને ના ભગવાનનું સવળું થાય. એટલે આ તમને રસ્તો બતાડી દીધો. પ્રતિક્રમણ કર કર કરવાનું કે ભગવાન કેવી દશામાં મેં કર્મ કરેલાં !

પ્રશ્શનકર્તા : એક પ્રશ્શન એવો થાય છે કે બુદ્ધિનો જ્યારે વેપાર કરતા હતા, ત્યારે આપનો એક અક્ષરેય પરિણામ પામતો નહોતો અને બુદ્ધિ જ્યારે ચપ્પલની જોડે મૂકીને, ત્યારે આપ જે બોલો છો, એ સીધું મહીં ઊતરી જાય છે, એ શાથી ?

દાદાશ્રી : એ બુદ્ધિ જ વચ્ચે ડખો કરે છે ને ! બુદ્ધિને લઈને બુદ્ધુ થઈ જાય છે. બુદ્ધુ થઈને ફર્યા કરે છે પછી ! લોકોય કહે કે, 'બુદ્ધુ છે આ તો !' બુદ્ધિ જ બધંુ હેરાન કરે છે ને ! તે મારામાં બુદ્ધિ નથી તેથી હું ફાવી ગયો ને ! તમારી બુદ્ધિ ધીમે ધીમે જતી રહેશે. મારી બુદ્ધિ ખલાસ થઈ ગઈ એટલે તો કામ થઈ ગયું.

પ્રશ્શનકર્તા : પ્રશ્શન ન હોય તોય દાદા પાસે આવવાનું દિલ કેમ થાય છે ?

દાદાશ્રી : પ્રશ્શન એ તો બુદ્ધિનો ડખો છે ખાલી. જંપ ના વળે ને એટલે બુદ્ધિના ડખા કર્યા કરે છે. બાકી, પ્રશ્શન ના હોય તો સારું. પ્રશ્શન ના હોય અને અહીં આવવાનું ગમે એનું શું કારણ ? દાદા એ તમારું સ્વરૂપ છે. એમની પાસે જ બેસી રહેવાનું ગમે. એટલે શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું કે, 'જ્ઞાની પુરુષ એ જ દેહધારી પરમાત્મા છે.' અમે તો એમ જ કહીએ કે અમે નિમિત્ત છીએ. પણ તમારે આવું માનવું પડે. પ્રશ્શન બંધ થાય એટલે દેહ સહજ થાય.

પ્રાજ્ઞ સહજ : અજ્ઞ સહજ !

પ્રશ્શનકર્તા : સહજાત્મ સ્વરૂપ એટલે શું ?

દાદાશ્રી : આ દેહ સહજ થઈ જાય તો આત્મા તો સહજ જ છે. આ બધો રિલેટિવ ભાગ છે, એ સહજ થઈ જાય તો પેલો તો સહજ જ છે. પોતાને તો કશી ભાંજગડ જ નથી. આને સહજ કરવાનો છે, સહજ ! બુદ્ધિ ડખો કરે છે ને આ બધો.

પ્રશ્શનકર્તા : આપની પાસે આવીને માત્ર સહજ થઈ જવાનું છે ?

દાદાશ્રી : સહજ જ ! અમારો સહજ સ્વભાવ છે ને, એ દેખીને સહજ થઈ જાય માણસ. એ દેખીને એમ નક્કી કરે તો એ સહજ થઈ જાય.

પ્રશ્શનકર્તા : પછી આપ એમ કહો છો કે, બુદ્ધિ જ્યાં સુધી છે ત્યાં સુધી તમને સહજ નહીં થવા દે ?

દાદાશ્રી : આ બુદ્ધિ જ સંસારમાં ભટકાવે છે અને બુદ્ધિને લઈને સંસાર ઊભો રહ્યો છે અને બુદ્ધિ હોય ત્યાં સુધી સહજ થાય નહીં. જેટલી બુદ્ધિ ઓછી થઈ એટલો વધુ સહજ થયો.

નાનાં બાળક જેવું હોય અમારું. એટલે એ જ્ઞાનવાદ હોય, બુદ્ધિવાદ ના હોય. બુદ્ધિવાદ હંમેશાં ઈમોશનલ કરે અને મારા-તારાનો ભેદ બતાવે, અને જ્ઞાનવાદ ભેદ બતાવે નહીં ને ઈમોશનલ ના કરે.

પ્રશ્શનકર્તા : પ્રાણીઓને પણ સહજ સ્વભાવ હોય છે અને જ્ઞાનીનોય સહજ સ્વભાવ, તો એ બેમાં ફરક શું ?

દાદાશ્રી : પ્રાણીઓનો, બાળકનો અને જ્ઞાનીનો, આ ત્રણેયના સહજ સ્વભાવ હોય. જ્યાં બુદ્ધિ જોરદાર હોય ત્યાં આગળ સહજ સ્વભાવ નહીં. લિમિટેડ બુદ્ધિ ત્યાં સહજ સ્વભાવ. બાળકને લિમિટેડ બુદ્ધિ, પ્રાણીઓને લિમિટેડ બુદ્ધિ અને જ્ઞાનીને તો બુદ્ધિ જ ખલાસ થઈ ગઈ હોય. એટલે જ્ઞાની તો બિલકુલ સહજ હોય.

પ્રશ્શનકર્તા : પણ ફેર શું પડે, જ્ઞાનીમાં ને બાળકમાં ?

દાદાશ્રી : બાળક અજ્ઞાનતાથી અને આ સજ્ઞાનતાથી છે. પેલું અંધારામાં અને આ પ્રકાશમાં. પ્રકાશ વગર માણસ સહજ રહી શકે નહીં ને ! એટલે બુદ્ધિ જ્યારે જાય ત્યારે પછી સહજ રહી શકે, નહીં તો ઈમોશનલ થયા વગર રહે નહીં. બુદ્ધિ ઈમોશનલ જ કરે. જ્યાં સુધી જડતા હોય ત્યાં સુધી ઈમોશનલ ના થાય. કેટલા માણસોને આપણે ટૈડકાવ ટૈડકાવ કરીએ છીએને, પછી આપણે જાણીએ કે આ હાલતો કેમ નથી ? પણ શાનો હાલે ? એને વાત હજુ પહોંચી જ નથી તે ! અને બુદ્ધિશાળીને તો બોલતાં પહેલાં વાત પહોંચી જાય. વિચાર કરે ને તોય પેલાને પહોંચી જાય ને !

ભૂતાવળ, એટિકેટની !

એટલે આ હાર્ટિલી જોઈશે. હાર્ટિલી એટલે બુદ્ધિ વપરાય નહીં ને બુદ્ધિ વપરાય તે એટિકેટ-બેટીકેટ બધું. ગાંડપણ-બાંડપણ ભેગું થઈને ભૂતાં વળગ્યાં હોય. બીજા ઓછાં ભૂતાં વળગ્યાં હતાં કે પાછાં એટિકેટના ભૂતાં વળગાડ્યાં ? એટિકેટ જોયેલી તમે ?

પ્રશ્શનકર્તા : પહેલાં એટિકેટમાં જ રહેતા હતા ને, દાદા !

દાદાશ્રી : એમ ! હવે નથી ગમતી ?

પ્રશ્શનકર્તા : એ તો બોજારૂપ થઈ જાય. બોજારૂપ લાગે ને ?

દાદાશ્રી : ભૂતાં લાગે, ભૂતાં ! મારે ત્યાં તો કેટલાયની એટિકેટ જતી રહી. હું કહું, 'આ ભૂતાં કંઈ વળગાડીને આવ્યાં છો તમે ?' જે બોજારૂપ લાગે, બેસતાં જ 'જરા કરચલી પડી ના જાય' કહેશે. અલ્યા, મહીં કેટલીય કરચલીઓ પડે છે ? બહારની છોડ ને એટલી ! એટિકેટનાં ભૂતાં જોયેલાં કે બધાં ? દાદાને કશી ભાંજગડ છે ? જે ભલા-ભોળા, ગામડિયા જેવા દેખાય ને ચોખ્ખા છે કે નહીં ? એટિકેટનાં ભૂત ! અણસમજણ છૂટી જાય તો ભૂતાં જાય પણ અણસમજણ છૂટે નહીં ને ? અણસમજણ છૂટે કે ?

બુદ્ધિવાળાને તો બુદ્ધિ મહીં એવું દેખાડે કે શું જોઈને થબાકા પાડતા હશે ? એવું અવળું દેખાડે. મને મોટા મોટા ભણેલા માણસો મુંબઈમાં પૂછે છે કે 'તમારે ત્યાં આવીને થબાકા પાડે છે, એનો શો અર્થ છે ?' મેં કહ્યું, 'જેની પહેલાં અનંત અવતાર ચીડ કરી છે ને, તે ચીડ કાઢવા હારુ કરે છે.' પાછું કાઢવું તો પડશે ને ? ચીડ તો લઈને જવાય કે ત્યાં મોક્ષે ?

પ્રશ્શનકર્તા : ના, ના.

દાદાશ્રી : એ ચીડ કરેલી તે કાઢવા હારુ. આ તમારી જાતે કરો એટલે નીકળી જાય. હા, નહીં તો મારે આ ધંધો કરીને શું કામ છે ? હું જ્ઞાની પુરુષ અને જ્ઞાનમાં આવું હોય નહીં ને ! કારણ કે અક્રમ વિજ્ઞાન છે. ક્રમિકમાં ના આવે. ક્રમિકમાં એવું ના થાય. ક્રમિકમાં તો જોડે જોડે લઈ લઈને માર ખા ખા કરવાનો. અહીં તો ખાલી જ કરી નાખવાનું. શુદ્ધાત્મા થયા પછી રહ્યું શું તે ?

જ્ઞાની કૃપા વિણ ન જાય 'એ' !

પ્રશ્શનકર્તા : બુદ્ધિને કેમ બંધ કરવી, એ ડખો કર્યા કરે તો ?

દાદાશ્રી : જ્ઞાન લીધેલું છે ?

પ્રશ્શનકર્તા : નથી લીધું.

દાદાશ્રી : હમણે સમજણ ના પડે. જ્ઞાન લીધેલું હોય ને, તેને સમજણ પાડેલી કામની. નહીં તો બુદ્ધિ ઉપર તો બધો આધાર છે એમનો. જ્ઞાન લીધા પછી બુદ્ધિ ઉપર આધાર રહ્યો નહીં.

પ્રશ્શનકર્તા : ધારો કે, મારી ઇચ્છા એવી છે કે, આ સંસાર કરતાં કરતાં મારી પોતાની રીતે અંતરમુખ થવું છે. મારે બુદ્ધિ દૂર કરવી છે, પણ સાચી વસ્તુ જોવી છે. તો એને માટે કોઈ રસ્તો ખરો ?

દાદાશ્રી : એવું છે ને, બુદ્ધિ દૂર કરે, એ થાય એવી નથી. બુદ્ધિ દૂર કરવાનું જે કહે છે ને, તે કોણ કહે છે ? બુદ્ધિનો ખાસ ફ્રેન્ડ (અહંકાર) એમ કહે છે કે મારે બુદ્ધિ દૂર કરવી છે. એ બુદ્ધિ ખાસ ફ્રેન્ડથી ખસે નહીં પાછી, એટલે આમાં કશું વળે નહીં.

પ્રશ્શનકર્તા : તો બુદ્ધિનો ઉપયોગ નહીં કરવો જોઈએ ?

દાદાશ્રી : બુદ્ધિનો ઉપયોગ ના કરે, તે બહુ ઉત્તમ કહેવાય. પણ કર્યા વગર રહે નહીં ને ! લાઈટ હોય એટલે તમે ના ઉપયોગ કરો તોય અજવાળું થઈ જ જાય ને એટલે તમે એ બાજુ જુઓ, બુદ્ધિ તો લાઈટ છે, પર પ્રકાશક છે. એટલે અમારામાં બુદ્ધિ હોય જ નહીં, પછી બુદ્ધિ વપરાય જ નહીં.

પ્રશ્શનકર્તા : આ સાઠ વર્ષમાં બુદ્ધિ ચારે તરફથી ભેગી કરી હોય, તેને હવે તમે કહો કે એને કાઢી નાખો તો એ કેવી રીતે નીકળે ?

દાદાશ્રી : એને તમારે કાઢી નાખવાની નહીં. એ તો હું કરી આપીશ. એ તો જે બુદ્ધિ વગરનો હોય તે કાઢી આપે. બુદ્ધિ તો આપણે બંધ કરવી હોય ને, તો બંધ ના થાય. એ તો જ્ઞાનીની કૃપાથી બંધ થાય. અબુધ થવા તો બહુ કૃપા જોઈએ. એવું છે ને, ચોરને દહાડો ના ગમે. દહાડો થાય એટલે ચોરને કંટાળો આવે. એ તો રાતે ચંદ્રમા ક્યારે આવે ને ક્યારે બહાર જઈએ એમ કરે. એવી રીતે આ બુદ્ધિને અંધારું જ ગમે અને ડખો કર્યા જ કરે. એ માણસને ઈમોશનલ કરે. બાકી બુદ્ધિની જેટલી જરૂર છે, એ તો એની મેળે કુદરતી રીતે છે જ.

ન ચલાય બુદ્ધિની સલાહે !

પ્રશ્શનકર્તા : તમારી છાયામાં આવ્યા પછી, બુદ્ધિ જો છેતરે તો એના જેટલો દુર્ભાગી જીવ કોઈ નહીં.

દાદાશ્રી : તોય છેતરે. બહુ હોશિયારને પણ છેતરે. માટે તમે ઓળખી રાખો. હું તમને શું કહું છું, બુદ્ધિ કંઈ પણ સલાહ આપવા આવે ને ત્યારે કહીએ, તું તારી મેળે પિયર જા અને હવે મારે તારું કામ નથી. બુદ્ધિ એકલીની સલાહ ના સંભળાય.

પ્રશ્શનકર્તા : દાદા કહે છે ને કે બુદ્ધિબેનને કહો કે તમે પિયર જાવ. પણ એક વખત કહેવાથી નથી જતી.

દાદાશ્રી : એ ન જાય. પણ આપણે એક ફેરો કહ્યું ને, ત્યારથી એ સમજી જાય કે હવે અળખામણી થઈ છું, હવે વહાલી નથી એવું સમજી જાય. આપણે જેને ડાઈવોર્સ આપવાના હોય, તેને એકાદ ફેરો બોલીએ નહીં, 'તમે જાવ અહીંથી.' તો એ શું સમજે ? માટે એને કહી દઈએ કે તારે ને મારે છૂટું થવાનું. એવું કહી દઈએ ત્યારથી એને વહેમ પડી જાય ને પછી બુદ્ધિ જોર ના કરે અને કહેવા આવે ને, તોય દબાતી દબાતી આવે કે એના મનમાં એમ કે, વઢશે કે શું કરશે ? વઢશે કે શું કરશે ?

બુદ્ધિ ભમાવે ત્યારે આપણને મૂંઝવે. એટલે આપણે પહેલેથી જ કહી દેવું, 'તું મને સલાહ જ ના આપીશ. મારે તારી સલાહ જોઈતી નથી. બહુ દહાડો તારી સંસારમાં સલાહ કામ લાગી. છોકરો પૈણાવતી વખતે, છોડી પૈણાવતી વખતે, બધા વખતે તારી સલાહ કામ લાગી છે પણ હવે તો મારે મોક્ષે જવું છે. તારી સલાહનું હવે કામ નથી.'

બુદ્ધિએ તો અત્યાર સુધી કામ કર્યું સંસારમાં. દાદાનું જ્ઞાન નહોતું ત્યારે કંઈ એમ ને એમ સ્થિર પડ્યા'તા ? ત્યારે કહે, ''ના, જીવતા'તા ને ! પાનેય ખાતા'તા ને બધું કરતા'તા.'' પણ તે આ બુદ્ધિએ કામ કર્યું ને આપણું. બુદ્ધિએ ચલાવ્યું'તું ને ! ત્યારે એ નહોતું ચલાવ્યું ? પણ એ મોક્ષમાં ના જવા દે. એની હદ સંસારમાં રાખવા પૂરતી. ટોપ ઉપર બેસાડે પણ અહીંથી બહાર નીકળવા ના દે.

પ્રશ્શનકર્તા : બુદ્ધિનો ત્યાગ કેવી રીતે કરી શકીએ ?

દાદાશ્રી : બુદ્ધિનો ત્યાગ કરવાનો નથી. બુદ્ધિ એ આમ ત્યાગ કરી શકીએ એવી વસ્તુ નથી. એ તો મહીં ભાવ રાખવાનો કે મારે હવે બુદ્ધિની જરૂર નથી. એવો ભાવ રાખવાથી, એ દહાડે દહાડે ઘટતી જાય અને બુદ્ધિની જરૂર છે એવો ભાવ હોય ત્યાં સુધી બુદ્ધિ વધતી જાય.

પ્રશ્શનકર્તા : એટલે આપણો ભાવ ઠેઠ સુધી અબુધ થવાનો હોવો જોઈએ ?

દાદાશ્રી : હા, બસ એટલું જ થવાની જરૂર છે. એ ભાવ એકલો જ આપણા હાથમાં છે, કર્તવ્ય આપણા હાથમાં નથી. કર્તવ્ય તો અજ્ઞાન છે ત્યાં સુધી કર્તવ્ય છે. આ જ્ઞાનથી કર્તવ્ય રહેતું નથી.

એ નથી 'ફાઈલ' !

પ્રશ્શનકર્તા (મહાત્મા) : બુદ્ધિ એ ફાઈલ ખરી ? બુદ્ધિ એ ફાઈલમાં ના ગણાય ?

દાદાશ્રી : ના. છતાં ફાઈલમાં ગણવી હોય તો ગણો. ના ગણવી હોય તો જરૂર નથી. ફાઈલને શું લેવાદેવા ? આપણે એનું ના માનવું હોય તો કોણ મનાવનાર છે ? મેં નક્કી કર્યું કે ઘરમાં આ માણસ કહે છે એ મારે માનવું નથી. એવું કહે છે ને ?

પ્રશ્શનકર્તા : એટલે એ સમભાવે નિકાલ કરવાની વાત નથી ?

દાદાશ્રી : 'ના માનવું' એટલે મેં મનમાં નક્કી જ કરી રાખેલું છે કે, છો ને બોલતો, મારે નથી માનવું. એની સલાહ મારે ના જોઈએ. ને ફાઈલનો તો સમભાવે નિકાલ કરવો પડે. પણ ફાઈલ નથી એ. આ તો 'વે ટુ તાજમહાલ' છે, તો એ વાંચીને આપણે તાજમહાલ જવું હોય તો જાવ, લબદાવા માટે. આજ્ઞામાં આ વસ્તુ આવતી નથી. વગર કામની પીડા છે આ તો. આજ્ઞાની બહાર કશું કરવાનું નથી. તો જ્યારે ઊભી થાય ત્યારે કહી દેવાનું કે, 'આજ્ઞામાં નથી આવતી માટે જાવ.'

પ્રશ્શનકર્તા : આ ચંદુભાઈ ફાઈલ છે, તો પછી એ ફાઈલનો ભાગ છે ને ? ફાઈલનો એક કાગળ તો ખરો કે નહીં, બુદ્ધિ ?

દાદાશ્રી : ના, બુદ્ધિ એ ફાઈલ નથી. આપણે તો ફાઈલનો નિકાલ કરવાનો ચંદુભાઈ જોડે અને ચંદુભાઈએ બુદ્ધિનો નિકાલ કરવાનો છે. ચંદુભાઈએ ના માનવું જોઈએ. ચંદુભાઈએ બધાની વાત સાંભળવી, પણ બુદ્ધિની વાત સાંભળવી નહીં.

પ્રશ્શનકર્તા : એટલે 'આપણે' ચંદુભાઈને સમજાવવાના કે આ બુદ્ધિનું સાંભળશો નહીં ?

દાદાશ્રી : હા, બસ, કહો ચંદુભાઈને !

એ અટકાવે નિદિધ્યાસન !

પ્રશ્શનકર્તા : દાદાનું કે કોઈનું પણ નિદિધ્યાસન થાય નહીં, ફોટો પડે જ નહીં, એનું શું કારણ ?

દાદાશ્રી : એ તો બુદ્ધિ છે. એ ડખલ કરનારી બુદ્ધિ છે.

પ્રશ્શનકર્તા : તો શું કરવું ?

દાદાશ્રી : કશુંય નહીં. બુદ્ધિ ડખલ કરે છે, એવું આપણે જાણીએ છીએ કે આ ડખલ કરનારી છે. એ ડખલ કરનારને લીધે આવું દેખાય છે. કેટલાક માણસ કહે છે કે, 'દાદા, નિદિધ્યાસનમાં એક્ઝેક્ટ મોઢું નથી દેખાતું.' મેં કહ્યું, 'એ બુદ્ધિ ડખલ કરે છે' પણ આપણે એક્ઝેક્ટ છે એવું જ જોઈ લઈએ.

પ્રશ્શનકર્તા : બુદ્ધિ કઈ રીતે ડખલ કરે છે ?

દાદાશ્રી : એ તો આપણને, હમણે નિદિધ્યાસન કરતા હોય ને, તો બીજામાં ઢસેડ ઢસેડ કરે.

પ્રશ્શનકર્તા : અથવા તો બુદ્ધિ એમ કહ્યા કરે કે નિદિધ્યાસન નથી આવતું ?

દાદાશ્રી : હા, બસ. 'નથી આવતું' એવું હઉ કહેવા લાગે. સંસારમાંથી મોક્ષ તરફ ખસવા નહીં દેવાની એની દલીલો હોય બધી. બંધનમાં જ રાખવાની દલીલો હોય અને એટલે ડખલેય એવી કરે.

પ્રશ્શનકર્તા : આપણે ના કરવું હોય એવું કરાવડાવે.

દાદાશ્રી : હા, એવું કરાવડાવે. એટલે નિદિધ્યાસન બેસે નહીં, એ બુદ્ધિની ડખલો હોય. અને નિદિધ્યાસન બેઠા પછી ખસતુંય નથીને લોકોને, એક સેકંડેય ખસતું નથી પછી !

પ્રશ્શનકર્તા : એકવાર બેસે પછી ન ખસે, પણ આ તો નિદિધ્યાસન નથી આવતું એની જ વાત છે.

દાદાશ્રી : એ બેસે છે ક્યારે કે જ્યારે આપણને અડચણ આવે છે ત્યારે બેસે છે. શારીરિક અડચણ આવે છે ત્યારે આપણને દુઃખમાં ચિત્ત રહે, તે વખતે નિદિધ્યાસન રહે તો જરા શાંતિ રહે. ત્યારે વધારે સારું બેસી જાય. રસ્તામાં ગાડીમાં જતા હોય કે, આંખ મીંચી કે દાદા દેખાય એવંુ નિદિધ્યાસન થઈ ગયેલંુ હોય છે લોકોને. પછી ઉપાધિ જ નહીં ને ! દાદા સાક્ષાત્ રહેતા હોય પછી ઉપાધિ જ નહીં ને ! તમે તો એમ કહેતા હતા ને કે મારે તો દાદાની પાછળ જ પડવું છે. એટલે રૂબરૂ નિદિધ્યાસન સારું આપણે તો !

પ્રશ્શનકર્તા : આ નિદિધ્યાસન કહ્યું, એ આખી મૂર્તિની કલ્પના કરવી જોઈએ ને ? પહેલાં તો આભાસ થવો જોઈએ ને ?

દાદાશ્રી : નિદિધ્યાસન એટલે બિંબ દેખાવું, ગમે તેવું. બુદ્ધિ એક્ઝેક્ટ નિદિધ્યાસન ના દેખાડે.

પ્રશ્શનકર્તા : ઓળો પડે ?

દાદાશ્રી : હા, ઓળો પડે, બસ. પણ બુદ્ધિ એક્ઝેક્ટ ના દેખાડે. બુદ્ધિ હોય તે, એક્ઝેક્ટનેસને ભૂંસી નાખે.

પ્રશ્શનકર્તા : તો પછી એનું શું કરવાનું ?

દાદાશ્રી : કશો વાંધો નહીં. ઓળો પડે એટલે બહુ થઈ ગયું.

પ્રશ્શનકર્તા : નિદિધ્યાસનમાં પ્રતિબિંબ પડવું જોઈએ ?

દાદાશ્રી : તો જ એમની ડિરેક્ટ શક્તિ મળે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23