ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૪)

જ્ઞાનવિધિ વખતે...

આ જ્ઞાનવિધિ વખતે બુદ્ધિ આમાં ડખો કરે એટલે આપણે બુદ્ધિને કહીએ કે આજનો દહાડો બહાર બેસી રહેજે. આટલું અમને પૂરું કરી લેવા દે. આવું કહીએ ત્યારે પછી છે તે બુદ્ધિ ડખો ના કરે. એટલા માટે તો આ ડૉક્ટરો માણસને બેભાન કરીને પછી ઓપરેશન કરે. હા, નહીં તો બુદ્ધિ ડખો કરેને તો આખો કેસ બગડી જાય. અને આપણે અહીં તો જ્ઞાન આપીને ભાનમાં લાવવાના છે. એટલે પછી તમારે એટલું કહી દેવાનું કે આજનો ટાઈમ, અત્યારે સાડા નવ વાગ્યા સુધી બહાર બેસી રહે. એટલે પછી તમે તમારે ઘેર જાઓને, તો ત્યાં ભેગી થાય. પછી જમાડજો. એટલે આજનો દહાડો બુદ્ધિને બહાર બેસ એવું કહેવાય કે ના કહેવાય ? એક દહાડો રજા આપવી.

બુદ્ધિ સ્વીકારે તો જ દેખાય 'એ' !

પ્રશ્શનકર્તા (મહાત્મા) : આપે બે આજ્ઞા કહી કે, રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ, એ દ્ષ્ટિથી જોવું. એટલે ગાયને રિલેટિવમાં ગાય છે અને ખરેખર શુદ્ધાત્મા છે. એની એક્ઝેક્ટ દ્ષ્ટિ એ કેવી રીતે હોય ?

દાદાશ્રી : આ તમને આત્માનું જ્ઞાન આપ્યું તેમાં એક્ઝેક્ટ દ્ષ્ટિ આપી હતી કે ખાલી બિલીફ જ છે. રોંગ બિલીફ ફ્રેકચર કરી આપી, તે રાઈટ બિલીફ થઈ ગઈ, બસ. બુદ્ધિની તો વચ્ચે ડખલ છે જ નહીં અને તે સમજણ બુદ્ધિથી સમજાય એવી છે. બુદ્ધિથી સમજાય ત્યારે તો એવું કરે છે. પછી જોવાનું કેમનું છે ? આ આંખથી દેખાતું હશે ?

પ્રશ્શનકર્તા : આપ કહો છો ને કે અમને એક એક જીવમાં શુદ્ધાત્મા દેખાય ?

દાદાશ્રી : અમારી વાત જુદી છે ને તમારી વાત જુદી છે. એ કંઈ કહેવાય નહીં. તમારે અર્થ કાઢવાનો કે બુદ્ધિથી સમજાય એવું કેમ નથી ?

પ્રશ્શનકર્તા : એ સમજાય.

દાદાશ્રી : બધા બુદ્ધિવાળા કબૂલ કરે કે આ સમજાય એવું છે. પછી શો વાંધો છે ? આંખનું આંખથી દેખાવું, બુદ્ધિથી દેખાવું જોઈએ તો સાચી શ્રદ્ધા બેસે. લોકોને કહેશે કે, 'તું અહીંયાં સારું કામ કર તો પુણ્ય બંધાશે.' તો કંઈ એને દેખાય છે ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : બુદ્ધિથી બતાવેલું બધા એક્સેપ્ટ (સ્વીકાર) કરે. તારું કેમ આવું થઈ ગયું છે ?

પ્રશ્શનકર્તા : ના, આ તો વિશેષ જાણવા મળે, દ્ષ્ટિ મળે એટલા માટે.

દાદાશ્રી : ચાલો. પછી આંખથી પાંચ ઈન્દ્રિયોનું પૂતળું દેખાય. બુદ્ધિથી એથી વિશેષ દેખાય.

પ્રશ્શનકર્તા : બરાબર. અને જ્ઞાનથી સંપૂર્ણ દેખાય ?

દાદાશ્રી : એ તો સહેજેય સમજાય એવી વાત છે. સામાને સંતોષ ના થાય, પણ પેલી વાતનો સંતોષ થાય છે ને ? કો'કને સારું કામ કરવાનું કહીએ અને કહીએ કે એનાથી પુણ્ય બંધાશે, તે તરત એને પોતાને સમજાય છે ને ? બુદ્ધિથી નથી સમજાતું ?

પ્રશ્શનકર્તા : સમજાય.

દાદાશ્રી : અને આશરે એમ ને એમ કહે કે, 'ભઈ, બધામાં ભગવાન છે.' તો બુદ્ધિ એને એક્સેપ્ટ ના કરે. બુદ્ધિએ એક્સેપ્ટ કરવું જોઈએ. હું કહું કે, 'બધામાં ભગવાન છે, બધામાં ભગવાન જો જો', બુદ્ધિ એક્સેપ્ટ ના કરે ને તો એનો અર્થ નથી, એ મિનિંગલેસ છે. એવું કહેવાથી કંઈ બધામાં ભગવાન જોવાતા નથી, પણ આ વાત ઠીક છે, એવું બિલકુલ ના બોલે, તેના કરતાં સારું છે અને ખરેખર તો છે જ ને ભગવાન, એમાં વાત ખોટી તો નથી ! પણ જ્યાં સુધી બુદ્ધિ એક્સેપ્ટ ના કરે, ત્યાં સુધી જેવું જોઈએ તેવું ફળ ના મળે. આ તો આપણી જ્ઞાનવિધિ પછી રોંગ બિલીફ ફ્રેકચર થાય છે, રાઇટ બિલીફ બેસે છે. એટલે પછી બુદ્ધિ એક્સેપ્ટ કરે છે. અને બુદ્ધિએ એક્સેપ્ટ કર્યા, પછી ફળ મળે છે.

બુદ્ધિ, પ્રજ્ઞા ને દર્શન !

પ્રશ્શનકર્તા : દાદા, આ જે દર્શનમાં આવે છે, એ દર્શન એ પ્રજ્ઞાનો ગુણ કે બુદ્ધિનો ?

દાદાશ્રી : દર્શન તો પ્રજ્ઞાને દેખાડનારી વસ્તુ છે. દર્શન એટલે પ્રતીતિ કે આપણે આત્મા છીએ ને એની પ્રતીતિ રહે. અને પ્રતીતિ બેસે તો એ પ્રાપ્ત થાય.

પ્રશ્શનકર્તા : એ પ્રતીતિ કોને બેસે છે ?

દાદાશ્રી : પ્રતીતિ અહંકારને બેસે છે કે ખરેખર હું આ નથી પણ આ છું. જે અહંકારને પ્રતીતિ હતી કે હું ચંદુ છું, એ પ્રતીતિ ઊઠી અને આ બેઠી. એનું નામ દર્શન.

પ્રશ્શનકર્તા : પણ એ પ્રતીતિ પ્રજ્ઞાને લીધે બેસે છે ?

દાદાશ્રી : ના, પ્રજ્ઞા નથી કરાવતી. આ જ્ઞાન હોવું જોઈએ, એ આ પ્રતીતિ કરાવે છે અને દાદા ભગવાનની કૃપા કરાવે છે. હું જ્ઞાન આપું છું અને દાદા ભગવાનની કૃપાથી ખરેખર આમ જ છે એવું લાગે. આજ સુધીમાં આ ખોટું છે, આજ સુધીના વિચારો મપાય ને ? એ બધા ખોટા છે, એવું સમજાય. એટલે આ જ્ઞાનવિધિથી અને દાદા ભગવાનની કૃપાથી તમને, હું શુદ્ધાત્મા છું, એ પ્રતિતી બેસે છે.

'દાદા' જ નિરખ્યા કરવા, એ જ સત્સંગ !

દાદાને જોયા કરવા એ જ મોટામાં મોટો સત્સંગ. એવી જો મહીં કંઈ અડચણ પડી હોય, જરા સમજણ ના પડતી હોય, તો પૂછવા જેવું પૂછવું. નહીં તો એ બુદ્ધિનો વિલાસ ! બુદ્ધિ ફરવા નીકળે, રોફ મારવા નીકળે.

નાના છોકરાની બુદ્ધિ તો વળી જ જવાનીને, ને આ મોટી ઉંમરનાને બહુ આવરણોને ? છોકરાઓ બધા બહુ જલદી તૈયાર થઈ જવાના.

પ્રશ્શનકર્તા : મોટી ઉંમરનાને આવરણ નીકળી જાય ?

દાદાશ્રી : નીકળી જવાનાં ને. પણ તે આમના જેવો લાભ ના ઉઠાવે.

પ્રશ્શનકર્તા : તો શું કરવું ?

દાદાશ્રી : શું કરવાનું ? આપણી બુદ્ધિ તો વળી જ જવાનીને. આ બુદ્ધિ તો જુદી પડી ગયેલી. બુદ્ધિની જરૂર જ નહીં આ માર્ગમાં. બુદ્ધિ તો આખો દહાડો ડખો કર્યા કરે. આપણું આ જ્ઞાન, એ જ્ઞાન પ્રકાશ કર્યો છે, પ્રકાશ કર્યા પછી બુદ્ધિની જરૂર નહીં.

'એ બધામાં' જરૂર, આપણી સહીની...

પ્રશ્શનકર્તા : આ બધાની બુદ્ધિ ખલાસ કરી નાખો.

દાદાશ્રી : બુદ્ધિ ખલાસ જેને કરવી હોય તેને થાય. એક બાજુ શું કહે છે, કે બાજરી વાવવી નથી અને બાજરીનો પોંક ગમે છે. તે વાવ્યા વગર રહે નહીં ને ? થોડી વાત સમજાય છે તમને બધાંને ? બહુ ઊંડી વાત છે.

એવું છે ને, જ્ઞાન આપણી પાસે હોય તો બુદ્ધિ કાઢી નાખવાની. બુદ્ધિ કાઢી નાખે એટલે પતી ગયું.

પ્રશ્શનકર્તા : આ બુદ્ધિનું પૂર્ણ વિરામ ક્યારે આવે ? એ ક્યારે ખલાસ થઈ જાય ?

દાદાશ્રી : એ ખલાસ થાય કે ના થાય, એને આપણે પાણી ના પાઈએ એટલે સૂકાઈ જ જવાની છે. એટલે આપણે સાંભળીએ નહીં એટલે સૂકાઈ જવાની છે. આપણે અમુક સાંભળીએ એટલે એને ફૂડ મળી ગયું અને ફૂડ જ ના રહ્યું પછી એ જીવે શી રીતે ?

પ્રશ્શનકર્તા : એને સાંભળીએ નહીં તોય મહીં રહેને એક્ચ્યુઅલી તો ? એના કરતાં એને સમાધાન કરાવી આપીએ તો એ બંધ થઈ જાય ને ?

દાદાશ્રી : ના, એ સમાધાન આપવા જઈએ તો તો પછી આપણે વળગ્યા. સમાધાન નહીં આપવાનું. બુદ્ધિ હેરાન કરે, તે બુદ્ધિને તમે કહો કે, 'મારે રાખવી છે,' તો રહે. એને કહીએ, 'તમારો બહુ ઉપકાર છે. આખી જિંદગી ચલાવ્યું છે તમે. હવે ચલાવ્યું તેનું ઋણ ભૂલાય એવું નથી. પણ હવે તમે જાઓ એટલે હું છૂટો ને તમેય છૂટાં.' એટલું તો કહેવું પડે. માનભેર કહેવું પડે. ઉપકાર તો ખરો ને ? નહીં તો કહેશે. 'અત્યાર સુધી તો જો આટલું આટલું કામ કર્યું, છેવટે દગો કર્યો' કહેશે. આપણે હવે બુદ્ધિને શાથી કાઢીએ છીએ ? કારણ કે અહંકાર મૂળ જગ્યાએ બેસી ગયો છે. આપણને 'હું શુદ્ધાત્મા છું' એ ભાન થઇ ગયું છે.

આ બુદ્ધિને જન્મેય આપણે આપ્યો, મોટી કરનારેય આપણે અને હવે એને ના કહી દેનારેય આપણે કે, 'હવે તારી જરૂર નથી. હવે તારું કામ પૂરું થાય છે. હવે તારી ફરજો બધી પૂરી થઈ ગઈ. માટે તારો ઉપકાર માનીએ છીએ. અત્યાર સુધી તેં બધો નિવેડો કર્યો, નભાવણી કરી ! નભાવણી સારી કરી છે, નહીં ? ને નભાવણી કરી માટે તારો ઉપકાર માનું છું. હવે તારી નભાવણીની જરૂર નથી. હવે અબુધ દશા નભાવણી કરશે.'

પ્રશ્શનકર્તા : બુદ્ધિનું જે ન માને તો તે સમયે એની ઉદાસીનતા ઊભી થાય ને, કે પછી બુદ્ધિ ઊભી થાય ?

દાદાશ્રી : બુદ્ધિનું માનવું અગર ન માનવું, તે બન્નેમાં ઉદાસીનવૃત્તિ એટલે રાગ-દ્વેષ રહિતતા.

પ્રશ્શનકર્તા : એ બુદ્ધિ ખલાસ થાય એવાં કંઈ આશીર્વાદ આપોને.

દાદાશ્રી : હા, પણ એ બુદ્ધિ એ ધીમે ધીમે ખલાસ થઈ રહી છે. આપણું જો ડિસિઝન કાચું પડે તો મહીં બુદ્ધિ ફરી વળે. આપણે જો ચોક્કસ છીએ તો બુદ્ધિ શું બૂમ પાડે તે ? મન, બુદ્ધિ એ તો બધાં આસિસ્ટન્ટ છે.

બુદ્ધિ ગેરહાજર તો જ્ઞાન હાજર !

પ્રશ્શનકર્તા : તો જેટલી માત્રામાં બુદ્ધિ ઓછી થતી જાય તેટલું જ્ઞાન પ્રગટ થતું જાય ?

દાદાશ્રી : એ આપણી બુદ્ધિ ઓછી થતી જ જવાની, આ જ્ઞાન લીધા પછી. આ વિજ્ઞાન એવું છે કે બુદ્ધિ ઓછી કરતું જ જાય. કારણ કે દ્વેષ પહેલો ઊડે છે ને ! એટલે વીતદ્વેષ થયેલો છે ને ! એટલે હંમેશાં બુદ્ધિ ઓછી થતી જ જાય અને આગળ આગળ વધતો જાય.

પ્રશ્શનકર્તા : બુદ્ધિને વળાવી દો કહ્યું છે, એ શું છે ?

દાદાશ્રી : આ બુદ્ધિને લઈને અહંકાર ઊભો રહ્યો છે. અહંકાર લઈને સંસાર ઊભો રહ્યો છે. જ્યારે બુદ્ધિ, અહંકાર બેઉ વપરાશે નહીં, ત્યારે મુક્તિનો માર્ગ પ્રકાશ થશે, સંપૂર્ણ જ્ઞાન પ્રકાશ થશે !

તમને જ્ઞાન થયું છે, પણ તે તમારા આત્માનું, તમે કોણ છો તેટલું જ જ્ઞાન થયું. હજુ જેમ જેમ બુદ્ધિ ખેંચાતી જશે, બુદ્ધિ વપરાશે નહીં તેમ અહંકાર ઓછો થશે. અહંકાર ઓછો થાય કે આખું કેવળજ્ઞાન દેખાયા કરશે. અમારે બુદ્ધિ વાપરવાની નહિ.

પ્રશ્શનકર્તા : હવે અમે તો બુદ્ધિના સ્તરમાં જ છીએ ને ? એટલે અમે બુદ્ધિના છેડે પહોંચી જઈએ, ત્યાર પછી પેલો પ્રકાશ છે ને ?

દાદાશ્રી : ના, એ તો ધીમે ધીમે ઓગળતી જ જવાની. એ એની મેળે જ ઓગળ્યા કરવાની, જેમ અહંકાર ઘટતો જશે તેમ તેમ. અત્યારે તમને ખાતરી છે કે, 'હું કરતો નથી આ ?

પ્રશ્શનકર્તા : હા, એ સમજમાં બેસવા માંડ્યું છે.

દાદાશ્રી : ત્યારે અહંકાર ઘટતો જાય છે, દિવસે દિવસે અને તેમ તેમ બુદ્ધિ ઘટતી જાય. સોલ્યુશન (ઉકેલ) એની મેળે જ આવ્યા કરે છે. તમારે કશું કરવાનું નહીં. મેં જે પાંચ વાક્યો આપ્યાં છે, એટલે બધું સોલ્યુશન આવશે.

આનંદ ઊભરાય પછી...

તન્મયાકાર કોણ કોણ થાય છે ? આંગળી ઊંચી કરો જોઈએ ? સાત-આઠ જ જણ ! ભાઈને તે ઘડીએ શું અનુભવ થાય છે કહો.

પ્રશ્શનકર્તા : તન્મયાકાર થતો નથી પણ તદાકાર થાય છે.

દાદાશ્રી : તદાકાર થાય છે ! તન્મયાકાર થાય એટલે આખો ધોધ પડે. એ તો હવે તદાકાર થાય. એ તો હવે બુદ્ધિ થોડી નીકળી ગઈ. હજુ બુદ્ધિ નીકળ્યા પછી આનંદ ખૂબ વધતો જાય. આ મેં જે આપ્યું છે તે આનંદનું ધામ જ આપેલું છે, મોક્ષ જ આપેલો છે. જે બુદ્ધિ સંસારમાં હેલ્પ કરતી હતી, જ્ઞાન લીધા પછી હવે એ બુદ્ધિ હવે ડખલ કરે છે.

પ્રશ્શનકર્તા : આ રિએક્શનરી આનંદ નથી, એનાથી ઊંચો આનંદ થાય છે અહીં.

દાદાશ્રી : ઊંચો એટલે, આત્માનું જે મૂળ આનંદ સ્વરૂપ છે. તે આનંદ જ આપ્યો છે, તમને ! પણ એમાં જે બુદ્ધિ છે, તે સંસારમાં મોટા બનાવતી હતી, જે બુદ્ધિ આપણને વધુ મોટો ઝંડો દેખાડતી હતી, એ બુદ્ધિ અત્યારે રહી નહીં.

આટલું બધું સુખ ઉત્પન્ન થયું, કેટલી બધી સમાધિ વર્તે છે છતાં પછી જો કદિ બુદ્ધિ ગાંડાં કાઢે ને, તો આપણે બુદ્ધિને કહીએ કે, 'હે બુદ્ધિ, તને તો મૂકી આવીશ આંદામાનના ટાપુમાં.'

ન કરાય વિકલ્પ કદી 'ત્યાં' !

બુદ્ધિનો ઉપયોગ કરવાની ના પાડી છે. બુદ્ધિનો ઉપયોગ જ કરાય નહીં. અત્યારે જે આ પાંચ આજ્ઞા, એનું કશું જાણવા જેવું જ નથી રહ્યું. મેં તમારું કશું જાણવાનું બાકી રાખ્યું નથી. પેલું ચિંતા ના થાય, છતાંય એની ચરબી પાછી ઊંચી થાય. નવરો ખોળી કાઢે કંઈનું કંઈ.

આ તો બધી વૈજ્ઞાનિક રીત છે. તેથી જ ભગવાને કહેલું ને કે, જ્ઞાની પુરુષના, ભેદવિજ્ઞાની પુરુષના બધાં કર્મો દિવ્યકર્મ છે. મહીં બુદ્ધિ પૂરવા ના દેશો.

પ્રશ્શનકર્તા : બરોબર છે, બુદ્ધિથી નહીં જોવાનું.

દાદાશ્રી : દિવ્યકર્મ છે. એ બુદ્ધિથી જોવા જશો ને, તો શું થઈ જાય ?

પ્રશ્શનકર્તા : જ્ઞાન ઊડી જાય.

દાદાશ્રી : જ્ઞાન ઊડી જાય પણ એને એમાં વિરાધના બેસી જાય. ત્યાં જોવાનું જ નહીં. આમ ઊંધું નહીં જોવાનું. જેના થકી આપણે તર્યા, તોય અવળું જોયું ? જેના થકી આપણે તર્યા, ત્યાં તો એ મારી નાખે તોય બીજો વિકલ્પ ના કરીશ, એવું કહે છે. બુદ્ધિ તારી પાંસરી રહે છે કે ?

પ્રશ્શનકર્તા : રહે છે.

દાદાશ્રી : ઊધું-ચત્તું જોઈ લે કંઈ ?

પ્રશ્શનકર્તા : કોઈ દિવસ ના જુએ.

દાદાશ્રી : હા, બુદ્ધિને સમજાવી દઈએ.

પ્રશ્શનકર્તા : સમજાવવી જ પડે છે.

દાદાશ્રી : નહીં તો પાછું પોતાને ખબર ના હોય ને કે બુદ્ધિ એ શું જોવું ને શું ના જોવું ? વિવેક ના હોય ને ?

પ્રશ્શનકર્તા : નહીં જ વળી.

દાદાશ્રી : જોખમ ત્યાં.

પ્રશ્શનકર્તા : હા, જોખમ, જોખમ. લપસવાનું જ છે બધે.

દાદાશ્રી : લપસવાનું. લપસેલા તો સારા. પેલું તો એક જ અવતાર બગડે ને આ તો અનંત અવતાર ખલાસ કરે !

બુદ્ધિને બેસાડો ચંપલ કને !

પ્રશ્શનકર્તા : સંયોગો બહુ જ અનુકૂળ મળ્યા અને પ્રગટ પરમાત્મા સ્વરૂપ મળી ગયા, એ વાત બિલકુલ નિઃશંક રીતે બેસી ગઈ, એટલે પછી બીજી બધી ભાંજગડમાંથી વૃત્તિઓ બધી ખસી ગઈ.

દાદાશ્રી : એ ભાંજગડ બધી બુદ્ધિ કરાવડાવે છે. જેની બુદ્ધિ સીધી બેસે ને, તો બધું કામ નીકળી જાય. બુદ્ધિ પાંસરી બેસે નહીંને ! રાતે ઊંઘવા ના દે. આપણે કહીએ, પરમાત્મા સ્વરૂપ છે, ત્યારે એ કોચ કોચ કરે. અલ્યા, શું કરવા પજવે છે તે ? જંપીને બેસવા દે ને ? તે તમને કોચતી નથી, એટલી તમારી બુદ્ધિ સારી. નહીં તો એ બુદ્ધિ કેવી કેવી વકીલાત કરે છે ? કંઈ પાર વગરની વકીલાતો કરે.

પ્રશ્શનકર્તા : આપની નવ વાત સમજાઈ તો છેલ્લી દસમી ના સમજાઈ, ત્યારે એવું લાગે કે નવ સમજાઈ તો દસમી આપોઆપ સમજાશે. એટલે દસમી માટે આપના ખુલાસા માગવા નથી આવતો.

દાદાશ્રી : નવ વાત સમજાઈ છે, તો એક વાત સિલક રહેવા દેવી. જ્યારે કાળ આવશે ત્યારે સમજાશે, પણ એનું પૃથક્કરણ પોતે જાતે કરવાની જરૂર નથી.

હવે આ જે પદ છે, વર્લ્ડનું અજાયબ પદ છે ! આ ઓળખાઈ જાય તો કલ્યાણ જ થઈ જાય ! ઓળખે તો ને ? અમે કહીએ, બૂમો પાડીએ, કે લાસ્ટ (છેલ્લું) સ્ટેશન આવ્યું. પણ એને શું સમજણ પડી ? એને અનુભવ હઉ કરાવીએ. પણ અનુભવ પહોંચે તોય બુદ્ધિ એને જંપવા ના દે ને ! અને બીજો, ચારિત્રમોહ એને જંપીને બેસવા ના દે ને ! જુઓ ને ! આ બધા કેવા જંપીને બેસી ગયા !

બુદ્ધિ મહીં કૂદાકૂદ ના કરે તો જાણવું કે કલ્યાણ થઈ ગયું. એટલે બુદ્ધિએ તમને સહેજેય હેરાન કર્યા નથી. અહીં આવતા પહેલાં હેરાન કર્યા હશે ?

પ્રશ્શનકર્તા : બહુ કરેલા.

દાદાશ્રી : હા, અહીં આવતા પહેલાં બહુ ચકાસી જોયું અને ચકાસવાથી લેટ (મોડું) થયું ઊલટું. બુદ્ધિ ગોદા મારે ને, તો મારી નાખે બધાને. જંપીને બેસવા ના દે.

પ્રશ્શનકર્તા : બુદ્ધિ ગોદા મારે છે, પણ આપે જે કીધું તે પ્રમાણે બુદ્ધિને બહાર ચંપલ અગાડી (જોડે) મૂકીને આવો તો કામ થાય.

દાદાશ્રી : એ ડહાપણવાળું. એવું છેને, મને ભેગા થયા પહેલાં બુદ્ધિ ગોદા મારે, એ તો સ્વાભાવિક છે. પણ તમારી શક્તિ નહીં ને ? હવે તમે બહાર બેસાડો, કહીએ, 'બેસ બહાર, અમે જઈ આવીએ છીએ.' હવે આપણે પુરુષ થયા.

પ્રશ્શનકર્તા : દાદા, અને જ્યારે બુદ્ધિને બહાર બેસાડીએ છીએ ત્યારે બુદ્ધિ ચંપલ સારી રીતે સાચવે છે.

દાદાશ્રી : સારી રીતે સાચવે. બુદ્ધિ ચઢી બેસે નહીં, નહીં તો ચઢી બેસે.

બુદ્ધિ, આત્મામાં કે દેહમાં...

પ્રશ્શનકર્તા : એ આત્મસ્વરૂપમાં જવું, આત્મ રમણ કરવું, એ આત્મસ્વરૂપમાં કેવી રીતે જવાનું ?

દાદાશ્રી : દેહાધ્યાસ છૂટ્યો ? દેહમાં આત્મબુદ્ધિ છે એ છૂટી છે તમારી ? આત્મબુદ્ધિ છૂટી જાય એટલે સમજાયું ?

પ્રશ્શનકર્તા : આ દેહ જુદો છે ને આત્મા જુદો છે.

દાદાશ્રી : ના, પણ આત્મબુદ્ધિ છૂટી ગઈ ? 'આ દેહ તે હું છું,' એવી તમારી આત્મબુદ્ધિ છૂટી ગઈ ? 'આ દેહ તે હું છું, આ મન છે તે હું છું, આ વાણી છે તે હું છું,' એ આત્મબુદ્ધિ તમારી છૂટી ગઈ છે ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : તો આત્મબુદ્ધિ જ્યાં સુધી દેહમાં હતી ત્યાં સુધી પરરમણતા હતી. હવે એ રમણતા તૂટી એટલે સ્વરમણતા ઉત્પન્ન થઈ. એટલે તમને રમણતા ઉત્પન્ન થયેલી છે ને એનો જ તમે પ્રશ્શન પૂછો છો. શાનો પ્રશ્શન પૂછે છે ? એ પોતે બટાકાનું શાક ખાય છે ને પછી કહે છે કે બટાકા શું છે ? તો એય પ્રશ્શન જ છે ને, એક જાતનો કે માથાફોડ કહેવાય ?

પ્રશ્શનકર્તા : વાણી વિલાસ.

દાદાશ્રી : ના, હવે આ સમજીને નથી બોલતા એ. પણ એ જ્યારે સમજીને બોલે (આવા પ્રશ્શન પૂછે) ત્યારે આપણે કહીએ કે આ વાણી વિલાસમાં ચાલ્યો, પણ આ તો પોતે ફોડ પાડવા માટે બોલે છે, એ જીજ્ઞાસાથી પૂછે છે, એ બરોબર છે. અહીં રમણતા ના હોય તો ત્યાં રમણતા છે જ અને ત્યાં રમણતા નથી તો અહીં છે જ, 'આઈધર વન' (બેમાંથી એક જગ્યાએ) ! તમને દાદા યાદ રહ્યા હતા ને ?

પ્રશ્શનકર્તા : હંમેશાં.

દાદાશ્રી : એટલે એ દાદા એ જ આપણું સ્વરૂપ છે અને એ જ દાદા મહીં બેઠેલા છે અને આ દેખાય છે ને, એ બધાં તો ખોખાં છે, પેકીંગ છે બધાં ! પેકીંગમાં જેને આત્મબુદ્ધિ છે, તેનાથી સંસાર ઊભો થયો છે.

પ્રશ્શનકર્તા : એનો અર્થ એવો થાય કે બુદ્ધિને દેહાધ્યાસ સાથે જ સંબંધ છે ?

દાદાશ્રી : બુદ્ધિને દેહાધ્યાસ સાથે જ સંબંધ છે, બીજો કોઈ સંબંધ જ નથી. આપણે અહીં આગળ માનીએ કે, 'હું ચંદુલાલ છું.' તે દેહમાં હુંપણું મનાયું. એ દેહમાં આત્મબુદ્ધિ છે, માટે દેહાધ્યાસ. આત્મામાં આત્મબુદ્ધિ થાય એટલે મૂળ સ્વરૂપમાં આવી ગયો. લોકોને શું ભાન છે કે 'નામ તે જ હું', 'આ દેહ તે હું છું', દેહમાં આત્મબુદ્ધિ છે. જ્યારે આત્મામાં આત્મબુદ્ધિ થશે એનું નામ મોક્ષ થયો કહેવાય અને દેહમાં આત્મબુદ્ધિ એ સંસાર ! એટલે શું કે જ્યાં પોતે નથી ત્યાં પોતાને આત્મબુદ્ધિ થઈ છે. એટલે આત્મામાં આત્મબુદ્ધિ થઈ જાય એટલે બસ, કામ થઈ ગયું !

બુદ્ધિ જાય, પછી વીતરાગતા !

પ્રશ્શનકર્તા : બુદ્ધિ પાછી પેસી નથી જતી. એ ઉછાળા મારતી હતી, પણ હવે કહ્યાગરી થઈ છે. એને કહું છું બિંદુની જેમ ના રહે, સાગરમાં આવી જા.

દાદાશ્રી : હા, અર્પણ કરી દેવાની. બરોબર છે, મૂકી દો.

પ્રશ્શનકર્તા : તો પછી બુદ્ધિ પાછી કહ્યાગરી બને છે.

દાદાશ્રી : ના, એ તો એવું છે ને, એ અર્પણ કરે ને તોય એનો અમુક ભાગ અર્પણ થઈ જાય અને પછી પાછી વળગે. એટલે આપણે ભાવ જ એવો રાખવાનો. બુદ્ધિને એમ કહેવાનું કે 'તેં ઘણા ઉપકાર કર્યા છે. માટે હવે તો તને બધું છૂટું કરીએ. તારે જે જોઈતું હોય તે તું માગી લે. જ્યારે ત્યારે છૂટું જ થવું પડશે.' પછી અમે અબુધ થયા, તે શી રીતે થયા ? એ રીતે થવું જ પડશે, અબુધ તો. અબુધ થયા વગર છૂટકો નથી.

પ્રશ્શનકર્તા : મેં બુદ્ધિ બાજુ પર મૂકી દીધી.

દાદાશ્રી : બુદ્ધિ બાજુ પર મૂકી દે ને, તો આ જગત બહુ સરસ ચાલે એવું છે. જ્ઞાન પ્રગટ થયું ક્યારે કહેવાય ? વીતરાગતા ઉત્પન્ન થાય ત્યારે. વીતરાગતા ઉત્પન્ન ક્યારે થાય ? બુદ્ધિનો અભાવ થાય ત્યારે. એનાં બધાં કનેક્શન મળવાં જોઈએ ને ? આ તો આપણું જ્ઞાન એવું છે કે ધીમે ધીમે આપણે એના ઉપર દ્ષ્ટિ રાખીશું તો ઓગળ્યા કરે બધું. એટલે આપણા મહાત્માઓને તો પેલું મીણબત્તીનું (બુદ્ધિનું) સળગતું રહે છે, એનાથી જુએ છે. અલ્યા, આનાથી (જ્ઞાનથી) જો ને ! આ સ્વ-પરપ્રકાશક છે !

 

(૫)

ખપે હ્રદયમાર્ગ, નહીં કે બુદ્ધિમાર્ગ !

આશરો, બુદ્ધિની આગળનો !

પ્રશ્શનકર્તા : એટલે એનો અર્થ એમ થયો કે, મોક્ષે જવું હોય તો બુદ્ધિનાં કમાડ વાસી દેવા ?

દાદાશ્રી : બુદ્ધિ નહીં હોય તો જ મોક્ષ થશે. બુદ્ધિ હશે ત્યાં સુધી સંસારમાં ભટક ભટક ભટક... કરવાનું, પછી ગુરુરૂપે કે બાવારૂપે, ગમે તે રૂપે ભટકવાનું.

પ્રશ્શનકર્તા : માણસ જન્મ્યો ત્યારથી બુદ્ધિના સહારે જ જીવે છે. ઘણા બુદ્ધિના સહારે મોક્ષે ગયા છે એમ આપણે જાણીએ છીએ.

દાદાશ્રી : ના, બુદ્ધિ મોક્ષે જવા ના દે. બુદ્ધિના સહારે સુરત સ્ટેશન સુધી આવે ને સુરતથી આગળ વિરમગામ જવા માટે બીજો સહારો જોઈએ. તો પ્રગતિ થાય. બુદ્ધિ પ્રગતિ કરાવે છે, પણ સુરત સ્ટેશન પર છોડી દે તમને.

પ્રશ્શનકર્તા : પણ સુરત સુધી તો અમારે પહોંચવું પડે ને ?

દાદાશ્રી : હા, સુરત સુધી પહોંચવા માટે બુદ્ધિની જરૂર. પણ જેને આગળ જવું હોય તેણે પેલું ખોળી કાઢવું જોઈએ. અહીં આ ગુરુઓ હોય છે અને ગુરુઓ કેવા હોય, કે એ આગળ ચાલે ને આપણે પાછળ ચાલીએ. ત્રણ રસ્તા આવે એટલે ડિસિઝન એ લે કે ભઈ, આ ત્રણમાંથી આ રસ્તે ચાલો બધા. આપણે એના ફોલોઅર્સ કહેવાઈએ. અને જેની પાછળ પાછળ આપણે ચાલીએ, એમને ફોલો કરીએ એ આપણા ગુરુ કહેવાય. ગુરુ એન્ડ ફોલોઅર્સ ! ગુરુ નક્કી કરી આપે. આપણને નક્કી થાય નહિ, સમજ ના પડે પણ એ હોય આપણી જોડે ને જોડે. આગળ મોનિટર હોય ને ? ત્યાં સુરત સુધી જરૂર ખરી. આ તો સુરતથી આગળ જેને જવું હોય તેને માટે આ વાત છે.

પ્રશ્શનકર્તા : પણ દાદાજી, બુદ્ધિ જો સુરત સુધી જ પહોંચાડે તો સુરતથી આગળ જવા માટે મારે પછી શેનો આશરો લેવાનો ?

દાદાશ્રી : પછી જ્યાં બુદ્ધિ ના હોય તેનો આશરો લેવાનો.

બુદ્ધિથી પર, તે જ્ઞાની !

પ્રશ્શનકર્તા : આ ભાઈ 'બહુ જ્ઞાની' છે.

દાદાશ્રી : એમ કે ? 'બહુ જ્ઞાની'ને 'જ્ઞાની' ના કહેવાય. એક જ જ્ઞાનીને જ્ઞાની કહેવાય ! બહુવચન ના હોય આમાં. બહુ જ્ઞાની એ બધું ભેળસેળ થઈ ગયો, ખીચડો થઈ ગયો. 'બહુ જ્ઞાની' શું થાય ? બુદ્ધિમાં જાય. એટલે મારું કહેવાનું કે કશી હેલ્પ ના કરે. હેલ્પ તો, એક જ્ઞાની જ હેલ્પ કરે.

પ્રશ્શનકર્તા : હવે જ્ઞાની પુરુષ જ્યારે શબ્દ વાપરીએ છીએને, ત્યારે ઘણીવાર શાસ્ત્રજ્ઞાનીનેય જ્ઞાની પુરુષ કહે છે.

દાદાશ્રી : ના, જેનામાં બુદ્ધિ નથી ને, એ જ્ઞાની પુરુષ. બુદ્ધિવાળા હોય એ બધાય અજ્ઞાની.

પ્રશ્શનકર્તા : એટલે ખોટા અર્થમાં તણાઈ જવાય છે કે જ્ઞાની પુરુષ એટલે શાસ્ત્રોને બહુ સારી રીતે સમજેલા માણસ ?

દાદાશ્રી : ના, પણ એમનામાં બુદ્ધિ હોય ને ! એટલે એ બધા કેન્સલ થઈ જાય. બહાર બુદ્ધિવાળા જ્ઞાનીઓ તો બધા બહુ છે. જોઈએ એટલા, ગુડ્ઝની ગુડ્ઝ ભરાય. પણ બુદ્ધિ નહીં એ જ્ઞાની કહેવાય. પેલા શાસ્ત્રજ્ઞાનીઓ કહેવાય, એ તો બધા બુદ્ધિવાળા, એને કોણ જ્ઞાની કહે ? બુદ્ધિવાળા હોય તે વકીલાતમાં કામ લાગે અને ડૉક્ટરી લાઈનમાં કામ લાગે. પેલા શાસ્ત્રજ્ઞાનીઓ એય બુદ્ધિવાળા છે. હવે બુદ્ધિ છે એટલે એ જ્ઞાની નહીં અને જ્ઞાની હોય ત્યાં બુદ્ધિ નહીં, આ કાયદો છે. અહીં વ્યવહારમાં જ્ઞાની કોણ કહેવાય ? બુદ્ધિવાળા. પણ ખરી રીતે એ જ્ઞાની નથી. જ્ઞાની તો બુદ્ધિથી પર ગયેલા હોય અને બુદ્ધિથી પર ગયેલા જ્ઞાની, પરમાત્મા જ કહેવાય.

મુક્ત પુરુષ તો તેને કહીએ !

મુક્ત પુરુષ કેવા હોય કે જ્યાં બુદ્ધિનો છાંટો હોય નહીં !

અને આપણે અહીં તો દરેક શહેરમાં બસો-બસો મુક્ત પુરુષો (!) છે, એમાં ક્યારે દહાડો વળે ? એ જ છૂટ્યો નથી. ઘરનાં કંટાળી ગયાં હોય, બૈરી-છોકરાં બધાંય ! અને આપણે માટે એ 'મુક્ત પુરુષ' થઈ બેસે !

હવે આવરણ મુક્તમાં શું હોય ? બુદ્ધિ બિલકુલ હોય નહીં. એક સેન્ટ પણ બુદ્ધિ ના હોય. એટલે ઈગોઈઝમ ના હોય. ત્યારે એ આવરણ મુક્ત પુરુષ કહેવાય. તો ત્યાં આપણાં બધાં આવરણ મુક્ત થાય. જે પોતે આવરણ મુક્ત છે, એવા જો બુદ્ધિ વગરના જ્ઞાની મળે, તો એ જ્ઞાની પાસેથી તારું જે કામ કરવું હોય તે થઈ શકે. બુદ્ધિ હોય ત્યાં સુધી અહંકાર હોય અને અહંકાર હોય ત્યાં સુધી આપણો શુક્કરવાર વળે નહીં અને શનિવાર થાય નહીં.

હિન્દુસ્તાનમાં જ્ઞાની જોઈએ એટલા બધા છે, પણ બુદ્ધિવાળા જ્ઞાનીઓ કશાય કામમાં ના આવે. એનું પોતાનું જ તારણ ના કાઢે ને ! કારણ કે બુદ્ધિ એની ડખલ કર્યા જ કરે.

બુદ્ધિશાળીઓની ઘોડદોડ !

પ્રશ્શનકર્તા : જ્ઞાનીમાં બુદ્ધિ ન હોય, એ બરાબર એક્સેપ્ટ થાય એમ સમજાવો.

દાદાશ્રી : લોકો બુદ્ધિમાં હરિફાઈ કરે છે, કે આના કરતાં મારી બુદ્ધિ વધારે, પેલાના કરતાં મારી બુદ્ધિ વધારે. જગતમાં એવું જ ચાલે છે ને ?

પ્રશ્શનકર્તા : જી હા.

દાદાશ્રી : પેલો કહે છે, 'હું વધારે બુદ્ધિશાળી છું.' બીજો કહે છે, 'હું વધારે બુદ્ધિશાળી છું.' એટલે આ બુદ્ધિના ઘોડા રેસકોર્સમાં પડ્યા છે. હા, જ્ઞાની રેસકોર્સમાં ના હોય. એમને બુદ્ધિ જ ના હોય ત્યાં. અને પેલા બુદ્ધિવાળા જ્ઞાનીઓ તો હરીફ હોય. રેસકોર્સ હોય ત્યારે રેસકોર્સમાં માણસ હોય કે ઘોડા હોય ? બુદ્ધિ ના હોય એવો માણસ જ કોઈ ના હોય ને ! કો'ક ફેરો કો'ક અબુધ હોય, તે જ્ઞાની પુરુષ. એ વર્લ્ડની અજાયબી કહેવાય અને અજોડ કહેવાય, એની જોડી ના હોય.

આ બુદ્ધિવાળાઓ ફર્સ્ટ રેન્ક (પહેલો નંબર) ખોળે છે ! પણ ફર્સ્ટ રેન્ક તો ત્યાં પહેલો ઘોડો પહોંચશે તેને મળે, બીજાં બધાં ઘોડાં હાંફી જાય તે નકામાં ! એવું બુદ્ધિની રેસમાં ઘોડા દોડે એમ દોડે છે, તોય કોઈનો પહેલો નંબર આવ્યો નહીં. બાકી, બુદ્ધિ હોય ત્યાં આત્મજ્ઞાન થાય જ નહીં. બુદ્ધિ ખલાસ થાય ત્યારે આત્મજ્ઞાન થાય.

આ તો આત્મજ્ઞાનીઓ હિન્દુસ્તાનમાં છે તે બધા બુદ્ધિવાળા. આપણે એમ પૂછીએ કે તમારામાં બુદ્ધિ ખરી કે નહીં ? 'મારા જેટલી તો કોઈનામાં હોઈ શકે જ નહીં', એમ કહે. બધા કહે એટલે આપણે સમજી જવું કે આ બધા કંઈ છે નહીં. જ્યાં સુધી બુદ્ધિ ત્યાં સુધી કલ્પના અને બુદ્ધિ ખલાસ થઈ કે કલ્પના ગઈ. બુદ્ધિ ખલાસ થાય ત્યારે આ જ્ઞાન પ્રગટ થાય, આપોઆપ. એક બાજુ બુદ્ધિનું ખલાસ થવું ને એક બાજુ આ જ્ઞાનનું પ્રગટ થવું, બે સાથે છે. હવે બુદ્ધિ ક્યારે ખલાસ થાય ? અહંકાર ખલાસ થાય ત્યારે.

જ્ઞાની તે કોને કહેવાય ? એમને અહંકારના શીંગડા-બીંગડા ના હોય, એમનામાં ફક્ત બુદ્ધિ ના હોય, દેહધારીરૂપે પરમાત્મા જ કહોને ! બે કલાકમાં મોક્ષ આપે. ધીસ ઈઝ ધી કેશ બેન્ક ઓફ ડિવાઈન સોલ્યુશન (અધ્યાત્મના ઉકેલની આ રોકડી બેન્ક છે) ! બધાય કેશ બેન્ક કહે છે, પણ કેશ બેન્ક ક્યાં હોય ? જ્યાં બુદ્ધિ બિલકુલ ના હોય ત્યાં. એટલે અમારામાં બુદ્ધિ નથી, એમ અમે જાહેર કર્યું. એટલે અમારી સ્પર્ધામાંય કોઈ ના આવે.

પ્રશ્શનકર્તા : કોઇ સ્પર્ધામાં આવે કદાચ, તો પછી તમે એવા નાસ્તિકને શો જવાબ આપો ?

દાદાશ્રી : એ મારી પાસે આવે તો બહુ સુંદર જવાબ આપું. એ આવેને, તો તરત મારી પાસે ખૂબ જવાબ છે. એ માણસને દેખું ને એટલે જવાબ ખૂલે મારી પાસે.

'ત્યાં' પ્રાપ્ત મૂળ સ્વરૂપ !

પ્રશ્શનકર્તા : મૂળ સ્વરૂપને ઓળખવા માટે કઈ જાતના પ્રયત્નો હોવા જોઈએ ?

દાદાશ્રી : મૂળ સ્વરૂપ ઓળખવા માટે, મૂળ સ્વરૂપ જેણે જાણ્યું હોય, જે મૂળ સ્વરૂપમાં જ રમણતા કરતા હોય, ત્યાં જઈએ તો આપણો નિવેડો આવે. હવે એને માટે આપણે તપાસ કરવા જઈએ તો બધા બહુ જણ એમ કહે કે અમે મૂળ સ્વરૂપને જાણીએ છીએ, તો પછી આપણે તપાસ કરવી કે કોનામાં બુદ્ધિ ખલાસ થઈ ગઈ, બુદ્ધિ હોય ત્યાં સુધી મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય નહીં. શબ્દે કરીને થાય, અનુભવે કરીને નહીં. જ્યારે બુદ્ધિ ખલાસ થઈ જાય, બુદ્ધિનો એક સેન્ટ ના હોય, ત્યારે એ મૂળ સ્વરૂપ ઉત્પન્ન થાય. તે ત્યાં એવો બુદ્ધિ વગરનો માણસ આપણે ખોળી કાઢો. એવા કેટલા હોય દુનિયામાં ? આ અમે એકલા જ બુદ્ધિ વગરના છીએ, તો તમારે જેવું કામ કાઢવું હોય તે અહીં નીકળી જાય.

પ્રશ્શનકર્તા : મારે કેવી રીતે જાણવું કે સાચા ગુરુ મારા માટે કોણ છે ?

દાદાશ્રી : જ્યાં બુદ્ધિ ના હોય ત્યાં અને મન-વચન-કાયાની ઓનરશીપ (માલિકીભાવ) ના હોય. એટલે ત્યાં આગળ સાચા મળ્યા કહેવાય. ઓનરશીપવાળા હોય ત્યાં સાચા ગુરુ ન હોય. એ માલિકીવાળા ને આપણે માલિકીવાળા, બેઉ અથડાયા કરે !

પ્રશ્શનકર્તા : મન-વચન-કાયાથી એ મુક્ત છે એવું મને બીજી કોઈ પણ વ્યક્તિ કહે, તો મારે એને માની લેવું કે એ ગુરુ છે એમ ?

દાદાશ્રી : ના, એવું માની ના લેવું. આપણે જરા તપાસ કરવી જોઈએ. કંઈ કહેવાથી માની ના લેવાય. અગર તો એને કહેવું જોઈએ કે તો મારો નિવેડો લાવી આપો, આપ જો મુક્ત છો તો મને આ બંધનમાંથી છોડાવો.

પ્રશ્શનકર્તા : એનો કોઈ ડેફિનેટ અનુભવ કે ડેફિનેટ પ્રતીતિ હશે કે નહીં, કે એ સાચા ગુરુ છે ?

દાદાશ્રી : આપણે ગાળ ભાંડીએ તો સહજ ક્ષમા હોય. આપણે મારીએ તોય ક્ષમા હોય, ગમે તેવું અપમાન કરીએ તોય ક્ષમા હોય. પછી સરળ હોય. આપણે સાવ સોનું આપીએ તોય એ લે નહીં. જે લક્ષ્મી અને સ્ત્રીને અડે નહીં. આવાં બધાં કેટલાંય લક્ષણ હોય અને પાછી એમનામાં બુદ્ધિ ના હોય. બુદ્ધિવાળાનું શું કામ ? આપણે બુદ્ધિવાળા ને એ બુદ્ધિવાળા, બેઉ લડંલડા કરે, વાદવિવાદ કરે !

પ્રશ્શનકર્તા : આચરણમાં તો એવા પુરુષ મળી રહે આપણને, પણ મનથી છે કે નહીં એ શું ખબર પડે આપણને ?

દાદાશ્રી : બીજા વર્તનની કંઈ જરૂર નથી. બુદ્ધિ જતી રહી છે કે નહીં એ તમને સમજણ પડે એ. બાકી, બુદ્ધિ ના હોય તો તો કામ જ થઈ ગયું. એ પોતે જ એમ કહે કે, અમને બુદ્ધિ નથી તો કામ થઈ જાય, પણ એવું કોઈ કહે નહીંને વર્લ્ડમાં ! કોઈ એવો મૂરખ ના હોય કે મારામાં બુદ્ધિ નથી એવું બોલે. બોલે ખરો કોઈ ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : એવું છે ને, આપણા લોકોને તો સમજણ કેવી ? બાળક અવસ્થા કેવી હોય ? આનેય જ્ઞાની કહે ને બીજાનેય જ્ઞાની કહે, પોતાની સમજણથી જ કહે છે ! સમજણ એવી હોવી જોઈએ કે પછી ફરવી ના જોઈએ. ગમે તેને જ્ઞાની કહે, તો દ્વિધા રહે તો એનું કલ્યાણ ના થાય. એટલે દ્વિધા રહેતી હોય તો આપણે દેખાડી જવું જોઈએ કે, 'સાહેબ, આ કેમનું લાગે છે ?' તો હું કહું કે, 'ભઈ, આ આમ છે ને આ આમ છે. તું માની બેસીશ નહીં, છોડી દે, નહીં તો તું માર્યો જઈશ. દહીંમાં ને દૂધમાં બે જગ્યાએ પગ રાખીશ તો માર્યો જઈશ તું. તારી બુદ્ધિ નથી કે, તું જ્ઞાનીનેે ઓળખી શકે.' જ્ઞાનીને ઓળખવું એ તારી બુદ્ધિની બહારની વાત છે. આ તો એનાં પુસ્તકો વાંચીને તું બોલું છું. બાકી, એ પુસ્તક મારી પાસે લાવ, તો એક-એક વાક્ય કહી આપું, કે આ વિરોધાભાસ છે.

પુણ્ય-પાપનાં ખાતાં...

પ્રશ્શનકર્તા : એક સંતે લખેલું છે કે 'પાપ કા ખાતા અલગ હૈ ઔર પુણ્ય કા ખાતા અલગ હૈ. દોનોં કે ફલ અલગ અલગ ચખને કો મિલેંગે. કર્મ સે કર્મ ટૂટતા નહીં, કર્મ નાશ તો આત્મજ્ઞાન સે હી સંભવ હોતા હૈ.'

દાદાશ્રી : બિલકુલ કરેક્ટ વાત છે.

પ્રશ્શનકર્તા : આ બુદ્ધિમાં લખાયેલું છે કે જાગૃત અવસ્થામાં ?

દાદાશ્રી : આ બુદ્ધિની જાગૃત અવસ્થામાં લખાયેલું છે, જ્ઞાન જાગૃતિમાં નથી. હા, મને જ્ઞાન નહોતું તોય હું આવું બોલતો હતો. લોકોને સમજાવતો હતો કે ભઈ, 'પુણ્ય અને પાપ બે ખાતાં જુદાં ભગવાને રાખ્યાં છે.' શા હારુ કે, આ વણિક લોકો કેવા જુદાં રાખે છે ? પંચાણું ટકા પુણ્ય કર્યું હોય તો પંચાણું ટકા જમે અને પાંચ ટકા પાપ કર્યું હોય તો પાંચ ટકા બાદ. પંચાણુંમાંથી પાંચ બાદ કરીને નેવું મૂકતા નથી. ભગવાન કાચી માયા નથી અને જો એવી કાચી માયા હોય તો વણિક લોકોને ઘેર દુઃખ હોત જ નહીં. એટલે મેં આ પહેલેથી બૂમ પાડ પાડ કરેલી. વણિક લોકો છોડે કે ?

પ્રશ્શનકર્તા : બાદબાકી કરીને હવાલો નાખી દે.

દાદાશ્રી : હા, એટલે પછી એવું હોય ને તો સંસારમાંથી કોઈ છૂટવાવાળો જ ના હોય. પણ આ તો પાંચ ટકા ખરેખરું કડવું આવશે, તે ઘડીએ સહન નહીં થાય પછી. એટલે એ કંટાળે છે. બહુ સરસ જવાબ આપ્યો એમણે, એક-એક અક્ષરેય બિલકુલ કરેક્ટ. બુદ્ધિપૂર્વક લખેલું છે. હવે બુદ્ધિપૂર્વકનું બધું સ્વપ્નમાં જાય છે, ઊઘાડી આંખનું સ્વપ્નું. પણ સ્વપ્નમાંય આટલું બધું મહીં કરેક્ટનેસ હોય છે. બુદ્ધિને ઊંઘ તો કેમ કહેવાય ? બુદ્ધિ એક જાગૃતિ છે, પ્રકાશ છે એ તો.

પ્રશ્શનકર્તા : આ નિર્મળ બુદ્ધિમાં આવે ?

દાદાશ્રી : હા, બુદ્ધિ નિર્મળ થાય ને, ત્યારે આ બધું સમજાય. નિર્મળ બુદ્ધિ ક્યારે થાય કે પરિગ્રહ ઓછો થાય. બીજું આજુબાજુ સંજોગો બધા ડહોળાયેલા ના હોય. કેટલાક પ્રકારના બહુ સુંદર જવાબ આપે એ. ઉપનિષદની બહાર છે આ વાત બધી.

પ્રશ્શનકર્તા : જ્યાં સુધી જ્ઞાની પુરુષ મળે નહીં ત્યાં સુધી તો આ પુસ્તકો પાછળ જ પડે.

દાદાશ્રી : હા, ત્યાં સુધી એ જરૂરિયાત. કારણ કે બુદ્ધિનો વિષય છે. બુદ્ધિથી પરમાં જવું પડશે. તે જ્ઞાની પુરુષ મળે ત્યારે બુદ્ધિથી પરની વાતો જાણે. બાકી આ ઉપનિષદ ને એ બધા, બુદ્ધિનો વિષય અને શબ્દ રૂપી. શબ્દો કશું કરે નહીં, પણ જ્ઞાની ના મળે ત્યાં સુધી શું કરે ? એમાંથી સારું ના મળે તો 'કંટ્રોલ'માં મળે, એવું ખાવું તો પડે ને ?

અને સિદ્ધાંત અવિરોધાભાસ હોવો જોઈએ. સિદ્ધાંત એનું નામ કહેવાય કે પંદરસો પાન લખેલી ચોપડી હોય પણ પંદરસો પાનમાં એક લીટી પણ એનો વિરોધ કરતી ના હોય. આ તો ત્રીજે પાને બધા વિરોધાભાસ હોય, એને પુસ્તક કેમ કહેવાય ? હું તો આવાં પુસ્તક તરત જ બાજુએ મૂકી દઉં. મારી પાસે તમે લાખ પુસ્તકો લાવો, મૂકો તો હું તમને પાંચ કલાકમાં બધાં છૂટાં મૂકી આપું કે, આ છાપવાં ખોટાં છે અને આ ખોટું બોધરેશન છે અગર તો બુદ્ધિનાં આરામ સ્થાન છે. એ પુસ્તકો બુદ્ધિનાં રેસ્ટ હાઉસ છે. બુદ્ધિને રેસ્ટ હાઉસ જોઈએ ને ? મોક્ષ ફળ ના આપે, શાંતિ ના આપે. મને તો એ પહેલેથી જ ગમે નહીં. વિરોધાભાસ વાત આવે તો એને બાજુએ મૂકી દઉં.

સંતો બુદ્ધિવાળા, અમે અબુધ !

કેટલાક સંતો કોઈ પણ માણસને શાંતિ આપે છે એટલું સારું છે ને ! ખોટું કહેવાય નહીં ને ?

પ્રશ્શનકર્તા : આપ તો એમને ઓળખી શકો ને ?

દાદાશ્રી : એ પ્રમાણ છે એ કહીએ છીએ ને, પછી એથી વધારે શું ઓળખવાનું ?

પ્રશ્શનકર્તા : એ જે વાત કહે છે, એને પણ આપ સારી રીતે સમજી શકોને ?

દાદાશ્રી : અમારે એ વાતમાં સમજવા જેવું છે જ નહીં. એકુય વાક્ય એમનું મને સમજવાનું કારણ નથી. એકુય વાક્ય મારે કામનું નથી. એટલે સ્થૂળ ભાષા છે બધી. બધી બુદ્ધિની ભાષા છે. મને તો બુદ્ધિ છે નહીં, હું શી રીતે સમજી શકું ? એમનામાં બુદ્ધિવાદ છે, શી રીતે મારે મેળ પડે ? એટલે હું જાણું કે આ બુદ્ધિવાદને છેટો મૂકો. આમને ત્યાં એક પુસ્તક જોયું એ બાજુએ મૂક્યું. કામનું શું ? આવું અનંત બુદ્ધિવાદ, જગત જ આનાથી ભરાયેલું છે ને ? તે મારે સાંભળવાનું શું કામ છે તે ?

પ્રશ્શનકર્તા : એ પણ બુદ્ધિને છોડવાની વાત કરે છે.

દાદાશ્રી : પણ જે પુસ્તક છે ને, એ તો બુદ્ધિવાદ છે. મારે કામનું નહીં. મારે તો બુદ્ધિવાદ સિવાયની વાત હોય એ કામની. એ બુદ્ધિ છોડવાનું કહે છે એને અમે ધન્ય માનીએ છીએ કે, આવો વિચાર એમને ઉત્પન્ન થાય છે અને તે ધન્ય વાત છે ! એ બુદ્ધિ છોડવા તૈયાર થાય એ તો અજાયબી જ છે ને ? બાકી, બુદ્ધિના આધારથી જીવે છે એ બધા !

તમને એમના માટે જે ભાવ હોય, પ્રેમ હોય, એ અમે એક્સેપ્ટ કરીએ. તમારી વાતને અમે એક્સેપ્ટ કરીએ છીએ. હવે પછી એથી વધારે અમારી પાસે શું કહેવડાવવા માગો છો એ કહો. અને તે તમને ખુશ કરવા માટે અમે દરેક વસ્તુ 'હા' પાડીએ છીએ. કારણ કે તમને દુઃખી કરીને મારે ક્યાં જવું ? કોઈને દુઃખી કરવું એ અમારો ધર્મ નથી.

પ્રશ્શનકર્તા : આપ મને ગમે તેટલું કહો. સો ગાળો આપો તોય દુઃખ નથી.

દાદાશ્રી : પણ એવું મારે કહેવાનું કારણ જ શું ? મને એવી નવરાશ છે નહીં.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23