ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૬)

શક્તિઓ, ચિત્તની

મટાડવાની, મન ને ચિત્તની શક્તિઓ !

ચિત્તનો ધંધો શો છે ? શરીર આખામાં ફર ફર કરવું. જ્યાં કંઈ જરૂર હોય ને કંઈ વાગ્યું હોય, કે ત્યાં આગળ હાજર થઈ જાય, જ્ઞાન-દર્શન બેઉ. પેટમાં દુખતું હોય કે માથું દુખતું હોય તો ત્યાં હાજર થઈ જાય.

હવે એ શું કહેવા માગે છે કે માથું દુખતું હોય ત્યાં ચિત્ત હાજર તો થઈ ગયું, હાર્ટ દુખે એટલે ચિત્ત અવશ્ય ત્યાં જાય જ. ચિત્તનો સ્વભાવ જ છે કે જ્યાં કંઈ પણ ઉપાધિ થઈ આવી, ત્યાં ચિત્ત આવીને ઊભું રહે અને ચિત્તથી જ ખબર પડે છે કે આ દુખવા માંડ્યું. હવે ચિત્ત ત્યાં આગળ આવીને ઊભું રહે, એટલે એને આરામ થતો જાય. અમે ઘણા વખત આવું કંઈ શરીરને કોઈ દહાડો પેટમાં દુખતું હોય, કશું થતું હોય તો બસ આમ કરીને (ચિત્ર ગોઠવીને) મટાડી દઈએ. અમે આવી દવાઓ લેવાની કંઈ ભાંજગડ ના કરીએ. માથું તો અમારે દુખે જ નહીં. કારણ કે અમે માથું અવળે રસ્તે વાપરેલું જ નહીં. અવળે રસ્તે વાપર્યું હોય તો માથું દુખેને !

ચિત્તને સ્થિર કરે છે. જે ચિત્ત બહાર ભટકે છે, એ ત્યાં ગોઠવે. ચિત્તને એકાગ્ર કરે. એટલે જ્યાં ચિત્ત હોય, ત્યાં આ મન હોય અને મન હોય ત્યાં આ પ્રાણ ને શ્વાસોશ્વાસ જાય. એટલે દુખતું હોય ત્યાં આગળ આવો યોગ કરે તો મટી જાય. પણ એવી શક્તિઓ નથી આપણા લોકોને. સ્થિરતા નથી, આવડત નથી. નહીં તો બધી જ ચીજો છે આપણી પાસે. પણ આ ક્રમ મોટો હોવાથી આપણા લોક કરતા નથી. આ ડોઝ લઈ આવ્યા કે ચાલ્યું ગાડું ! પેલો ક્રમ મોટો છે, એક-બે દા'ડાથી ના થાય; બધું મટવા માંડે છે એ ચોક્કસ. કારણ કે જ્યાં તમારું ચિત્ત ગોઠવો, મન ત્યાં આગળ સ્થિર રહે. એટલે ત્યાં પ્રાણવાયુ જાય એટલે રોગ મટતો જાય. એટલે રોગ મટતો જાય.

ચિત્ત જાય ત્યાં દર્દ મટે જ !

ચિત્ત શરીરમાં ક્યાં ક્યાં ભટકે ? જ્યાં કેડો ફાટતી હોય ત્યાં જાય અને આપણને ભૂલાવા ના દે. કેડો ફાટતી હોય ને આપણે દુર્લક્ષ કરવા જઈએ ને, પણ ચિત્ત ત્યાં જઈને જાગૃત કર કર કર્યા કરે. હવે કહેશે, 'ચિત્ત ત્યાં જાય છે, તો ફાયદો શું ? આપણને નુકસાન ના થાય ?' ત્યારે કહે, 'જ્યાં દુઃખેને ત્યાં ચિત્ત રહે તો એ દુખતું મટી જાય.'

પ્રશ્શનકર્તા : એ સમજ ના પડી. દુખે ત્યાં ચિત્ત જાય તો એ દુઃખ કેવી રીતે મટી જાય ?

દાદાશ્રી : મટાડવા માટે જ જાય એ.

પ્રશ્શનકર્તા : એટલે એ સાયંટિફિક પ્રોસેસ (વૈજ્ઞાનિક પ્રક્રિયા) થઈ જાય ?

દાદાશ્રી : હા, સાયન્ટિફિક પ્રોસેસ છે બધી. આ આપણા લોક પાછા બીજા ધંધામાં ચિત્ત પરોવે એટલે પછી પેલું ત્યાં મટવાનું બંધ થઈ જાય. જો તમારે મટાડવું હોય તો ચિત્તને ત્યાં રહેવા દો, એ જગ્યાએ. બીજે બધે બંધ કરીને ચિત્તને એક જગ્યાએ રહેવા દો. ચિત્તમાં તો બધી બહુ શક્તિ છે, એટલે દુખાવો બંધ કરી દે.

પ્રશ્શનકર્તા : શરીરના કોઈ ભાગમાં કંઈ દુખતું હોય, તો એ ટાઈમે આપણે એમાંથી આપણું ચિત્ત હટાવીને જો આત્મસ્વરૂપમાં લઈ જઈએ તો એ દુખતું બંધ થઈ જાય છે ?

દાદાશ્રી : આત્મસ્વરૂપ તો આપણે જ્ઞાન લીધેલું હોય તેને. બહારવાળાને શું ? બહારવાળો તો આત્મસ્વરૂપ જાણતો જ નથી ને એટલે એને ચિત્ત શું કામ કરે કે માથું દુખ્યું એટલે ચિત્ત ત્યાં જયા જ કરે. થોડીવારમાં એનું બધું રેગ્યુલર કરી નાખે. એ લોકો સહન કરે ને ? ચિત્ત તો ત્યાં આગળ જવાનું જ અવશ્ય. ચિત્ત ના જાય તો એ દુઃખ માલમ જ ના પડે. અને ચિત્ત જાય એટલે મટે જ.

બે મચ્છરાંએ સર્જ્યો હાહાકાર !

બે મચ્છરાં હોય ને મચ્છરદાનીમાં, તો આખી રાત વારેઘડીએ લાઈટ કર્યા કરે. 'કેમ ભઈ લાઈટ કરી પાછી ?' તો કહેશે, 'મચ્છરો પેસી ગયા.' 'અલ્યા મૂઆ બે મચ્છરાં, મેલને પૈડ.' આખી રૂમ મચ્છરાંથી ભરેલી હોય તો આપણે કહીએ, 'મચ્છરાં છે ને હું ય છું.' પણ બે મચ્છરાં એને ઊંઘવા ના દે. આટલા બધા માથાના વાળ ઊંચકાયા છે તો બે મચ્છરાં ના ઊંચકાય ? 'અલ્યા, તારું ચિત્ત શેમાં છે, બળ્યું ?' એ એને કૈડ્યું એમાં ચિત્ત છે. કૈડે ને, ત્યાંથી ચિત્ત ધીમે રહીને ખેંચી લઈએ એટલે પછી એ જગ્યાએ ના રહે. ચિત્તનો સ્વભાવ શું છે ? તમે ખેંચી લો ને એટલે એ જગ્યાએ ચિત્ત ના રહે, આત્મા બધે રહે. આત્મા શરીરમાંથી ઊંચોનીચો થાય નહીં, પણ ચિત્ત ખેંચી લઈએ એટલે આપણને મહીં ફોન ના કરે. હેડ ઓફિસમાં ચિત્ત હોય તો હેડ ઓફિસમાં ફોન કરે કે કૈડ્યું. ચિત્ત ખેંચીને લાવીએ, અહીં આત્મામાં લાવીને રાખીએ.

પ્રશ્શનકર્તા : તો એનો ખ્યાલ ના રહે કે મચ્છર કરડ્યું કે ના કરડ્યું ?

દાદાશ્રી : ખ્યાલ બધો રહે, આત્મા ખરો ને, એટલે. પણ એ હેડ ઓફિસમાં વારેઘડીએ ફોન ના કરે ને, નહીં તો હેડ ઓફિસવાળા પાછા ડી.એસ.પી. મોકલી દે, ચાર પોલીસવાળાને, તે પછી આ હાથ છે તે આમ હલાવે, આમથી તેમ કરે, આંખ્યો આમ કરે ને તેમ કરે. બધું અંગ ચાલુ થઈ જાય.

મૂળ ભૂલ, 'ઓર્ગેનાઈઝર'ની !

પ્રશ્શનકર્તા : આ જીભ એવી છે કે ઘડીકમાં આમ બોલી જાય, ઘડીકમાં આમ બોલી જાય.

દાદાશ્રી : એવું છે ને, કે આ જીભમાં એવો દોષ નથી. આ જીભ તો અંદર પેલા બત્રીસ દાંત છે ને, એમની જોડે રહે છે. રાતદહાડો કામ કરે છે પણ લડતી નથી, ઝઘડતી નથી. એટલે જીભ તો બહુ સરસ છે પણ આપણે વાંકા છીએ. આપણે ઓર્ગેનાઈઝર (સંચાલક) વાંકા છીએ. ભૂલ આપણી છે. એટલે જીભ એ કચરાય ક્યારે કે આપણું ચિત્ત ખાતી વખતે બીજી જગ્યાએ ગયું હોય ત્યારે જરા કચરાય. અને આપણે જો વાંક હોય તો જ ચિત્ત બીજામાં જાય. નહીં તો ચિત્ત બીજામાં ના જાય ને જીભ તો બહુ સરસ કામ કરે. ઓર્ગેનાઈઝરે આમ આવું જોયું કે જીભ દાંત વચ્ચે કચરાય.

કર્મશુદ્ધિ, ચિત્તશુદ્ધિના આધારે !

પ્રશ્શનકર્તા : આ ચિત્ત ખેંચાયા કરે એનું શું કારણ ?

દાદાશ્રી : એ જ પૂર્વકર્મ !

પ્રશ્શનકર્તા : કર્મની શુદ્ધિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : ચિત્તની શુદ્ધિ થાય એટલે કર્મની શુદ્ધિ થઈ જાય. આ તો ચિત્તની અશુદ્ધિને લઈને કર્મ અશુદ્ધ થાય છે.

પ્રશ્શનકર્તા : દરેક કર્મ શુદ્ધ થઈ જાય ? ગમે તે કર્મ કરે તે શુદ્ધ થઈ જાય ?

દાદાશ્રી : ચિત્તશુદ્ધ થઈ જાય ને, તો પછી કર્મ શુદ્ધ થઈ જાય. ચિત્ત અશુદ્ધ હોય તો કર્મ અશુદ્ધ. ચિત્ત શુભ હોય તો કર્મ શુભ, ચિત્ત અશુભ હોય તો કર્મ અશુભ. એટલે ચિત્ત ઉપર ડિપેન્ડ (આધારી) છે બધું એનું. એટલે ચિત્તને રીપેર કરવાનું છે. આપણા લોક શું કહે છે, કે મારે ચિત્તશુદ્ધિ કરવાની છે. એટલે આ જગતમાં ચિત્તશુદ્ધિ કરવા માટે જ અધ્યાત્મ છે. એટલે ચિત્તશુદ્ધિ કરવાની જરૂર છે.

ચોરી કરવાથી ચિત્ત અશુદ્ધ થાય અને મહીં પશ્ચાત્તાપ કરવાથી એનું એ ચિત્ત શુદ્ધ થઈ જાય. અને પશ્ચાત્તાપ નહીં કરવાથી આજ લોકોના ચિત્તની અશુદ્ધિ રહી છે. તેથી બધાં અશુદ્ધ કર્મો થયા કરે છે. પશ્ચાત્તાપ કરતા જ નથી. જાણે તોય પશ્ચાત્તાપ નથી કરતા. જાણે તોય શું કહે, કે બધા એવું જ કરે છે ને ? એટલે પોતાનું ચિત્ત અશુદ્ધ થાય છે તે ભાન નથી રહેતું.

પ્રશ્શનકર્તા : વ્યવહાર શુદ્ધિ કેવી રીતે થાય ?

દાદાશ્રી : એ તો વ્યવહારમાં ચિત્તની શુદ્ધિ રાખે કે ભઈ, આપણે આને દગો કરવો નથી. તો પછી એ વ્યવહારશુદ્ધિ થઈ ગઈ અને દગો થઈ જાય તો વ્યવહાર અશુદ્ધ થઈ જાય. એટલે નીતિ-નિયમથી, પ્રમાણિકતાથી ચાલે તો વ્યવહારશુદ્ધિ રહે. ઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ પોલિસી, ડીસઓનેસ્ટી ઈઝ ધી બેસ્ટ ફૂલીસનેસ (પ્રમાણિકતા એ શ્રેષ્ઠ વ્યવહાર નીતિ. અપ્રમાણિકતા એ શ્રેષ્ઠ મૂર્ખાઇ). વ્યવહારશુદ્ધિ માટે, સામાને સહેજ દુઃખ ના થાય એવો વ્યવહાર રાખીએ એ વ્યવહારશુદ્ધિ કહેવાય. આપણને થયું હોય તે ખમી લેવાનું પણ સામાને ન જ થવું જોઈએ.

પ્રશ્શનકર્તા : ચિત્તથી જ સૌથી વધારે દ્રવ્યકર્મ ઊભાં થયા હશે ?

દાદાશ્રી : ખરું કહે છે. ચિત્તથી જ બધાં દ્રવ્યકર્મ ઊભાં થાય છે. રૂટ કોઝ (મૂળ કારણ) બધાં આનાથી જ ઊભાં થાય છે. તેથી અમે કહીએ છીએ ને કે કરવાનું અમારે, લિફ્ટ ચલાવવાની અમારે, તમે બેસી રહો. અમારા કહ્યા પ્રમાણે કર્યા કરો, તમારે કશું કરવાનું નહીં. એવું કહીએ છીએ ને ?

ચિત્ત ઠારે તે સાચો માર્ગ...

પ્રશ્શનકર્તા : ભાવ મનને રસ્તો કેવી રીતે અપાય ?

દાદાશ્રી : ભાવ મનને રસ્તો તો, આપણે એવું કંઈક આપીએ કે જેની મહીં ચિત્ત ઠરે. ચિત્ત ઠરે એટલે પછી એનું ગાડું ચાલે. લોકોને ચિત્ત ચોંટતું નથી. લોકો ધર્મમાં એવો માલ આપે છે કે જેમાં ચોખ્ખું ઘી તો નથી નાખ્યું પણ પહેલાં વેજીટેબલ ઘી નાખતા હતા, તે હવે વેજીટેબલ ઘી પણ નથી નાખતા. એવો માલ આપે તો શી રીતે ચોંટે બિચારાનું ? કંઈકેય જોઈએ કે નહીં ? થોડુંઘણું ઘી જોઈએ કે ના જોઈએ ? શાથી ચોંટતું નથી ? ઘી વગરની મીઠાઈ આપે છે, પછી મન ચોંટે ? એટલે આપણે અહીં ચોખ્ખા ઘીવાળી મીઠાઈ આપીએ એટલે એનું અહીં ચોંટે પછી, રાગે પડી જાય. આ તો અક્રમ વિજ્ઞાન છે ને !

નજર લાગે ?

પ્રશ્શનકર્તા : આ નજર લોકોને લાગે છે, તો નજર લાગે ખરી ?

દાદાશ્રી : લાગે તો ખરી જ ને ! પણ આ તો જીવતા માણસને શું ના થાય ? આંખ છે ને ? નજર એટલે શું ? એ તમે સમજ્યા નથી. આપણે આ હલવાઈની દુકાન હોય છે ને, ત્યાં મીઠાઈ જાતજાતની દેખાય છે. ખૂબ ભૂખ્યો માણસ હોય, એ જુએ ત્યાં આગળ એટલે એ નજર લાગી જાય કે કેવી સરસ છે ! અને એકતાન નજર લાગે પેલાની, કારણ કે ભૂખ્યો છે એટલે. અને પેલો ધરાયેલો છે એ કહે કે કેવી સરસ છે, પણ એમાં એકતાન ના થાય. હવે એકતાન થાય એટલે નજર લાગે. પછી મીઠાઈ બગડી જાય. એવી રીતે પેલા માણસનેય અસર કરે. જેને બાબો જ ના હોય, તે કો'કનો ફર્સ્ટક્લાસ બાબો જોયો એટલે કહેશે, કેવો સરસ છે કે ચોંટ્યું ! તેથી આપણા લોકો બાબાને આમ પેલા ડાઘા આમ કરીને કરે છે.

પ્રશ્શનકર્તા : એને અસર થાય ખરી ?

દાદાશ્રી : ચોક્કસ. પણ પેલું કાળું ટપકું દેખાય એટલે પછી પૂરેપૂરું તો એની નજરમાં ના આવે. આમ કાળાં ટપકાં કરે ને ? એ શોધખોળ ખોટી નથી બધી.

પ્રશ્શનકર્તા : નજર ઉતારે છે તો અસર થાય ?

દાદાશ્રી : એય વાત સાચી છે. પણ આ બધા એક્ઝેગરેશન કરી નાખે છે, એવું નથી. મૂળ વસ્તુ સાચી છે. એટલે મન ત્યાં આગળ સ્થિર રહે. આવડાં નાનાં કાળાં છોકરાં હોય ને, તેને નજર ના લાગે પણ આ તો ગોરું ગબ્બ જેવું દેખાતું હોય અને પેલાને ભૂખ હોય, પેલાને છોકરું ના હોય તો એની નજર લાગે. અને ઘેર પાંચ-સાત છોકરાં હોય, તે મૂઓ જુએય નહીં. કંટાળી જ ગયેલો હોય ત્યાંથી. ત્યારે જેને છોકરો ના હોય, એટલે એના મનમાં એમ થાય કે આ કેવું સરસ છોકરું ! એટલે ભૂખ ઉપર આધાર રાખે છે. ભૂખ્યો માણસ છે તે આ હલવાઈની દુકાન જુએ એટલે કેટલીક મીઠાઈઓ બગડી જાય છે. ચિત્ત ચોંટ્યું એ કંઈ ગાંડપણ નથી. અને એનું ચિત્ત ખોવાઈ ગયું હોય તે આપણને દેખાય છે. એટલે નજર લાગે છે તે વાતેય ચોક્કસ છે.

પેલી સાડીઓ શેઠિયાઓએ, દુકાનદારોએ લટકાવેલી હોય છે. તે ઘણાનાં ચિત્ત ત્યાં ખોવાઈ જાય છે, પણ સાડી કશું શામળી નથી થઈ જતી. કારણ કે બગડવા જેવી ચીજ હોય તો બગડી જાય. આને બગડવાનું કંઈ નહીં ને ! પણ એનેય અસર તો થતી જ હશે ને કંઈ પણ !

ચિત્તશક્તિથી ચમચા ય વળે !

પ્રશ્શનકર્તા : એક ચોપડીમાં વાંચવામાં આવેલું કે એક પુરુષે પોતાનો દેહપ્રભાવ શક્તિનો પરિચય કાર્યક્રમ દ્વારા આપ્યો, તે ઘરમાં ટેબલ ઉપરના ચમચા, છરી-કાંટા વળી ગયા હતા, ચીજવસ્તુઓ ખસી ગઈ હતી, તો આ કેવી રીતે બન્યું હશે ? શું આ સાચું છે ?

દાદાશ્રી : સાચું છે.

પ્રશ્શનકર્તા : કેવી રીતે બની શકે ?

દાદાશ્રી : તમે ચિત્તની શક્તિ એક જગ્યાએ બરાબર મૂકો ને, એક જ વસ્તુ ઉપર, તો એ વસ્તુમાં ફેરફાર થઈ જાય. તે પછી ઘણા કાળ સુધી રહેવી જોઈએ. તમે એક વસ્તુ પર ચિત્તશક્તિને મૂકો ને, તો એ વસ્તુનું શુંનું શુંય કરી નાખે !

પ્રશ્શનકર્તા : એક જ વસ્તુનો સવાલ નથી, બધી વસ્તુઓ માટે થાય ને ?

દાદાશ્રી : હા, બધી વસ્તુનું થાય. અરે, માણસ હઉ ટાઢો થઈ જાય. ચિત્તશક્તિ એટલી બધી જબરજસ્ત શક્તિ છે ! પણ તે કોણ કરી શકે ? હ્રદયશુદ્ધિવાળા. બીજા લોકોનું ગજું નહીં.

 

(૭)

ઈન્ટરેસ્ટવાળી અટકણો

રસ, નીરસ, સરસ ત્યાં ચોંટે ચિત્ત !

પ્રશ્શનકર્તા : ચિત્ત શુદ્ધ થયા પછી અંતરાત્મા જે જ્ઞાન પ્રાગટ્ય કરે છે, એમાં બાહ્ય આવરણોથી મુક્ત રાખે છે. એટલે મન જે છે એ એકદમ બાહ્ય વિચારો તરફ ઝૂકતું નથી પણ આંતરિક વિચારો તરફ વધારે પડતું ઢળે છે.

દાદાશ્રી : એ મન નથી પણ ચિત્તવૃત્તિઓ છે. આ જ્ઞાન પછી વૃત્તિઓ પાછી ફરવા માંડે છે. જે વૃત્તિઓ પહેલાં બહાર જતી'તી, એ વૃત્તિઓ પાછી અંદર આવે. ભટકવા ગયેલી હોય તેય વૃત્તિઓ બધી પાછી આવે.

પ્રશ્શનકર્તા : નીરસતા અને ઉદાસીનતા થાય તો ચિત્તવૃત્તિ પાછી વળી છે એવું કહેવાય ? એની નિશાની છે ?

દાદાશ્રી : હા, અને ચિત્તવૃત્તિ પાછી નહીં વળી હોય તોય વળશે. નીરસતા અને ઉદાસીનતા એ શરૂઆત છે. હવે રસ રહ્યો નથી, 'ઈન્ટરેસ્ટ'(રસ) ઓછો થવા માંડ્યો છે. પછી 'ડિસ્ઈન્ટરેસ્ટ' ન થઈ જવો જોઈએ. આમાં 'ઈન્ટરેસ્ટેડ' હતા, તે પાછા આમ 'ડિસ્ઈન્ટરેસ્ટ' થયા, એટલે આ ખાડામાં પડ્યા. 'ઈન્ટરેસ્ટેય' નહીં ને 'ડિસ્ઈન્ટરેસ્ટેય' નહીં. એટલે 'ઈન્ટરેસ્ટ', 'ડિસ્ઈન્ટરેસ્ટ'થી પર થવાનું છે. 'ઈન્ટરેસ્ટ' કરીને શું સ્વાદ પડ્યો કોઈ દહાડો ? આટલી જિંદગી ગઈ, 'ઈન્ટરેસ્ટ' પડ્યો હશે, એમાં મજા આવી બરોબર ? આ તો ઉપર વજન બધું લટકેલું છે, ક્યારે પડશે એ કહેવાય નહીં ને નીચે ખાવા બેસીએ એના જેવું આ ભોગવવાનું. પેલા અષ્ટાવક્ર મુનિ જમવા બેઠા હતા ને, એવી દશા છે આપણી આ !

ચિત્તવૃત્તિઓ જો પાછી ફરવા માંડી ત્યારે મન શું કરે ? મન 'એક્ઝોસ્ટ' થયા કરે. તે અમારું ખાલી થયેલું મન કેવું સુંદર છે ! ખાલી થયેલું એટલે થોડુંક જ મન હોય. ક્ષણવાદી, ક્ષણનો પ્રયોગ કરનારું હોય અને તમારે તો ગોળ ઉપર માખ ભમ્યા કરે ને એવું. થોડીવાર પા-અડધો કલાક ભમ્યા જ કરે. કોઈએ કશું કહ્યું ના હોય તોય ભમ્યા કરે. અને મારે તો કોઈ કશું કહી ગયું હોય તોય ક્ષણવાદી મન, એટલે આગળ ચાલવા માંડે. એમાં 'ઈન્ટરેસ્ટ' નહીં એટલે પછી મન તો આગળ ચાલ્યા જ કરે. આ તો 'ઈન્ટરેસ્ટ' અને 'ડિસ્ઈન્ટરેસ્ટ'વાળા, ત્યાં આગળ મન માખની પેઠ ભમ્યા કરે.

પ્રશ્શનકર્તા : દિવસોના દિવસો સુધી ભમ્યા કરે ?

દાદાશ્રી : દિવસોના દિવસો સુધી ? મારે હઉ થયેલા બધા પ્રયોગો, તે દહાડાના દહાડા જ ચાલ્યા જાય. આપણે જાણીએ કે આપણા હાથમાં શું આવ્યું આ ? એટલે પછી એમ થાય કે આ બધું જ કરીએ તે ખોટું છે. વાત સાચી જડી નહીં. જડી હોય તો આ દશા થાય નહીં. એટલે મન 'એક્ઝોસ્ટ' થઈ જાય પછી. ચિત્તવૃત્તિઓ પાછી આવી, પછી રહ્યું શું તે ? બુદ્ધિ બરાડા પાડતી બંધ થઈ જાય. કારણ કે મન 'એક્ઝોસ્ટ' થાય, તેમ તેમ 'ઈગોઈઝમ' ઉતરતો જાય. પેલો મૂળ જીવતો 'ઈગોઈઝમ' જતો રહ્યો, પણ હજુ 'ડિસ્ચાર્જ' ઈગોઈઝમ છે ને, તે હલકો થતો જાય, હલકો ફૂલ થઈ જાય !

હવે ચિત્ત કોઈ જગ્યાએ જાય જ નહીં આપણું. એક દહાડો રવિવારને દહાડે બેસવું, તો ચિત્ત આઘુંપાછું ના થાય. એવું જો કદી એક કલાક જોયું, એવું જો આખો દહાડો રહે ને, એવું જો જિંદગીભર રહે, તો થઈ રહ્યું. અને જો ચિત્ત જાય તો એના કોઝિઝ ખોળી કાઢવાં કે શી એવી અભીપ્સા રહી ગઈ છે, તે આ ચિત્ત જાય છે ?

પ્રશ્શનકર્તા : એ તો તમે પેલા સિમ્પલ શબ્દોમાં એમ કહ્યું કે ઈન્ટરેસ્ટ હોય ત્યાં ચિત્ત જાય.

દાદાશ્રી : એ જ સ્તોને. જ્યાં જ્યાં હજુ ઈન્ટરેસ્ટ છે, ત્યાં ચિત્ત જાય. ઈન્ટરેસ્ટ અને ડિસ્ઈન્ટરેસ્ટ મટી ગયું એટલે ચિત્તવૃત્તિ બહાર નીકળે નહીં અને એ જ પરમાત્મા. આત્મા પ્રાપ્ત થયા પછી બધી વૃત્તિઓ પાછી ઘેર આવે અને ઘડીવાર ગઈ હોય તોય પણ પાછી ઘેર આવશે. એવું કોઈ દહાડો બને છે ?

પ્રશ્શનકર્તા : હજુ આ જે ચિત્તમાંથી વૃત્તિઓ ઉત્પન્ન થાય છે. ચિત્ત અને વૃત્તિનો સંબંધ એ બરોબર સમજાયો નહીં. ચિત્ત ચેતન છે અને વૃત્તિ અચેતન છે, એમ ?

દાદાશ્રી : ચિત્ત અને વૃત્તિ એક જ કહેવાય છે, વસ્તુ એક જ છે. અહીંથી અમુક વસ્તુનો જે ઈન્ટરેસ્ટ હોય, આપણને કેરીનો, એટલે ચિત્તવૃત્તિ અહીંથી માર્કેટે જાય. ચિત્ત અહીં હોય, ઘરમાં હોય ત્યાં સુધી ચિત્ત કહેવાય અને બહાર ફરવા માંડ્યું એટલે ચિત્તવૃત્તિ કહેવાય. એ પછી કેરીઓ જઈને જુએ ત્યાં આગળ ને પછી આપણને કહે કે કેરીઓ લેવા જેવી છે. તે પછી આપણે મહીં મૂંઝાઈએ. પછી મન પકડી લે. પછી બુદ્ધિ પકડી લે. પછી ડિસિઝન (નિર્ણય) આવી જાય. પણ પહેલું ચિત્ત ખોળી કાઢે બધું. કારણ કે ચિત્ત જોઈને બોલે છે.

પ્રશ્શનકર્તા : પણ આ જે વૃત્તિ આપણે કહીએ છીએ ને, તો આ સંજોગ મળતાં મનની ગાંઠો જે ફૂટે છે, એ વૃત્તિ કહેવાય ?

દાદાશ્રી : ના, એ તો પછી મનોવૃત્તિ બોલવી હોય તે બોલે. પણ મનોવૃત્તિઓ કહેવા જેવુંય નહીં. વૃત્તિઓ ચિત્તને લાગુ થાય છે.

તપાસવી, મહીંલી મૂર્છાઓ...

પ્રશ્શનકર્તા : ચિત્તવૃત્તિ અંદર સ્થિર રહે એના માટે શું કરવાનું ?

દાદાશ્રી : હા, પણ ચિત્તવૃત્તિ કેમ બહાર જાય છે તેની તપાસ તો આપણે કરીએ ને કે ભાઈ, આપણને સાડીની કંઈ પડેલી નથી. તો શેની પડેલી છે ? શામાં 'ઈન્ટરેસ્ટ' રહ્યો છે હવે ? ત્યારે કહે, 'અમુક જાતમાં.' તે કંઈ પણ 'ઈન્ટરેસ્ટ' હોય તો ચિત્ત બહાર ભટકે, નહીં તો ચિત્ત એના ઘરમાં જ બેસે. તમારે હવે શામાં 'ઈન્ટરેસ્ટ' રહ્યો છે ? બધું આઘુંપાછું કરી નાખ્યું, હવે શામાં 'ઈન્ટરેસ્ટ' રહ્યો, એ મને કહો ને ! આમ તો 'ચંદુભાઈ' શું કરે છે તેને 'તમે' જુઓ એવા છો, તો પછી હવે 'તમારે' શેને માટે 'ઈન્ટરેસ્ટ' રહ્યો, એ કહો.

પ્રશ્શનકર્તા : એવો કંઈ ખાસ 'ઈન્ટરેસ્ટ' રહ્યો નથી.

દાદાશ્રી : એ 'ઈન્ટરેસ્ટ' હોય તો એનું પ્લસ-માઈનસ જોઈ લેવું કે આમાં ફાયદો છે કે ચિત્તવૃત્તિ ઘેર રહે તેમાં ફાયદો છે ? આ ચિત્તવૃત્તિ સાસરે રહે તેમાં ફાયદો છે કે આપણે પિયર રહે ત્યાં ફાયદો છે ? સાસરે રહેશે ત્યાં સુધી દુઃખ થશે. આપણે કહીએ, પિયર આવતી રહે, બા !

તમામ શાસ્ત્રોનો સાર, ચિત્તવૃત્તિ ઘેર લાવવી તે. તમારે થોડીઘણી ચિત્તવૃત્તિ ઘેર આવી છે કે નથી આવી ?

પ્રશ્શનકર્તા : પહેલાં કરતાં સારી આવી છે.

દાદાશ્રી : હવે થોડીક બહાર ભટકે છે ?

પ્રશ્શનકર્તા : ક્યારેક ક્યારેક બહાર ભટકે છે.

દાદાશ્રી : પણ એના પ્રયત્નમાં છોને, પાછી વાળ વાળ કરો છોને ? જ્યાં ભટકે છે ત્યાં 'ઈન્ટરેસ્ટ' હશે એમ લાગે ને ?

પ્રશ્શનકર્તા : પહેલાં કરતાં 'ઈન્ટરેસ્ટ' ઓછા થઈ ગયા, એટલે પહેલાં જેવું નથી હવે.

દાદાશ્રી : બરોબર. પણ હવે ધ્યાનમાં રહે છેને કે અહીં થોડો ઘણો ઈન્ટરેસ્ટ છે માટે ત્યાં ચિત્ત રહે છે ? એ 'ઈન્ટરેસ્ટ' ઊડી ગયો એટલે ખલાસ થઈ ગયું ! તેથી હું કહું છું ને કે મારામાં ને તમારામાં ફેર શું ? આટલો જ ફેર છે. ત્યારે એ કહે, 'ઓહોહો ! એ તો હું ભાંગી નાખીશ.' ત્યારે ભાંગી નાખને, બા. સહેલો રસ્તો દેખાડી દઉં તને. નથી જપ કરવાના, નથી ત્યાગ કરવાનો, નથી બાયડી છોડવાની, નથી છોકરાં છોડવાનાં. બાઈડી ગાળો ભાંડે તેમાં ઈન્ટરેસ્ટ પડે કે ગાળ ના ભાંડે તેમાં 'ઈન્ટરેસ્ટ' પડે ?

પ્રશ્શનકર્તા : ના ભાંડે તેમાં.

દાદાશ્રી : એટલે એ 'ઈન્ટરેસ્ટ' પડ્યો પાછો. અમને તો એય 'ઈન્ટરેસ્ટ' નથી રહ્યો.

પ્રશ્શનકર્તા : પણ દાદા, આપ પૂછો છો કે ઈન્ટરેસ્ટ છે તમને ? ત્યારે અમે એમ કહીએ કે ના, નથી. અને આપ આવું કહો. એટલે અમને એમ લાગે કે અમે તો કેવું બધું બોલીએ છીએ ? મૂરખ બનીએ છીએ.

દાદાશ્રી : મૂરખ બનવાનો સવાલ નથી. વાત આપણે એમ છે કે 'તમને સ્ત્રી ગાળો ભાંડે છે એમાં 'ઈન્ટરેસ્ટ' પડે છે ?' ત્યારે કહે, 'ના, નથી પડતો !' તો એ સારી રીતે બોલાવે છે તેમાં 'ઈન્ટરેસ્ટ' પડે છે ? ત્યારે કહે, 'હા, પડે છે.' તે 'ઈન્ટરેસ્ટ' છે ત્યાં સુધી વૃત્તિઓ બહાર છે. એટલે આપણને સારું બોલે કે આટલી ગાળો આપે, તે કોને આપે ? એ 'ચંદુભાઈ'ને આપે, એ કંઈ 'તમને' આપનાર છે ? 'યુ આર સેફ, એવર સેફ (કાયમ સલામત) ! હું 'તમને' 'સેફ' કરી આપું. તમને આ બધી જ ચીજોથી 'સેફ' કરી આપું. પછી વાંધો આવે તમને ? 'ઈન્ટરેસ્ટ' છે આ, ખબર પડે કે ના પડે ? અને આમ તો બધું જોવા જઈએ તો કહે, ''હવે કશો 'ઈન્ટરેસ્ટ' નથી રહ્યો.''

ખેંેંચાય ચિત્ત, રસીલાં ભણી !

સાડીમાં લોકો ખોવાઈ જાય કે ના ખોવાય ? કેટલાની ત્રણ-ત્રણ હજારની, પાંત્રીસસોની હોયને ? મને તો, 'દાદા ભગવાન' એટલે લોકો સાડીઓનાં કારખાનામાં જાણીજોઈને પગલાં પાડવા માટે બોલાવડાવે. મને કહે કે અમારાં કારખાનામાં પગલાં પાડો. હવે પગલાં પાડે એટલે માલ જોવો પડે, તે પોત જોવું પડે, અમથું દેખાવનું. એના મનમાં સારું લાગે એટલા માટે આમ ફેરવી ફેરવીને જોઉં. દેખાવ, ખાલી દેખાવ કરું. એના મનને આનંદ થાય એટલા માટે ખાલી ડ્રામા, કપટ નહીં, ડ્રામા જ કરવાનો. પછી હું પૂછું કે 'આ સાડી કેટલાની ?' ત્યારે કહે, 'પીસ્તાળીસસો રૂપિયાની સાડી, મોટાં મહારાણી માટે બનાવી છે.' ત્યારે મેં તોલ કાઢ્યો કે, 'જો સાડી પીસ્તાળીસસોની, તો મહારાણીની કિંમત કેટલી હશે ?'

કેવી ચિત્તવૃત્તિઓ છે ? તેમાં પીસ્તાળીસસોની સાડી તો કોઈક જ દહાડો પહેરે. જો રોજ પહેરીને ઘસી ઘસીને ફાડી નાખતી હોય તો હું જાણું કે પીસ્તાળીસસો વસૂલ થયા. પણ આ સાડી તો મહીં બેઠી બેઠી એમ ને એમ સડી જવાની. અને છ મહિને એક ફેરો કાઢે ! અને પછી પોતે જ અરીસામાં જો જો કર્યા કરે. કોઈ બાપોય જોવા નવરો નથી. એ જાણે કે મને લોકો જોશે હવે. લોક ચિંતાવાળા છે. જો ચિંતા ના હોય ને તો જુએ બિચારાં. લોકોને તો નાટક જોવામાં વાંધો નથી પણ ચિંતાવાળા, તે શી રીતે જુએ તે ? પોતાની ચિંતામાં આખો હોય કે આવું જોવા નવરો હોય ?

એટલે આ 'ઈન્ટરેસ્ટ' હશે ત્યાં આગળ ચિત્તવૃત્તિ જશે અને 'ડિસ્ઈન્ટરેસ્ટ' હશે ત્યાંય ચિત્તવૃત્તિ જશે. જ્યાં 'ડિસ્ઈન્ટરેસ્ટ' થયો કે ત્યાંય ચિત્તવૃત્તિ જશે. માટે 'ડિસ્ઈન્ટરેસ્ટ'ય નહીં ને 'ઈન્ટરેસ્ટ'ય નહીં. હવે બાઈ ઠપકો આપે ત્યારે કોઈ કહેશે, 'તમને આ નથી ગમતું ?' ત્યારે કહીએ, 'ના બા, જે આપે તે ગમે !' તો પેલુંય ગમે છે, ના આપે તો આય ગમે. એ તો રોજ લાડવા હોતા હશે ? અને કો'ક દા'ડો ખીચડી મૂકે કે ના મૂકે ? ખીચડી ને શાક બે જ. એવું છે આ બધું.

પ્રશ્શનકર્તા : ચિત્તવૃત્તિઓ પાછી ક્યારે વળે ?

દાદાશ્રી : 'ઈન્ટરેસ્ટ' એમાંથી જાય ત્યારે. એનો શા માટે 'ઈન્ટરેસ્ટ' પડ્યો છે ? શું એમાં ઈન્ટરેસ્ટ રાખવા જેવો છે કે બીજી કોઈ વસ્તુમાંય રાખવા જેવો છે ? એનું સરવૈયું કાઢીએ એટલે તરત ખબર પડે.

 

(૮)

અતૃપ્ત ચિત્ત અનાદિથી, વિષય સુખથી !

વિકારમાં નિર્વિકારે વીર્ય ઊર્ધ્વગામી !

દાદાશ્રી : પ્રકૃતિ અને કુદરતમાં શું ફેર ?

પ્રશ્શનકર્તા : પ્રકૃતિ અને કુદરતમાં ફેર નહિ, દાદા ? પોતાની પ્રકૃતિ અને કુદરત એ જુદી ને ?

દાદાશ્રી : પ્રકૃતિ એ કુદરત જ ગણાય છે. પણ આ પ્રકૃતિ જુદી જુદી ખરીને, એટલે જુદું જુદું કહેવાય. પેલું કુદરત ભેગી હોય. પેલો મહાસાગર કહેવાય ને આ નદીઓ કહેવાય.

પ્રશ્શનકર્તા : વ્યવહાર માત્ર એ કુદરત જ છે ને ?

દાદાશ્રી : હા, તે કુદરત જ ને ! એ કુદરતની બહાર નથી.

પ્રશ્શનકર્તા : તો પછી આ બ્રહ્મચર્યની વાતો કરે છે, એ અકુદરતી નથી થતું ?

દાદાશ્રી : અકુદરતી કરવાની જરૂર એટલા માટે છે કે આ વિષય એ એવી વસ્તુ છે કે મનને અને ચિત્તને જે રીતે જતું હોય, તે રીતે નથી રહેવા દેતું ને એક ફેરો આમાં પડે કે આની મહીં આનંદ માનીને ઊલટું ચિત્તનું ત્યાં જ જવાનું વધી જાય છે. અને 'બહુ સરસ છે, બહુ મઝાનું છે' એમ માનીને નર્યા પાર વગરનાં બીજ પાડે છે.

પ્રશ્શનકર્તા : કેટલાકને તો આમાં રુચિ જ નથી હોતી. રુચિ ઉત્પન્નેય નથી થતી અને કેટલાકને એ રુચિ વધારે પડતી પણ હોય છે. એ પૂર્વનું જ લઈને આવેલો છે ને ?

દાદાશ્રી : એ વિષય એકલો જ એવો છે કે એમાં બહુ લોચા વળી જાય છે. એક ફેરો વિષય ભોગવ્યો કે પછી એનું ચિત્ત ત્યાંનું ત્યાં જ જવાનું.

પ્રશ્શનકર્તા : પણ એ પૂર્વનું લઈને આવેલો હોય ને એવું ?

દાદાશ્રી : પણ એનું ચિત્ત ત્યાંનું ત્યાં જ જતું રહે, એ પૂર્વનું લઈને નથી આવ્યો. પછી ચિત્ત એનું છટકી જ જાય છે, હાથમાંથી ! પોતે ના કહે તોય છટકી જાય. એટલા માટે આ છોકરાઓ બ્રહ્મચર્યના ભાવમાં રહે તો સારું પણ આ છોકરાંઓ, જો એક જ ફેરો વિષયને અડ્યા હોયને, તે પછી રાત-દહાડો એનાં એ જ સ્વપ્નાં આવે.

પ્રશ્શનકર્તા : અને આ જે સાથે સૂવાની પ્રથા છે, એ અમુક પ્રથાઓ જ ખોટી છે ?

દાદાશ્રી : એ બધી પ્રથાઓ ખોટી છે. આ તો સમજણવાળી પ્રજા નહિને, તે ઊંધું ઘાલી દીધું છે બધું ! પછી છોકરા-છોકરીઓ એમ જ માની લે છે કે આ પ્રમાણે હોય જ, આ જ મુખ્ય વસ્તુ છે તેય જો સ્ત્રીને એના ધણીમાં જ ચિત્ત કાયમ રહેતું હોય તો વાંધો નથી.

પ્રશ્શનકર્તા : પણ તે કાયમ રહેતું નથી ને ?

દાદાશ્રી : અરે, બીજું જુએ છે ત્યારે પાછો ડખો કરે છે. એટલે ભાંજગડ છે. તે મૂળમાંથી ઉડાડી દેવા જેવી વસ્તુ છે. એનાથી જ બધો સંસાર ઊભો રહ્યો છે. વિકારમાં 'નિર્વિકાર' થતાં આવડે નહિ. વિકારમાં નિર્વિકાર થતાં જો આવડે તો એનું વીર્ય બધું ઊર્ધ્વગામી થાય.

પ્રશ્શનકર્તા : હા, પણ વિકારમાં નિર્વિકારી થવું એ કંઈ રમત વાત નથી.

દાદાશ્રી : એ રમત વાત નથી ને, છતાં જ્ઞાની પુરુષની આજ્ઞાથી વિકારમાં નિર્વિકાર રહી શકાય એવું છે, નહિ તો આજ્ઞા શી રીતે અપાય ? જે બનવાનું છે, એને છોડાય શી રીતે ?

પ્રશ્શનકર્તા : 'જ્ઞાની પુરુષ'ની આજ્ઞા કરતાંય વિષયનો ફોર્સ બહુ જબરો હોય છે ને ? એટલે એ આજ્ઞા-બાજ્ઞા બધું ફેંકી દે ને ?

દાદાશ્રી : ના, પેલાનો નિશ્ચય હોય તો અમારી આજ્ઞા એને કામ કર્યા કરે. ઘણા માણસોને કામ કરે છે.

મન ભાવન ત્યાં ચિત્ત ચોંટણ !

એક છોકરી હોય, એણે બહાર દુકાને એક સાડી લટકતી જોઈ. હવે, એ શું કહેશે કે 'પપ્પાજી, આ કેવી સુંદર સાડી છે !' એટલે આપણે સમજી જઈએ કે બેનની દાનત ખોરી છે. ત્યારે આપણે કહીએ, 'હા બેન, સાડી બહુ સારી છે.' હવે એ બેનનું ચિત્ત એ સાડીમાં જાય એટલે બેન પછી મૂર્છિત થઈ જાય. એનું ચિત્ત સાડીમાં ખોવાઈ જાય ને ચિત્ત ખોવાયું એટલે એની મૂર્છિત દશા થઈ જાય. પછી એ બેન ઘેર આવે તો પણ બે ચિત્ત ફર્યા કરે. બે ચિત્ત કેમ દેખાય છે ? ત્યારે કહે, 'ચિત્ત પેલી સાડીમાં રહી ગયું છે.' સાડી જોઈ ત્યારથી જ ચિત્ત સાડીમાં વળગ્યું છે. પછી એ બેન અહીં ઘેર બેસી રહે. લોક કહેશે, 'આ બેનને શું થઈ ગયું હશે ?' મારા જેવો કો'ક હોય તે સમજી જાય કે આ બેન એનું ચિત્ત ત્યાં આગળ ભૂલી ગયાં છે. એ બેનને પણ સમજણ ના પડે કે મને શાથી આવું થાય છે. આ ભ્રાંતિ એવી વસ્તુ છે કે પોતાને સમજવા દેતી નથી. અમને તો બધું ફોડવાર સમજાય કે આ બેનને શું થયું છે ? એને શું રોગ છે ? ક્યાંથી રોગ પેઠો છે ? ભૂલેશ્વરના બજારમાં ગયા ત્યાર પહેલાં આ રોગ નહોતો. ભૂલેશ્વરનાં બજારમાં પેઠેલા ત્યાર પછીથી આ રોગ પેઠો છે. હું એ બેનને કહું પણ ખરો, તારે આમ થયું છે. ત્યારે એ બેનને સમજાય પાછું.

હવે આ તો સાડીની વાત થઈ. પણ કોઈ માણસે દુકાનમાં હાફૂસની કેરી જોઈ તો ત્યાં એનું ચિત્ત ખેંચાય. અરે, કેટલીક જગ્યાએ તો ચિત્ત એવું ખેંચાય છે કે આપણે આંબાવાડિયે ગયા હોઈએ ને આંબાના ઝાડ પર ઉનાળામાં આવડી આવડી કેરીઓ લટકતી-હાલતી દેખી તો દેખતાંની સાથે મોઢામાં ખટાશ હઉ અનુભવે. અરે, કેરી નથી ખાધી તે પહેલાં ખટાશ આવે ? ત્યારે જુઓ, આ આત્માની હાજરીથી કેટલી કેટલી જાતના પર્યાયો ઊભા થાય છે અને અનંત પ્રકારના પર્યાયો ફર્યા કરે છે !

અમે તો એવો અનુભવ કરેલો છે. કારણ કે એક બાજુ તાપ, ઉપર કેરી હાલતી દેખાય, તે આપણે ખાઈએ તે પહેલા ખટાશ આવી જાય મોઢામાં. નાનપણમાં હું કોઈ પણ ચીજને સ્ટડી કર્યા વગર જવા દેતો નહીં. હું ભણતો નહોતો, હું સ્ટડી કરતો'તો.

કોઈ માણસને પોતાને ઘેર સ્વરૂપવાન સ્ત્રી છે, છતાં એણે રસ્તામાં કોઈ એક સ્ત્રી જોઈ. જેમ પેલી બેનનું ચિત્ત સાડીમાં રહી ગયું તેવું આ ભાઈનું ચિત્ત સ્ત્રી દેખીને એમાં રહી જાય છે. એટલે એને મૂર્છિત થઈ ગયો કહેવાય. મૂર્છિત થઈ ગયો એટલે એનામાં શું શક્તિ રહે પછી ? મૂર્છિત થઈ ગયો એટલે એ અને દારૂડિયો બેઉ સરખા થઈ ગયા. એમાં પછી કશી બરકત આવે નહીં.

ચિત્ત ડોલે, મુરલી સામે સર્પ જ્યમ !

હું શું કહેવા માગું છું કે જગત આખામાં ફરો, કોઈ પણ વસ્તુ તમારા ચિત્તને હરણ ના કરી શકે તો તમે સ્વતંત્ર છો. કેટલાંય વર્ષથી મારા ચિત્તને મેં જોયું છે કે કોઈ ચીજ હરણ કરી શકતી નથી. એટલે પછી મારી જાતને હું સમજી ગયો, તદ્દન સંપૂર્ણ સ્વતંત્ર થયો છું. મનમાં ગમે તેવા ખરાબ વિચાર આવે તેનો વાંધો નથી પણ ચિત્તનું હરણ ના જ થવું જોઈએ.

પ્રશ્શનકર્તા : ખરાબ વિચાર આવે છે તે પણ ચિત્ત વગર આવે છે ?

દાદાશ્રી : હા, ચિત્તને અને વિચારને કશી લેવાદેવા નથી.

પ્રશ્શનકર્તા : એમ માનો ને, મને બહારની કોઈ વસ્તુનો વિચાર આવ્યો તો એ બહારની વસ્તુ આપણા ચિત્તનું હરણ કરે છે, એ થયું કે ના થયું ?

દાદાશ્રી : ના, એ બે વસ્તુનું બેલેન્સ નથી. આ હોય તો આ હોવું સંભવે એવું નથી. બનતાં સુધી હોય, પણ આ હોય તો આ હોય જ એવું નથી. ઘણા ફેરો વિચાર એકલા હોય, ચિત્તનું હરણ ના ય થયું હોય. ઘણા ફેરો ચિત્ત ગયું હોય અને વિચારમાં ના હોય. એમ હોય ને એ ના પણ હોય.

પ્રશ્શનકર્તા : ચિત્તનું હરણ ક્યારે થયું કહેવાય કે જ્યારે આપણે ચિત્ત ઉપર આપણો કંટ્રોલ ગુમાવી બેસીએ ત્યારે ?

દાદાશ્રી : મૂર્છિત થઈ જાય. પેલી બાઈને ઘેર આવીને સાડી યાદ આવી એટલે એનું ચિત્ત ત્યાં સાડીમાં છે અને ચિત્ત ત્યાં રહ્યું એટલે એનું મન અહીં કૂદાકૂદ કરે. કારણ કે આખી પાર્લામેન્ટ તૂટી કે મન કૂદાકૂદ કરે, બુદ્ધિ બૂમાબૂમ કરે. બધું આખું ઘોર અંધકાર થઈ જાય અને પેલી બાઈ મૂર્છિત થઈ જાય. એવો પેલો ભાઈ પણ મૂર્છિત થઈ જાય.

વિષય ત્યાં ધ્યાન ચ્યૂત !

તને એવો અનુભવ છે કે અબ્રહ્મચર્ય થાય ત્યારે ધ્યાન બરાબર રહેતું નથી ?

પ્રશ્શનકર્તા : ચિત્ત જો સહેજ પણ વિષયનાં સ્પંદનોને ટચ થયેલું હોય, તે સ્થૂળમાં નહીં પણ સૂક્ષ્મમાં પણ થયું હોય, તો કેટલાય કાળ સુધી પોતાની સ્થિરતા ના રહેવા દે. અને ચિત્ત એને અડીને પાછું છૂટી ગયું હોય તો પોતાની સ્થિરતા જાય નહીં.

દાદાશ્રી : અમારું ચિત્ત કેવું હશે ? એ કોઈ દહાડો સ્થાનમાંથી છૂટ્યું જ નથી ! અમે બોલીએ ત્યારે નિરંતર આમ મોરલીની પેઠે ડોલ્યા કરે. ત્યારે ચિત્ત પ્રસન્નતા ઊભી થાય. નહિ તો મોઢું ખેંચાઈ ગયેલું હોય, જીભેય ખેંચાઈ ગયેલી હોય. લોકો તો આંખો વાંચીને કહી દે કે આ ખરાબ દ્ષ્ટિવાળો છે. ઝેરીલી દ્ષ્ટિ હોય, તેનેય લોક કહી દે કે આની આંખમાં ઝેર છે. એવી જ રીતે આંખમાં વીતરાગતા છે, એ પણ સમજી શકે છે. લોક બધું સમજી શકે એમ છે, પણ દાળ-ભાત-રોટલી-શાક ખાઈને વિચારે તો ! પણ ખાઈને સૂઈ જાય તો ના સમજે.

માણે આનંદ અહંકાર !

ચિત્ત ચેતન છે, એ જ્યાં જ્યાં ચોંટ્યું ત્યાં ત્યાં ભટક ભટક કર્યા કરવું પડે.

પ્રશ્શનકર્તા : ચિત્ત જ્યાં ને ત્યાં નથી ઝલાઈ જતું, પણ એક ઠેકાણે ઝલાયું તો તે આગલો હિસાબ છે ?

દાદાશ્રી : હા, હિસાબ છે તો જ ઝલાય, પણ આપણે હવે શું કરવું ? પુરુષાર્થ એનું નામ કહેવાય કે હિસાબ હોય ત્યાંય ઝલાવા ના દે. ચિત્ત જાય પણ ધોઈ નાખે તો એ અબ્રહ્મચર્ય નથી કહેવાતું. ચિત્ત જાય ને ધોઈ ના નાખે તો એ અબ્રહ્મચર્ય કહેવાય. આપણા કવિરાજે ગાયું છે ને, 'માટે ચેતો મન, બુદ્ધિ, નિર્મળ રહેજો ચિત્તશુદ્ધિ.' કવિ શું કહે છે ? મન, બુદ્ધિને ચેતવે છે. હવે આપણે ચિત્તવૃત્તિ નિર્મળ રાખવા શું કરવું પડે ? આજ્ઞામાં રહેવું પડે ! અમારું ચિત્ત સંપૂર્ણ શુદ્ધ રહે, એટલે પછી કશું અડેય નહિ ને નડેય નહિ. તમે જેમ જેમ આજ્ઞામાં રહેતા જશો. તેમ તેમ પહેલાનું જે અડ્યું હોય, જેમ ચંદ્રગ્રહણ લખેલું હોય છે તે આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી, એટલે આઠ વાગે શરૂ થાય પછી એક વાગ્યા પછી, ફરી ચંદ્રનું ગ્રહણ નથી, એવું આજ્ઞામાં રહ્યા કરે એટલે જે ગ્રહણ થઈ ગયેલું છે તે છૂટી જાય અને પછી નવું જોખમ ઊડી જાય. એટલે પછી વાંધો નહિ ને !

પ્રશ્શનકર્તા : વિષયનો આનંદ અને કષાયનો આનંદ જે થાય છે એ શેમાં થાય છે ? ચિત્તમાં થાય કે મનમાં થાય છે ?

દાદાશ્રી : એ તો ચિત્તમાંય નથી થતો ને મનમાંય નથી થતો. એ તો ખાલી અહંકાર ભોગવે છે. અહંકાર માને છે કે હવે મઝા આવી. હવે ટેસ્ટ આવ્યો. બીજું કશું જ બગડતું નથી ને કશું થતુંય નથી. આ અહંકારનું જ બધું ગાંડપણ છે.

પ્રશ્શનકર્તા : દાદા, એનો અર્થ એ થયો ને કે વિષયનો આનંદ આવ્યો એવું જે કહે છે એ અહંકાર છે ને ?

દાદાશ્રી : અહંકાર જ ભોગવે છે આ બધું. કેરીનો રસ મોઢામાં મૂક્યા પછી મહીં ટેસ્ટ આવે ત્યારે તપાસ કરીએ કે આ ટેસ્ટ કોણ ચાખે છે ? અહંકાર બધું ભોગવે છે આ. અહંકારને શાથી આમાં ટેસ્ટ પડ્યો ? અહંકારે ભાવના કરી હતી કે મારે આ જોઈએ છે, મારે આવું જોઈએ છે. તે પ્રાપ્ત થયું, એટલે એ આનંદમાં આવી ગયો ને આનંદમાં આવ્યો એટલે પછી એને મસ્તી લાગે. બાકી આ તો બધું અહંકારનું જ છે. બીજું મન, બુદ્ધિ, ચિત્ત એ તો બધા એને 'હેલ્પર' છે. જે છે તે અહંકારને છે. અરે, ઉનાળાનો સખત તાપ હોય ને પંખો ફરતો હોય ત્યારે મનમાં એમ લાગે કે ઓહોહો ! સુખ તો બધું અહીંથી જ આવે છે ને ! આ સ્પર્શ વિષયનાં સુખ ભોગવે એ પણ અહંકાર ભોગવે છે, બીજું કોઈ નહીં.

પ્રશ્શનકર્તા : અને આ દુઃખ એ અહંકાર ભોગવે છે ?

દાદાશ્રી : એવું છે ને, અહંકાર કશું ભોગવતો નથી. અહંકાર એટલું જ કહે છે કે મને ઘણું દુઃખ પડ્યું, એવો અહંકાર જ કરે છે. પણ એને દુઃખ પડતું નથી. 'વિષય મેં ભોગવ્યો' એવો એ અહંકાર જ કરે છે. એ વિષય ભોગવતો જ નથી. ઈગોઈઝમ કરે છે એટલું જ. અલ્યા, તું ભોગવતો નથી તો શું કામ ભોગવ્યાનો ઈગોઈઝમ કરે છે ? શું ઈગોઈઝમ કરવા માટે અહીં પડી રહ્યો છું ? બસ, ભોગવ્યાનો અહંકાર જ કરે છે. હવે વસ્તુસ્થિતિમાં અહંકાર એ સૂક્ષ્મ છે અને વિષયો સ્થૂળ છે. સૂક્ષ્મ સ્થૂળને કેવી રીતે ભોગવે ? બેઉનો સ્વભાવ જુદો છે અને અહંકારનો અર્થ શો કે 'મેં ભોગવ્યું, અહમ્-કાર', એટલું જ બોલે, બીજું કશું જ નહીં. પછી તે સુંદર રીતે ભોગવ્યું કે અસુંદર રીતે ભોગવ્યું.

ત્યાં મન નહીં પણ ચિત્ત !

જે ચિત્તને ડગાવે એ બધા જ વિષય છે. જ્ઞાનની બહાર જે જે વસ્તુમાં ચિત્ત જાય છે એ બધા જ વિષય છે.

પ્રશ્શનકર્તા : આપે કહ્યું કે વિચાર ગમે તે આવે તેનો વાંધો નથી પણ ચિત્ત ત્યાં જાય તેનો વાંધો છે.

દાદાશ્રી : હા, ચિત્તની જ ભાંજગડ છે ને ! ચિત્ત ભટકે એ જ ભાંજગડ ને ! વિચાર તો ગમે તેવા હશે એ વાંધો નહીં પણ ચિત્ત આ જ્ઞાન મળ્યા પછી આઘુંપાછું ના થવું જોઈએ.

પ્રશ્શનકર્તા : વખતે એવું થાય તો એનું શું ?

દાદાશ્રી : આપણે ત્યાં આગળ 'હવે એવું ના થાય' એવો પુરુષાર્થ માંડવો પડે. પહેલાં જેટલું ચિત્ત જતું હતું, એટલું જ હજુ પણ જાય છે ?

પ્રશ્શનકર્તા : ના, એટલું બધું સ્લીપ થતું નથી, છતાં એ પૂછું છું.

દાદાશ્રી : ના, પણ ચિત્ત તો જવું જ ના જોઈએ. મનમાં ગમે તેવા ખરાબ વિચાર આવશે તેનો વાંધો નહિ. એને ખસેડ ખસેડ કરો. એની જોડે વાતચીતનો વ્યવહાર કરો, કે ફલાણો ભેગો થઈ જશે તો ક્યારે એ કરશો ? એના માટે લારીઓ, મોટરો ક્યાંથી લાવીશું ? અગર તો સત્સંગની વાત કરીએ. એટલે મન પાછું નવા વિચાર દેખાડશે.

સૌથી વધુ ફસામણ, વિષયમાં !

પૂર્વે જે પર્યાયોનું ખૂબ વેદન કર્યું હોય તે અત્યારે વધારે આવે. ત્યારે ચિત્ત ત્યાં જ ચોંટી રહે. જેમ જેમ એ ચોંટ ધોવાતી જાય તેમ તેમ ત્યાં પછી ચિત્ત વધારે ના ચોંટે અને છૂટું પડી જાય. અટકણ આવેને ત્યાં જ ચોંટેલું રહે. ત્યારે આપણે શું કહેવું ? તારે જેટલા નાચ કરવા હોય એટલા કર. હવે 'તું જ્ઞેય ને હું જ્ઞાતા', આટલું કહેતાંની સાથે જ એ મોઢું ફેરવી નાખશે. એ નાચે તો ખરંુ, પણ એનો ટાઈમ હોય એટલી વાર નાચે. પછી જતંુ રહે. આત્મા સિવાય આ જગતમાં બીજું કંઈ જ સરસ નથી. આ તો પૂર્વે જેનો પરિચય કરેલો હોય, એ પહેલાંનો પરિચય અત્યારે ડખો કરાવે છે.

વધારેમાં વધારે ચિત્ત ફસાય શેમાં ? વિષયમાં. અને ચિત્ત ફસાયું એટલું ઐશ્વર્ય તૂટી ગયું. ઐશ્વર્ય તૂટ્યું એટલે જાનવર થયો. એટલે વિષય એવી વસ્તુ છે કે એનાથી જ બધું જાનવરપણું આવ્યું છે. મનુષ્યમાંથી જાનવરપણું વિષયને લીધે થયું છે. છતાં આપણે શું કહીએ છીએ કે આ તો પહેલેથી સંઘરેલો માલ છે, તે નીકળે તો ખરો પણ ફરી નવેસરથી સંઘરો નહિ કરો એ ઉત્તમ કહેવાય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23