ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

ખંડ - ૫

અહંકાર

(૧)

અહંકારનું સ્વરૂપ

આરોપિત ભાવ એ અહંકાર !

પ્રશ્શનકર્તા : અહંકારની સાચી વ્યાખ્યા શું છે ?

દાદાશ્રી : અહંકારની સાચી વ્યાખ્યા જગત સમજ્યું નથી. લોકો સમજ્યા છે એ પ્રમાણ નથી. પોતાની ભાષામાં જ સમજે છે કે આ આને અહંકાર કહેવાય. આ પ્રમાણ નથી. દરેકની પોતપોતાની ભાષા જુદી હોય ને ? જ્યાં ને ત્યાં પોતે કહેશે કે હું સમજું છું, પણ એ ભગવાનની ભાષામાં નહીં ચાલે. જ્યાં આગળ ટેસ્ટ લેવાનો છે, ત્યાં એ કામ લાગે નહીં.

પ્રશ્શનકર્તા : ઈગોઈઝમ (અહંકાર) છે, એમ શેના પર મનાય ? મારામાં અહમ્ હોય તો હું માનું કે મારે તમારી પાસે સમજવાની જરૂર નથી. ઈગોઈઝમ હોય તો જ એવું થાય ને ?

દાદાશ્રી : ઈગોઈઝમ કોને કહે છે, એ તમે સમજ્યા નથી તેથી આવું કહો છો. હું તમને સમજાવું. ઈગોઈઝમ એટલે શું ? આ તો લોકભાષાનો ઈગોઈઝમ તમે સમજ્યા. હું અહંકારને ઈગોઈઝમ કહું છું. તે અહંકાર તો દરેક જીવમાં હોય જ. ઈગોઈઝમ તમારામાં ખરો ને ? તમે એને ઓળખો ને ?

પ્રશ્શનકર્તા : ઈગોઈઝમ છે કે નહીં એ જ માણસ જાણી શકતો નથી. જાણે તો પછી ઉપાય કરી નાખે.

દાદાશ્રી : ઈગોઈઝમને લીધે જ અંધારંુ પડે છે. ઊલટો કંઈક પ્રકાશ હોય ને, તે ઈગોઈઝમને લીધે ખલાસ થઈ જાય છે. ઈગોઈઝમ છે એવું જાણે ત્યાર પછી તો એનો કંઈક ઉકેલ આવવા માંડે. પઝલ સોલ્વ થતું જાય. તમને ઈગોઈઝમ નહિ હોય એમ મને લાગે છે.

પ્રશ્શનકર્તા : છે.

દાદાશ્રી : તમારે હઉ ઈગોઈઝમ છે ? એ તો ક્યારે ખબર પડે ? વાઈફ જોડે લઢવાડ થાય તે ઘડીએ. એટલે અહંકાર શેને કહેવાય, એને જાણવો જોઈએ. અહંકાર એટલે શું ? એની ડેફિનેશન (વ્યાખ્યા) જાણવી જોઈએ. અહંકાર એટલે પોતે જે હોય તે પોતાને ખબર નહીં હોવાથી બીજા લોકોએ કહ્યું કે તમે આમ છો, તે આપણે માની લેવું. એ આરોપિત ભાવ એને અહંકાર કહેવાય. ચંદુભાઈ તમે નથી છતાં તમે આરોપ કરો છો કે 'હું ચંદુભાઈ છું'. જેમ મોરારજીભાઈ જેવો કોઈ માણસ હોય અને અત્યારે એના જેવાં કપડાં પહેરીને એ કહે કે, 'હું મોરારજીભાઈ છું', તો એનો ગુનો લાગુ પડે કે ના લાગુ પડે ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : ચંદુભાઈ તમે કહો છો તે એવા ગુનામાં સપડાયા છો, એની જવાબદારી શું આવે ? રાત્રે તમે ચંદુભાઈના નામથી સૂઈ જાવ છો તે વખતે, અને ઊઠો છો તે વખતે, આખો દહાડો ને આખી રાત તમારી ઉપર આરોપનામું ઘડાયા કરે છે ! પછી કહેશે, મેં ગુનો કર્યો ?

આનેય કહેવાય અહંકાર !

'હું ચંદુભાઈ છું' એ અહંકાર. પછી આ એક જ અહંકાર નથી. અહંકાર કેટલા બધા છે તે દેખાડું. પછી કહેશે, આ બેનનો ફાધર થઉં એ બીજો અહંકાર. પછી આ બઈનો ધણી થાઉં એ ત્રીજો અહંકાર, હું આટલા વર્ષનો છું એ ચોથો અહંકાર, હું શરીરે ફેટ છું એ પાંચમો અહંકાર, હું કાળો છું એ છઠ્ઠો અહંકાર, હું આનો દાદો થઉં એ સાતમો અહંકાર અને હું આનો મામો થઉં એ આઠમો અહંકાર. આનો ફૂવો થઉં, એ બધા કેટલાક અહંકાર હશે ? એટલે આરોપિત ભાવ એનું નામ અહંકાર અને મૌલિકભાવ એનું નામ નિર્અહંકાર. 'હું ગરીબ છું' એમ કહે ને, તે એનું શું કહેવાય ?

પ્રશ્શનકર્તા : અહંકાર.

દાદાશ્રી : પછી 'હું માંદો છું' એનું નામ અહંકાર, 'હું સાજો છું' એનું નામ અહંકાર, 'હું ડૉક્ટર છું' એનું નામ અહંકાર. પછી કહેશે, 'અમે શાહ', ઓહોહો ! ક્યારેય ચોરી ન કરી હોય એવા શાહ, શાહ કેવા હોય ? ચોપડાની ચોરી જ નહીં, પણ કોઈ જાતની ચોરી જ નહીં, એનું નામ શાહ ! એવું આ જગત છે. આ બધો ઈગોઈઝમ છે, અહંકાર છે. આ લક્ષણ આત્માનું નથી. આ જગત બધું અહંકાર ઉપર તો ઊભું રહ્યું છે. આવું તે ક્યાં સુધી ઊભું રહે છે ? 'હું કોણ છું' ભાન નથી થયું ત્યાં સુધી ઊભું રહે છે.

અને લોકો પહેલેથી જ, એય ચંદુલાલ શેઠનો છોકરો છે આ તો, ચંદુલાલ શેઠનો છોકરો એટલે છોકરો પણ મલકાયા કરે આમ. પછી થાય ફસામણ ! આ જગત તો ઉછેરતી વખતે એવા ખાડામાં નાખે છે ને, તે ફરી નીકળી જ ના શકે. એટલે આ જગત આવું ને આવું જ રહેવાનું. કાયમને માટે આવું રહેવાનું છે, તેમાંય મોક્ષે જયા કરશે નિયમથી જ.

અહમ્ એ નથી અહંકાર !

પ્રશ્શનકર્તા : આ અહમ્ કહે છે અને અહંકાર એ એક જ છે કે જુદું જુદું છે ?

દાદાશ્રી : જુદું જુદું છે. શબ્દો જ જુદા છે ને ?

પ્રશ્શનકર્તા : એનો ભેદ શું છે ?

દાદાશ્રી : કોઈ અહમ્ આત્મા કહે તો વાંધો નહીં, પણ અહંકાર આત્મા કહે તો ? શું થાય ? અહમ્નો વાંધો નથી, અહંકારનો વાંધો છે. અહમ્ એ અહંકાર નથી. અહમ્ બ્રહ્માસ્મિ, એમાં અહમ્ તો વપરાય છે ને ! કારણ કે અહમ્ તો હોવો જોઈએ, પણ શાનો ? પોતાના સ્વરૂપનો અહમ્ હોવો જોઈએ. જે નથી તેનો અહમ્ કેમ હોવો જોઈએ ? અહમ્ પોઈઝન નથી, અહંકાર પોઈઝન છે. અહમ્ એટલે હું.

પ્રશ્શનકર્તા : એને અસ્તિત્વપણું કહેવાય ?

દાદાશ્રી : હા, અસ્તિત્વ જ કહેવાય. એનંુ અસ્તિત્વ તો છે જ. અસ્તિત્વનું તો બધા જીવમાત્રને ભાન છે કે હું છું, પણ વસ્તુત્વનું ભાન નથી એને. 'હું શું છું' એ ભાન નથી એટલે અહંકાર ઊભો થયો. પોતાનું સ્વરૂપ છે ત્યાં 'હું છું' બોલવું એ અહંકાર નથી. આ સોનું છે તે એક દહાડો એને વાણી આપે કોઈ માણસ અને એ બોલે કે, 'હું સોનું છું', તો આપણે કહીએ કે 'અહંકાર કરે છે ?' કહીએ ખરા ? ના. અને લોખંડ બોલે કે 'હું સોનું છું' તો ? એટલે 'આપણે કોણ છીએ', એટલું જાણવું જોઈએ. 'હું ચંદુભાઈ છું' એ આરોપિત ભાવ છે. જ્યાં છે ત્યાં બોલે ને, તો અસ્તિત્વ તો છે જ તમારું. 'હું છું', એવો બોલવાનો તમને રાઈટ અધિકાર છે જ, પણ 'હું કોણ છું' ને 'હું શું છું' એ ભાન નથી.

પ્રશ્શનકર્તા : અહંકારમાંય પોતે તો છે જ ને ?

દાદાશ્રી : હા, પોતે છે, પણ પોતાપણું શું છે તે ખબર નથી એ વાત છે. તેને લીધે તો અનંત અવતારથી ભટકે છે. પોતે છે એ વાત નક્કી છે, પણ વસ્તુત્વ એટલે હું શું છું ? પોતાપણું શું છે ? હું ખરેખર કોણ છું ? એનું ભાન ના હોય. અને એનું ભાન થાય ત્યારે એની મેળે પૂર્ણત્વ થાય. આ તો અમારી પાસે રૂપરેખા બધી. એ તો રૂપરેખા તો લેવી જ પડે, પણ પૂર્ણત્વ થયા કરે પછી નિરંતર. વસ્તુનો સ્વભાવ છે એવો. એટલે 'પોતે કોણ છે' એવું જાણે અને પોતાના ક્ષેત્રમાં રહે ત્યારે નિર્અહંકાર કહેવાય.

સહુમાં અહંકાર સરખો જ !

આપણા લોક અહંકારને સમજતા જ નથી. અહંકાર શું કહેવાય ? અહંકાર તો જીવમાત્રને હોય. જ્યાં દેહાધ્યાસ ત્યાં અહંકાર હોય જ.

પ્રશ્શનકર્તા : કો'કનો વધારે વાગે એવો હોય.

દાદાશ્રી : ના, અહંકાર બધે સરખો જ હોય. વાગે એવો કે ના વાગે એવો હોય, એવું ના હોય. અહંકાર બીજી કોઈ વસ્તુ નથી. જ્યાં પોતે નથી ત્યાં પોતાપણું સ્થાપન કરવું, એટલા જ ભાગને અહંકાર કહેવામાં આવે છે. જ્યાં પોતે નથી ત્યાં પોતાપણાનો આરોપ કરવો, એનું નામ અહંકાર. જ્યાં 'હું' નથી ત્યાં 'હું' માનવું એ અહંકાર. કેટલા લોકો આવે એમાં ?

પ્રશ્શનકર્તા : બધા જ.

દાદાશ્રી : એક ફક્ત જ્ઞાનીઓ છૂટા રહ્યા આમાં. એટલે અહંકારમાં સંસાર જોડે કશું લેવાદેવા નથી, પણ પોતાના આરોપિત ભાવને જોડે છે એ. એ તો બધું આખું જગત એમાં હોય.

પ્રશ્શનકર્તા : અહંકાર ઓછો-વધતો હોય ?

દાદાશ્રી : ના.

પ્રશ્શનકર્તા : સરખો જ હોય બધામાં ?

દાદાશ્રી : સરખો જ.

પ્રશ્શનકર્તા : કો'ક આપણને બહુ અહંકારી લાગે, કો'ક આપણને નમ્ર લાગે.

દાદાશ્રી : એ નહીં. અહંકાર જોડે બીજો શબ્દ જ ના હોય. અહંકાર તો અહંકાર, આરોપિત ભાવ. એ કોઈ વસ્તુ જ નથી, ટકાઉપણું નથી ને આરોપિત ભાવ ઊડી જાય તો જતોય રહે. અમે અહંકાર કાઢી નાખીએ છીએ. દેહને આત્મા માનવો એ અહંકાર. જે જે હું છું માનવું એ અહંકાર. એટલે આ બધી અજ્ઞાન માન્યતાઓ ફ્રેક્ચર કરી નાખીએ તો અહંકાર ઊડી જાય.

અહંકાર એટલે અહમ્ની પ્રસ્તાવના !

પ્રશ્શનકર્તા : અહમ્ એટલે જ અહંકાર, એવું માનતા હતા.

દાદાશ્રી : ના, અહંકાર ને અહમ્માં બહુ ફેર.

પ્રશ્શનકર્તા : એમાંય ફરક છે ? એમાં શું ફરક છે એ સૂક્ષ્મતાનો ફોડ પાડો ને ?

દાદાશ્રી : 'હું'પણું એ અહમ્ અને 'હું'પણાનો પ્રસ્તાવ કરવો એ અહંકાર. 'હું પ્રેસિડન્ટ છું' એ અહંકાર ના કહેવાય. એ તો આપણા લોકો કહે કે અહંકારી પુરુષ છે, પણ ખરેખર એ માની પુરુષ કહેવાય. અહંકાર તો, કશું સંસારની ચીજ-બીજ અડતી ના હોય ને જ્યાં પોતે નથી ત્યાં પોતે 'હું છું' એમ માને તે અહંકારમાં જાય. વસ્તુમાં કશુંય ના હોય અને બીજી વસ્તુને અડે એટલે માન થયું. હું પ્રેસિડન્ટ (પ્રમુખ) છું, એ બધું દેખાડે એટલે આપણે સમજીએને કે આ માની છે.

પ્રશ્શનકર્તા : પ્રસ્તાવમાં શું આવે ?

દાદાશ્રી : વધારે પડતું 'હું'પણું બોલવું. પેલું 'હું'તો છે જ, એ તો અહમ્ તો છે જ મનમાં, પણ એનો પ્રસ્તાવ કરવો, 'આ ખરું ને આ ખોટું' બૂમાબૂમ કરવા જાય, એ અહંકાર કહેવાય. પણ બીજી વસ્તુ ના હોય મહીં, માલિકીપણું ના હોય કશાયમાં. માલિકીપણું આવે એટલે માન આવે.

પ્રશ્શનકર્તા : અહંકારનો દાખલો ?

દાદાશ્રી : આ તો અહંકારના દાખલા તો બધા છે ને ? અહમ્ને ખુલ્લો કરવો, પ્રસ્તાવ કરવો એ અહંકાર. અહમ્ તો છે જ મહીં. અને માલિકીવાળો તે માન થયું. એ માન એકલું નહીં, પછી જેમ જેમ માલિકીભાવ વધારે થયો ને, તે અભિમાન. દેહધારી હોય તેને માની કહેવાય ને 'આ ફ્લેટ અમારો, આ અમારું' એ અભિમાન. એટલે અહંકારથી વધીને માની, અભિમાની, બધા બહુ જાતના છે.

અહંકારની ભોંયરીંગણી !

અહંકાર એટલે આપણા લોકો સમજે છે, એને અહંકાર કહેવાતો નથી. આપણા લોકો જેને અહંકાર કહે છે ને, એ તો માન છે. અહંકાર બિલીફ (માન્યતા)માં હોય, જ્ઞાનમાં ના હોય. જ્ઞાનમાં આવે એ માન કહેવાય. પોતે કરતો નથી, ત્યાં આગળ 'પોતે કરું છું' એવું માને છે, એનું નામ અહંકાર. જ્ઞાનમાં તો 'હું' પદ આવ્યું કે એ માન કહેવાય.

પ્રશ્શનકર્તા : હવે એ એક દાખલો આપીને સમજાવો.

દાદાશ્રી : આપણે અહીં કહે છે કે, 'હું નીચે આવ્યો, ઉપરથી નીચે આવ્યો.' હવે એમાં પોતે આવ્યો જ નથી, એ તો આ શરીર આવ્યું. આ શરીર આવ્યું, તેને પોતે માને કે, 'હું આવ્યો'. એવી માન્યતા એ અહંકાર અને પછી એ મોઢે બોલે કે 'હું આવ્યો', એ માન કહેવાય. તો આપણા લોકો 'હું આવ્યો' તેને અહંકાર કહે છે.

અને પછી એ બોલે કે 'આ પ્લોટ મારો, આ મકાન મારું' એ અભિમાન કહેવાય. એ માનેય ના કહેવાય, એ અભિમાન. 'આ બેબી મારી, આ બાબો મારો' એ અભિમાન અને પાછો એ શું કહે, 'હું અભિમાન કોઈ દહાડો નથી કરતો !' તે મૂઆ આ જ અભિમાન, બીજું કયું અભિમાન ? પણ ભાન જ ના હોય ને !

પ્રશ્શનકર્તા : મારી બેબી હોય, એને હું કહું કે આ મારી છે, એમાં ખોટું શું ?

દાદાશ્રી : બેબી મરી જાય તો એની જોડે ફાધર મરી જાય ખરો ? એની હોય તો જોડે મરી જાય ને ?

પ્રશ્શનકર્તા : તો શું કહેવું એને ? કેવી રીતે બોલાવવી ?

દાદાશ્રી : 'મારી છે' એવું બોલવાનું પણ મમતા નહીં રાખવાની. તે આ નાટકમાં નથી કહેતા, કે 'આ પિંગળા મારી છે', ભર્તૃહરિ એવું કહે. પછી એ પિંગળાએ ગુનો કર્યો ત્યારે ભર્તૃહરિ ભેખ લઈને રડેય ખરો ! પણ નાટક પૂરું થાય ત્યારે પિંગળાને કહે કે 'હેંડ મારે ઘેર ?' તો એ જાય ખરી ?

પ્રશ્શનકર્તા : નહીં જાય.

દાદાશ્રી : તો તો નાટકનું બધું આ ! મમતા નહીં રાખવાની. એમ ને એમ જ નાટકમાં બધું જરૂર. ભર્તૃહરિને કહીએ કે 'કેમ તું રડતો હતો, તને આટલું બધું દુઃખ થયું હતું ?' ત્યારે કહે, 'ના, અભિનય ના કરીએ તો પગાર કાપી લે, મૂઆ !'

અમેય અભિનયની ખાતર કો'કને ત્યાં જઈએ. કોઈ દુઃખ આવ્યું હોય બિચારાને, કોઈ મરી ગયો હોય તો ત્યાં જઈએ. અમે (મોઢા પર) પાણી-બાણી ચોપડીને તૈયાર, અભિનય કરવો પડે ને ? નહીં તો દુનિયા એમ કહેશે, 'આ પત્થર જેવા હ્રદયના છે.'

પ્રશ્શનકર્તા : મમતા ના હોય, તો એને પછી પિતા કેવી રીતે કહેવાય ?

દાદાશ્રી : તો પછી શું કહેવાય એને ? નાટકમાં મમતા હોય છે ? આ બધું નાટક જ છે અને મમતા હોય તો લોકો કહે છે ને, 'મારા ફાધર મરી ગયા.' તો પછી તારા ફાધર ક્યાં છે અત્યારે ? એ કહેશે, 'બાળી મેલ્યા.' ત્યારે મેં કહ્યું, 'તું નહીં ગયો ?' ત્યારે કહે, 'ના બા, જોડે કોણ જાય ?' એ તો કોઈ ગયેલું ? કોઈ ગયેલું જ નહીં. આ તો ના જાય. અને મારાપણું હોય, ખરી મમતા હોય તો જોડે મરી જાય. કોઈ જતો નથી બાપ, પાછળ ગયેલા નહીં ને કોઈ ? ઘેર આવીને બિસ્કિટ બધું ખાય નિરાંતે !

પ્રશ્શનકર્તા : અભિમાન અને ગર્વ બે નજીક કહેવાય ?

દાદાશ્રી : બહુ ફેર. ગર્વ તો કોને કહેવાય કે, 'આ મેં કેવું સરસ કર્યું છે.' તે હું સમજું, આ કર્યાનો ગર્વ હોય. વકીલ આવે ને તે કહેશે, 'આ મેં તને કેવી રીતે જીતાડ્યો એ હું જ જાણું છું, તને અક્કલ નથી ને !' એ ગર્વરસ લીધો કહેવાય, એ અભિમાન ના કહેવાય. સમજાયુંને તમને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : ગર્વરસ. અત્યારે આ બધા સાધુ-સંન્યાસીઓ શેના પર જીવે છે ? એ શું ખાય છે ? ગર્વરસ પીને જ જીવે છે આ બધા.

પ્રશ્શનકર્તા : કંઈ પણ સારું કામ કરીએ તો આ 'મેં કર્યું', એવું થઈ જાય.

દાદાશ્રી : 'મેં કર્યું' એ જાય નહીં. 'હું કરું છું' એ જાય નહીં.

એને કહેવાય અભિમાન !

પ્રશ્શનકર્તા : આજે સમાજ એ રીતે જુએ છે, ધારો કે મેં બહુ સારું ઓપરેશન કર્યું હોય અને કહું કે 'બહુ સારું ઓપરેશન કર્યું' તો લોક કહેશે કે આ તો બહુ અભિમાની છે.

દાદાશ્રી : હા, એવું કહે. ત્યારે અભિમાની છે કહે અને તમે કહો કે મેં આજે બીજું કોઈ કાર્ય કર્યું, તો તમને અભિમાની ના કહે. પણ તમે એમ કહો કે આણે મને ધોલ મારી તો અભિમાની ના કહે તમને. એટલે આ લોકોનાં સર્ટિફિકેટ લેવા જેવાં નથી. આપણે બુદ્ધિથી સમજવા જેવું છે કે વોટ ઈઝ કરેક્ટ એન્ડ વોટ ઈઝ ઈનકરેક્ટ (યથાર્થ શું અને યથાર્થ શું નથી) એ સમજીને, કરેક્ટનેસ (વાસ્તવિકતા) જોઈને બધું કામ કરવાનું છે.

અહંકાર મૂળ વસ્તુ છે. એમાંથી અભિમાન, પછી ઘેમરાજી, તુંડમિજાજી, ઘમંડ, બધાં જાતજાતનાં બહુ નામો પાડેલાં છે.

પ્રશ્શનકર્તા : આમાં સહેજ પરિભાષાનો થોડો ફેર છે. જે માણસ અભિમાની હોય એ માણસનો ઈગોઈઝમ વીક (નબળો) હોય અને જે માણસ નમ્ર હોય એનો ઈગોઈઝમ મજબૂત હોય, એમ એ લોકો રજૂ કરે છે.

દાદાશ્રી : ના, અભિમાની એનો ઈગોઈઝમ જબરો હોય. તે જબરો હોય ત્યારે તો અભિમાન કરે ને ? અને દારૂ પીતો હોય તેનો ઈગોઈઝમ કેવો હોય ?

પ્રશ્શનકર્તા : નબળો હોય.

દાદાશ્રી : એટલે ભગવાનને ત્યાં નબળા ઈગોઈઝમનું કામ છે. જબરા ઈગોઈઝમની ભગવાનને ત્યાં જરૂર નથી. કારણ કે જબરો ઈગોઈઝમ એટલે પોતાની શક્તિથી ચલાવનારું ગાડું. નબળો ઈગોઈઝમ તો કહી દે કે, 'ભગવાન, હું તો મૂરખ છું, ગધેડો છું, નાલાયક છું, મને બચાવો.' તે ભગવાન બચાવવા તૈયાર છે, આવું બોલે તેને. પેલો કડક ઈગોઈઝમવાળો બોલે જ નહીં ને ! નબળાવાળો સારો.

ત્યાં અહંકાર ભગ્નતા !

પ્રશ્શનકર્તા : ભગ્ન અહંકાર કહે છે, એવું કહેવાય ?

દાદાશ્રી : અહંકાર ભગ્ન કહેવાય, એ ક્રેક હોય.

પ્રશ્શનકર્તા : એ કેવી રીતે થઈ જાય ?

દાદાશ્રી : માનની આશા રાખે ને ત્યાં જ અપમાન થાય, માનસંબંધી બધી આશાઓ એની તૂટી પડે ત્યારે પછી એ ભગ્ન થઈ જાય. જેમ આ પ્રેમભગ્ન થાય છે ને, એને જ્યાં ને ત્યાં આગળ પ્રેમની વાતને બદલે તિરસ્કાર જ મળ્યા કરે, તે પ્રેમભગ્ન થઈ જાય. એવું આને માન મળવાનું તો ક્યાં ગયું પણ અપમાન જ મળ્યા કરે. પછી માણસ ક્રેક થઈ જાય. એ પછી બોલે તોય ક્રેક જ વાણી નીકળે. એની વાત સીધી ના હોય, એની વાતમાં ભલીવારેય ના હોય.

પ્રશ્શનકર્તા : એ અહંકાર ભગ્ન હોય, તેને નોર્માલિટી (સમતુલા)માં આવતાં બહુ મુશ્કેલી પડે ને ?

દાદાશ્રી : એ તો ઘણો ટાઈમ લે.

પ્રશ્શનકર્તા : કે પછી ખસીય જાય એમાંથી ?

દાદાશ્રી : ખસી ગયેલાં જ કહેવાય. આ તો પબ્લિક ચલાવી લે. પણ તે શું કરે ? કંઈ નાખી અવાય ? આ દૂધી સડી ગયેલી હોય તેય રહેવા દે છે ને ?

એય છે અહંકાર !

પ્રશ્શનકર્તા : આપણે કોઈને ઘેર જઈએ અને આપણને ભાવથી 'આવો, બેસો' એવું ના કહે તો એનો અહંકાર કહેવાય કે માન કહેવાય ?

દાદાશ્રી : એને તુચ્છકાર કહેવાય. એનો આપણા પ્રત્યે તુચ્છકાર કહેવાય. આપણો અહંકાર ઘવાયા કરે. ખોટું લાગ્યું એ આપણો અહંકાર જ છે ને ? એણે તુચ્છકાર કર્યો એટલે એને ગુનો લાગે. અને ખોટું લાગે તો આપણનેય ગુનો લાગુ પડે.

પ્રશ્શનકર્તા : ઈગોઈઝમને ઓળખવો કેવી રીતે ?

દાદાશ્રી : ઈગોઈઝમ તો બધાને ઓળખાય, હમણાં અપમાન થાય ને તે તરત ઓળખાય કે ના ઓળખાય ? 'તમારામાં અક્કલ નથી' કહેતાંની સાથે ડિપ્રેશન કોને આવે ? ઈગોઈઝમને આવે ને ? એ ઈગોઈઝમ તો વારેઘડીએ સમજણ પડે.

પ્રશ્શનકર્તા : દાદા, એ ક્લિયર નથી થતું. એમાં ગૂંચવાડા થાય છે.

દાદાશ્રી : ના, ક્લિયર જ છે, આમાં તો. આ વાત વાતમાં તમને 'ઊઠો અહીંથી' એમ કહે, તોય તમારો ઈગોઈઝમ તરત ઊભો થઈ જશે. ઈગોઈઝમ તો વારેઘડીએ આખો દહાડો વપરાયા જ કરે છે. લોકોય સમજી જાય કે મારો ઈગોઈઝમ બહુ ભારે છે. આમાં 'ઈગોઈઝમ ભારે છે' એવું જાણકાર કોણ છે ? ત્યારે કહે, એ જ ઈગોઈઝમ.

ખાલી અહંકારથી જ જીવે છે. 'હમારે જૈસા કોઈ નહીં, હમારે જૈસા કોઈ નહીં, ઈસસે મૈં બડા હૂં, ઈસસે મૈં બડા હૂં', બસ !

આ મનુષ્ય ગમે તેવો નાલાયક હોય, છેલ્લામાં છેલ્લા નંબરનો હોય તોય 'એ' ઉપરી તો છે જ. એટલે પછી એને શું ભાંજગડ ? આ આદિવાસી ય શું કહે ? હું આ ચાર ગાયોનો માલિક છું. લે, પછી એને શું દુઃખ ? એટલે અહંકારથી આ બધું ઊભું કરે છે ને અહંકારથી 'આ ચાર ગાયોનો હું માલિક છું, આ પાંચસો ઘેટાંનો હું માલિક છું' અને લોકોય એવું કહે કે, 'હું આનો માલિક છું.' એટલે મનુષ્યપણું જે છે એ અહંકારથી બધું ઘેરાયેલું છે.

કાઢવાનો અહંકાર, નહિ કે અહમ્ !

પ્રશ્શનકર્તા : કેટલાક લોકોનું એવું માનવું છે કે ઈગોઇઝમ એ છે તો, દેહભાન સાથે સંબંધ ધરાવે છે.

દાદાશ્રી : હા, એ બરોબર છે આપનું કહેવું. આ દેહનું કાર્ય કરવામાં ઈગોઈઝમની જરૂર છે. પણ હવે વધારાનો ઈગોઈઝમ છે તે આવતો ભવ કરાવડાવે છે. અને પુરુષ હોય, (તે કપટ અને મોહ વધે તો આવતા ભવમાં) સ્ત્રી થઈ જાય ! અલ્યા, પુરુષનો સ્ત્રી થયો, આવું શું તે કર્યું ? ઈગોઈઝમ ના હોય તો દેહ ચાલે જ કેવી રીતે ? બાકી, દેહભાનથી તો આ બધું કરે છે, ઈગોઈઝમના આધારે.

ક્ષત્રિયોમાં માન ને ક્રોધ બહુ હોય. આ બે ગુણ કેવા હોય ? ભોળા પાછા. લોક કહે ને કે 'આ શું ? આટલો બધો ક્રોધ કરો છો ?' અને પેલા વૈશ્યોના જે ગુણ છે, લોભ અને કપટ, તે પોતાના ધણીનેય ખબર ના પડે કે મહીં એ ગુણો પડ્યા છે, તે કો'ક તો કહે જ શી રીતે ? અને આ તો ભોળા એટલે તરત જ લોક કહે કહે કરે કે 'શું અહંકાર કરો છો ? છાતી કાઢો છો ?' એટલે પાટિયાં પછી ધીમે ધીમે ઓગળી જાય. ક્રોધ ને માન એ તદ્દન ભોળા ખરાં કે નહીં ? એ તદ્દન ભોળા ગુણ છે.

પ્રશ્શનકર્તા : અહંકાર દરેકમાં ઓછા-વધતા પ્રમાણમાં હોય, તો એ અહંકારનું બેઝમેન્ટ (પાયો) શું ?

દાદાશ્રી : જેવા સંજોગોમાં એણે અહંકાર ભર્યો હોય એવા સંજોગોમાં એના અહંકાર દેખાય બધા. બહુ તોફાની સંજોગમાં ભર્યો હોય તો અહંકાર ભારે દેખાય. સારા, માઈલ્ડ (નરમ) સંજોગોમાં ભર્યો હોય તો ઓછો દેખાય. એણે શું પૂરણ કર્યું છે તે ઉપર આધાર. સરળ માણસોના ભેગો ભર્યો હોય તો તે અહંકાર બહુ નરમ હોય અને કડક માણસો જોડે ભર્યો હોય તો અહંકાર બહુ કડક હોય.

'હું ચંદુભાઈ છું' એવું બોલવાનો વાંધો નથી પણ તમે કંઈક સારું કામ કર્યું હોય અને લોકોને દેખાય કે 'ચંદુભાઈ જરાક ટાઈટ થઈને ફરે છે', એનો વાંધો છે.

પ્રશ્શનકર્તા : એને આપખુદી કહેવાય ?

દાદાશ્રી : એ ટાઈટ થયા પછી આપખુદીમાં જાય. બહુ એક્સેસ થઈ જાય ને, તે આપખુદી આવે. તે ઘડીએ ખુદા હસે કે યે લડકા ક્યા કર રહા હૈ ?

પ્રશ્શનકર્તા : અહમ્પણું અને પોતાપણું બે એક જ કે અલગ અલગ ?

દાદાશ્રી : બહુ ફેર. અહમ્ તો માનેલું જ રહ્યું અને પોતાપણું વર્તનમાં રહ્યું. વર્તનમાં હોય એને એ રહે અને માનેલું તો જતું રહે. 'હું'પણું માનેલું એ જતું રહે પણ પછી વર્તનમાં રહે ને ?

પ્રશ્શનકર્તા : આપણા મહાત્માઓને પોતાપણું હોય ?

દાદાશ્રી : પોતાપણું તો જબરજસ્ત હોય. ભોળો હોય ને, તેને ઓછું હોય.

પ્રશ્શનકર્તા : આપે કહેલું ને, અહંકાર તો આખી દુનિયામાં વ્યાપી જાય એટલો મોટો છે ?

દાદાશ્રી : હા, એવડો મોટો હોય. જેમ જાડો માણસને તેમ અહંકાર ઓછો હોય. પાતળા માણસને બહુ અહંકાર હોય.

અહમ્ કાઢવાનો નથી, અહંકાર કાઢવાનો છે. હું તો છે જ પણ તે અહંકાર કાઢવાનો છે. આઈ વિધાઉટ માય ઈઝ ગોડ (મારાપણું વિનાનો 'હું' એ જ ભગવાન) એટલે માય કાઢવાનો છે. માયને લીધે અહંકાર કહેવાય છે. માય ન હોય તો અહમ્, 'હું આત્મા છું' બોલવામાં કંઈ વાંધો નથી. કારણ કે પોતાની વસ્તુ છે આ. 'હું દેહ છું' એ અહંકાર છે. એટલે અહંકાર કાઢવાનો છે.

ઉદ્ભવ્યા પ્રશ્શનો, ગીતામાંથી...

પ્રશ્શનકર્તા : કૃષ્ણ ભગવાને પણ ગીતામાં કહ્યું હતું કે, 'મારાં હજારો જુદી જુદી જાતનાં સ્વરૂપ છે.' તો એ પણ અહંકાર કહેવાય ? સાથે સાથે એ પણ કહે છે કે, 'પવન મને ઉડાડી શકતો નથી કે અગ્નિ મને બાળી શકતો નથી કે બીજી કોઈ રીતે મારો નાશ થઈ શકતો નથી.' ત્યારે પોતે ભગવાન થઈને મનુષ્યને કહે તો એ એક જાતનો અહંકાર કહેવાય કે નહીં ?

દાદાશ્રી : અહંકાર કોને કહેવામાં આવે છે ? એની રીતે હોય. આ ભાગને પવન ઊડાડી શકતો નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી, એ તો પોતાનું વર્ણન કરે છે. એમાં અહંકાર નથી. અહંકાર તો કોને કહેવાય ? તમે કહો છો ને કે મેં આને દવા આપી, જે તમે નથી કરતા, કરે છે બીજો કોઈ, તેને તમે કહો છો, હું કરું છું. એનું નામ અહંકાર. અને તે પાછી પ્રકૃતિ નચાવે છે. આ પ્રકૃતિ નચાવે છે અને પાછો કહે છે કે હું નાચ્યો. પાછો ડબલ આરોપ. નચાવે કોણ ? આ ઊઠાડે છે, ઊંઘાડે છે, કરે છે કોણ બધું ? તમને કોણ લાગે છે ? ને આ લોકો કહે છે ને, 'હું ઊઠ્યો !' 'ઓહોહો ! મોટા ઊઠવાવાળા આવ્યા.'

એ સત્તા કોની ?

રાતે તમને ઊંઘ આવે છે, તે તમે ઊંઘી જાવ છો કે કોઈ ઊંઘાડે છે ?

પ્રશ્શનકર્તા : જાતે ઊંઘી જઉં છું.

દાદાશ્રી : જાતે, નહીં ? કો'ક ફેરો ના ઊંઘ આવે ત્યારે ?

પ્રશ્શનકર્તા : ત્યારે પાસાં ફેરવીએ, બીજું શું કરીએ ?

દાદાશ્રી : હા, પાસાં ફેરવવા પડે. એટલે આપણા હાથમાં સત્તા નથી ને, ઊંઘવાની ? ઊંઘવાની સત્તા આપણા હાથમાં ખરી ?

પ્રશ્શનકર્તા : નથી. ગોળીઓ લે તો ઊંઘ આવે.

દાદાશ્રી : હા, ગોળીઓ લેવી પડે. હવે જ્યારે ઊંઘવાની સત્તા નથી તો ઊઠવાની સત્તા છે તમારામાં ?

પ્રશ્શનકર્તા : નથી.

દાદાશ્રી : 'સવારમાં વહેલો ઊઠ્યો' કહેશે. એ સાચી વાત છે ? આપણે કહીએ, 'ઊંઘી જવું છે ને ?' ત્યારે કહે, 'હા, મારે જ્યારે જોઈએ ત્યારે ઊંઘ આવે.' પછી પાછો બીજે દહાડે કહેય ખરો કે 'આજે ઊંઘ ના આવી.' 'અલ્યા, તું ઊંઘી જઉં છું ને તને ઊંઘ ના આવી, એ બે વિરોધાભાસ વાત કેમ કરે છે ?' ઊંઘવાની શક્તિ પોતાની હોય તો ધારે ત્યારે ઊંઘ આવી જાય. આ તો આમ ફરે, તેમ ફરે ઊંઘવા હારુ, પણ કશું વળતું નથી. ઊઠવાની શક્તિ એની પોતાની હોય તો રાત્રે બે વાગે પેલું ઘડિયાળ મૂકવું ના પડે. ઘડિયાળમાં એવી શક્તિ છે પણ આનામાં નથી. કઈ શક્તિ છે એવું મને ખોળી આપે ?

પ્રશ્શનકર્તા : અરે, કોઈ જાતનો વિચાર આવે તો ઊંઘ ઊડી જાય.

દાદાશ્રી : પણ ઊંઘેય પોતાના તાબામાં નથી અને વિચાર આવે છે તેય પોતાના તાબામાં નથી. આ તો બધી પરસત્તા છે, આખીય પરસત્તા જ છે. પરસત્તાને પોતાની સત્તા માને છે તે ભ્રાંતિ છે. એટલે આ કરેક્ટનેસ (સચ્ચાઈ) શું છે, એ જાણવું જોઈએ. આપણા હાથમાં સત્તા કેટલી છે ? કોઈ માણસને ઊંઘવાની શક્તિ નથી, ઊઠવાની શક્તિ નથી, ખાવાની શક્તિ નથી, તો કઈ શક્તિ છે, એ બતાવો ને !

માને 'મેં કર્યું' !

આ ચંદુભાઈ ચા પીવે ત્યારે કહે, 'મેં ચા પીધી.' અલ્યા, ચંદુભાઈ ચા પીવે છે ને તમે શાના ઈગોઈઝમ કરો છો ? એટલે આ બધું ઈગોઈઝમ કરવાની જરૂર નથી. આપણે મોઢે બોલવામાં વાંધો નથી કે આ મેં કર્યું. આમ તો દહાડામાં પાંચ વખત ચા પીવે છે અને પછી એક દહાડો એવો આવે છે કે ચા પીવી છે પણ પીવાતી નથી. કેમ આવું ? પાંચ કપ પીતા'તા ને ! આ નહીં સમજવું પડે ? આવું સમજવું પડશે ને ?

પ્રશ્શનકર્તા : સમજવું તો પડે.

દાદાશ્રી : આહારી જ આહાર કરે છે, આ તો વગર કામનો પોતે અહંકાર કરે છે કે મેં ખાધું. અરે, મેરચક્કર, તું શું ખાવાનો હતો તે ? અને ખાવાનો હોય, તે જ્યારે તાવ ચઢે ત્યારે ખાઈ જો ને ? 'મેં ખાધું પણ ઊલટી થઈ ગઈ !' મેરચક્કર, ખાનારો હશે તો, તે ઊલટી કેમ થઈ જાય ? પછી કહે કે 'મારે ખાવું છે પણ ખવાતું નથી.'

આપણે પૂછીએ, 'આ સંડાસ બીજો જાય છે કે તું જાય છે ?' ત્યારે એ કહે, 'હું જ જઈ આવ્યો' અને પછી ના ઉતરે ત્યારે કહેશે, 'આજે સંડાસ થતું નથી.' 'ત્યારે તું જતો હતો ને, તો જઈ આવને અત્યારે ?' એટલે આ 'ઈગોઈઝમ' કશું કરતો નથી ને બધા ગૂંચવાડા ઊભા કરે છે. મેં ફોરેનના બધા ડૉક્ટરો ભેગા કર્યાં. મેં કહ્યું, 'સંડાસ જવાની તમારામાં શક્તિ ખરી ?' ડૉક્ટરો ઊંચાનીચા થવા માંડ્યા, કે 'શું વાત કરો છો ? ભલભલાને અમે કરાવી દઈએ ને ?' ત્યારે મેં કહ્યું, 'એ તો જ્યારે અટકશે ત્યારે ખબર પડશે કે તમારી શક્તિ ન હતી. આ શું કરવા કૂદાકૂદ કરો છો ?' ત્યારે 'યસ યસ યસ' કરવા માંડ્યા. વર્લ્ડમાં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે સંડાસ જવાની પોતાની સ્વતંત્ર શક્તિ હોય !

પ્રશ્શનકર્તા : ડૉક્ટર એક સપોઝીટરી નીચે મૂકે તો સંડાસ ન થતું હોય તો થઈ શકે, તો એ શક્તિ ડૉક્ટરની ખરી કે નહીં ?

દાદાશ્રી : એ તો દવા છે તો. એ આપની શક્તિ નથી ને ?

પ્રશ્શનકર્તા : એ ડૉક્ટરની શક્તિ કહેવાય ને ?

દાદાશ્રી : ડૉક્ટરને જ શક્તિ નથી ને ! ડૉક્ટરને જ્યારે અટકે ને ત્યારે બીજાની હેલ્પ લેવી પડે. ડૉક્ટરમાં જ શક્તિ નથી તો બીજામાં શક્તિ ક્યાંથી આવે ? એ મેં ડૉક્ટરને પુરવાર કરી આપ્યું.

અને લોક શું કહે છે ? 'મેં આ કર્યું, મેં પેશાબ કર્યો !' પછી એક ઘૈડા ડૉક્ટર હતા ને, તે બહુ અનુભવી, બહુ સારા માણસ આમ. તે મને એક દહાડો ભેગા થયા. તે મને કહે છે, 'દાદા ભગવાન, કંઈ કૃપા કરો.' મેં કહ્યું, 'શું થયું તમને ? ડૉક્ટરને શું થાય ?' ત્યારે કહે છે, 'બે ટીપાં પેશાબ થતો નથી. માંડ માંડ એક ટીપંુ પડે છે.' મેં કહ્યું, 'આવું ? તમારા હાથમાં સત્તા નથી, આ પેશાબ કરવાની ?' ત્યારે કહે, 'આપણા હાથમાં નથી આ. અત્યાર સુધી તો અમે એમ જાણતા'તા કે હું જ કરું છું. હવે સમજ પડી કે આપણા હાથમાં સત્તા નથી.'

'હું કરું' એ જ અજ્ઞાનતા !

આપને સમજાયું ને, અહંકારના ગુણધર્મ કયા છે ? એ પોતે કશું નથી કરતો છતાં કહે છે, 'હું કરું છું'. બસ, એટલો જ એનો ગુણધર્મ. એક સેન્ટ કરતો નથી. 'કરે છે' બીજા ને એ કહે છે, 'હું કરું છું' એનું નામ અહંકાર. એના ગુણધર્મમાં છે કશી બરકત ? આમાં કિંચિત્માત્ર, કશું જ કરતો નથી, એક વાળ પણ એણે તોડ્યો નથી અને કહેશે, 'આ ડુંગર મેં ઉડાવી દીધો. આ ડુંગરમાંથી ટનલ મેં કાઢી, ત્યારે ગાડી નીકળી.'

ત્યારે કઈ સત્તા હશે આપણા હાથમાં ? કમાવાની સત્તા નથી, પૈણવાની સત્તા નથી, છોકરાં થવાની સત્તા નથી. કઈ સત્તા છે એ કહે તું ?

પ્રશ્શનકર્તા : એ જ જાણવું છે.

દાદાશ્રી : તારી જે સત્તા છે, એ જાણતો નથી અને તારી સત્તા નથી ત્યાં આગળ 'મેં કર્યું, મેં કર્યું, આ મેં કર્યું' કહે છે.

અહમ્કાર, આ 'હું કરું છું' એ ખોટું ભાન છે. બગાસું એ ખાતો નથી છતાં કહે છે, 'મેં બગાસું ખાધું'. છીંક એ ખાતો નથી, ત્યારે કહે, 'મેં છીંક ખાધી'. એ પોતે સાંભળતો નથી છતાં કહે છે, 'મેં સાંભળ્યું'. 'અલ્યા, કાન સાંભળે છે', તું સાંભળતો હોય તો બહેરાને કહે ને, સાંભળશે. આખી સમજણ જ બધી ટર્ન આઉટ થયેલી છે. (ઊંધી થઈ ગયેલી છે.)

'હું કરું, હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે,

સૃષ્ટિ મંડાણ છે સર્વ એણી પેરે, જોગી જોગેશ્વરા કો'ક જાણે.'

નરસિંહ મહેતાએ કેવું ગાયું છે, કે સૃષ્ટિ મંડાણ કેવું સરસ છે, કે 'હું કરું, હું કરું' એ અજ્ઞાનતા છે. તે આ મંડાણ એની મેળે ફર્યા જ કરે છે રાતદહાડો. એને જોગી જોગેશ્વરા કો'ક જાણે ! ત્યારે આ યોગીઓ લઈ બેઠા ! આ બધા બહારના યોગીઓ હોય છે ને, તે અમે જાણીએ, 'અલ્યા, તમે શું જાણો ?' આત્મયોગી કે આત્મયોગેશ્વર હોય તે જ જાણે. આ યોગીઓ તો ઠેર ઠેર રસ્તામાં જોઈએ એટલા મળે. એ ના જાણે. આ તો અમથો માથે લઈ લે છે, સહી કરી નાખે છે. અહમ્કાર, 'મેં કર્યું' કહેશે. 'અલ્યા મૂઆ, તેં કર્યું નથી. શું કરવા અમથો બોલે છે ?' એટલે ઊલટું જ્યાં આરોપી તરીકે સહી નથી કરવાની, ત્યાં આરોપી તરીકે સહી કરે છે. એટલે આરોપનામું એને માટે ઘડાય છે. હવે એને શી રીતે સમજાય કે હું આરોપી તરીકે ફસાયો.

એ સત્તા 'ના' પાડે ને, તે કામ તમે નથી કરતા અને એ સત્તા 'હા' પાડે એ કામ કરો છો. એ સત્તા પારકી છે. તમારા મનમાં એમ લાગે ઈગોઈઝમથી, કે આ હું જ કરું છું બધું. આ તમને ઊંઘાડે છે, જગાડે છે, ખવડાવે છે, પીવડાવે છે, તમને અહીં તેડી લાવે છે, તેય પારકી સત્તા છે. તમારી સત્તા નથી આ. પણ તમારી સત્તા માનો છો એ ભ્રાંતિ છે.

આ તો બધું ઈગોઈઝમ છે ખાલી. 'આ કરે છે કોણ' એ મેં જોયેલું છે બધું. 'આ કોણે ભેગું કર્યું' એ હું જાણું છું. તમે નિમિત્ત બનો એનો વાંધો નથી. તમે એમ જ કહો કે ''હું ગયો'તો તેથી આવ્યા'', એ કહેવું ખોટું કહેવાય. આપણા હાથમાં સત્તા જ નથી.

પ્રશ્શનકર્તા : તો સંચાલન કરનાર કોણ ?

દાદાશ્રી : કોઈને ચલાવવું નથી પડતું, સ્વયં ચાલ્યા જ કરે છે. જ્યારે જન્મ થાય છે ને, ત્યારથી ચાલ્યા કરે છે. તે મરણ પથારી ત્યાં સુધી ચાલ્યા જ કરવાનું. જ્યાં સુધી આ અહીંથી શ્વાસ લેવાય ત્યાં સુધી આ મશીનમાં કોઈ જાતનું બંધ થવાનું નહીં. શ્વાસ બંધ થઈ જાય તો બંધ થઈ જાય. ઓટોમેટિક બધું ચાલ્યા જ કરે. આ શ્વાસેય લેવાય, તે તમે લેતા નથી. આ તો ડૉક્ટર કહે છે, 'એય ઊંચો શ્વાસ લો', પણ જો તમે લેતા હો તો રાત્રે કોણ શ્વાસ લે છે ? માટે શ્વાસેય તમે લેતા નથી. ઓટોમેટિક ચાલ્યા જ કરે છે. સમજવાની જ જરૂર છે ને ?

આ તો બધાય કહે છે, 'મેં શ્વાસ લીધા. ઊંચા શ્વાસ લીધા, આમ કર્યું.' આ તો નાક દબાવી દે તો બૂમાબૂમ કરે. ''મૂઆ, તું કરતો'તો ને, હવે કંઈક કર ને !'' ત્યારે કહે, 'મારું નાક દબાવે છે.' ''અલ્યા, નાકને લીધે જીવતો'તો ? તે શાના લીધે જીવતો'તો ?'' એ કહે ને ? તારામાં કઈ શક્તિ છે ? કેટલું જીવું છું ? આ નાક દબાવીએ તો ચૂપ, ખલાસ ! તરફડીને ખલાસ થઈ જાય ! અને સત્તા હોત તો આ લોકો સાતસો-સાતસો, હજાર વર્ષ જીવન કાઢે એવા છે. લાઈફ ફરી ચાર્જ કરાવી લે, સત્તા હોય તો. માણસનું ગજું નહીં ને ! પોતાની સ્વસત્તા છે પણ તેનું ભાન નથી એને !

આ તો કર્મના ઉદયને આધીન જીવડાં છે. પ્રાણીઓ કહેવાય છે આને. જે પ્રાણના આધારે જીવે છે, પોતાના આધારે જીવતાં નથી. પોતાના સ્વરૂપનું ભાન થાય ત્યારે પોતે પોતાના આધારે જીવે છે. આ દેહના પ્રાણ જુદા છે અને આત્માના પ્રાણ જુદા છે. પોતાના આત્મસ્વરૂપનું ભાન થાય ત્યારે પોતાના પ્રાણથી જીવે.

ભમરડો ફરે, હિસાબો પ્રમાણે !

પોતાના સ્વરૂપનું ભાન નથી અને કહે છે, 'હું છું', તે તું શેમાં છું ? માટે વાત સમજને કે કેટલી સત્તા આપણી છે અને કેટલી સત્તા પરાઈ છે ?

આ લોકો મને પૂછે છે કે 'અમે શું છીએ ?' મેં કહ્યું, 'ભમરડા છો ! ટી-ઓ-પી-એસ, ટોપ્સ !' જ્યારે પોતાની સત્તા ઉત્પન્ન થાય ત્યારે એ સત્તાધીશ થયો કહેવાય. આ તો પરસત્તામાં તો ભમરડા ! આ હુંય અહીં આવ્યો તે ભમરડા છાપમાં અને ઘેર જઈશ તોય ભમરડા છાપમાં, પોતાની સત્તા નહીં. આ સત્તા અમારા હાથમાં નથી. 'અમે' અમારી સત્તામાં રહીએ, એક ક્ષણવાર આ સત્તામાં રહીએ નહીં.

એક મહારાજ કહેતા'તા, 'હું કરીશ તો થશે ને !' મેં કહ્યું, 'ત્યારે કરતા કેમ નથી ?' ત્યારે એ કહે, 'મારી ભાવના છે, હું કરીશ.' 'કરી નાખોને, બા ! અનંત અવતારથી આટલી ચોવીસીઓ વટાવી ખાધી, તોય અહીંના અહીં ભટક ભટક કર્યા કરો છો, તો કરનાર હો તો કરી નાખો ને ? અલ્યા, ઝાડે ફરવાની (સંડાસ જવાની) સત્તા નથી, તો શું કરવાનો તે ? વગર કામનો શું કામ ઈગોઈઝમ કરે છે તે ?'

આ જેટલું બોલે છે, એને અહંકાર કહેવાય છે. 'મેં કંઈ કર્યું ને હું કરીશ' એવું બોલે છે, એ ડબલ અહંકાર કહેવાય.

કોઈ જીવ કર્તા જ નથી. 'આ હું છું, આ મેં ત્યાગ્યું, હું આચાર્ય છું, હું આમ છું, હું તેમ છું' એ બધું ભ્રાંતિ છે.

કરો છો કે 'ઈટ હેપન્સ' ?

આ જગત ચાલી રહ્યું છે કે ચલાવીએ છીએ ?

પ્રશ્શનકર્તા : આપણે ક્યાં ચલાવી શકવાના છીએ ?

દાદાશ્રી : તો તો આ બધાય એમ કહે છે ને 'મેં આ કર્યું ને મેં તે કર્યું.'

પ્રશ્શનકર્તા : વિરોધાભાસ થયો ને એ તો ?

દાદાશ્રી : એવું છે ને, હકીકતમાં તો બધાય મનમાં સમજે છે કે આપણાથી કશું થાય એવું નથી અને ખરેખર હકીકતમાં તમે કશું કરતા નથી આના, ચાલી જ રહ્યું છે.

પ્રશ્શનકર્તા : મનુષ્યોનો અહંકાર જ આ બધું કરાવે છે ?

દાદાશ્રી : આ બધો અહંકાર જ છે. આ દેખાય છે, ખુલ્લો અહંકાર દેખાય છે. 'હું કંઈક છું ને મેં આ કર્યું' અને પાંચ લાખ કમાયો તે ઘડીએ આમ આમ છાતી કાઢીને ફરે અને પછી ખોટ જાય ત્યારે કહીએ, 'કેમ શેઠ આમ થયું ?' ત્યારે કહેશે, 'મારા ગ્રહો રૂઠ્યા છે, ભગવાન રૂઠ્યો છે.' ના બોલે એવું ?

પ્રશ્શનકર્તા : બોલે.

દાદાશ્રી : શું થાય ? શી રીતે શાંતિ થાય પછી ?

પ્રશ્શનકર્તા : તો કર્તા કોને માનવા ?

દાદાશ્રી : મિકેનિકલને, મશીનરીને. મશીનરી કરે છે, તે આત્મા જાણે છે ફક્ત. બસ આ જ છે. મિકેનિકલમાં રહેવું હોય તો 'કરો' અને 'જાણવું' હોય તો આત્મામાં આવો.

પ્રશ્શનકર્તા : જેણે જ્ઞાન ના લીધું હોય, તેને સમજવા માટે થોડું કઠણ પડે.

દાદાશ્રી : થોડુંઘણું કઠણ પડે પણ જ્ઞાનીની પાસે ફોડ પડે. અને એને જે તકલીફ હોય તે બતાવે, તે પાછો તકલીફનો ફોડ પડે. એમ કરતાં કરતાં વાત સમજાઈ જાય.

'હું કરું છું' એ બધો અહંકાર છે. ત્યારે કહે, 'કોણ કરે છે ?' ત્યારે કહે, 'ઈટ હેપન્સ (બની રહ્યું છે)'. આ થઈ જ રહ્યું છે, તેને આ કહે છે, 'હું કરું છું'. તને સમજ પડી ?

પ્રશ્શનકર્તા : હા, બરાબર છે.

દાદાશ્રી : એ જો તારી સમજમાં આવે તો અહંકાર ઘટી જાય અને બહુ શાંતિ વધે. મોઢે બોલવું પડે ખરું, મોઢે બોલીએ નાટકીય કે 'આ મેં કર્યું, આ હું ઊઠ્યો', પણ મનમાં સમજીએ કે આ મારી શક્તિ નહીં આ. આ થઈ રહ્યું છે, ઊઠી જવાયું. ઈટ હેપન્સ છે.

પ્રશ્શનકર્તા : તો માણસે કંઈ કરવાનું રહેતું નથી ?

દાદાશ્રી : શું કરે છે ? એ તો બિચારો કશું કરતો જ નથી. આ તો કર્તાપણાનો અહંકાર કરે છે એટલું જ છે. પોતે કરતો નથી.

પ્રશ્શનકર્તા : તો પણ એને અહંકાર કેવી રીતે કહેવાય ?

દાદાશ્રી : અહંકાર એટલે પોતે નથી કરતો, કોઈક કરે છે ને પોતે એને કહે છે, 'મેં આ કર્યું !'

પ્રશ્શનકર્તા : એ તો મારે જે ક્રમ પ્રમાણે કરવાનું જ હતું ને એ મેં કર્યું, એમાં પછી અહંકારનો સવાલ ક્યાં આવ્યો ?

દાદાશ્રી : આ અહંકાર તો એવું છે ને, તમે કહો છો ને, 'હું સંડાસ જઈ આવ્યો', નથી કહેતા ?

પ્રશ્શનકર્તા : હા, તે કહીએ છીએ.

દાદાશ્રી : આ મોટા સંડાસ જવાવાળા ! જુઓ તો ખરા !

પ્રશ્શનકર્તા : પણ એ તો કુદરતી રચના છે ને ? માનવ શરીરની રચના જ છે એવી.

દાદાશ્રી : હા, તો પછી, અહંકાર શું કરવા કરો છો કે હું સંડાસ જઈ આવ્યો ?

અને ગાડીમાં બેસેને, ત્યારે શું કહે ? આમ મુંબઈથી બેઠા હોય, તો પૂછીએ, 'ક્યાં જાવ છો ?' ત્યારે કહે, 'હું તો નવસારી જઉં છું' અને આમ કરીને બેઠા હોય. 'અલ્યા ભઈ, તમે ક્યાં જાવ છો ? તમે તો અહીં આગળ બેઠા છો ને ?' પણ 'હું નવસારી જઉં છું ને' કહેશે. 'અલ્યા, ચક્કર છે કે શું છે તે ? નવસારી જતા હતા તે તમે ? તમે તો બેઠા છો, ગાડી નવસારી જાય છે.' એટલે આ તો કોઈક કરે છે અને પોતે માને છે કે હું કરું છું આ. બધી જ ચીજ કોઈક કરે છે. બધી એટલે અણુ એ અણુ ! ત્યારે આ કહેશે, 'સ્કૂલમાં પાસેય હું થયો !' અને રોફ મારીને ફર્યા અને પછી નાપાસ થાય ત્યારે આપણે કહીએ, 'કેમ દર સાલ પાસ થતો હતો ને આ સાલ નાપાસ થયો ?' ત્યારે કહે, 'પરીક્ષા કડક હતી, આમ છે, તેમ છે', તે લોચા વાળ્યા કરે. ના લોચા વળે ? તમને સમજાય છે ?

પ્રશ્શનકર્તા : હા, સમજણ પડે છે.

દાદાશ્રી : એટલે આ સત્તા જ નથી આપણી. આ કુદરતની સત્તા છે. આ જે પ્રકૃતિ સત્તા છે, એ બધી કુદરતના હાથની વાત છે. અને પ્રકૃતિ અને પુરુષ બે જુદા પડ્યા પછી પુરુષાર્થ શરૂ થાય છે. ખરો પુરુષાર્થ પુરુષ થયા પછી શરૂ થાય છે.

હજુ તો પુરુષ ને પ્રકૃતિ જુદાં પડ્યાં નથીને કે જુદાં પડી ગયાં છે ? ના પડ્યાં હોય તો અહીં આગળ આવજો. આ જગતમાં બધું ઇટ હેપન્સ છે, બની જાય છે, કોઈ કરી શકે નહીં.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23