ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૨)

એ નથી આત્માનું અંગ !

પ્રશ્શનકર્તા : આ ખાલી સમજવા જ પૂછું છું, કે આ બુદ્ધિ ને આ બધું જે છે, એ આત્માનું જ એક અંગ નથી ?

દાદાશ્રી : ન હોય, આત્માનું અંગ નથી. બુદ્ધિ અને આત્મા, બે જુદી વસ્તુ છે. બુદ્ધિ હંમેશાં ઈગોઈઝમ (અહંકાર) વાળી હોય અને જ્ઞાન નિર્અહંકારી હોય.

પ્રશ્શનકર્તા : પણ બુદ્ધિ અને જ્ઞાન વચ્ચે સંવાદ ના થાય ?

દાદાશ્રી : જ્યાં બુદ્ધિ હોય ત્યાં જ્ઞાન હોતું જ નથી. બુદ્ધિ ને જ્ઞાનમાં કંઈ ભેદ હશે ખરો ?

પ્રશ્શનકર્તા : ખરો. શબ્દમાં તો ફેર છે જ.

દાદાશ્રી : શબ્દમાં તો ફેર ઉઘાડો જ દેખાય છે. એ તો બધા સમજી ગયા. પણ આમાં મૂળ શું ભેદ હશે ? હવે બુદ્ધિ એ ઇન્ડિરેક્ટ નોલેજ (પરોક્ષ જ્ઞાન) છે, ઇન્ડિરેક્ટ લાઈટ છે અને જ્ઞાન એ આત્માનો ડિરેક્ટ લાઈટ (પ્રત્યક્ષ પ્રકાશ) છે. એટલે જગત ઈન્ડિરેક્ટ પ્રકાશથી જ જીવે છે અને અમારે ડિરેક્ટ પ્રકાશ હોય. અને તમારે જ્ઞાનનો પ્રકાશ નથી, બુદ્ધિનો પ્રકાશ છે એટલે તમને ભેદ હોય કે આ આટલું અમારું ને આ એમનું. અને તમે તમારી જગ્યામાં બરોબર બેસી ગયા હોય તોય તમે પેલાને કહેશો કે, 'ભઈ, આ જગ્યા મારી છે.' તમને સમજાયું ને ?

ડિરેક્ટ અને ઈન્ડિરેક્ટ પ્રકાશ...

જ્ઞાનનો પ્રકાશ અને બુદ્ધિનો પ્રકાશ એમાં ફેર શું હશે ? બુદ્ધિ અને જ્ઞાન એનો ડિફરન્સ (તફાવત) હવે હું આપું. બુદ્ધિ અને જ્ઞાનનો ડિફરન્સ અત્યાર સુધી અપાયો જ નથી, કોઈ વખતેય. કોઈ શાસ્ત્રમાં, કોઈ શબ્દમાં અપાયો જ નથી. બુદ્ધિ અને જ્ઞાન જુદાં છે, એવુંય કોઈએ કહ્યું નથી. એવું છે, બુદ્ધિ અને જ્ઞાનમાં ફેર ખરો કે નહીં ?

પ્રશ્શનકર્તા : હા, ફેર.

દાદાશ્રી : એ ફેર તને શી રીતે સમજાય છે ? કેટલો ફેર હશે ? આમાં ડિફરન્સ કેટલો ? બુદ્ધિ બાર આની હશે ને જ્ઞાન સોળ આની હશે, ચાર આનાનો ડિફરન્સ હશે ?

પ્રશ્શનકર્તા : બુદ્ધિ તો જ્ઞાનની કક્ષાએ ન પહોંચી શકે ને ?

દાદાશ્રી : એવું છે ને, કે બુદ્ધિ શું છે એ તને સમજાવું. જ્ઞાન અને બુદ્ધિ બેના સ્વભાવમાં જ ડિફરન્સ છે. જેમ સોનું અને પિત્તળ, બે જુદું હોય ને ? પિત્તળ છે તે સોના જેવું દેખાય પણ છતાં ગુણધર્મમાં ફેર હોય. બુદ્ધિની વ્યાખ્યા તેં સાંભળી જ નહીં હોય કોઈ દહાડોય ! કેટલા ભાગને બુદ્ધિ કહેવી અને કેટલા ભાગને જ્ઞાન કહેવું તેની વ્યાખ્યા આપું. જ્યાં કંઈ પણ બુદ્ધિ છે ત્યાં તમને 'ડાર્કનેસ' (અંધારંુ) લાગે. કારણ કે એ ઈન્ડિરેક્ટ પ્રકાશ છે.

પ્રશ્શનકર્તા : એટલે બુદ્ધિ તો ખાડામાં નાખે ?

દાદાશ્રી : હા, ખાડામાં નાખે. કારણ કે એ ઈન્ડિરેક્ટ પ્રકાશ છે ને સાચો પ્રકાશ નથી. બુદ્ધિ એ પ્રકાશ છે. એ કંઈ ગપ્પું નથી. બુદ્ધિના પ્રકાશથી જ તો બધું જગત ચાલી રહ્યું છે. જ્ઞાન પ્રકાશથી જગત ચલાવવાની જરૂર હોય નહીં. બે પ્રકાશમાં ફેર છે.

પ્રશ્શનકર્તા : બુદ્ધિ અને જ્ઞાન પ્રકાશ એ બેમાં શો ફેર છે ?

દાદાશ્રી : બહુ ફેર, બુદ્ધિ એ ડિરેક્ટ પ્રકાશ નથી અને જ્ઞાન પ્રકાશ એ ડિરેક્ટ પ્રકાશ છે, તો કયું સારું ?

પ્રશ્શનકર્તા : ડિરેક્ટ સારું.

દાદાશ્રી : ડિરેક્ટ સારું ને ? હવે જ્ઞાનની ને બુદ્ધિની ડેફિનેશન (વ્યાખ્યા) કહીશ. વૉટ ઈઝ ધી ટ્રુ (સાચી) ડેફિનેશન ?

પ્રશ્શનકર્તા : એની ડેફિનેશન નથી આપી શકાતી.

દાદાશ્રી : બુદ્ધિની વાત જવા દો, પણ એક બહારનો આપણે દાખલો સમજાવવો હોય, સિમિલી (ઉપમા), તો ઈન્ડિરેક્ટ પ્રકાશ જોયેલો તેં ? ક્યાં જોયેલો ?

પ્રશ્શનકર્તા : આ ટ્યુબલાઈટ છે એ બધો.

દાદાશ્રી : ટ્યુબલાઈટ એ ઈન્ડિરેક્ટ પ્રકાશ છે ? ના. આ ટ્યુબલાઈટ છે અને અહીં પ્રકાશ પડે છે એ ડિરેક્ટ જ છે ને !

આ સૂર્યનારાયણનું અજવાળું એક મોટો જબરજસ્ત અરીસો હોય એની ઉપર પડે, તો એ ડિરેક્ટ લાઈટ કહેવાય. અને અરીસો જરા ત્રાંસો આમ ડિગ્રીમાં રાખ્યો હોય તો એનું અજવાળું જે રસોડામાં પડે એ કેવું લાઈટ કહેવાય ? ઈન્ડિરેક્ટ લાઈટ. એય સૂર્યનું અજવાળું જ છે, પણ ઇન્ડિરેક્ટ લાઈટ છે. ડિરેક્ટ લાઈટ ન હોય એ. બને એવું ? અને એનાથી રસોડામાં કામ કરી શકાય ખરું ? આનું અજવાળું પડે એટલે રસોડામાં લાભ થાય ખરો ? કેમ ? એવી રીતે આ ઇન્ડિરેક્ટ પ્રકાશથી મનુષ્યો, બધું જગત ચાલી રહ્યું છે. હવે પ્રકાશ તો આત્માનો જ છે, પણ પેલામાં અરીસો હતો અને આમાં શું હશે ?

પ્રશ્શનકર્તા : આત્માનો ભાવ ?

દાદાશ્રી : ના, આમાં ઈગોઈઝમ છે. ઈન્ડિરેક્ટ પ્રકાશ એટલે શું ? આત્માનો પ્રકાશ આમ પડે છે, તે અહંકાર થ્રુ (દ્વારા) આવે છે. આ બાજુ આત્મા, વચ્ચે અહંકાર અને અહંકાર થ્રુ જે આ બાજુનો પ્રકાશ પડે, એ બધો જ છે તે બુદ્ધિ, અને અમારે વચ્ચે અહંકાર ખલાસ થઈ ગયેલો હોય એટલે પછી આમ સીધો પ્રકાશ જ પડે, એ જ્ઞાન !

રંગ જેવો માધ્યમનો, તેવો પ્રકાશનો !

પ્રશ્શનકર્તા : બધામાં બુદ્ધિ વધતી-ઓછી કેમ હોય છે ? એકસરખી કેમ નથી ?

દાદાશ્રી : કર્મના આધારે અહંકાર હોય, કર્મના આધીન અને અહંકાર થ્રુ આ આત્માનો પ્રકાશ આવે. એટલે બુદ્ધિ અહંકારના જેવી હોય. જેવો અહંકાર એવી બુદ્ધિ.

પ્રશ્શનકર્તા : એટલે એનો અર્થ એ થયો ને કે અહંકાર અને પૂર્વકર્મ, એ બન્ને ત્યાં આગળ એક થયાં ને ?

દાદાશ્રી : અહંકાર એટલે પોતાની મિલકત કહેવાય. બધી કમાણી હોય ને, તે અહંકારમાં આવે. અનંત અવતારની જે કમાણી છે કે ખોટ છે, તે અહંકારની અંદર આવે. તે પેલું લાઇટ અહંકારના થ્રુ મળ્યા કરે. બહુ સારી પુણ્યૈ હોય ત્યારે બુદ્ધિ બહુ ઊંચી હોય. જીવમાત્રને ઈગોઈઝમ જુદો જુદો હોય એટલે એ પ્રકાશેય જુદો જુદો હોય. અહંકાર ગાંડો હોય તો બુદ્ધિયે ગાંડી હોય. અહંકાર ડાહ્યો હોય તો બુદ્ધિયે ડાહી હોય. જેટલી કેપેસિટી (ક્ષમતા) ઈગોઈઝમની, એટલી પ્રકાશની કેપેસિટી. જ્ઞાન તો એ ઓછું-વત્તું થાય એવી વસ્તુ નથી અને સ્વયં પ્રકાશ છે, એન્ડ (અંત) જ ના આવે એવી વસ્તુ છે.

પ્રશ્શનકર્તા : અહંકાર ડાહ્યો હોઈ શકે ખરો ?

દાદાશ્રી : ડાહ્યો એટલે બધી રીતે આમ, કોઈનેય નુકસાન ના કરે, કોઈને દુઃખ ના દે, એને આપણે ડાહ્યો જ કહીએ ને ? તે બુદ્ધિ પણ ડાહી હોય. અહંકાર જો જાડો હોય તો બુદ્ધિ જાડી હોય. અહંકાર પાતળો હોય તો બુદ્ધિ પાતળી હોય. તલવારની ધાર જેવો ઈગોઈઝમ હોય ત્યારે એવી સૂક્ષ્મ બુદ્ધિ હોય. અહંકાર લુચ્ચો હોય તો બુદ્ધિ લુચ્ચી હોય. અહંકાર ચોર હોય તો ચોર બુદ્ધિ હોય. જેવો જેવો અહંકાર એવું એની થ્રુ આવે, એટલે બધું એ પ્રમાણે અજવાળું એવું જ હોય. જેટલું ઈગોઈઝમ ચોખ્ખો, એટલો એ પ્રકાશ ચોખ્ખો. ઈગોઈઝમ જેટલો મેલો એટલો પ્રકાશ મેલો. એ વાત તમને સમજાય એવી લાગે છે, થોડીઘણી ?

પ્રશ્શનકર્તા : અહમ્ તો મેલો જ હોય છે ને ?

દાદાશ્રી : હા, તે અહમ્ જેટલો એ નોર્માલિટીથી એક્સેસ (વધારે પડતો) હોય ને, એ બધો મેલ કહેવાય. એની નોર્માલિટી હોય. દરેકની બુદ્ધિ જુદી જુદી હોય છે ને ? એ અહંકારેય જુદો જુદો હોય છે. પણ જો નિર્મળ અહંકાર હોય ને તો બુદ્ધિ બહુ સુંદર હોય. અહંકાર ના હોય તો બુદ્ધિ ના હોય, તો શી રીતે ગાડું ચલાવો ? એટલે અહંકાર બધાને હોય જ. પણ કેટલાકને અહંકાર ચોખ્ખો હોય, કોઈને મેલો હોય, કોઈને ગોટાળિયો હોય. તે પ્રમાણે પેલું લાઈટ પડ્યા કરે.

બુદ્ધિનું ડેવલપમેન્ટ, માનવનું પ્રોજેક્શન !

પ્રશ્શનકર્તા : બર્નાડ રસેલે કહ્યું કે આ બુદ્ધિ જે છે, એ સારા માણસ પાસે એનો સારો ઉપયોગ થાય છે અને ખરાબ માણસ પાસે એનો ખરાબ ઉપયોગ થાય છે. બુદ્ધિ પોતે ન્યૂટ્રલ (તટસ્થ) છે આમાં. એટલે મુખ્ય વસ્તુ સારાપણાનું છે ?

દાદાશ્રી : એવું નથી. બુદ્ધિ ખરાબ છે એ માણસ જ ખરાબ છે. એટલે એના આધારે આ બુદ્ધિ નથી પણ બુદ્ધિના આધારે માણસ છે. એટલે તમારે આ બુદ્ધિ જોઈ લેવી એટલે તમે એને માટે નક્કી કરી શકો કે આ ખરાબ માણસ છે. એણે શું કહ્યું હતું ? સારા માણસના આધારે બુદ્ધિ સારી છે એમની. ના, બુદ્ધિ સારી છે માટે સારો માણસ છે.

પ્રશ્શનકર્તા : બુદ્ધિ તો બધામાં તટસ્થ ભાવે રહેલી છે. એક માણસ ગુનો કરે છે અને એક માણસ સારું કાર્ય કરે છે, બુદ્ધિ બન્નેમાં સરખી જ છે, પણ નૈતિકતા ઊંચી કે નીચી છે.

દાદાશ્રી : એવું કશું નથી. બુદ્ધિ સરખી હોઈ શકે નહીં. આ દુનિયામાં કોઈ માણસ એવો જન્મ્યો નથી કે બુદ્ધિ સરખી હોય. બુદ્ધિ એ ઈગોઈઝમના થ્રુ આવે છે. તે જેવો ઈગોઈઝમ હોય તેવી બુદ્ધિ હોય. બુદ્ધિ વધતે-ઓછે અંશે હોય. બુદ્ધિ વધવાનું સાધન શું ? જેટલું અહિંસાત્મક વલણ એટલી બુદ્ધિ ઊંચી જાય. બાકી, બુદ્ધિ સરખી ના હોય. આ ગાયો-ભેંસો પોતાનો વ્યવહાર કરે છે ને, તે સારો વ્યવહાર કરે છે. તે આ મનુષ્યોને એટલો વ્યવહાર આવડતો નથી. ગાયો-ભેંસોમાં જમાઈ હોય, સસરા હોય, બધુંય હોય પણ એ વ્યવહારમાં કોઈ ઝઘડા નહિ અને આમને ઝઘડા. ત્યાં ડિવોર્સ નથી લેવા પડતા ને અહીં ડિવોર્સ લેવા પડે છે. કારણ કે ભ્રમિત થયેલી બુદ્ધિ છે. એમની લિમિટેડ (સિમિત) બુદ્ધિ છે, બિચારાંની !

અહંકારના 'મિડિયમ થ્રુ' !

પ્રશ્શનકર્તા : એટલે બુદ્ધિ અને અહંકાર એ એકબીજાની સાથે સંકળાયેલા છે ?

દાદાશ્રી : એક જ છે. એ હોય તો આ હોય ને આ ના હોય તો એ ના હોય, તો બેઉ ઊડી જાય. એટલે એની બુદ્ધિ ઉપરથી માણસનો અહંકાર બધો ખોળી કાઢે કે અહંકાર એનો કેવો છે. એનું ડ્રોઈંગ થાય.

પ્રશ્શનકર્તા : અહંકાર બુદ્ધિને લઈને ઊભો હોય છે ને ?

દાદાશ્રી : અહંકારને લીધે બુદ્ધિ છે. અહંકાર ના હોય તો બુદ્ધિ ના હોય.

પ્રશ્શનકર્તા : પણ અહંકાર દૂર ના કરે એ ?

દાદાશ્રી : બુદ્ધિ અહંકાર ક્યારેય પણ દૂર ન કરે.

પ્રશ્શનકર્તા : અહંકારમાં ઊંડા ઉતારે ?

દાદાશ્રી : હા, અહંકારમાં જ ઊંડા ઉતારે. બસ, એનો ધંધો જ એ. અહંકારમાં ઊંડા ઉતારવું એ એનો ધંધો.

પ્રશ્શનકર્તા : પણ અહંકારને લાવનારી બુદ્ધિ છે ને ?

દાદાશ્રી : ના, અહંકાર ઊભો થયેલો છે, તેમાંથી બુદ્ધિ ઊભી થયેલી છે. અહંકાર ઊભો થયો ને, તે આત્માનું લાઈટ તો આમ આવતું હતું, તેમાં અહંકાર ઊભો થયો, એટલે વચ્ચે આડ થઈ. આડમાં લાઈટ આવ્યું તેને બુદ્ધિ કહેવાય. ઈન્ડિરેક્ટ પ્રકાશમાં બધી ભૂલો થયા કરે. પણ અજવાળું ખરું-ખોટું ના કહેવાય. પણ એ અહંકાર થ્રુ કહેવાય. એનું મિડિયમ અહંકાર છે અને બુદ્ધિ હોય ત્યાં અહંકાર હોય જ.

પ્રશ્શનકર્તા : એટલે અરીસો એ અહંકાર થયો ?

દાદાશ્રી : હા, અરીસો એ અહંકાર થયો.

પ્રશ્શનકર્તા : પ્રકાશ તો, આત્માનો પ્રકાશ આવે, એ જ પ્રકાશ થયો ને ?

દાદાશ્રી : પ્રકાશ તો આત્માનો અરીસામાં પડ્યો અને અરીસાએ પછી પ્રકાશ ફેંક્યો. એટલે મિડિયમ થ્રુ થયું. એટલે આવરણવાળું થયું. એનો ડિરેક્ટ પ્રકાશ આવરણવાળો છે જ નહીં. આટલો પ્રકાશ લાધેને તો બહુ થઈ ગયું.

આપણે જ્ઞાન આપીએ છીએ તે આટલો (બીજ જેટલો) પ્રકાશ લાધે છે, તે શુંનું શું ય કરી નાખે છે. પ્રકાશ તો થોડો જ લાધે છે. એકદમ ના લાધે. જેટલાં પાપ ધોવાયને એટલો લાધે.

પ્રશ્શનકર્તા : પ્રકાશ થોડો હોય પણ પછી વધતો જાયને ?

દાદાશ્રી : વધતો જાય. એ બીજ થયેલી હોય, પછી ત્રીજ થાય, ચોથ થાય, પૂનમ થાય, દહાડે દહાડે પછી જેવો જેવો પુરુષાર્થ. પુરુષાર્થ મંદ હોય ત્યારે પ્રકાશેય તેવો, પુરુષાર્થ તો જોઈએ ને ?

પહેલો પરવાર્યો અહંકાર !

ડિરેક્ટ પ્રકાશનો જ્યારે ઉઘાડ થાય ને, બધું કામ થઈ ગયું. પોતે પરમાત્મા થઈ જાય. પોતે આત્માને જાણે ને, ત્યારે પોતે પરમાત્મા થઈ જાય. જ્યારે અહંકાર ખલાસ થઈ જાય ત્યારે પરમાત્મા થઈ જાય. અહંકારને લઈને તો મનુષ્ય તરીકે રહ્યો છે જીવાત્મા અને અહંકાર હોય ત્યાં સુધી આવરણ. અહંકાર ના હોય ત્યારે બુદ્ધિય ના હોય જોડે જોડે. એ બેને સંબંધ છે. એક હોય તો બીજું હોય ને બીજું હોય તો એક હોય. અહંકારને બુદ્ધિનો સંબંધ છે. એટલે અમારે અહંકાર જતો રહ્યો. તે દહાડે બુદ્ધિ હઉ જતી રહી. અમને અહંકાર બિલકુલેય નથી. એક સેન્ટ પરસેન્ટ અમને અહંકાર નહીં હોવાથી સીધો ડિરેક્ટ પ્રકાશ મળે, એ અમારું જ્ઞાન છે.

અહંકાર હોય એટલે એ લાઈટ બુદ્ધિ સ્વરૂપે હોય છે. વચ્ચે અહંકારનું મિડિયમ જ ઓગળી ગયું હોય તો જ્ઞાન હોય, જ્ઞાન પ્રકાશ હોય. એટલે અમારે અહંકારનું મિડિયમ ઓગળી ગયેલું એટલે જ્ઞાન ડિરેક્ટ પ્રકાશ થાય. અમારો જીવતો અહંકાર, કે જે ક્રિયાકારી અહંકાર હતો તે ઓગળી ગયો. એટલે નવાં કર્મ ચાર્જ ના કરે. જૂનાં હોય તેનો એટલો અહંકાર રહ્યો, તે જૂનો ઉકેલ લાવી નાખે. એ અહંકાર નુકસાન ના કરતો હોય. એટલે સીધો ડિરેક્ટ પ્રકાશ જ પડે. એટલે બધાં શાસ્ત્રોનો ફોડ, આ જગતમાં કોઈ વસ્તુ એવી નથી કે જેના ફોડ ના આપી શકાય અને માંગો એ આપે. તમે જે માંગો ને એ બધી જ વસ્તુ આપે. પણ કર્તાભાવે નહીં, નિમિત્તભાવે. કર્તાભાવ, અમારામાં હોય નહીં ને !

પ્રશ્શનકર્તા : એ પ્રજ્ઞા કહેવાય ?

દાદાશ્રી : ના, પ્રજ્ઞાથી પણ ઉપર, એ જ્ઞાન કહેવાય. પ્રજ્ઞા તો, આ જ્ઞાન અમે આપીએ છીએ ને, એટલે પ્રજ્ઞા જ ઉત્પન્ન થાય છે આ બધાને. આ પ્રજ્ઞા જ પછી એમને ચેતવે છે. અત્યારેય એમને ચેતવે છે કોણ ? પ્રજ્ઞા જ ચેતવે છે.

તમામ અહંકારી જ્ઞાન, એ બુદ્ધિ !

ફોરેનવાળા લોકો કહે છે, 'અમે જે ભણ્યા આ બધું સાયન્સ, એ જ્ઞાનને જ્ઞાન ના કહેવાય ?' ત્યારે મેં એને સમજણ પાડી કે તમે જે ભણ્યા છો એ જ્ઞાન બુદ્ધિમાં સમાય છે. તમે બધા જ સબ્જેક્ટ (વિષય) જાણતા હો, આખા વર્લ્ડના સબ્જેક્ટ જાણતા હો, તો એ બુદ્ધિમાં સમાશે. ત્યારે કહે, 'શું કારણ ?' ત્યારે મારે કહેવું પડે છે કે અહંકારી જ્ઞાનને જ બુદ્ધિ કહેવામાં આવે છે. અહંકારી જ્ઞાન છે જે, તેને બુદ્ધિ કહેવામાં આવે છે. નિર્અહંકારી જ્ઞાનને જ્ઞાન કહેવામાં આવે છે. એટલે અહંકારી જ્ઞાન એ ઈન્ડિરેક્ટ પ્રકાશ થઈ ગયો. એટલે એને આખું દેખાય નહીં, 'પોતે કોણ છું ?' તે જ ના દેખાય. પોતે પોતાને દેખાય નહીં એવું અહંકારી જ્ઞાન એ બુદ્ધિ છે.

આપણા લોકોએ બુદ્ધિને માન્ય કરેલી અને બુદ્ધિને આપણા લોકો જ્ઞાન કહે છે. પણ બુદ્ધિ એ તો 'ઈન્ડિરેક્ટ નોલેજ' છે. એ અહંકારી નોલેજ છે, 'મેં આ જાણ્યું, ને આ મેં જાણ્યું,' એટલે એને બુદ્ધિ કહી.

બહાર લોકોની પાસે જ્ઞાન હશે તે અહંકારી હશે કે નિર્અહંકારી ?

પ્રશ્શનકર્તા : અહંકારી.

દાદાશ્રી : એ અહંકારી જ્ઞાન એ બધી બુદ્ધિ અને એક જ સબ્જેક્ટ 'પોતે કોણ છે' એટલું જ જાણતો હોય, બીજું કશું જાણતો ના હોય, તોય પણ એ જ્ઞાનમાં સમાય. કારણ કે નિર્અહંકારી જ્ઞાન એ જ્ઞાન. જે જ્ઞાન જાણવામાં નિર્અહંકારીપણું હોય તે જ્ઞાન કહેવાય. ડિરેક્ટ જ્ઞાન ભલે થોડું હોય તોય પણ નિર્અહંકારી હોય. પછી જેમ વધતું જાય, તેની વાત જુદી છે. પછી કેવળજ્ઞાન થાય.

પ્રશ્શનકર્તા : તો પછી નિર્અહંકારી થવા માટે પાછું જ્ઞાન પ્રાપ્ત કરવું પડે ને ?

દાદાશ્રી : આ સમજવા માટે બુદ્ધિ હેલ્પીંગ ખરી. મારી પાસેથી વાત સમજવા માટે બુદ્ધિની જરૂર ખરી, પણ વાત સમજવા પૂરતી જ. પછી એને પોતાને જવું જ પડે. એને પોતાને ખાલી કરવું પડે. કારણ આપને સમજાયું ને ? વોટ ઈઝ ધી ડિફરન્સ (તફાવત શું છે ?), જ્ઞાનમાં ને બુદ્ધિમાં ?

પ્રશ્શનકર્તા : હા, બુદ્ધિ હોય ત્યાં સુધી જ્ઞાન ન આવે.

દાદાશ્રી : હા, એ વાત ખરી છે. બુદ્ધિ છે એ ખાલી કરે ત્યાર પછી એ રૂમમાં જ્ઞાન રહેવા આવે. અગર જ્ઞાન રહેવા આવે, ત્યારે બુદ્ધિ તરત પેલું ખાલી કરીને જતી રહે. એ જાણે કે હવે તો સોંપી દેવું પડશે.

પર ને સ્વ-પર પ્રકાશક !

પ્રશ્શનકર્તા : જ્ઞાની પુરુષને ડિરેક્ટ પ્રકાશ હોય છે અને ઈન્ડિરેક્ટ લાઈટ થોડું ઘણું હોય છે ?

દાદાશ્રી : ના, ઈન્ડિરેક્ટ લાઈટ બંધ જ. આવડો મોટો પ્રકાશ સીધો ડિરેક્ટ મળતો હોય, પછી પેલું ઈન્ડિરેક્ટ કોણ રાખે ? પણ તે એ સીધો પ્રકાશ ક્યારે ઉત્પન્ન થાય ? અને પેલો બુદ્ધિનો પ્રકાશ ક્યારે બંધ થાય કે જ્યારે અહંકાર ખલાસ થઈ જાય ત્યારે. અહંકારના આધારે બુદ્ધિ છે. એટલે આખા જગતની પાસે એ અહંકારની સિલક હોય જ, એ સિલક તો ખરી જ.

પ્રશ્શનકર્તા : હવે એ સિલકના મારફતે જે પ્રકાશ આવે અને જ્ઞાની પુરુષ, સિલક વગરના થઈ ગયા એનો પ્રકાશ, એ બે પ્રકાશમાંય ફેર તો ખરો જ ને ?

દાદાશ્રી : પેલો પ્રકાશ તો પ્રકાશ જ ના કહેવાય ને ? એ તો ઈન્ડિરેક્ટ પ્રકાશ. ઈન્ડિરેક્ટ પ્રકાશ એટલે પ્રકાશ જ ના કહેવાય ને !

પ્રશ્શનકર્તા : ઈન્ડિરેક્ટ પ્રકાશ, જે પર પ્રકાશક ગુણ છે પણ તે સ્વપ્રકાશને લીધે જ છે ને ?

દાદાશ્રી : એ 'લીધે' કે 'નહીં લીધે', એ જોવાનું નહીં. જે પર-પ્રકાશવાળા છે, એટલે સ્વને જોઈ શકતા નથી માટે કંડમ (નકામું). એ ગ્લોબ (બલ્બ) કાઢી નાખો. આ ઈલેક્ટ્રિસિટીમાં નહીં ચાલે.

પ્રશ્શનકર્તા : જ્ઞાનની પરાકાષ્ટા આવી જાય એટલે બુદ્ધિની જરૂર નહીં ?

દાદાશ્રી : એવું છે ને, અહીં આગળ મીણબત્તી સળગતી હોય, તે ક્યાં સુધી ચાલુ રાખીએ આપણે ? કે જ્યાં સુધી લાઈટ થઈ નથી ત્યાં સુધી. અને લાઈટ થાય ત્યારે ? મીણબત્તી સળગતી રાખીએ, એ ભૂલ ખરી કે નહીં ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : પછી મીણબત્તીની જરૂર નહીં. એમ અમારે છે તે અંદર ડિરેક્ટ પ્રકાશ મળેલો એટલે અમારે બુદ્ધિ ના હોય, ઈન્ડિરેક્ટ પ્રકાશ ના હોય.

પ્રશ્શનકર્તા : આ સૂર્યનારાયણ પ્રકાશ આપે છે, એ પોતાને આપે છે કે બીજાને આપે છે ?

દાદાશ્રી : એ બીજા લોકોને પ્રકાશ આપે છે. અને આત્માનો પ્રકાશ તો સ્વ-પર પ્રકાશક છે, પોતાને પણ પ્રકાશિત કરે છે અને પારકાનેય પણ પ્રકાશિત કરે છે. એટલે આત્માનો પ્રકાશ બે જાતનો અને બુદ્ધિનો પ્રકાશ એક જ પ્રકારનો, પરને જ પ્રકાશિત કરે છે. આ સૂર્યનો પ્રકાશ પણ પરને પ્રકાશિત કરે છે. પોતાને પ્રકાશિત નથી કરતો. આત્મા તો પોતાને પણ પ્રકાશિત કરે અને પરને પણ પ્રકાશિત કરે.

બુદ્ધિ એ પર પ્રકાશક છે. એટલે આપણે સ્વરૂપને જોવું હોય તો ના જોવા દે. પણ બીજું દેખાડે એટલે પારકી વસ્તુને દેખાડે. પોતાની કોઈ વસ્તુને ના દેખાડે અને જ્ઞાનપ્રકાશ એટલે શું ? એ સ્વ-પર પ્રકાશક છે. એટલે પોતાને અને પરને, પરનું પણ જ્ઞાન અને પોતાનું પણ જ્ઞાન બન્નેને પ્રકાશિત કરે છે. એ સાચું જ્ઞાન એ વિજ્ઞાન કહેવાય. એ ચેતનવંતુ હોય.

ગમ્યું તમને, આ છેલ્લું ફાઈનલ ? ફર્સ્ટ એન્ડ ફાઈનલ (પહેલો અને અંતિમ), આ છેલ્લામાં છેલ્લો જવાબ અને જ્ઞાન એ ડિરેક્ટ પ્રકાશ અને સ્વ-પર પ્રકાશક છે. પોતાનેય દેખાડે અને પારકુંય દેખાય. જ્ઞેયને દેખાડે અને જ્ઞાતાનેય દેખાડે.

એ છે સંયોગી દ્રવ્ય !

જ્ઞાન એ મૂળ દ્રવ્ય છે અને બુદ્ધિ એ સંયોગી દ્રવ્ય છે. સંયોગ ભેગો થાય, ના ય થાય અગર તો સંયોગ ખસીયે જાય. એટલે બુદ્ધિ એ સંયોગી દ્રવ્ય છે.

પ્રશ્શનકર્તા : સંયોગના આધારે બુદ્ધિ તીવ્ર થતી જાય ?

દાદાશ્રી : પણ બુદ્ધિ પોતે જ સંયોગ છે. એ ભેગી થયેલી વસ્તુ છે. જ્ઞાન એ સંયોગ નથી, જ્ઞાન એ દ્રવ્ય છે અને બુદ્ધિ એ સંયોગ છે.

પ્રશ્શનકર્તા : એટલે બધાને એક જ જાતના સંયોગ હોય, પણ એકને લાઈટ ઓછું હોય તો એના પ્રમાણમાં બુદ્ધિની તીવ્રતા ઓછી રહે, એવું ?

દાદાશ્રી : એ ઓછું લાઈટ તો ઓછી બુદ્ધિ હોય અને લાઈટ વધારે એટલે બુદ્ધિ વધારે. બુદ્ધિ એટલે એક પ્રકારનું લાઈટ. તે પર-પ્રકાશ, સંયોગી પ્રકાશ, એ ક્યાં સુધી રહે કે પોતે સંયોગી હોય ત્યાં સુધી. 'ચંદુભાઈ' જોડે સંયોગ હોય ત્યાં સુધી અને આત્મા જોડે સંયોગ થયો એટલે અસંયોગી કહેવાય.

બધી સંયોગી વસ્તુ છે એટલે બધી રિલેટિવ છે અને વિનાશી છે. એટલે મન-બુદ્ધિ-ચિત્ત-અહંકાર બધું ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે. બુદ્ધિ પર-પ્રકાશ છે. રિલેટિવ પ્રકાશ છે, રિયલ પ્રકાશ નથી. જ્ઞાન એ રિયલ પ્રકાશ છે.

બુદ્ધિના ચશ્મે અહંકાર દેખતો !

દરેકની બુદ્ધિ કંઈ ખરાબ હોતી નથી. બુદ્ધિની વિપરીતતા દરેક જગ્યાએ હોતી નથી. એવી જે બુદ્ધિ, તે તો લોકોને અજવાળું આપે, પ્રકાશ આપે, કંઈક ઠંડકેય કરે.

પ્રશ્શનકર્તા : તો બુદ્ધિ સામાન્ય ભાવે ઠીક છે ?

દાદાશ્રી : એટલે બુદ્ધિ કંઈ ખોટી વસ્તુ નથી પણ એને અહંકારે કરીને પોઈઝનસ કરી નાખી છે અને જે બાબતમાં અહંકાર હોય તે બાબતમાં પ્રકાશ બિલકુલ હોય નહીં, ત્યાં આંધળો હોય. જે ખૂણામાં અહંકાર વધી ગયેલો હોયને, ત્યાં આંધળો હોય. એ અહંકાર તો, નોર્મલ અહંકાર હોય તો તે ખૂણામાં પ્રકાશ પડે.

ઈગોઈઝમ હંમેશાં આંધળો હોય. ઈગોઈઝમ દેખતો ના હોય, કોઈ દહાડોય. એને આંખ ના હોય. બુદ્ધિની આંખથી કો'ક દહાડો જુએ. બાકી, પોતાની આંખ ના હોય. આંધળાના સંગથી પાપ જ બંધાય ને ?

અહંકાર સ્વભાવથી જ આંધળો !

અહંકારનો સ્વભાવ કેવો ? હું જે કરું છું એ જ સાચું છે. એ નક્કી માને. કારણ કે અહંકાર સ્વભાવથી જ આંધળો છે.

પ્રશ્શનકર્તા : એટલે પહેલેથી જ એવું માને કે હું જે કરું છું એ સાચું છે ?

દાદાશ્રી : પહેલેથી જ એવું માને છે. પહેલેથી જ નક્કી કરીને ચાલે છે. એટલે આ આંધળો કૂટાયા જ કરે છે.

પ્રશ્શનકર્તા : પણ આંધળાની મદદે બુદ્ધિ તો હોય છે ને ?

દાદાશ્રી : બુદ્ધિ તો હોય ને, બુદ્ધિ પણ શું કરે તે ? બુદ્ધિ પ્રકાશ આપે, પણ આંધળો પ્રકાશનો લાભ કેટલો ઉઠાવે ?

પ્રશ્શનકર્તા : પણ એ બુદ્ધિની મદદ લેને ? 'નોર્મલ કોર્સ'માંથી આગળ વધવા માટે બુદ્ધિની મદદ તો લે ને ?

દાદાશ્રી : બુદ્ધિને લીધે અહંકારને થોડું ઝાંખું દેખાય, પણ આંધળાને લાઈટ કેટલું દેખાય ? પોતે આંધળો એટલે એના બધાં છોકરાં એવાં જ હોય ને ?

ડિરેક્ટ પ્રકાશ, પ્રકાશે અલૌકિકતા !

જ્ઞાન એ ડિરેક્ટ લાઈટ છે, એટલે ડિરેક્ટ લાઈટ પ્રાપ્ત થાય ત્યારપછી અલૌકિક વાત સમજાય. ત્યાં સુધી અલૌકિક વાત સમજાય નહીં. એટલે અમારે ઈન્ડિરેક્ટ પ્રકાશ જુદો રહ્યો અને ડિરેક્ટ પ્રકાશ થયો. એટલે અમે જ્યાંથી બોલીએ ત્યાંથી બધું શાસ્ત્રમય જ હોય. એને પછી બીજો ફોડ પાડવાનો ના હોય.

પ્રશ્શનકર્તા : ડિરેક્ટ જ્ઞાન છે એ કેટલું જોઈ શકે ? ક્યાં સુધીનું જોઈ શકે ?

દાદાશ્રી : આ ડિરેક્ટ જ્ઞાન તો જેટલો પ્રકાશ પામે, ડિરેક્ટ જ્ઞાનનું જેટલું આવરણ ખસે, એટલું કેવળજ્ઞાન સુધી પહોંચે. એટલે આખું બધું જગત જોઈ શકે, બ્રહ્માંડ જોઈ શકે. એને તો પાર જ ના આવે ને ! ડિરેક્ટ પ્રકાશ એ તો અમારા જેવા જ્ઞાનીઓને હોય. ડિરેક્ટ પ્રકાશ એટલે બધું જોઈ શકે. આ જગતમાં કોઈ ચીજ એવી નથી કે અમને ખબર ના હોય. એ ડિરેક્ટ પ્રકાશ કહેવાય. તારામાં બેઠેલા ખુદાને અમે જોઈ શકીએ છીએ ને તને તો અનુભવમાંય ના આવે. ઘોડામાં, કૂતરામાં, બધામાં દેખાય. આ તો બધા પેકીંગ છે, વેરાઈટીઝ ઓફ પેકીંગ છે.

ડિરેક્ટ પ્રકાશ પ્રાપ્ત થાય ત્યારે અલૌકિક વસ્તુ આ બધી દેખાય દુનિયામાં. અલૌકિક વસ્તુઓ બધી સનાતન છે અને લૌકિક વસ્તુઓ બધી ટેમ્પરરી એડજસ્ટમેન્ટ છે ખાલી ! લૌકિક વસ્તુઓ બધી ઈન્દ્રિયગમ્ય છે. અલૌકિક અતીન્દ્રિયગમ્ય છે. અમને અમારા જ્ઞાનથી આ બધું જગત દેખાય કે જગત કેવી રીતે ચાલી રહ્યું છે, આ બધું શું છે ?

પ્રશ્શનકર્તા : તમે આ બધું જોઈ શકો છો ?

દાદાશ્રી : હા, જ્ઞાનથી બધું જોઈ શકીએ છીએ, ત્યારે જ આ વાત કરી શકાય ને ! નહીં તો વાત કરાય નહીં ને ! અને બુદ્ધિથી આ ના દેખાય. બુદ્ધિ તો બહુ વધે ને ત્યારે માણસ બુદ્ધુ થઈ જાય. અને જ્ઞાની તો પરમાત્મા થાય. જ્ઞાનમાં તો વધતું-ઓછું હોય જ નહીં ને ! જ્ઞાન એટલે પ્રકાશ છે, સ્વયં પ્રકાશ છે, કેવળજ્ઞાન સ્વરૂપી છે.

આત્માનો પ્રકાશ ત્યાં બુદ્ધિ 'રન આઉટ' !

પ્રશ્શનકર્તા : બુદ્ધિ વગર આપ આટલું બધું સમજાવો છો એ કેવી રીતે બને ?

દાદાશ્રી : બુદ્ધિ તો આટલું બધું સમજાવી શકે નહીં ને ! બુદ્ધિની લિમિટેશન (મર્યાદા) હોય. એ લિમિટમાં જ બતાવી શકે. બુદ્ધિ લિમિટેડ હશે કે અન્લિમિટેડ ?

પ્રશ્શનકર્તા : અન્લિમિટેડ (અમર્યાદિત).

દાદાશ્રી : ના, લિમિટેડ, અને મારી પાસે અન્લિમિટેડ પ્રકાશ છે.

પ્રશ્શનકર્તા : બુદ્ધિ લિમિટેડ (મર્યાદિત) કેવી રીતે ?

દાદાશ્રી : આ પ્રકાશ બધો છે. બુદ્ધિ એ પ્રકાશમાં ગણાય. આ ટ્યુબલાઈટનો બધો પ્રકાશ લિમિટેડ હોય કે અન્લિમિટેડ ?

પ્રશ્શનકર્તા : લિમિટેડ.

દાદાશ્રી : અને સૂર્યનો પ્રકાશ ?

પ્રશ્શનકર્તા : અન્લિમિટેડ.

દાદાશ્રી : ના, એય લિમિટેડ. ઘરમાં જુઓ તો કશું નહીં દેખાય. એય લિમિટેડ અને 'અમારો' પ્રકાશ તો અન્લિમિટેડ છે. એ અન્લિમિટેડ પ્રકાશ એ જ્ઞાન કહેવાય અને લિમિટેડ પ્રકાશ એ બુદ્ધિ કહેવાય. એટલે લિમિટેડ પ્રકાશ બંધ થઈ ગયો અને અન્લિમિટેડ પ્રકાશ ઊભો થઈ ગયો.

પ્રશ્શનકર્તા : અન્લિમિટેડ જ્ઞાનવાળાને બુદ્ધિ વગરના કહી શકાય ?

દાદાશ્રી : પણ જ્ઞાન હોતું જ નથી કોઈ જગ્યાએ. એક સેન્ટેય જ્ઞાન ના હોય. આ જગતમાં કોઈને એક સેન્ટ જ્ઞાન છે નહીં. બુદ્ધિ છે, બુદ્ધિ કોઈ જગ્યાએ ૮૦ ટકા છે, ૮૫ ટકા છે, ૯૦ ટકા સુધી છે પણ જ્ઞાન ના હોય. એટલે બુદ્ધિ અને જ્ઞાનમાં આટલો ફેર.

પ્રશ્શનકર્તા : બુદ્ધિનાં લિમિટેશન્સ છે એટલે મુશ્કેલી પડે છે ?

દાદાશ્રી : એટલે મુશ્કેલી જ પડે. બુદ્ધિમાં લિમિટેશન છે અને બુદ્ધિથી કોઈ પણ પ્રશ્શન સોલ્વ (ઉકેલ) થાય નહીં. કારણ કે બુદ્ધિ એ લિમિટેશનવાળી છે. બિગિનિંગ (શરૂઆત)થી એન્ડવાળી વસ્તુ છે એ અને આ જ્ઞાન એ અન્લિમિટેડ છે, એન્ડલેસ (અનંત) છે.

હું અન્લિમિટેડમાં રહું છું. મારે આ બુદ્ધિના લાઈટની શી જરૂર ? જ્યારે ઘરની લાઈટ જતી રહે છે ત્યારે લોક કેન્ડલ (મીણબત્તી) સળગાવે પણ પછી લાઈટ આવે ત્યારે કેન્ડલ રહેવા દે ખરાં ? બાકી બુદ્ધિ વગરના હોય ને, ત્યાં જ્ઞાન છે. આપણા તીર્થંકરો બુદ્ધિ વગરના હતા, અમનેય બુદ્ધિ નથી.

પ્રશ્શનકર્તા : અરિહંત ભગવાનને બુદ્ધિ નહીં ?

દાદાશ્રી : એમને બુદ્ધિ ના હોય. બુદ્ધિ હોય તો ભગવાન ના કહેવાય.

પ્રશ્શનકર્તા : પણ જ્ઞાન હોય ?

દાદાશ્રી : હા, જ્ઞાન, કેવળજ્ઞાન, એબ્સોલ્યુટ જ્ઞાન. કારણ કે બુદ્ધિ લિમિટવાળી હોય. અને એમનું અન્લિમિટેડ જ્ઞાન. એટલે બુદ્ધિ એમની પાસે ના હોય. લિમિટવાળી ચીજ જ એમની પાસે કોઈ હોય નહીં. મારી પાસે નથી તો એમની પાસે શી રીતે હોય ? બુદ્ધિ દરેકના ગજા પ્રમાણે લિમિટવાળી હોય, જ્ઞાન લિમિટવાળું ના હોય. આ તીર્થંકરનું જ્ઞાન છે ! આ કંઈ જેવા તેવા બાવાઓનું જ્ઞાન ન હોય !

 

(૩)

બુદ્ધિની પ્રસરેલી ડાળખીઓ

વાતો, આત્મવિજ્ઞાનની અનુભૂતિની !

પ્રશ્શનકર્તા : આઉટર (બાહ્ય, ભૌતિક) વિજ્ઞાનનો જેવી રીતે ડેફિનેટ (નિશ્ચિત) અનુભવ થાય છે, તેવી રીતે ઈનર(આંતર) વિજ્ઞાનનો પણ ડેફિનેટ અનુભવ થવો જોઈએ ને ?

દાદાશ્રી : ડેફિનેટ અનુભવ વગરનું વિજ્ઞાન, વિજ્ઞાન કહેવાય જ નહીં. વિજ્ઞાન એનું નામ કહેવાય કે અનુભવ સહિત જ હોય. ત્યાં સુધી જાણ્યું જ નથી કહેવાય. ત્યાં સુધી જે ચોપડીઓ બધું વાંચીએ એને (બુદ્ધિજન્ય) જ્ઞાન કહેવાય પણ વિજ્ઞાન ના કહેવાય. એ જ્ઞાન એટલે શુષ્કજ્ઞાન, ફળ આપે નહિ અને કેફ બહુ ચઢે. 'હું જાણું છું, હું જાણું છું' એનો કેફ બહુ ચઢે. આ ભમરડો જુઓ, જાણનારો આવ્યો ! કેફ ચઢે ઊલટો. અને વિજ્ઞાન તો તરત જ ફળ આપે. એ અનુભવવાળું જ હોય. વિજ્ઞાન એટલે શું ? સાકરને ગળી કહેવી એ જ્ઞાન છે અને સાકરનો સ્વાદ જાણવો, અનુભવવો એ વિજ્ઞાન છે. એટલે આ બધું અહીં આગળ વિજ્ઞાન છે, વિજ્ઞાન બુદ્ધિ બહાર હોય. વિજ્ઞાન અન્લિમિટેડ હોય, બુદ્ધિજન્ય જ્ઞાન એ બધું લિમિટેડ હોય.

પ્રશ્શનકર્તા : તો અંદરના વિજ્ઞાનમાં કેવા કેવા અનુભવો હોઈ શકે ?

દાદાશ્રી : 'હું રાજા છું' એવો અનુભવ હોય તો રાત્રે સરસ ઊંઘ આવે, તો પરમાત્માનો અનુભવ થયો એની વાત જ શું હોય ! 'હું રાજા છું' એટલો અનુભવ એક દહાડો થાય, તો એને કેટલો આનંદ થાય ?

પ્રશ્શનકર્તા : સ્વપ્નમાં હોઈ શકે એ તો ?

દાદાશ્રી : હા, સ્વપ્નમાં બને. આ પણ બનવું જોઈએ ને ? અને સ્વપ્નું તો ઘડીમાં ટક્યું-ના ટક્યું, એટલે એ ટકાઉ નથી. કાચના વાસણ જેવું, થોડીવાર રહ્યું, ના રહ્યું. ટકાઉ હોય એ તો અને પરમાત્મપણું એટલે કાયમનું ટકાઉ, શાશ્વત !

બુદ્ધિ, આંતર-બાહ્ય !

પ્રશ્શનકર્તા : ભૌતિક જ્ઞાન અને આધ્યાત્મિક જ્ઞાનમાં કંઈ ફેર હશે ? શો ફેર હશે ?

દાદાશ્રી : ભૌતિક જ્ઞાન એ બાહ્ય બુદ્ધિ છે. બાહ્ય બુદ્ધિ ફોરેનમાં છે અને આપણે અહીં આંતરિક બુદ્ધિ છે. આંતરિક બુદ્ધિ એટલે 'કોના કરતાં હું વધારે સારો દેખાઉં, કોના કરતાં હું વધારે મોટો દેખાઉં', એ બધી આંતરિક બુદ્ધિ છે. ફોરેનવાળા લોકોને બાહ્ય બુદ્ધિ છે. એટલે આ આંખથી દેખાય એવી વસ્તુ પર મોહ થાય, કાનથી સંભળાય ત્યાં મોહ થાય. આપણે એવું તેવું, બહુ પડેલી નથી. આપણે ત્યાં આ આંતરિક બુદ્ધિ છે. પણ એ મિથ્યા બુદ્ધિ છે. કારણ કે ભૌતિક સુખને માટે જ વપરાય છે. ભૌતિક સુખને પ્રાપ્ત કરવાની તૈયારીઓ કરે છે. એ લોકો ભૌતિકમાં ફૂલ ડેવલપ્ડ (પૂર્ણ વિકસિત) છે, જ્યારે આપણા લોકો અધ્યાત્મમાં ફૂલ ડેવલપ્ડ છે.

હવે તો જૈનોય બુદ્ધિશાળી છે ને બીજા આ વૈષ્ણવોય બુદ્ધિશાળી થઈ ગયા છે. આ બહુ ભણતર-બણતર ને બધું એ થાય, ત્યાર પછી બુદ્ધિ ડેવલપ થવા માંડી. ભલે વિપરીત બુદ્ધિ થઈ છે પણ વિચારશીલ થઈ ગયા છે. પહેલાંના વખતમાં આટલા બુદ્ધિશાળી ન હતા.

અગવડે ઘડી બુદ્ધિ આ કાળમાં !

બુદ્ધિ અત્યારે ડેવલપ્ડ થયેલી છે. ડેવલપ્ડ બુદ્ધિ બે રીતે ફળ આપે. ડેવલપ્ડ બુદ્ધિ અવળી હોય તો અધોગતિમાં જાય અને ડેવલપ્ડ બુદ્ધિ સવળી હોય અને જો એને માર્ગમાં વાળનાર મળી આવે તો કલ્યાણ થઇ જાય. કારણ કે આ હું વાત કરું છું ને, ડેવલપ્ડ હોય તે તરત સમજી જાય, નહિ તો ના સમજે. આ ફોરેનના લોકોને બોલાવો અહીં આગળ, એક વરસ દહાડો મારી જોડે બેસે તો એક અક્ષરેય ના સમજે અને તમે એક કલાકમાં બધી વાત સમજી જાવ, હું શું કહેવા માંગું છું તે !

અને સતયુગમાં દુઃખ જ નહોતું. સતયુગમાં સુખ કેવું ? ખાવા-પીવાનું બધું મળે, કશી અડચણ નહીં. ખઈને સૂઈ જવાનું, બસ ! બુદ્ધિ તો કસોટીમાં ક્યારે આવે ? જ્યારે કંટ્રોલ હોય, બીજું હોય, ગાડીમાં ભીડ હોય, આમ હોય, તેમ હોય, ભીડમાં બુદ્ધિ કસોટીમાં આવે.

પ્રશ્શનકર્તા : જેમ તકલીફ વધારે પડે, એમ....

દાદાશ્રી : હા, તકલીફ વધારે તેમ બુદ્ધિ કસોટીએ વધારે ચઢે. તકલીફથી બુદ્ધિ કસાઈ ગયેલી. નહીં તો લોક બુદ્ધિશાળીઓ ન હતા. એ ડફોળ હતા સતયુગમાંય !

પ્રશ્શનકર્તા : તો આ સતયુગના ઋષિમુનિ થઈ ગયા એ બધા ?

દાદાશ્રી : એ ઋષિમુનિઓ તો બધા પુણ્યશાળી હતા, પણ બુદ્ધિ કસાયેલી નહોતી. આ તો ફક્ત તીર્થંકરો થયા એ એમની પુણ્યૈ લઈને જ આવેલા અને એ તીર્થંકર થવાના જ હતા, એટલે થયા. અને એ હંડ્રેડ પરસેન્ટ હતા પણ બીજા બધા લોકોમાં કશું ભલીવાર નહીં. બુદ્ધિ તો અત્યારે કસાયેલી છે. તે આ છોકરાઓ આટલા જે પ્રશ્શનો પૂછે છે ને, તે મોટી ઉંમરનાને તે દહાડે પૂછતા નહોતા આવડતા.

બુદ્ધિ તો કોઈ કાળે આવી હતી નહીં. સતયુગમાંય આવી નહોતી. શી રીતે હોય, બળી ? બેઠા બેઠા ખાવાનું મળે. કશું ડખલ નહીં. હંમેશાં ડખલો ઊભી થાય, ત્યારે બુદ્ધિ વધે. આખો દહાડો અથડામણ વધે ત્યારે બુદ્ધિ વધે. આપણે અહીં તો ખાંડનો કંટ્રોલ આવતાં પહેલાં શી રીતે લાવવી તે બધું સમજી ગયો હોય.

પ્રશ્શનકર્તા : આપ કહો છો કે પહેલાંના વખતમાં બુદ્ધિશાળી ન હતા, તો અત્યારના જે આ બધા પુરાતન તત્ત્વવેત્તાઓ, સંશોધન કરનારા છે, એ લોકોએ એવું ખોળી કાઢ્યું છે કે બુદ્ધિશાળી બધા હતા ત્યારે પણ ?

દાદાશ્રી : હું તો સતયુગની વાત કરું છું, સતયુગ, ત્રેતાની. દ્વાપરમાંથી જ બુદ્ધિ કસાઈ, કસોટીએ ચઢી. તો પણ આજના જેવી ન હતી. અત્યારે આ ટોપ ઉપર બેઠેલી છે. નહીં તો હિન્દુસ્તાનમાં આત્માની વાત કરાય જ નહીં, પરસાદની વાત કરવી પડે. તે પરસાદ કરીને લાવ્યા છે, આવજો ત્યાં ધર્મમાં. નહીં તો તમારામાં પેલું કહે છે ને, લહાણી.

પ્રશ્શનકર્તા : હા, પ્રભાવના થવાની છે, તે ટોળેટોળાં આવે.

દાદાશ્રી : તે બબ્બે કેળાં આપેને, તે લઈ લે. આ તો આ કાળના લોકોને આત્માસંબંધી વાત કરાય.

પ્રશ્શનકર્તા : નહીં તો આ જગતના રચનારનો વિચાર કરવો એ પણ એક ભ્રાંતિ જ છે, એવું જ કહે છે ને ?

દાદાશ્રી : એ ભ્રાંતિ છે. પણ વિચાર એ તો બુદ્ધિ એને કરાવડાવે છે. કારણ કે બુદ્ધિ એટલી ડેવલપ થઈ છે. આફ્રિકાના જંગલીઓને રચનારનો કંઈ વિચાર નથી આવતો, કારણ કે બુદ્ધિ ઉત્પન્ન થઈ નથી. બુદ્ધિ વિકાસ પામી નથી, તે કશું જ નથી આવડતું. અંગ્રેજોને, એ બધા આપણા હિન્દુસ્તાનમાં આવ્યા, તેથી બુદ્ધિ વિકાસ પામી.

તે દહાડે તો યુગ એવો કે કોઈને જમાડવાની બુદ્ધિ ના થાય અને કોઈને જમવાની બુદ્ધિ ના થાય. બોલો હવે, શી દશા થાય ? જમવાની બુદ્ધિ હોય તો જમાડવાની ઈચ્છા થાય, કે આ લોકોને બોલાવીએ જમવા. પણ જમવાની બુદ્ધિ જ નહીં ત્યાં આગળ જમાડનાર કોણ ? એટલે બધું આઈડલ (નિષ્ક્રિય) પડી રહેતું હતું. અત્યારે તો જોઈએ એટલા જમાડનાર, જમનાર હશે, ત્યારે ખોટ ખરી ? તે દહાડે જમનાર જ કોઈ નહીં. યજમાનને એ બધું ખરું, પણ તેય યજમાનની રીત, એની રીતે જ લેવાતું હોય તે જ. બીજી ડખલ નહીં નામેય. શેઠ તો અબજો રૂપિયા હોય તોય પૂતળા સરખા, કશું સમજણ-બમજણ ના પડે. જો કદી મુંબઈમાં મૂકી દીધા હોય ને, તો કેવી રીતે હવે ઘેર જવું, તે સમજણ ના હોય, કે લાવ, એક ટેક્ષી કરું. એવું તેવું ઘેર જવાનું આવડે નહીં. બુદ્ધિ જ કસોટી પર આવેલી નહીં.

પ્રશ્શનકર્તા : જરૂર જ ના પડેલી તે વખતે ?

દાદાશ્રી : બુદ્ધિની જરૂર જ નહીં, તે દહાડે ! અત્યારે જરા બ્રિલિયંટ મગજના થયા. ભલે બુદ્ધિ અવળી થઈ ગઈ છે, પણ બુદ્ધિ ડેવલપ થયેલી છે. પહેલાં બુદ્ધિ ડેવલપ જ નહીં થયેલીને ! પોતાનું ગામ જ જોયેલું હોય, એમાં પચાસ વીઘાં જમીન હોય, એટલે પાડાની પેઠે ફરતો હોય અને આમ આમ કર્યા (મૂછ મરડ્યા) કરતો હોય. અને પછી જ્યારે મરડો થાય ત્યારે આપણે પૂછીએ, 'કેમ દોડતા'તા ?' મેર મૂઆ, શું જોઈને આમ આમ કરતો'તો તે ? એટલે કૂવામાંનાં દેડકાં કહ્યાં તે દહાડે. હવે એ પચાસ વીઘાંવાળાને મુંબઈમાં મોકલીએ તો મુશ્કેલીમાં મૂકાઈ જાય.

આ તો અત્યારે ગાડીઓમાં આવ-જા કરે છે, પણ પહેલાં તો મુંબઈમાં પચાસ રૂપિયાના ખર્ચમાં જવાતું હતું. પાંચ રૂપિયા ભેગા થાય નહીં અને દહાડો વળે નહીં. હવે એ પચાસ વીઘાંવાળાને મુંબઈ મોકલીએ અત્યારે, તો ત્યાં કોઈ બંગલાવાળાનું સંડાસ દેખાડીએ ને તો એની મિલકત એમાં, સંડાસમાં આવી જાય. એટલે પછી ત્યારે એનો પારો ઊતરી જાય. પણ આ ત્યાં સુધી કૂવામાંનું દેડકું છે ! જ્યાં સુધી બહાર, મુંબઈ ગયો નથી, ત્યાં સુધી પારો ઊતરે નહીં અને ઊંધું જ ચાલ્યા છે.

હવે બધા ડેવલપ થયેલા છે. હવે બુદ્ધિ છતી કરવાની જરૂર છે. તે બુદ્ધિ છતી કરનારો નીકળી આવશે. એટલે ગાડું સારું ચાલશે હવે.

પ્રશ્શનકર્તા : અત્યારે બુદ્ધિ જે ડેવલપ થયેલી છે તે પણ વિપરીત માર્ગે ચાલી રહેલી છે.

દાદાશ્રી : એ વિપરીત તો વિપરીત, પણ બુદ્ધિ છે ને ! એને અમે સમ્યક કરી શકીએ. પણ જો બુદ્ધિ જ ડેવલપ્ડ ના હોય, તો શું થાય ? વિપરીત ઊંધી હશે, પણ છે બુદ્ધિને ? એટલે લોટને કેળવેલો છે આ, અને પહેલાં લોટ કેવો હતો ? ભાખરા થાય એવો. અને આ તો વેઢમી થાય એવો લોટ છે. હેય ! આમ ફર્સ્ટ કલાસ વેઢમી થાય ને મઠિયાં થાય એવો લોટ !

હવે આ બુદ્ધિ અમુક પ્રકારે સારી થાય છે. તે જ્ઞાની પાસે બેસવાથી એ બુદ્ધિ સમ્યક થાય છે. એ સમ્યક બુદ્ધિ બહુ હિતકારી હોય. જે લૌકિક બુદ્ધિ છે, લોકસંજ્ઞાથી ઊભી થયેલી બુદ્ધિ, એ બધી વિપરીત બુદ્ધિ કહેવાય છે. વિપરીત બુદ્ધિ એટલે પોતાનું અહિત કરનારી. સંસારમાં ભલે સુખી કરે, પણ મુક્તિ માટે એ અહિત કરનારી.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23