ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૩)

સાહજિકતા, ત્યાં મહીં ઠંડક !

ઈશ્વરે આ બધું બનાવ્યું છે, એવું સ્વીકાર નથી કરતા. 'હું જ કર્તા છું' અને 'મારાં કર્મ મારે ભોગવવા પડશે' એવું ભાન થાય છે એનું નામ જ પુનર્જન્મ. અને ફોરેનવાળા તો એવું જાણતા નથી. એ તો કહેશે, 'ભગવાને આપણને જન્મ આપ્યો છે.' ત્યારે કોઈ કહે, 'આ ગરીબને ત્યાં કેમ જન્મ્યો ને આ શ્રીમંતને ત્યાં કેમ જન્મ્યો ?' ત્યારે એ લોકો કહે છે, 'ભગવાનની એવી ઇચ્છા' અને આપણા હિન્દુસ્તાનના લોકો એકલા જ આ પુનર્જન્મને સમજ્યા છે. એટલે અધ્યાત્મ તરફ વળેલા છે. અને આમાં અધ્યાત્મમાં ના વળ્યા તો બળતરા પાર વગરની, કારણ કે જેટલી આંતરિક બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય.

હવે એ જ્યારે બધી જ જગ્યાએ, આખી દુનિયામાં ફરી ફરીને આવે છે, ત્યારે છેલ્લે હિન્દુસ્તાનમાં આવ્યા પછી, ક્રોધ-માન-માયા-લોભ, ફુલ્લી ડેવલપ્ડ થઈ ગયેલાં હોય છે. હિન્દુસ્તાનમાં જે ક્રોધ-માન-માયા-લોભ છે, એવા આખી દુનિયામાં કોઈ જગ્યાએ જડે નહીં અને આ લોકોને જે બળતરા છે, એવી બળતરા પણ દુનિયામાં ખોળવા જાય તો જડે નહીં. કારણ કે જેટલું બુદ્ધિનું જોર, જેટલો બુદ્ધિનો વિકાસ થયો અને એના પ્રમાણમાં બળાપો થવો જ જોઈએ. એ કાઉન્ટર વેઈટ છે. એટલે એ કહે છે કે, 'બળ્યું, આમાં શું સુખ છે ?' આ બંગલા-મોટર બધું છે પણ આ કાયમ બળાપો ય છે. માટે સુખ બીજી જગ્યાએ હોવું જોઈએ. પછી એની કલ્પના બીજી જગ્યાએ સુખ ખોળતી થઈ કે મુક્તિમાં સુખ છે, અપરિગ્રહમાં સુખ છે, એવું એને પછી ભાન થાય છે. બાકી, ફોરેનવાળાને તો અપરિગ્રહ શબ્દ કામનો જ નહીં. એમને અપરિગ્રહ, બ્રહ્મચર્ય અને અહિંસા એ ત્રણ શબ્દ કામના જ નહીં. એ લોકો ફક્ત જૂઠ અને ચોરી, એમાં વિરુદ્ધ હોય એવું એ લોકોનું ડેવલપમેન્ટ છે. અને ફોરેનવાળાને એવું તેવું ના હોય બિચારાને. આ તો બહુ જાગૃત લોકો, તેથી દુઃખી છે ને આ બધા. આપણે અહીંયાં બીજું કશું દુઃખ નથી. એ જાગૃતિ બુદ્ધિમાં છે.

મેં એવી જાગૃતિનો લેમ્પ જ મેલ્યો, તે કશું દુઃખ જ નથી મને. તે બુદ્ધિનો લેમ્પ જ ઊડાડી મેલ્યો, અબુધ થઈને બેઠો. કશું ભાંજગડ જ નહીં ને હવે. ડિરેક્ટ લાઈટ પાર વગરનું છે !

પ્રશ્શનકર્તા : આ જાનવર છે, એને આપણા કરતાં વહેલો મોક્ષ થાય એવું ખરું ?

દાદાશ્રી : એને ક્યાંથી મોક્ષ હોય બિચારાને ? એ બધા મનુષ્યમાં, જાગૃતિમાં આવ્યા પછી, સંપૂર્ણ જાગૃતિ થયા પછી એને ચિંતાઓ-ઉપાધિઓ થશે. ત્યાર પછી બંગલા હોય, ગાડીઓ હોય, તોય મનમાં એ નક્કી કરશે કે 'બળ્યું, અહીં કંઈ સુખ નથી.' જાગૃતિ ટોચ ઉપર હોય છતાં અહીં આમાં સુખ નહીં લાગે. ત્યારે એ નક્કી કરશે કે હવે મોક્ષે જવું છે, એવું એને ખાતરી થઈ જાય, ત્યારે એ મોક્ષની ભાંજગડ કરે. એટલે આ આપણા હિન્દુસ્તાનના લોકોને જ સમજણ પાડું કે ભઈ, આમાં સુખ નથી.

આ પલ્લામાં જેટલી બુદ્ધિ હોય, જેટલી બુદ્ધિ વધે, બુદ્ધિ પાંચ રતલ હતી, તે ત્રીસમે વર્ષે ત્રીસ રતલ થાય ત્યારે આ બાજુ બળતરા પાંચ રતલ હતી, તેને બદલે ત્રીસ રતલ બળતરા શરૂ થઈ જાય. જેટલી બુદ્ધિ વધતી જાય તેમ બળાપો વધતો જાય.

પ્રશ્શનકર્તા : તો બુદ્ધિ વધારવી નહીં ? કઢાપો ઓછો કરવા માટે, બુદ્ધિ ના વધે તો કઢાપો ના વધે ?

દાદાશ્રી : પણ તમે આ કાંટો સમજ્યા ? આ બાજુ જેમ જેમ બુદ્ધિ વધતી જાય, તેમ તેમ બળાપો વધતો જાય.

પ્રશ્શનકર્તા : પણ કઢાપો ન વધારવા માટે બુદ્ધિ ન વધારીએ તો સારું ને ?

દાદાશ્રી : ના, એમાં કશો દહાડો વળે નહીં ને ! એ તો બુદ્ધિ વધ્યા કરવાની ને બળાપો થયા કરવાનો. એમાં ચાલે એવું નથી હપુચું.

અમેય ભોગવેલી બળતરા, અહંકારની !

હું જોઈ ગયો કે બુદ્ધિ વધતી ગઈ તેમ તેમ બળતરા વધતી ગઈ. આ મારી વાત કરું છું બધી.

પ્રશ્શનકર્તા : તમને શેની બળતરા થતી હતી ?

દાદાશ્રી : બધી બહુ પાર વગરની બળતરા, અહંકારની. અંબાલાલભાઈ કહે, આવા છ અક્ષર કોઈને બોલતા ન ફાવે, તો 'અંબાલાલ' બોલી જાય તો એનો કોઈ ગુનો છે ? પણ મને રાતે ઊંઘ ના આવે. એ શું સમજે છે એના મનમાં ? લો હવે ! મોટું રાજ ના મળે, ગાદી ના મળે ! પણ ઊંઘ ન હતી આવતી. એટલે પછી હું બળતરાનું પડીકું વાળી, પછી મંતર બોલ્યો અને બે ઓશીકાં હતાં, તેની વચ્ચે મૂકી દીધું ને સૂઈ ગયો ત્યારે ઊંઘ આવી. સવારના એ પડીકું હતું તે વિશ્વામિત્રી નદી હતી ત્યાં નાખી આવ્યો. એ આમતેમ કરીને દહાડા કાઢેલા.

પહેલેથી મમતા જ નહીં, અહંકાર એકલો જ, ગાંડો, બિલકુલ ગાંડો અહંકાર.

પ્રશ્શનકર્તા : ગાંડો કેમ કહો છો ?

દાદાશ્રી : મિલવાળા હિસાબમાં ના આવે. મિલવાળો બોલાવવા આવે તોય મનમાં હિસાબમાં ના આવે. 'બેસો થોડીવાર, ઉતાવળ ના કરશો.' એ ગાંડો જ ને ? બાકી, મજૂર જોડે સારું રાખે. હા, અહીંના દુનિયાના મોટા માણસો હોય, એમને પછાડે જરા, પણ નાના માણસોને આમ સારું રાખે. એટલે હાથ નીચેવાળા જોડે સારું રાખેલું. ઉપરીને ઠોકેલા. હા, ઉપરી ગમે નહીં. એટલે 'ભગવાન ઉપરી છે' એવું જાણ્યું, ત્યારે જ મહીં કંટાળો આવ્યો કે આ ઉપરી વળી પાછો આવ્યો ? આના કરતાં હીરાબા શું ખોટા, એ ઉપરી ? એ શોધખોળ કરી, કોઈ ઉપરી છે નહીં. નકામી આ ઉપાધિ છે.

જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી અવેરનેસ, બિવેરનેસ અને એલર્ટનેસ આવે, ને બુદ્ધિથી આગળનું જ્ઞાન મળ્યું, ત્યારે એક્ઝેક્ટનેસ (યથાર્થતા)માં આવી ગયા. જ્યાંથી જુઓ ત્યાંથી એક્ઝેક્ટનેસ. એલર્ટનેસમાં એક ડિગ્રીથી જુએ અને એક્ઝેક્ટનેસમાં સેન્ટરમાં આવી ગયો.

પ્રશ્શનકર્તા : તો પણ બુદ્ધિની અંદર કોઈ સારી વસ્તુ ખરી ? બુદ્ધિમાં કોઈ સદ્ગુણ ખરો ?

દાદાશ્રી : બુદ્ધિમાં સદ્ગુણ એટલો જ કે સંસારમાં હેલ્પ (મદદ) કરે અને સારું કર્મ કરવા માટે મદદ કરે. સારું એટલે શુભ કર્મ કરવા. અહંકાર પણ શુભ હોય તો એને હેલ્પ કરે, બહુ હેલ્પ કરે. અશુભમાંથી કઢાવડાવે આપણને.

પ્રશ્શનકર્તા : શુભાશુભ કરે. શુભ અને અશુભમાં જ પડી રહેલો હોય.

દાદાશ્રી : હા, બસ, શુભાશુભમાં. અશુભમાંથી શુભમાં આવવું એને ધરમ માને. જેને દ્વન્દ્વાતીત થવું છે, જેને ફીયરલેસ (ભયમુક્ત) થવું છે, તેને જ્ઞાનની જરૂર છે. હજુ ફેક્ટની જરૂર છે.

પ્રશ્શનકર્તા : ઘણી વખત બુદ્ધિ વ્યવહારમાં સમાધાન પણ કરાવી આપે છે.

દાદાશ્રી : બધી રીતે સમાધાન કરી આપે. સંસારમાં બધું સમાધાન કરી આપે પણ મોક્ષને માટે સમાધાન ના આપે. સંસારમાં બધી રીતે હેલ્પીંગ !

મહીંથી દેખાડે...

પ્રશ્શનકર્તા : કોઈ અભણ હોય કે ખૂબ ભણેલો હોય, એ કંઈ ખોટું કરતો હોય પણ એને અંદરથી ખબર પડતી હોય છે કે આ ખોટું થાય છે. એટલે આપણામાં એક એવી વસ્તુ છે કે જે આપણને સદાય કહે છે કે આ ખોટું થાય છે. તો એ સાચી વાત છે ?

દાદાશ્રી : બરોબર છે, સાચી વાત છે. ત્યાં બુદ્ધિ કસોટી કરે છે. જો અવળું થવાનું હોય તો બુદ્ધિ અવળું દેખાડે, સવળું થવાનું હોય તો સવળું દેખાડે.

પ્રશ્શનકર્તા : તો બધું અવળું દેખાડે એવાને દૂર કરવા માટે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : એમ ના થાય એ દૂર. એમને શક્તિ નથી. એ અવળું દેખાડે, ત્યાં ઢસેડીને લઈ જાય, જાત જાતના પુરાવા આપણને આપે. એક વાર તો આ અવળું દેખાડે છે. એટલી દ્ષ્ટિ જ પહોંચવી અઘરી છે. પેલાને તો જેવી બુદ્ધિ ફરે એમ એમ ફર્યા કરે. પણ જે હાઈ લેવલ પર ગયેલા છે, તેને દ્ષ્ટિ પહોંચે કે આ અવળું દેખાડે છે. એટલે એના પરથી હિસાબ કાઢે, મારું ઊંધું થવાનું છે. આના પરથી ભવિષ્ય કાઢે કે મારું ઊંધું થવાનું છે. 'વિનાશ કાળે વિપરીત બુદ્ધિ', કેવું સરસ લખ્યું છે ને ?

અને તે બુદ્ધિ પાછી આપણી સત્તામાં હોતી નથી. તે કર્મો અનુસારિણી છે. તમારા કર્મના ઉદય પ્રમાણે થયા કરે. ઘણી વાર બુદ્ધિ ચકચકિત થાય, ઘણી વાર બુદ્ધિ બગડી જાય. બુદ્ધિ બગડી જાય એટલે જાણવું કે આ બગડવાનો વખત આવ્યો છે. ત્યારે બુદ્ધિ સુધરે ત્યાં સુધી એક ડોલર નહીં હોય તોય વાંધો નથી, પણ સારો કાળ આવવાનો છે. પણ બુદ્ધિ ચોખ્ખી હોવી જોઈએ.

'બુદ્ધિનાશો વિનશ્યતિ.' હવે બુદ્ધિ બગડી ત્યારથી સમજી જવાનું કે ભૂકો કરી નાખશે. અમે સુધારવા માગીએ છીએ બધું. કુદરત એવું નહીં કરે ને. ભૂકો કાઢીને પછી એક્ઝેક્ટ હોવું જોઈએ, તેવું લાવશે.

બુદ્ધિનો અભાવ ત્યાં વીતરાગ ભાવ !

જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી સંસાર છે. અને ત્યાં સુધી રાગ-દ્વેષ છે જ. બુદ્ધિ હોય ત્યાં રાગ-દ્વેષ હોય જ.

પ્રશ્શનકર્તા : જો રાગ-દ્વેષ એમ ચાલ્યા જ કરે તો માણસને મુક્તિનો કોઈ પ્રસંગ બને જ નહીં ?

દાદાશ્રી : મુક્તિની આશા જ ક્યાં રાખવી ? એ તો જ્યારે વીતરાગ થાય ત્યારે મુક્તિ થાય. પણ એ વીતરાગને મળે તો વીતરાગ થાય. વીતરાગ બીજ મળતું નથી, કોઈ વખત.

પ્રશ્શનકર્તા : આ કાળમાં વીતરાગ ભાવ કેળવવો એ તો બહુ મોટી વાત છે.

દાદાશ્રી : વીતરાગ ભાવ શી રીતે આવે તે ? વીતરાગ ભાવ એટલે શું ? સ્વપ્રકાશભાવ ! સ્વપ્રકાશભાવ એટલે બુદ્ધિનો અભાવ, એટલે જો બુદ્ધિનો અભાવ થયો તો વીતરાગ ભાવ થયો, નહીં તો વીતરાગ ભાવ તો આવે જ નહીં ને ? એટલે ત્યાં સુધી વીતરાગભાવ તો કોઈને હોય જ નહીં ને ? વીતરાગ ભાવ થઈ ગયો એટલે થઈ રહ્યું અને એ તો છેલ્લામાં છેલ્લું પદ !

અહંકાર હોય ત્યાં સુધી બુદ્ધિ ઊભી રહે. અને બુદ્ધિ હોય ત્યાં સુધી બધો ડખો, ત્યાં વીતરાગ ભાવ ના રહે. બુદ્ધિ હોય તો જોખમેય ખરું. ક્યારે બુદ્ધિ એને પછાડી મારે કોઈ ફેરો, એ કહેવાય નહીં.

બુદ્ધિ એમાં પ્રકાશ મારી દે કોઈક ફેરો. અમે સમજી જઈએ કે આની બુદ્ધિ ગુલાંટ મારે છે. તે ઘડીએ અમે ચૂપ રહીએ. નહીં તો પછી વધારે જક્કે ચઢે. વધારે જક્કે ચઢે તેમ વધારે અંધારામાં પેસે, તેમ વધારે અવિનય કરતો જાય. એના કરતાં થોડા વિનયમાં પતાવી દઈએ. અવિનય થાય તોય એને સમજીએ કે અત્યારે લપસ્યો છે. તે બિચારો હમણે પડી જશે. બુદ્ધિવાળાને છંછેડીએ તો શું થાય ? વધારે બુદ્ધિ ફેલાવે, અવળે રસ્તે ચઢે.

બુદ્ધિની ભૂખ એવી છે કે કોઈ દહાડો મટે નહીં. એ તો એન્ડવાળું જોઈએ. જગત આખું બુદ્ધિજન્ય જ્ઞાનમાં છે.

પ્રશ્શનકર્તા : બુદ્ધિની આગળ જવું જોઈએ.

દાદાશ્રી : બુદ્ધિની આગળ પેટ ફોડ્યા વગર છૂટકો જ નથી. ત્યાં સુધી મોક્ષ જ નહીં થાય.

બુદ્ધિ છે તે સંસારની રમણતા કરાવડાવે. બુદ્ધિનો સ્વભાવ સંસારની રમણતા કરાવવાનો છે. પકડી રાખે, રમણતા પણ એ જ કરાવડાવે. આ રમણતા ભૂલે ત્યારે પેલી રમણતા થાય. સંસારની રમણતા ઓછી થાય છે એટલે ચિંતા-ઉપાધિ થતી નથી. જગતે એ રમણતા જોયેલી જ નહીંને ! આત્માની રમણતા જોયેલી જ નહીં, એક વાળ પૂરતીય જોયેલી નહીં.

જપની નહિ, જરૂર જ્ઞાનની !

પ્રશ્શનકર્તા : ગીતામાં એમ કેમ કહ્યું છે તારું મન, બુદ્ધિ તરફથી વાળ અને મારામાં જો તો હું તને દેખાઈશ.

દાદાશ્રી : ખરું કહે છે એ. એ તદ્દન સત્ય વાક્ય છે. આ બુદ્ધિને છોડી દે મન, અને જો એના તરફ વાળે એટલે આત્મા તરફ વાળે તો કૃષ્ણ ભગવાન દેખાય. કૃષ્ણ ભગવાને ખરી વાત લખી છે. લોકોને સમજણ ફેર જ છે. સમજણ ફેર થાય ત્યારે ઊંધું થાય. ચોપડવાની પી જાય. અને પછી કહેશે, 'મને આમ થયું.' બુદ્ધિથી છેટો થા, એમ કહે છે.

પ્રશ્શનકર્તા : બુદ્ધિને છોડીને મન આત્મા તરફ ઢળે.

દાદાશ્રી : બસ, એ ઢળ્યું તો કલ્યાણ થઈ ગયું.

પ્રશ્શનકર્તા : એ ઢળવા માટે શું જપયજ્ઞ એ જરૂરી છે ?

દાદાશ્રી : ના, જપયજ્ઞની જરૂર નથી. પહેલામાં પહેલી જરૂર તો જ્ઞાનની છે, કે આત્મા એ શું વસ્તુ છે. આત્મજ્ઞાનની જરૂર છે.

પ્રશ્શનકર્તા : અને જો જ્ઞાનની જરૂર છે, તો બુદ્ધિ વગર જ્ઞાન મળે ?

દાદાશ્રી : બુદ્ધિની જરૂર જ નથી જ્ઞાનમાં.

પ્રશ્શનકર્તા : તો જ્ઞાન કેવી રીતે આવે ?

દાદાશ્રી : જ્ઞાન તો જ્ઞાની પાસેથી મળે, જ્ઞાનીની કૃપાથી જ પ્રાપ્ત થાય. બુદ્ધિ તો સંસાર અનુગામી છે. એટલે સંસારમાં જ ભટકાવનારી છે. (રિલેટિવ) જ્ઞાનનું ઉત્પાદન શું ? ત્યારે કહે, બુદ્ધિ.

પ્રશ્શનકર્તા : તો બુદ્ધિમાંથી જ્ઞાન આવે છે ?

દાદાશ્રી : ના, જ્ઞાનનું ઉત્પાદન બુદ્ધિ ! જ્ઞાનમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તમે જે જ્ઞાન જાણો ને તેમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય. અને વિજ્ઞાન જાણવાથી (રિયલ) જ્ઞાન ઉત્પન્ન થાય કે એ સ્વ-પર પ્રકાશિત જ્ઞાન ઉત્પન્ન થાય. વિજ્ઞાનમાં કશું કરવાનું ના હોય, બુદ્ધિમાં કરવાનું હોય.

એ કાર્ય છે, બુદ્ધિનું !

પ્રશ્શનકર્તા : કેટલીક વખતે બુદ્ધિ હા પાડે છે ત્યારે આત્મા ના પડે છે ને ઘણી વખત આત્મા હા પાડે છે ત્યારે બુદ્ધિ ના પાડે છે, તો એમાં કોણ પ્રથમ જવાબ આપે છે ?

દાદાશ્રી : આત્મા તો એમાં ઊભો રહેતો જ નથી. આ બધા સંચાલનમાં આત્મા ઊભો રહેતો નથી.

પ્રશ્શનકર્તા : ઘણી વખત મન કહે છે કે આ નહીં કરો, ત્યારે એ આત્મા રોકે છે ?

દાદાશ્રી : ના, આત્મા ના રોકે. એ તો બુદ્ધિ રોકે છે. અને બુદ્ધિ રોકે એટલે પછી છેવટે અહંકારને માથે આવે. અહંકાર રોકનારો ! આમાં આત્માને કશું લેવાદેવા નથી. આત્મા તો, જેની આજુબાજુ સંચારબંધી છે. હા, એટલે એ આવું રોકે-કરે નહીં.

પ્રશ્શનકર્તા : જ્યારે આત્મા સાચો માર્ગ બતાવે ત્યારે આપણને એમ કહે કે આ રસ્તે નહીં જતા ?

દાદાશ્રી : આત્મા માર્ગ જ ના બતાવે. એ બુદ્ધિ બતાવે, એટલે અહંકાર ઉપર જાય. એનો માલિક કોણ ? અહંકાર. એટલે આ સાચું-ખોટું બેઉ બુદ્ધિ જ બતાવે. જેટલું એને વ્યવહારિક જ્ઞાન હોય એટલો માર્ગ બતાવે એ.

પ્રશ્શનકર્તા : કેટલીક વખતે બુદ્ધિ એમ કહે છે કે આ તું કર અને કેટલીક વખતે મન કહે છે કે તું આ ના કરીશ, તે વખતે મારે કોનું માનવું ?

દાદાશ્રી : મન એવું કહેતું જ નથી કે આ ના કરીશ. બધું બુદ્ધિનું જ છે આ.

પ્રશ્શનકર્તા : તો સાચો રસ્તો બતાવનાર કોણ ? સાચું કોનું માનવું ?

દાદાશ્રી : એ તો બુદ્ધિનું જ માને છે, બીજા કોનું માને ? બુદ્ધિનું માનતા આવ્યા છે ને ? આખું જગતેય બુદ્ધિનું ડિસિઝન સ્વીકારે છે. બાવા-બાવલી, સાધુ-સંન્યાસીઓ બધાય બુદ્ધિનું ડિસિઝન જ સ્વીકારે છે. બુદ્ધિનું જ માને છે એ પછી.

એમાં નથી કાર્ય, બુદ્ધિનું !

પ્રશ્શનકર્તા : આત્મા એ છે શું ?

દાદાશ્રી : આત્મા ચેતન છે.

પ્રશ્શનકર્તા : એ સમજવા મગજ કામ નથી કરતું.

દાદાશ્રી : મગજ કામ ના કરે. બુદ્ધિથી ના સમજાય એવી વાત છે. જ્ઞાનથી સમજાય, બુદ્ધિથી ના સમજાય. મગજમાં બુદ્ધિ હોય ને ? આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે.

પ્રશ્શનકર્તા : આત્માને આ પુદ્ગલનું વળગણ કેવી રીતે લાગ્યું ?

દાદાશ્રી : વળગણ લાગ્યું નથી. આ લોકોને ભ્રાંતિ છે કે મને વળગણ લાગ્યું. એવું કશું બન્યું જ નથી. આ તો લોકોને બુદ્ધિથી એમ લાગ્યું કે મને વળગ્યું. ત્યારે કહે, વળગ્યું. જેવો કલ્પે એવો આત્મા થઈ જાય. તમને એમ લાગ્યું કે મને વળગ્યું નથી, હું છૂટો છું, તો તેવો થઈ જાય. પણ એક વાર આત્મા જાણવો જોઈએ. જાણ્યા વગર છૂટો ના થાય.

પ્રશ્શનકર્તા : બુદ્ધિમાં આત્માનું દ્રવીકરણ થાય છે ?

દાદાશ્રી : બુદ્ધિમાં આત્માનું દ્રવીકરણ થતું નથી. ક્યાં બુદ્ધિ ને ક્યાં આત્મા ?

આ તો એક (વિકલ્પ)માંથી અનંત થયેલું છે અને અનંતમાંથી એક થઈ જાય એવું છે. પણ આમાં બુદ્ધિ વાપરવા ગયો તો અનંતમાં જ ફસાઈ જાય. આનો પાર નથી આવે એવો. એટલે દાદાના કહ્યા પ્રમાણે ચાલો, તો કપોળકલ્પિત ઊડી જાય !

આત્માને સ્વરૂપે કરીને જાણવો જોઈએ કે શું સ્વરૂપ છે આત્માનું ?

પ્રશ્શનકર્તા : શબ્દે શબ્દના અર્થ છૂટા પાડીને વાત કરું છું, સ્વરૂપનો અર્થ જુદો પડે છે. સ્વ અને રૂપ, એના અર્થ સમજવાના, એમ ?

દાદાશ્રી : ત્યાં આવા શબ્દોના અર્થ કરીએ, એમાં કંઈ વળે નહીં. શબ્દો ત્યાં છે નહીં ! એ શબ્દોનો અર્થ જે કરે છે ને, આ જે સ્વરૂપને, બીજા બધા જે આત્માના અર્થ જુદા પાડે છે ને, એ બધા વિભંગીઓએ કરેલા છે. આ વિભંગીઓએ એકાંતમાં બેઠા બેઠા આવાં વિવરણ કર કર કર્યાં છે. એ બધો બુદ્ધિનો પ્રકાશ છે ને વાત બધી ખોટી છે એમાં ! સ્વરૂપ એટલે સ્વ જુદો, એનો અર્થ શું થયો ? પછી રૂપ જુદું, એનો અર્થ શું થયો ? એ બધી ખોટી ભાંજગડ છે. અને એનો ફાયદો શું છે તે ? આ બધા શબ્દોનો અર્થ કરવા જેવો નથી, શબ્દો તો ખાલી સંજ્ઞા છે, સમજવા માટે.

પ્રશ્શનકર્તા : પણ મૂળ સ્વરૂપને શોધવામાં બુદ્ધિ આડી આવ્યા કરે છે.

દાદાશ્રી : હા, બુદ્ધિ આડી આવે. બુદ્ધિ આડી આવ્યા વગર રહે નહીં. કારણ કે બુદ્ધિ સંસારને હેલ્પીંગ છે. ભૌતિક સુખના માટે હેલ્પીંગ છે અને સનાતન સુખ એને પોતાને પસંદ નથી. કારણ કે સનાતન સુખ થાય તો પોતાનું મરણ થાય છે. પોતાનું મરણ થાય છે એટલે પોતે એ તરફ જવા નથી દેતી. એનું જીવન ક્યાં સુધી છે ? આ ભૌતિક સુખો છે ત્યાં સુધી એનો રોફ છે, જીવન છે બધું. અને ત્યાં સનાતન સુખમાં પેઠો એટલે ઊડી જાય, એને જવું જ પડે.

પ્રશ્શનકર્તા : રાઈટ બિલીફમાં પ્રકૃતિ જવા દેતી નથી.

દાદાશ્રી : ના જવા દે. કારણ કે પ્રકૃતિમાં બુદ્ધિ આવે અને બુદ્ધિ એવી છે કે એ સંસારની બહાર જવા ના દે. મોક્ષની વાત આવી એટલે બુદ્ધિ આપણને 'આમાં શું લાભ છે, ખરો લાભ તો પેલો છે' એમ નફો-નુકસાન દેખાડે. જ્યારે પ્રજ્ઞા ઉત્પન્ન થાય ત્યારે ઉકેલ આવે. ત્યાં સુધી બુદ્ધિ તો એને ભટકાય ભટકાય કર્યા કરે ને તેલ કાઢી નાખે. બુદ્ધિથી તો કોઈ માણસની, એક વાર તો દ્ષ્ટિ જ ના બદલાય. બુદ્ધિ કોઇ દહાડો દ્ષ્ટિ બદલવા જ ના દે.

જો સંસાર માર્ગમાં ડેવલપ્ડ થવું હોય તો બુદ્ધિ માર્ગમાં જાઓ ને મોક્ષ માર્ગમાં જવું હોય તો અબુધ માર્ગમાં જાઓ. અમે અબુધ છીએ. અમારામાં જરાય બુદ્ધિ ના હોય. તેથી તો અમારે ને નાનાં છોકરાંને પોષાય ને ? ઘૈડા માજીઓ જોડે અમારે પોષાય શી રીતે ?

હિન્દુસ્તાનના લોકોને મારી વાત માન્યામાં આવે ? ના આવે. બહાર જો આ વાત કરો તો 'ગાંડો' કહે. મેન્ટલ માણસ છે આ બોલનારો, એવું કહે. તે બુદ્ધિને હું ઉડાડી દઉં છું. હું શેને માટે ઉડાડી દઉં છું ? સંસારમાં તો જરૂરિયાત જ છે. જો તમારે પૂર્ણ પુરુષ થવું હોય તો જરૂરિયાત નથી. એટલે તમારે સમજી રાખવાનું. અને જરૂર નથી તો તમે નાખી આવો તોય જાય એવી નથી. પણ બહાર જઈને વાત કરો, કે બુદ્ધિ મિથ્યા છે, તો લોક મને 'મેન્ટલ' કહે. તે મને તો વાંધો નથી પણ તમને નુકસાન થશે. 'મેન્ટલ' એટલે શું ? તમે મને 'મેન્ટલ' લખ્યું તો મારે વાંધો નથી. મને તો બે ગાળો ભાંડી જશે કે બે ધોલો મારી જશે, તો મને તો મારી શકવાના નથી. આ અંબાલાલ પટેલને મારશે ને ! મને તો ઓળખતો જ નથી ને બિચારો !

સ્વચ્છંદ કરાવે 'ઈ' !

એવું છે ને, બુદ્ધિ સંસારમાં ભલે રહી પણ આમાં બહુ પડે નહીં. બુદ્ધિ હંમેશાં સ્વચ્છંદ કરાવડાવે, આ તો પોતાનું ડહાપણ કરીને પોઈઝન નાખે છે. દુનિયામાં લોકોની પાસે પોતાનાં ડહાપણ જેવું હશે ?

પ્રશ્શનકર્તા : હા, બુદ્ધિ વડે હોય છે ખરું.

દાદાશ્રી : એ સ્વચ્છંદ જ કરે, બીજું શું કરે ત્યારે ? કારણ કે બુદ્ધિ લિમિટવાળી છે. ધંધો જ માંડે, કલ્પનાઓ, કલ્પનાઓ, કલ્પનાઓ કરીને થાકે પછી. અને બુદ્ધિ જો બહુ ફસાઈ જાય તો પછી એબ્નોર્મલ થઈ જાય. તો પછી એ ધર્મમાં કામ લાગે નહીં. કારણ કે હું એનો દાખલો આપું છું કે આ બ્રીક (ઈંટ) હોય છે ને ? તો 'વેલ બર્ન્ટ બ્રીક્સ' (પાકી) હોય તે જ લોકો લે. 'ઓવર બર્ન્ટ બ્રીક્સ' (ખેંગાર) કોઈ લે નહીં અને 'અંડર બર્ન્ટ બ્રીક્સ'(કાચી) હોય, તોય લોકો કહે છે કે, 'ભઈ, આ અમારે ચાલે નહીં.' છતાંય પણ કોઈ માણસ એમ કહે કે, 'ભઈ, હું ભઠ્ઠીમાં શેકી લઈશ,' તો એને ફરી કોઈ રૂપ કોઈ આવે. પણ 'ઓવર બર્ન્ટ થયેલી બ્રીક્સ' કશા કામમાં લાગે નહીં. એવું આ બુદ્ધિમાં બહુ ઓવર બર્ન્ટ થઈ ગયેલું હોય, તે કામ લાગે નહીં.

આ દરેક વસ્તુની ત્રણ સ્થિતિ હોય; અંડર બર્ન્ટ, વેલ બર્ન્ટ અને ઓવર બર્ન્ટ. એ સ્થિતિ દરેક જગ્યાએ હોય જ ! ઓવર બર્ન્ટને આપણા લોકો શું કહે છે ?

પ્રશ્શનકર્તા : ખેંગાર.

દાદાશ્રી : ખેંગાર તો આપણે ઈંટને કહીએ છીએ. અને વધુ બુદ્ધિશાળી હોય તે આ હું વાત કરું છું ને, તે સાંભળે જ નહીં. કારણ કે ઓવરવાઈઝ (દોઢ ડાહ્યો) થઈ ગયેલો હોય ! એ 'ડીફોર્મ' (બેડોળ) થઈ ગયેલો હોય. ખેંગાર હંમેશાં 'ડીફોર્મ' થયેલો હોય. બહાર ચકચકતો દેખાય, એવું આય બહાર સુંદર દેખાય પણ 'ડીફોર્મ' થઈ ગયેલો હોય.

ન મપાય બુદ્ધિથી કદી જ્ઞાની !

બાકી, મનથી માપ કાઢી શકો નહીં. મનનું આમાં કામ જ નહીં. અમારામાં બુદ્ધિ નહીં ને, તે બુદ્ધિથી માપવા જાવ તો ચાલે નહીં. બુદ્ધિ હોતી જ નથી. બુદ્ધિ ક્યાંથી લાવે ? (સવળી) બુદ્ધિવાળો તો કેટલો ડહાપણવાળો હોય ? એની વાત કેવી હોય !

મુંબઈ શહેરમાં બધા બુદ્ધિવાળાઓ આવેને, મેં કહ્યું કે, 'બુદ્ધિવાળાને તો, એને ઘેર મતભેદ ના થાય, પાડોશમાં મતભેદ ના થાય, ક્રોધ-માન-માયા-લોભ ઓછાં થઈ ગયેલાં હોય, બહુ શાંતિમાં હોય. આ તો બુદ્ધિ જ ક્યાં છે ? આ તો બધા રઝળપાટવાળા લોકો !' (સવળી) બુદ્ધિ તો બહુ રક્ષણ આપનારી વસ્તુ છે. આ જ્ઞાન પછી સેકન્ડ નંબર બુદ્ધિ છે. જ્ઞાન ફૂલ (સંપૂર્ણ) પ્રકાશ આપે ને બુદ્ધિ તો નાઈન્ટી નાઈન સુધી લઈ જઈ શકે એમ છે. આવી બુદ્ધિ ક્યાંથી લાવે તે ?

પ્રશ્શનકર્તા : આ તો બુદ્ધિ બોલાવે છે આવું ?

દાદાશ્રી : બુદ્ધિ હોત તો આવું બોલે જ નહીં ને ! બુદ્ધિવાળો તો આવું બોલતો હશે ? બુદ્ધિવાળો તો હિસાબ કાઢી શકે. સમજાય એવી વાત છે. પણ કોઈને ના સમજણ પડે, તો એ જુદી લાગે.

અને જો આવા જ્ઞાનીની બુદ્ધિ માપવા જઈશ ને, તો તારી બુદ્ધિ મપાઈ જશે. તીર્થંકરો અને જ્ઞાનીની બુદ્ધિને માપીશ નહીં. કારણ કે એવી તારી બુદ્ધિ છે નહીં. તને તો ઘરમાંય નિર્ણય કરતાં નથી આવડતું. બૈરી જોડે ઝઘડો થયો ને, તો નિકાલ કરતાં ના આવડે અને જ્ઞાનીની બુદ્ધિ જોવા જાય. એવું બને કે ના બને ?

એક કલાક જો આ વાત સાંભળોને, તો એની શું કિંમત છે ? એ કિંમત કોઈ આંકી શકે એવી નથી, એટલી કલાકની કિંમત છે. એ કિંમત સમજાવી મુશ્કેલ છે. બુદ્ધિ બહારની વાત છે. આ સંજોગ જ બાઝવો મુશ્કેલ છે.

અમે તમને કહી દઈએ કે આ વિજ્ઞાન તમારી બુદ્ધિની બહાર છે. પણ હકીકતમાં જગત આખું વિજ્ઞાન જ છે. આપણા લોકો હજુ તો બુદ્ધિની બહાર જ નથી નીકળ્યા.

ભેદ પાડે એ બુદ્ધિ !

જેને છૂટવું હોય, એને બંધાવાના સાધન મળી આવે ને તોય એને ઊડાડી દે, પણ છોડાવી જ દે ! બંધન ગમતું નથી, નહીં ?

પ્રશ્શનકર્તા : જેમણે બાંધી રાખ્યા હોય એનું શું ?

દાદાશ્રી : કોણે બાંધી રાખ્યા છે ?

પ્રશ્શનકર્તા : ભગવાને.

દાદાશ્રી : ભગવાન શું કરવા બાંધે ? ભગવાન બાંધે નહીં. ભગવાન બંધાયેલા હોય તો બાંધે. જે મુક્ત પુરુષ બીજાને બાંધે, ત્યારે એ મુક્ત જ ના કહેવાય ને ? ભગવાન બાંધે નહીં આ ! આ તો જેલરોએ બાંધ્યો છે !!! ભગવાન આવો ધંધો ના કરે. એ જેલરો છે ને, એ પોતેય કેદી છે. એ જેલરોય કેદી છે, બધાય કેદી છે !

પ્રશ્શનકર્તા : બધાય કેદી ત્યારે છૂટો કોણ ? જ્ઞાની એકલા ?

દાદાશ્રી : હા, જ્ઞાની એકલા જ છૂટા, બાકી કોઈ નહીં. જ્ઞાની અને જ્ઞાનીના ફોલોઅર્સ એ છૂટા ! એટલે જે બંધાયેલો હોય ને તે જ બાંધે, છૂટ્ટો કોઈને બાંધે નહીં. ભગવાન દુખિયા નથી, તે દુઃખ આપે કોઈને ! એ તો એમ જ કહે કે ના, 'હું ચંદુભાઈ નહીં, હું તો શુદ્ધાત્મા !' ત્યારે ભગવાન કહે, 'આવી જાવ, આપણે એક જ છીએ, અભેદ છીએ.' તમે જ્યાં સુધી ભેદ પાડો કે ના, 'હું ચંદુભાઈ છું', ત્યાં સુધી એ કહેશે, કે ત્યારે, 'તમે એમ ને અમે આમ !' શું કહેવા માંગે છે ? તમારી ભેદબુદ્ધિ જ તમને બાંધે છે. કોણ બાંધે છે ? એ તમને સમજાયું ? તમારામાં ભેદબુદ્ધિ છે ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : તો એ બાંધે છે. એ બુદ્ધિ વ્યભિચારિણી બુદ્ધિ કહેવાય છે. એ જ્ઞાની પુરુષ કાઢી નાખે એટલે પછી છૂટું થઈ ગયું. બુદ્ધિથી ભેદ પાડ્યા કારણ કે બધું સરખું એમને. બધાય રસ સરખા. બધી વાત સરખી. આ તો આપણે કે આ સારું છે ને આ ખરાબ છે. સારામાંય એક મત નથી, બળ્યો. તમે કહો કે શીખંડ બહુ સારો, ત્યારે પેલો કહે, 'ના, દૂધપાક બહુ સારો.' પેલો કહેશે કે મને શીખંડ ભાવતો નથી. પેલો કહેશે, 'મને દૂધપાક નથી ભાવતો.' જો સારું હોત ને, સારી વસ્તુ બધા જ એક્સેપ્ટ કરતા હોય, તો આપણે કહીએ કે ભઈ, સારી જેવી વસ્તુ હોવી જોઈએ. પણ બધા મતભેદ છે. એટલે સારું-ખોટું કલ્પિત વસ્તુ છે. સાચી વસ્તુ નથી. કલ્પિત, તે કલ્પના સહુ સહુની !

બુદ્ધિ ભેદ પાડે. બૈરી અને ધણી પાડોશી જોડે લડે, ત્યારે બહાર નીકળીને આપણે જોઈએ, ફોટો પાડીએ તો બેઉ જણ શું કરતા હોય, પેલા પાડોશીને કે તમે આવા છો. પેલાં બેઉ જણ કહેશે, 'તમે આવા છો ?' આપણને લાગે કે આ બેઉ સાથે કંપની સારી છે. હસબંડ ને વાઈફ બેઉ છે તે 'અમે' કહે, તે ઘડીએ. ફોરેનવાળા 'વી આર' (અમે) કહે છે ને ? એટલે આપણે જાણીએ કે ઓહોહો ! આટલી બધી એકતા, આ બધા એક જ છે, એ રીતે રહે છે ! ઈન્ડિયાના સંસ્કાર ! અને પછી ત્યાં આગળ કોઈ એક દહાડો એને ઘેર રહ્યા હોય, તો ત્યાં શું થાય ? 'મારી બેગને તું અડી જ કેમ ?' અહીં મારી-તારી થઈ ગઈ. એટલે આપણે સમજીએ કે આ તો બરકત વગરનો છે. એ બુદ્ધિ ભેદ પાડે. બુદ્ધિ ના હોય તેને ભાંજગડ જ નહીં ! આ તો બુદ્ધિવાળો કહેશે, 'મારી બેગમાં સાડી મૂકી જ કેમ ?' અક્કલનો કોથળો ! મૂઆ, સાડી મૂકી એમાં શું ખોટું છે તે ? એના કરતાં કહીએ, 'આમાં સાડી અહીં મૂકી, સારું થયું.' એવું બોલને, તો એને સારું લાગે ને, બીબીને ! બીબીને સારું ના લાગે ?

પ્રશ્શનકર્તા : લાગે.

દાદાશ્રી : આ તો મારી બેગમાં તેં તારી સાડી મૂકી જ કેમ ? એટલે બઈ કહેશે, 'કોઈ દહાડો એની બેગમાં હાથ ઘાલીએ તો આવું ને આવું ગોટાળા વાળે છે. બળ્યંુ, આ ધણી ખોળવામાં મારી ભૂલચૂક થઈ લાગે છે. આવો ધણી ક્યાંથી મળ્યો ?' પણ હવે શું કરે, ખીલે બંધાયું ? ત્યાંની, ફોરેનની હોય તો જતી રહે, મેરી હોય તો જતી રહે બીજે દહાડે. પણ અહીં ઈન્ડિયન, શી રીતે જતી રહે, ખીલે બંધાયેલી ?

આ જગતમાં તો કોઈ પોતાનું છે નહીં. આ જે દેખાય છે, એ ખાલી વ્યવહાર પૂરતું જ છે. વ્યવહાર એટલે ક્યારે, કઈ મિનિટે પડી જશે એ કહેવાય નહીં. પોતાના આત્મા સિવાય કોઈ પોતાનું થાય નહીં. બાકી કોઈ સગોવહાલો, પોતાનો થાય નહીં. એટલે અહીં તો આ આટલું પોતાનું કરી લો. સબ સબકી સમાલો ને મૈં મેરી ફોડતા હૂં એ રાખવા જેવું છે. કોઈ પોતાનું થાય જ નહીં એવો આ સંસાર આખો દગો જ છે. સામો માણસ એ એનું ફોડશે ને આપણે આપણું ફોડો. કશું લેવાય નથી ને દેવાય નથી. નથી સગો, નથી કશું ! આ તો બધી ભ્રાંતિ છે !! એક ઝાડ ઉપર આ બધાં પંખીઓ આવીને બેસે છે ને ? એ સગાં દેખાય, પણ એ જાનવરોને પેલી બુદ્ધિ નથી એટલે સગાઈ નથી કરતા. જ્યારે આપણા લોકો તો પૈણે છે ને સાસુ થાય છે, જમાઈ થાય છે ! બસ, તોફાન તોફાન ચાલ્યાં છે !!

એ બેનો સહિયારો વેપાર...

સ્વાર્થી તો બહુ પાકા હોય !

પ્રશ્શનકર્તા : બુદ્ધિ છે, તે સ્વાર્થ બતાવે છે ?

દાદાશ્રી : સ્વાર્થ બતાવે એને બુદ્ધિ ના કહેવાય. પણ એને વિપરીત બુદ્ધિ કહેવાય.

પ્રશ્શનકર્તા : ભેદ પણ બુદ્ધિ જ કરાવે છે ને ?

દાદાશ્રી : હા, બુદ્ધિ જ કરાવે ને તે વિપરીત બુદ્ધિ જ. બુદ્ધિ જ આ બધું કામ કરે છે.

પ્રશ્શનકર્તા : મારે તો બુદ્ધિ કામ જ નથી કરતી ને !

દાદાશ્રી : બહુ સારું. ના કામ કરતી હોય તો સારંુ. અમારે પણ ક્યાં કામ કરે છે ? મારે બુદ્ધિ જરાય કામ કરતી નથી.

બુદ્ધિથી 'હું' ને 'તું' ભેદ પડી ગયા. જ્ઞાનથી એક જ છે બધું.

પ્રશ્શનકર્તા : પણ એ પ્રતીતિ થવી જોઈએ ને ?

દાદાશ્રી : એ પ્રતીતિ આવે ને, તો જ કામ થઈ જાય કે આ બુદ્ધિથી જુદા પડ્યા છીએ અને જ્ઞાનથી એક જ થઈ જાય. જ્ઞાન પ્રકાશ એક જ છે, એક જ પ્રકારનો. બુદ્ધિથી ભેદ પડ્યા છે. અને 'હું છું' ત્યાં સુધી બુદ્ધિ છે. અહંકાર છે ત્યાં સુધી બુદ્ધિ ઊભી રહી છે અને બુદ્ધિ છે ત્યાં સુધી અહંકાર ઊભો રહે. બેઉનો સહિયારો વેપાર છે.

ન જુદાઈ જગતમાં કોઈથી !

'વિપરીત બુદ્ધિની શંકા, તે સુણતા ગૈબી જાદુથી,

છતાં અમને નથી દંડ્યા, ન કરીયા ભેદ 'હું' 'તું' થી.'

અમારી પર શંકા કરી જાતજાતની તોય પણ અમે 'તું આવો છે, તું આવો છે' એવું નથી બોલ્યા. 'હું' ને 'તું'ના ભેદ નથી પાડ્યા. આપણે ત્યાં 'હું'-'તું'નો વિચાર જ નથી હોતો ને, તેથી એ લખે છે. એને અનુભવમાં આવ્યું ત્યારે જ લખે ને ?

આખી દુનિયા જોડે મારે સહેજ પણ જુદાઈ નથી, ગધેડા જોડેય નથી. એમને જુદાઈ છે મારી જોડે. કારણ કે એમાં એમનો પોતાનો દોષ નથી. એમની ભેદબુદ્ધિ છે. બુદ્ધિ ભેદ કરાવે છે. ને મારે તો આત્મા જોડે જ વ્યવહાર છે. આ આની જોડે વ્યવહાર જ નથી. તમે કરોડ રૂપિયાના માલિક હો, તો મારે શું કામ છે ? મારે તો તમારી મહીં આત્મા છે એટલું જ જોવાનું. કરોડવાળાને કરોડનો બોજો, અબજવાળાને અબજનો બોજો. એ એની મેળે બોજો ઊંચકીને ફરે, જેટલાં શીંગડાં ભારે હોય એટલાં બોજા જ છે ને બધા ?

પ્રશ્શનકર્તા : એ તો આપે કહ્યું એમ, બુદ્ધિનો પરિપાક છે.

દાદાશ્રી : હા, બુદ્ધિનો પરિપાક છે. બુદ્ધિથી સરહદો આંતરી દીધી. બધી સરહદો, બધા જ આકાશની, પાણીની, આ ફલાણું ને આ અમારંુ એ બુદ્ધિથી સરહદો આંતરી દીધી.

પ્રશ્શનકર્તા : જનરલી બુદ્ધિ વધારે હોય ત્યાં સરળતા ઓછી હોય છે અને સરળતા ઓછી હોય ત્યાં ભાગલા વધુ હોય.

દાદાશ્રી : સરળતા ખલાસ કરી નાખે, બુદ્ધિ વધારે હોય તો. આ મારામાં પહેલેથી બુદ્ધિ ઓછી હતી. તે બહુ સારો ફાવ્યો. સરળ બહુ હતો પહેલેથી. મને તો જ્ઞાન થયાને ૨૬ વર્ષ થયાં. આ ૭૬મું વર્ષ બેઠું, તે ૨૬ વર્ષથી જ્ઞાન છે. જ્ઞાન પછી અભેદ દશા વર્તે. આ ભેદ કોણ કરાવડાવે છે ? બુદ્ધિ ! આ મારું અને આ તમારું !

સોળાં, બુદ્ધિની ચાબુકનાં !

સંસારમાં જો સુખ જોઈતું હોય તો દરેક જીવોને તમે સુખ આપો અને દુઃખ જોઈતું હોય તો દુઃખ આપો. જે આપો એ તમને મળશે.

પ્રશ્શનકર્તા : બિલકુલ એકદમ સરળ અને સાચી વાત છે.

દાદાશ્રી : આટલો જ શબ્દ જો, આટલી જ સમજણ લઈને કામ કરે ને, તો બહુ થઈ ગયું. પછી શાસ્ત્રો વાંચવાની જરૂર નથી.

બધાને સુખ આપો છેવટે. હા, પૈસાથી ના અપાય તો ધક્કો ખાઈને આપો, સલાહ આપીને આપો. પણ સલાહમાંય તમારો સ્વાર્થ ના હોવો જોઈએ. તમારી બુદ્ધિ વધી તે લોકોને સલાહ આપવામાં જાય તો પેલા લોકોનું બહુ કામ કાઢી નાખે.

પણ લોકોએ તો આ બુદ્ધિનો દુરુપયોગ કર્યો. બુદ્ધિથી ગોળીબાર કર્યા આ લોકોએ. ઓછી બુદ્ધિવાળાને ગોળીઓ મારી. વધારે બુદ્ધિશાળીઓએ ઓછા બુદ્ધિવાળાને ગોળીબાર કર્યા. એને ભગવાને આર્તધ્યાન નથી કહ્યું, અપધ્યાન કહ્યું છે. વધુ બુદ્ધિશાળીએ ઓછા બુદ્ધિશાળીનો લાભ ઊઠાવ્યો, એટલે ગોળી મારી એને. બુદ્ધિથી મારવાનું તો કોઈ કાળમાં હતું જ નહીં. આ કાળમાં જ નવું લફરું ઊભું થયું આ.

અને બુદ્ધિ હોય તો મારે ને ? ત્યારે બુદ્ધિ તો કોને હોય ? એક, જે આ જીવોની જે ઘાત ના કરતા હોય ને, અહિંસા ધર્મ પાળતો હોય, છ કાય જીવની હિંસા ના કરતા હોય, એમને બુદ્ધિ વધે, કો'ક કંદમૂળ ના ખાતા હોય તેને બુદ્ધિ વધે. પછી ભગવાનની મૂર્તિના દર્શન કરે તેને બુદ્ધિ વધે. અને આ બુદ્ધિ વધી તેનો લાભ આ થયો (!) શો લાભ થયો ?

પ્રશ્શનકર્તા : વ્યવહાર ખરાબ કર્યો.

દાદાશ્રી : અહિંસા પાળી એને લઈને એની જાગૃતિ, એની બુદ્ધિ બહુ સ્વચ્છ રહે છે. આ બુદ્ધિ શેના આધીન છે કે તમે કેટલા અહિંસક છો, તેના આધીન છે. હવે તે બુદ્ધિ સ્વચ્છ રહે છે, તેનાથી એ લોકોએ શું કર્યું કે સ્વચ્છ બુદ્ધિનો જે સદુપયોગ થતો હતો. તે અત્યારે એ બુદ્ધિથી ઊલટું ઓછી બુદ્ધિવાળાને લૂંટી લીધા. કારણ કે બુદ્ધિ વધી એટલે એનાથી ઓછી બુદ્ધિવાળા હોય તેને આમથી આમ કરીને, જાળમાં લઈને મૂકી દીધા.

એટલે મેં પુસ્તકમાં લખ્યું છે કે આ નવી જાતની જીવાત નીકળી છે, માટે ચેતજો. કારણ કે કોઈ કાળમાં આવી બુદ્ધિથી લૂંટ ચલાવી નહોતી. બુદ્ધિ એટલે પ્રકાશ, સામો માણસ દુઃખી થતો હોય તો એને પ્રકાશ આપવો, સમજણ પાડીએ, એને માટે પૈસા ના પડે. આ તો બુદ્ધિથી પૈસા પડાવ્યા. પહેલાં સારો કાળ હતો ત્યારે પોતાની વધારે બુદ્ધિથી બધાને હેલ્પ કરતા'તા, પ્રકાશ આપતા હતા.

અત્યારે તો ભગવાનના ફોલોઅર્સ (અનુયાયી) જ બુદ્ધિથી મારી રહ્યા છે બધાને. અને બુદ્ધિથી મારે તે ભગવાનના સાચા ફોલોઅર્સ નહીં. બુદ્ધિ એ પ્રકાશ છે. એ બીજાને ફ્રી ઑફ કૉસ્ટ (વિના મૂલ્યે) આપવાની છે. એ બુદ્ધિથી જ મારે છે. એવું સાંભળવામાં આવ્યું છે, બુદ્ધિથી મારે એવું ? વધારે બુદ્ધિવાળો ઓછી બુદ્ધિવાળાનો લાભ ઊઠાવી લે, એવું જાણો છો તમે ?

પ્રશ્શનકર્તા : હકીકત છે. પહેલેથી ચાલે છે, અનાદિકાળથી ચાલે છે.

દાદાશ્રી : ભગવાનના વખતમાં ન હતું આ. આ પચ્ચીસસો વર્ષમાં જ આ બધું થયું. બુદ્ધિથી મારે, એના કરતાં તલવારથી માર્યો હોત તો વાંધો નહીં.

પ્રશ્શનકર્તા : જેની પાસે જે હોય એનાથી મારે. બુદ્ધિ હોય તો બુદ્ધિથી મારે.

દાદાશ્રી : નહીં, તલવારથી મારે તો ભગવાન કહે છે કે એનો કો'ક દહાડો નિકાલ થશે અને બુદ્ધિનો મારેલો તો એનો નિકાલ જ નથી. કારણ કે હથિયારનો દુરુપયોગ કર્યો. તલવાર તો મારવા માટેનું હથિયાર છે અને આ બુદ્ધિ પ્રકાશ આપવા માટે છે. તેને બદલે પ્રકાશનો દુરુપયોગ કર્યો, ભયંકર દુરુપયોગ કર્યો. દુરુપયોગ કરતા હશે આ જમાનામાં કોઈ ? બુદ્ધિથી દુરુપયોગ કરતા હશે ખરા કોઈ ?

પ્રશ્શનકર્તા : કરતા હશે.

દાદાશ્રી : ઓછી બુદ્ધિવાળાનો લાભ ઊઠાવી લે કે ના ઊઠાવે ? આ વેપારીઓ શેનો લાભ ઉઠાવે ? જે ભોળો હોય તેનો ? જે કાટ હોય તેનો લાભ ઊઠાવે કે ભોળાનો ઊઠાવે ? બધા ભોળાનો લાભ ઊઠાવે.

બુદ્ધિનો આર.ડી.એક્સ. !

આમ છે તે જીવડાં ના મારે, ત્યારે બુદ્ધિથી મારે છે. એ શેના જેવું છે. એનો દાખલો આપું કે, આપણે રસ્તામાં જતાં હોઈએ અને રસ્તો કાદવકીચડવાળો હોય, ત્યાં આપણી પાસે એક પેલું કેન્ડલ હોય, ખૂબ લાઈટ આપે એવું હોય ને, હવે બીજા લોકો બિચારા ફાનસ લઈને આવે તેને રસ્તો બરોબર દેખાતો ના હોય, તો આપણે એ લોકોને કહીએ કે ભઈ આવો અહીં આગળ હું ઊભો રહું છું. ઊભા રહીને એમને રસ્તો દેખાડવો. આપણું વધારે અજવાળાવાળું છે, માટે એમને અજવાળું ધરવું, એ આપણી ફરજ છે. હવે આ છે તે વધુ બુદ્ધિ, તે વધુ અજવાળું છે આપણી પાસે ને પેલા પાસે ઓછું અજવાળું છે, એ બિચારા આમ ખાડામાં પડે ને, એટલે આપણે એમને શું કરવું જોઈએ તરત ? આવી રીતે ના કરશો, આમ કરજો ભાઈ ! તેને બદલે બુદ્ધિથી લૂંટ્યું.

બુદ્ધિથી મારે એ તમને સમજાયું ? વધારે બુદ્ધિવાળા, ઓછી બુદ્ધિવાળાને મારી-ઠોકીને પાડી દે. આ બોસ જરા વધારે બુદ્ધિશાળી હોય ને, તો નીચેવાળાને, કામ કરતો હોય તોય ટૈડકાય ટૈડકાય કરે. અલ્યા, કામ કરે છે, તોય શું કરવા ટૈડકાવે છે ? અને એની વાઈફ હોય, તેની જોડે 'ભાઈસા'બ, ભાઈસા'બ' કર્યા કરે. કારણ કે બુદ્ધિથી મારવાનું. હવે પેલો બુદ્ધિથી લઈને મારવા જાયને તો બઈ ડફણું મારે, એટલે પછી ત્યાં બુદ્ધિ ચાલે નહીં. ડફણા આગળ બુદ્ધિ ચાલે નહીં. જ્યાં ડફણું દેખેને, ત્યાં બુદ્ધિ બંધ થઈ જાય.

ગરીબને તો આપણે સલાહ આપવી જોઈએ, શાંતિ આપવી જોઈએ. અને આપણા વધુ લાઈટના (સલાહના) પૈસા ના લેવા જોઈએ. આ તો બુદ્ધિ વધારે છે. એટલે અબુધની પાસે પંપ મરાવી લે અને બુદ્ધિ વધારે તો ભેળસેળ કરતાં આવડેને ? આ સોનું ભેળસેળવાળું કરતાં કોણે શીખવાડ્યું હશે ? ત્યારે કહે, હિન્દુસ્તાનના સોનીએ. બહાર ફોરેનમાં ભેળસેળ સોનું હોતું જ નથી. આ તો હિન્દુસ્તાનના સોની ! આ બધી શોધખોળ ઈન્ડિયનોની છે.

અને કેવું ભેળસેળ કરે છે ?

એક શેઠે ઘઉંનું એક વેગન ઉતાર્યું'તું. તે ગુણો બારોબાર સીધી ગોડાઉનમાં ગઈ. અને એક વેગન રેતીનું ઉતાર્યું'તું. તે રેતી ને ઘઉં બેઉ ભેળસેળ કરીને, ફરી ગુણો ભરી લીધી. રેતી બહારથી વેચાતી લાવ્યા ! ક્યારે આ લોકોનું કલ્યાણ થશે ? ત્યારે કહે છે, 'ભૂલ કોની ? આ વેગન લાવનારાની ભૂલ છે ? રેતી લાવનારાની ભૂલ ?' ત્યારે કહે, 'ના, ભોગવે તેની ભૂલ.' અત્યારે તો એમને ત્રણ ગણા પૈસા મળી ગયા. એ ફરી ભોગવશે ત્યારે એની ભૂલ. પણ અત્યારે તો આ ભોગવે તેની ભૂલ.

એટલે આ લોકો માટે પહેલી, બીજી અને ત્રીજી નર્ક ખુલ્લી થઈ ગયેલી છે. અને ત્યાં જગ્યા પુષ્કળ છે, અનામત છે, રિઝર્વ્ડ છે ! બુદ્ધિથી માર માર કર્યું ને, તે નવી પ્રકારનું નર્કગતિમાં જવાનું થયું આ. પહેલાં બુદ્ધિથી મારતા નહોતા, કહીને મારતા'તા કે હું મારીશ તમને. આ તો બુદ્ધિથી મારે છે ને અહિંસક કહેવડાવે છે.

પ્રશ્શનકર્તા : આ બુદ્ધિનું તો આપણા હિન્દુસ્તાનના લોકોએ નવું વિજ્ઞાન શોધી કાઢ્યું છે મારવાનું ?

દાદાશ્રી : નવું જ વિજ્ઞાન (!) અને તે આ કાળમાં જ. કોઈ કાળમાં એવું ન્હોતું. તે આ કાળમાં અને આ વિપરીત સંજોગો ભેગા થયા છે, પચ્ચીસસો વર્ષમાં. એટલે એમાંથી સૂઝ ના પડી. આમેય સૂઝ ના પડી ને આમેય સૂઝ ના પડી. ત્યારે જે છે એ આપણો માલ, જે થશે તે ખરું, કહે છે.

પ્રશ્શનકર્તા : આપણા પુણ્ય કાચાં પડી ગયાં લાગે છે ?

દાદાશ્રી : બહુ મોટાં કાચાં પડી ગયાં. તેથી તે આ શાસ્ત્રકારોએ લખ્યું, 'કેટલા જણ નર્કે જવાનાં છે ?' ત્યારે કહે, 'નવ નવડા ગણી લેજો.' હવે એટલી તો વસ્તીય નથી આપણે ત્યાં. ત્યારે કેટલા કાળ સુધી આવું ને આવું ચાલ્યા કરે, ત્યારે એ નવ નવડા પૂરા થાય.

આ કાળમાં જ, ભેળસેળનો મેળ ?

આ જગત એવી જ જાતનું છે. બહુ જ ન્યાયમાં ચાલે છે. કશું ભૂલચૂક કરશો નહીં. બધી જવાબદારી તમારી છે. ભગવાન વચ્ચે આવતા નથી. સમજીને કરશો તો સમજીને, અણસમજણથી કરશો તો અણસમજણથી !

પ્રશ્શનકર્તા : એટલે એનો અર્થ એવો કે જેનામાં સમજ છે કે બુદ્ધિ છે અને એનાથી ખોટું કામ થાય તો ?

દાદાશ્રી : વધારે ભોગવવું પડે.

પ્રશ્શનકર્તા : વધારે ભોગવવાની જવાબદારી આવે ?

દાદાશ્રી : જવાબદારી આવે જ ને !

પ્રશ્શનકર્તા : અણસમજણમાં જે થયું હોય તે જુદી વાત છે, પણ સમજણ હોવા છતાં કરે તો બહુ જવાબદારી.

દાદાશ્રી : તેથી અમે કહ્યું કે, આ બુદ્ધિથી મારશો તો, વધારે બુદ્ધિથી ઓછી બુદ્ધિવાળાનો લાભ ઉઠાવશો તો એ આઠમી નર્ક આવવાની છે. નર્કો સાત જ હતી પણ નવી જ જાતનું ભોગવવાનું થયું. કારણ કે કોઈ દહાડો બુદ્ધિથી દુરુપયોગ કરેલો જ નહીં. બુદ્ધિનો દુરુપયોગ જો કોઈ કાળમાં થયો હોય તો તે આ કાળમાં. એટલે આ જ અમારે પુસ્તકમાં લખવું પડ્યું કે આઠમી નર્ક આવશે.

હવે ચેતવે છે ને શેઠિયાઓ સાંભળે છે બધા, કે નવી નર્ક કરવામાં આવી છે ! માટે હવે બુદ્ધિથી ના મારશો. આટલું અમારું વાક્ય સાંભળીને જો કદી વરસ દહાડો ચરી પાળે ને, તો એનું આ અટકી જાય બધું.

બુદ્ધિ હોય તો બુદ્ધિથી મારે ને ? બુદ્ધિ નથી, તે બુદ્ધિથી કઇ રીતે મારવાના છે ? અને ફોરેનવાળા બધા સાહજિક હોય. એટલે એમને બુદ્ધિ હોય છતાં મારે નહીં. આવું આવડે જ નહીં. એમને આ દિશા ભણી વિચાર જ ના જાય. આ 'આડજંતર' તો આ લોકોને જ આવડે.

છતાંય મોક્ષના અધિકારી !

પ્રશ્શનકર્તા : સાહેબ, હું વાણિયો એટલે કપટી તો ખરો કે નહિ ?

દાદાશ્રી : કપટ તો બધેય હોય. કપટ તો જેટલી બુદ્ધિ વધે ને, એ બુદ્ધિ અવળી વપરાય એનું નામ કપટ. અને બુદ્ધિ સવળી વપરાય તો કામ કાઢી નાખે. કપટ એ બુદ્ધિ વધ્યાનું હથિયાર છે. અબુધ માણસોને કપટ કરવું હોય તો આવડે નહિ.

જ્યાં બુદ્ધિ ઊંધી વાપરે છે ત્યાં બધે જ પાપ બંધાય છે. એટલે અમે આ કહેવા ફરીએ છીએ કે ભઈ, કંઈક ઠેકાણે આવો. આપણું પોતાનું બગાડી રહ્યા છીએ. એ પારકાનું નથી બગાડી રહ્યા. એટલે એ સમજવા માટે કહીએ છીએ.

છતાંય મોક્ષે જાય એવી પ્રજા છે, આ હિન્દુસ્તાનની ! આપણું બીજ કેવું છે ? મોક્ષે જાય એવું બીજ છે, જો જ્ઞાની પુરુષ મળી જાય તો. જો વાળનાર શક્તિ હોય ને તો શક્તિ જબરજસ્ત ! એવુંય છે. આ બુદ્ધિનું તમને સમજાયું ને ? કંઈ જેવું તેવું કહેવાય ? આ હથિયાર તો ગમે જ નહીં કોઈને. આ હથિયાર લોકોને નુકસાન કરવા માટે ઊગેલું છે, એવું નથી.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23