ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૨)

શી રીતે ઓગળે એ ?

પ્રશ્શનકર્તા : અહંકાર ઓગળવાની વાત બધા એક્સેપ્ટ કરે છે પણ ઓગાળી શકતા નથી.

દાદાશ્રી : શી રીતે ઓગાળે ? ના ઓગાળી શકે, એની રીત છે. કોઇ અમને પૂછે તો બધું દેખાડીએ. એમના માર્ગમાં રહીને આગળના બધાય રસ્તા દેખાડીએ. આ અહંકાર ઓગળે શી રીતે એ જાણતા જ નથીને ? કોઈ માણસને ભાન જ ના હોય. કેવી રીતે ભાન હોય તે ? અહંકાર ઓગાળવાનો રસ્તો છે પણ જાણતા જ નથી ત્યાં આગળ ! અહંકાર વધારવાના રસ્તા તો આવડે છે એમને ! અહંકાર વધારવાનો રસ્તો આવડે છે કે નહીં આવડતો આ લોકોને ?

પ્રશ્શનકર્તા : હા, એ તો બધાને આવડે.

દાદાશ્રી : તો અહંકાર વધારવાનો જે રસ્તો છે તેનાથી વિરુદ્ધનો અહંકાર ઓગાળવાનો રસ્તો છે.

પ્રશ્શનકર્તા : એ જરા સમજાવોને. કારણ કે એ જાણીએ કે આ રીતે અહંકાર ઓગળે તો એ રીતે હવે અહંકાર ઘટાડીએ, પણ એ ખબર નહીં પડેને ?

દાદાશ્રી : ના, એ ઊંડો ઉતરે નહીંને ! આમાં એને ઊંડા ઉતરવું પડે. અહંકાર ઘટાડવાનો રસ્તો એ કંઈ લાડવા ખાવાના ખેલ નથી.

અહંકારને દબાવાય ?

પ્રશ્શનકર્તા : અહંકારને દબાવી દઈએ, બધામાં શુદ્ધાત્મા સ્વરૂપનું દર્શન કરે, તો એ બરોબર કે નહીં ?

દાદાશ્રી : અહંકારને દબાવાય નહીં, નહીં તો ભડકો થાય પાછો. એ અહંકારે તો તમને આ વકીલાત કરાવડાવી. અહંકારને દબાવીએ તો અહંકારને દબાવનાર કોણ ?

પ્રશ્શનકર્તા : આપણો અહંકાર જ છે પાછો.

દાદાશ્રી : અને એને દબાવનાર કોણ ?

પ્રશ્શનકર્તા : એ પાછો અહંકાર. એટલે અહંકારને દબાવાય તો નહીં, તો શું અહંકારને ઓગાળી નાખવાનો ?

દાદાશ્રી : ઓગાળનાર કોણ પણ ?

પ્રશ્શનકર્તા : એ પણ અહંકાર. તો ગુરુના ચરણમાં મૂકી દઈએ ?

દાદાશ્રી : 'દાદા ભગવાન, આ બધું તમને સોંપું છું, સાહેબ. મને તો કંઈ સમજણ પડતી નથી.' તો ઉકેલ આવે, નહીં તો ઉકેલ ના આવે.

આ દબાવનાર કોણ નીકળે ? લોકો, આખું જગત અહંકારને દબાવવા ફરે છે. આમ કોને દબાવે છે ? નહીં સમજણ પડવાથી પાછળ પડ્યા છેને ? હેય, હિમાલયમાં બધા બાવાઓ અહંકારને દબાવ દબાવ દબાવ કરે છે અને નિર્માનીપણું રાખે છે. નિર્માનીપણું એ જ અહંકાર છે. પેલા માનીપણાના અહંકારને દબાવનાર કોણ ? નિર્માનીપણાનો અહંકાર. પાછું નિર્માનીપણાનું કોણ દબાવે ? એ જ, જે છેલ્લો અહંકાર હોયને, સૂક્ષ્મતર, જે ભગવાનથી પણ છૂટે નહીં અને નિર્માની અહંકારવાળો હોયને, તેને તમે જોયેલા ? તમે ગાળો ભાંડોને, તોય હસે !

એ અહંકારને પોતે શી રીતે દૂર કરી શકે ? પોતે તો અમથો ગા ગા કરે કે નિર્માની, નિર્માની, એ પછી બીજો અહંકાર ઊભો થાય. નિર્માનીપણાનો અહંકાર ઊભો થાય. એ કહે કે હું નિર્માની છું. આ કેટલાક સાધુઓ શું બોલે છે કે અમે નિર્માની છીએ. મેં કહ્યું, 'પેલો અહંકાર સારો હતો, આ નિર્માનીપણાનો અહંકાર કોણ ધોઈ આપશે તને ?' એ બહુ સૂક્ષ્મતર અહંકાર હોય. આ અહંકાર તો સારો, ખબરેય પડે, ભોળો હોય, કે ચંદુભાઈ છાતી કાઢીને ફરે છે. પેલો ખબરેય ના પડે. એટલે અહંકાર જ્ઞાની પુરુષ કાઢી આપે, એમને કહો કે હું આ તમને સોંપી દઉં છું, તો એનો ઉકેલ આવે. બીજું કોઈ કાઢી ના આપે.

'હમ' જ પરણે ને રાંડે !

પ્રશ્શનકર્તા : એમ ને એમ અહમ્પણું જાય નહીંને ?

દાદાશ્રી : હા, એ અહમ્પણું જાય નહીં, ત્યાં સુધી ભટક ભટક કરવાનું. જ્યાં જાય ત્યાં એનું એ જ જોડે ને જોડે.

આ 'હમ' તો મોક્ષે જવા જ ના દેને ! આટલા બધા લોક છે, એ હિમાલયમાં ફર્યા કરે છે પણ તોય 'હમ' ના જાય, બળ્યું ! મોક્ષમાં જવાની તો ક્યાં વાત, પણ 'હમ' જ ના જાયને ! આખો દહાડો હમ, હમ, હમ.

જ્યાં 'હમ' છેને, ત્યાં બધા પ્રકારનો સંસાર ઊભો છે. એ 'હમ' જ પરણે છે અને એ જ રાંડે છે પાછો. એ જ ત્યાગી થાય છે અને એ જ પાછો સંસારી થાય છે. એ 'હમ' જ છે બધું. એ 'હમ' ગયું કે બધું કલ્યાણ થઈ ગયું.

ઇગોઇઝમને લઈને આ સંસાર ઊભો રહ્યો છે, બીજા દોષને લઈને નહીં. બંધન ઇગોઇઝમને લીધે છે આ. ઇગોઇઝમ કોઈ પણ રસ્તે નષ્ટ થાય તો મોક્ષ થાય.

પ્રશ્શનકર્તા : અહંકારનો સંપૂર્ણ નાશ કરવાની રીત જણાવવા કૃપા કરશો.

દાદાશ્રી : આ દુનિયામાં કોઈ બુદ્ધિનો નાશ કરવા માંગતો હશે ખરો ? કોઈ ના માગે ?

પ્રશ્શનકર્તા : ઊલટું લોકો બુદ્ધિ વધે એવું માગે.

દાદાશ્રી : તો આ તો તમે બુદ્ધિનો નાશ માગો છો ને તો જ અહંકાર સંપૂર્ણ નાશ થાય.

જાય શું, એ જપ-તપથી ?

પ્રશ્શનકર્તા : જપ કરવા, યોગ કરવો, ભક્તિ કરવી કે શું કરવું કે જેથી અહંકારનો વિલય થાય ?

દાદાશ્રી : જપ, યોગ એ બધા તો અહંકારને વધારનારા છે. આમાં ભક્તિ અહંકાર નથી વધારતી, ભક્તિ તો અહંકારને ઘટાડે છે.

પ્રશ્શનકર્તા : ભક્તિથી અહંકાર કંટ્રોલમાં આવી શકે ?

દાદાશ્રી : ભક્તિથી અહંકાર ઓછો થાય. પણ ભક્તિ ના કરે એટલે પાછો વધી જાય. ઓછો થાય ને વધી જાય. પણ 'એને' ખરેખર 'હું કોણ છું' એનું ભાન થાય, એ જાણે એટલે ઇગોઇઝમ ખલાસ થઈ જાય, એક્ઝેકટ જાણે ત્યારે. આ તો જાણ્યું ના કહેવાય. જાણ્યું એટલે તો ઇફેક્ટિવ (અસરકારક) હોવું જોઈએ.

પ્રશ્શનકર્તા : આ કરીએ છીએ એ ઇગોઇઝમ છે, તો એ ઇગોઇઝમ આપણે છોડવો હોય તો એ બધું નહીં કરવાનું, એમ ?

દાદાશ્રી : પણ આ કોણ બોલે છે ? આ ઇગોઇઝમ પોતે જ બોલે છે કે, 'મારે ઇગોઇઝમ છોડવો છે.' બોલો હવે, એ જાતે મરતો હશે ? જાતે ઝેર ખાય ? એટલે આ ઇગોઇઝમ પોતે બોલે છે કે 'મારે ઇગોઇઝમ છોડવો છે.' કેટલો બધો વિરોધાભાસ લાગે ?

પ્રશ્શનકર્તા : તો માનવી અહંકાર મુક્ત થઈ શકે નહીં ?

દાદાશ્રી : અહંકાર મુક્ત ના થાય તો પછી મોક્ષ હોય જ નહીંને ! મારામાં છાંટોય અહંકાર નથી, સેન્ટ પરસેન્ટ (સો ટકા) નથી. જ્યાં સેન્ટ પરસેન્ટ બુદ્ધિ ના હોય ત્યાં સેન્ટ પરસેન્ટ અહંકાર ના હોય.

પ્રશ્શનકર્તા : મારામાં અહંકાર નથી એમ કહેવું એ અહંકાર નથી ?

દાદાશ્રી : એ સમજવાનું છે. આ કોણ બોલે છે એ તમે જાણો છો ? આ ઓરિજિનલ ટેપરેકર્ડ વાત કરે છે.

પ્રશ્શનકર્તા : એ વસ્તુ બરાબર છે પણ અહંકારશૂન્ય બનવું કેવી રીતે, એ જ તકલીફ છે ?

દાદાશ્રી : એ બનવાનું તો, એ અહંકારશૂન્યની પાસે જાવ, ત્યાર પછી એનો રસ્તો જડે. અને જ્યારે પોતાના સ્વરૂપમાં આવો ત્યારે અહંકારશૂન્ય થાય.

અહંકાર ઓગાળેલો હોયને તેમને કહીએ, 'તમે અમને કંઈક હેલ્પ કરો.' આપણે કહીએ તો એ હેલ્પ કરે. જેમ આપણે કોઈ એક જગ્યાએ ડૉક્ટરને કહીએ કે 'સાહેબ, આ મારી તબિયત આમ થઈ છે, મને હેલ્પ કરો.' એમાં પૈસા લેવાના હોય છે અને આમાં પૈસા ના હોય એટલો જ ફેર. આપણે કહીએ કે હેલ્પ કરો એટલે હેલ્પ કરે તરત જ. એટલે ઈગોઈઝમ સમાપ્ત કરવાનો માર્ગ ના હોય તો ઇગોઇઝમ ઉત્પન્ન જ ના થાય. આ જગતમાં જે જન્મે એનું મરણ હોય જ, પણ લોકોને રસ્તો જડતો નથી. હવે એ ઇગોઇઝમ તો ખાલી થાય, પણ ક્યાં આગળ થાય ? ત્યારે કહે, જેણે ઇગોઇઝમ ખાલી કરેલો હોય ત્યાં આપણે જઈએ કે ભાઈ, મારો ઇગોઇઝમ ખાલી થાય, એવી કંઈ કૃપા કરો તો એ થઈ જાય. બાકી જેની પાસે ઇગોઇઝમની સિલક જ હોય, તે આપણો ઇગોઇઝમ શી રીતે કાઢી આપે ?

આમ ઓછો અહંકાર, અજ્ઞાનદશામાં !

પ્રશ્શનકર્તા : જ્ઞાન ના લીધું હોય તો ઇગોઇઝમ કેવી રીતે ઓછો કરી શકાય ?

દાદાશ્રી : કોઈ અપમાન કરે એટલે ઈગોઈઝમ તૂટવા માંડે. ઈગોઈઝમ તૂટવો અને ઘસાવો એમાં બહુ ફેર. આ ઈગોઈઝમ તૂટે આમ. એટલે કોઈ અપમાન કરે તો 'દાદા ભગવાન, એને શાંતિ આપો' એવો ભાવ કરવો જોઈએ. પછી કોઈ જગ્યાએ દસ ડૉલર પડી ગયા તો ચિંતા નહીં કરવાની. 'દાદા, તમને ગમ્યું એ ખરું', કહીએ. પછી 'હું અક્કલવાળો છું' એવું ક્યારેય બોલવું નહીં. 'હું અક્કલ વગરનો છું' એ ક્યારેય બોલવું નહીં. નહીં તો સાયકોલોજી ઇફેક્ટ થઈ જાય. 'અક્કલવાળો છું' બોલવાથી ઇગોઇઝમ વધતો જાય. એટલે આવા બધા પ્રયોગ કરે, સહન કરવાના અને બીજું, દાદા ભગવાનને ગમ્યું એ ખરું, એમ કહીને ચલાવીએ. એટલે ઇગોઇઝમ ઓછો થઈ જાય. તમને સમજાયું ? ટૂંકું ને ટચ છે, લાંબંુ નથી બહુ. આટલો થોડો પ્રયોગ કરશોને તો બહુ થઈ ગયું.

પ્રશ્શનકર્તા : પણ જ્યારે વખત આવે ત્યારે પ્રેક્ટિસમાં નથી આવતું.

દાદાશ્રી : દાદા ભગવાનનું નામ દેશો એટલે થશે. એમ ને એમ તું સીધું કરવા જઈશ તો નહીં થાય. અમે આશીર્વાદ આપીએ. કોઈ ફેરો સામાને દુઃખ થાય એવું બોલાઈ જવાય, ન ઇચ્છા હોય તોય, તો તે ઘડીએ પસ્તાવો કરજે. અને પછી એવું કહેજે કે, 'દાદા ભગવાન, એને શાંતિ આપજો.' ઇગોઇઝમની અસરેય થાય છે. અત્યારે ઇગોઇઝમ કાપી નાખેને તો કપાઈ જાય. પણ એની લીંક જતી નથી એ, મૂળિયું જતું નથી. પછી બાર મહિના, બે વર્ષ પછી ફરી ફૂટી નીકળે. આ વિજ્ઞાન સાયન્ટિફિક છે, એટલે યથાર્થ કામ કરનારું છે.

કોણ કાઢે અહંકારને ?

પ્રશ્શનકર્તા : આપણે બધા જાણીએ છીએ, જ્ઞાનીઓ કહે છે કે અહંકારનો કંટ્રોલ હોવો જોઈએ અથવા અહંકાર ન હોવો જોઈએ, છતાં એ કેમ કંટ્રોલમાં આવતો નથી ?

દાદાશ્રી : તમારાથી અહંકાર કંટ્રોલમાં ના આવતો હોય તો મારી પાસે આવોને, તો બે કલાકમાં (એક કલાક જ્ઞાનવિધિ તથા એક કલાક પાંચ આજ્ઞાની સમજ) લાવી આપું. અહંકાર ને મમતા બેઉ, અહંકાર એકલો જ નહીં. એવું નથી બનતું એવું નથી, બને એવું હોય છે પણ લોકોને જડતું નથી. શું થાય છે ? અંતરાય કર્મને લઈને જડતું નથી. એક કલાકમાં જ, વધારે વારેય નહીં, સંપૂર્ણ અહંકાર લઈ લઈશું. પછી અહંકાર દેખાય તો મને કહેજો.

પ્રશ્શનકર્તા : અત્યારે હમણાં ખાલી એક જ સમજ આપો કે અહંકારને અમે કેમ કંટ્રોલ કરી શકીએ ?

દાદાશ્રી : કંટ્રોલ નહીં, અહંકાર જ ચાલ્યો જાય એવું કરી આપીશું. અહંકાર ચાલ્યો જાય પછી ધંધો કરો, વાંધો નહીં પણ ચિંતા નહીં થાય અને ધર્મધ્યાનમાં રહેવાય. પાંચ લાખ અવતારનો માલ પડેલો હશે અગર તો બે લાખ અવતારનો માલ હશે તોય જોખમદારી બધી અમારી. એવું છે ને, અનંત અવતારે એ અહંકાર નીકળે એવો નથી. તેથી તો આ બધા અનંત અવતારથી ભટકે છેને ! એ તો જો જ્ઞાની પુરુષ મળ્યા અને તે સર્વ સિદ્ધિવાન હોય તો એક કલાકમાં બધું કાઢી આપે.

પ્રશ્શનકર્તા : કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે બે આઇડેન્ટી (ઓળખ) જોઈએ, પ્રાપ્ત થનાર અને પ્રાપ્ત કરનાર, જો મોક્ષ મેળવવો એટલે આત્માને ઓળખવો, તો પ્રાપ્ત થનાર કોણ ? પ્રાપ્ત કરનાર કોણ ?

દાદાશ્રી : પ્રાપ્ત કરનાર જે બંધાયેલો છે ને, તે મોક્ષ ખોળે છે. બંધાયેલો છે તેને છૂટું થવું છે, તે જ મોક્ષ ખોળે છે. જે ડિપેન્ડન્ટ (પરતંત્ર) છે, તેને ઇન્ડિપેન્ડન્ટ (સ્વતંત્ર) થવું છે. મોક્ષનો અર્થ શું ? સનાતન સુખ. જેને આ કલ્પિત સુખ ગમતું નથી, તે સનાતન સુખ ખોળે છે, તે પ્રાપ્ત કરનાર.

પ્રશ્શનકર્તા : હા, પણ એ કોણ ?

દાદાશ્રી : અહંકાર. આત્મા તો પરમાત્મા છે. આ ઇગોઇઝમની મુક્તિ કરવાની છે. આત્મા તો મુક્ત જ છે. ઇગોઇઝમ અને મમતા બેની મુક્તિ કરવાની છે. પ્રાપ્ત થનાર કોણ ? પોતે પોતાને જ પ્રાપ્ત કરવાનો છે. અહંકાર જાય તો નિવેડો આવે, નહીં તો નિવેડો ના આવે. અહંકાર કેટલા વર્ષે જાય ?

પ્રશ્શનકર્તા : એ તો એનું કંઈ કોષ્ટક નથી એવું.

દાદાશ્રી : એમ ? કોષ્ટક નથી ? તમારે કેટલા વર્ષે કાઢવો છે ?

અહંકાર જાતે કાઢી શકાય ?

પ્રશ્શનકર્તા : પણ અહંકાર તો પોતાને જ કાઢવો પડેને ? બીજા કેમનો કાઢી આપે ?

દાદાશ્રી : પોતે કાઢી શકે જ નહીં. બંધાયેલો માણસ પોતે પોતાની મેળે મુક્ત થઈ શકે નહીં. એને બીજાની મદદ લેવી પડે. જે ક્રોધ-માન-માયા-લોભથી અહંકાર બંધાયેલો છે, એ બીજાની હેલ્પ (મદદ) લે, ત્યાર પછી એ છૂટો થાય.

પ્રશ્શનકર્તા : પણ બીજાની મદદ લે, એ સમજ સમજવા પૂરતી જ ને ?

દાદાશ્રી : ના, ખરેખર મદદ લેવાની, બધા બંધાયેલા ઊભા હોય આમ. એ બધા સામસામી કહે કે 'ભઈ, તું મને મુક્ત કર.' ત્યારે પેલો કહેશે, 'અલ્યા, હું જ બંધાયેલો છુંને !' એટલે કોઈ રસ્તામાં જતો હોય એમ ને એમ મુક્ત, એને કહીએ કે 'ભઈ, બીજું કશું નહીં, પણ એક આંટો ફક્ત છોડી આપને.' એક આંટો છોડી આપે પછી ઉકલી જાય. પણ છોડાવનાર છૂટો હોવો જોઈએ, મુક્ત પુરુષ હોવો જોઈએ.

જાતે 'હું કોણ છું' એવું સમજાય નહીં. જો અહંકાર જતો રહે તો 'હું કોણ છું' એ સમજાય. પણ અહંકાર જતો રહ્યો નથી, એટલે 'હું કોણ છું' એ શી રીતે સમજાય ? એટલે તમારો અહંકાર હોય અને તમારે 'હું કોણ છું' એ જાણવું હોય તો જ્ઞાની પુરુષ પાસે જવું પડે. તે જ્ઞાની પુરુષ અહંકારની હાજરીમાં 'હું કોણ છું' જણાવડાવે. ત્યાર પછી તમારો હિસાબ બેસી જાય.

જ્ઞાની વિણ છોડાવે કોણ ?

જ્ઞાની પુરુષ સિવાય દેહાધ્યાસ છૂટે જ નહીં. કોઈ માણસ એવો નથી કે જેનાથી દેહાધ્યાસ જાય. જ્ઞાની પુરુષ વીતરાગ હોય એ સ્વપરિણતિમાં જ નિરંતર રહે. એ દેહમાં રહેતા નહીં હોવાથી, મનમાં રહેતા નહીં હોવાથી, બુદ્ધિમાં રહેતા નહીં હોવાથી, અહંકારમાં રહેતા નહીં હોવાથી જ્ઞાની પુરુષ એકલા જ દેહાધ્યાસ છોડાવે. બીજો કોઈ દેહાધ્યાસ છોડાવી શકે નહીં. આખું જગત દેહાધ્યાસમાં જ પડેલું છે.

પ્રશ્શનકર્તા : જ્ઞાની અહંકાર કેવી રીતે તોડી શકે ?

દાદાશ્રી : જ્ઞાની એ તો બધી બહુ રીતે અહંકાર તોડી નાખે. એ તો સપાટાબંધ તોડી નાખે. અમને ભેગો થાય, અમારો પરિચય થાયને એટલે અહંકાર તૂટતો જાય દહાડે દહાડે ! આ બધા (મહાત્માઓ)ને એક કલાકમાં કાઢી નાખેલો.

પ્રશ્શનકર્તા : તે અમારો અહંકાર કાઢી નાખો.

દાદાશ્રી : હા, એ તો પણ તમારે એના માટે ભૂમિકા તૈયાર થવા માટે થોડો વખત અહીં આવ-જાવ કરવું પડે.

પ્રશ્શનકર્તા : માનસિક દ્ષ્ટિએ તમારી સાથે આવ-જા ચાલુ જ છે.

દાદાશ્રી : એ ચાલુ છે પણ અહીં રૂબરૂ હાજર થવું પડે.

પ્રશ્શનકર્તા : એટલે જ આવ્યા છીએ.

દાદાશ્રી : હા.

પ્રશ્શનકર્તા : તો 'આપ જે કરો છો', એ કંઈ નથી કરતા ?

દાદાશ્રી : શેક્યો પાપડ ભાંગવાની શક્તિ અમારામાં નથી.

પ્રશ્શનકર્તા : એ કેવી રીતે કહેવાય ?

દાદાશ્રી : આ શું કહે છે ?

'શેક્યો પાપડ ના ભાંગે, મારો અહમ્ તે ભાંગે'.

એ શું કહે છે ? શેક્યો પાપડ ભાંગે નહીં, પણ મારો અહંકાર તોડી નાખે છે. આ બધામાં કર્તાપણું નામેય નથી. અને તે બીજાનેય કર્તા ના દેખે. પેલો માણસ એમ માનતો હોય કે હું કરું છું, પણ તેનેય આ લોકો કર્તા માને નહીં. કારણ કે બીજાને કર્તા માનવા તેય ભ્રાંતિ છે. સાહેબની ઇચ્છા છે, અહંકાર કાઢવાની કે રહેવા દેવાની ઇચ્છા છે ?

પ્રશ્શનકર્તા : કાઢવો છે.

દાદાશ્રી : તે એક ફેરો મારી પાસે આવો, અહંકાર કાઢી આપીશ. આ પેલા ભઈ આવ્યા, તે કહે છે, 'મારે અહંકાર કાઢવો છે.' મેં કહ્યું, 'આવો અહીં આગળ.' તે એ ભઈનો અહંકાર કાઢી આપ્યો. હવે અહીં આગળ તમને જ્ઞાન મળશેને, તો ચોખ્ખું થઈ જશે, ઇગોઇઝમ જતો રહેશે.

પ્રશ્શનકર્તા : સૂક્ષ્મ અહંકાર તો જાય જ નહીંને ?

દાદાશ્રી : બધી જાતનો અહંકાર જવો જોઈએ, સૂક્ષ્મ ને સ્થૂળ. સ્થૂળ અહંકાર સારો, સૂક્ષ્મ અહંકાર તો બહુ ખોટો !

ક્રમિક માર્ગ એટલે અહંકાર શુદ્ધિ !

ક્રમિક માર્ગ એટલે શું ? શી રીતે શુદ્ધાત્મા પ્રાપ્ત થતો હશે ? ત્યાં અહંકાર જ શુદ્ધ કર્યા કરે. ક્રમિક માર્ગ એટલે અહંકારનું શુદ્ધિકરણ. અહંકાર શુદ્ધ બનાવે. ત્યાં ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે.

પ્રશ્શનકર્તા : એ આજ્ઞા જરા કહોને, એ શું જિન આજ્ઞા હોય છે ક્રમિક માર્ગમાં ?

દાદાશ્રી : એ આજ્ઞા એટલે શું કે આ જે સ્વરૂપ છે, તે આ રીતે સ્વરૂપ છે અને તેને પામવાને માટે આ રસ્તા છે, અને એ રસ્તા અમે તને બતાડીએ, તે રસ્તા ક્લીઅર રાખજે.

પ્રશ્શનકર્તા : એ પાંચ આજ્ઞા ?

દાદાશ્રી : ના. આ તો જુદું, અહીં તો તમે નિર્અહંકારી થયા અને પેલા લોકોએ તો અહંકાર શુદ્ધ કરવાનો બાકી રહ્યો. એ લોકો અહંકારનું શુદ્ધિકરણ કરે છે. એ ક્રિયા બહુ કઠણ ક્રિયા છે. અહંકારનું શુદ્ધિકરણ કરવાનું એટલે શું કે એમાં ક્રોધ-માન-માયા-લોભના જે પરમાણુઓ બધા ભર્યા છે તે ખેંચી ખેંચી ખેંચીને અહંકાર બિલકુલ પ્યૉર રાખવાનો. જ્યારે અહંકાર સંપૂર્ણ પ્યૉર થાય ત્યારે એ અને શુદ્ધાત્મા એક થઈ જાય, તે છેલ્લો અવતાર. એ કાયદો ક્રમિક માર્ગમાં. પ્યૉર અહંકાર એટલે શું કે જ્યાં કર્તાપણું હોય નહીં, જેમાં કિંચિત્માત્ર ક્રોધનું, માનનું, લોભનું, કપટનું પરમાણુ નથી, એ પ્યૉર અહંકાર. તો ક્યારે એ પરમાણુ બધા ખલાસ થઈ જાય ? આ તો સમકિતનું સ્ટેશન આવતું નથી ને આ કરોડો અવતારોથી ફર ફર કરે છે. સમકિતનું સ્ટેશન આવ્યા પછી થોડોઘણો અહંકાર શુદ્ધ થવા માંડે, શુદ્ધ થવાની શરૂઆત થાય. નહીં તો અહંકાર ઊલટો રખડાવે ને વધ વધ થાય.

પ્રશ્શનકર્તા : શુદ્ધ જ્ઞાન વગર અહંકાર જાય નહીં ?

દાદાશ્રી : ના જાય. અહંકાર જાય તો એક બાજુ શુદ્ધ જ્ઞાન ઉત્પન્ન થાય અગર તો અહંકાર હોય પણ અહંકાર શુદ્ધ કરવો પડે.

પ્રશ્શનકર્તા : અહંકાર શુદ્ધ કરવો પડે એટલે આપ શું કહેવા માગો છો ?

દાદાશ્રી : એમાંથી કોઈ પણ રસ્તે, ગમે તે રસ્તે, અહંકારમાં ક્રોધ-માન-માયા-લોભ-રાગ-દ્વેષ કોઈ મિક્ષ્ચર ના હોવું જોઈએ. અહંકાર મિક્ષ્ચર વગરનો હોય. એ 'પ્યૉર' (શુદ્ધ) અહંકાર કહેવાય.

પ્રશ્શનકર્તા : આ મિક્ષ્ચર દૂર કર્યા પછીનું જે સ્વરૂપ રહે છે, એ જ શુદ્ધ સ્વરૂપ છે કે પાછું બીજું કંઈ છે ?

દાદાશ્રી : ના, એ શુદ્ધ સ્વરૂપ જે છે, તે મૂળ જે સ્વરૂપ છે, એની મહીં આ શુદ્ધ અહંકાર થયો તે એકાકાર થઈ જાય.

પ્રશ્શનકર્તા : પણ સ્વરૂપ જે એકાકાર થઈ જાય એમાંય પ્રેરણા વગર થઈ શકે ?

દાદાશ્રી : આ જે અહંકારની શુદ્ધિ થવી એ વ્યવહાર આત્માની શુદ્ધિ છે અને વ્યવહાર આત્મા શુદ્ધ થયો તો એ નિશ્ચય આત્મા જોડે એકાકાર થઈ જાય. એ નેચરલ લૉ (કુદરતનો કાયદો) છે. જે રિયલ આત્મા છે ને એ બે જોઈન્ટ થઈ (જોડાઈ) જાય, એકાકાર થઈ જાય.

પ્રશ્શનકર્તા : એ આપોઆપ થાય કે પછી બીજી કોઈ પ્રેરણાથી થાય ?

દાદાશ્રી : આપોઆપ થાય, કોઈની પ્રેરણા-બ્રેરણાથી નહીં. એ નિયમથી જ થાય અને અમારી પાસે એને પહેલો શુદ્ધાત્મા કરીએ. પેલો અહંકાર શુદ્ધ કરતાં તો બહુ ટાઈમ લાગે. કરોડો અવતારેય ઠેકાણું નહીં પડે.

પ્રશ્શનકર્તા : હા, તો એટલે જ આપની પાસે આવ્યા છીએ.

દાદાશ્રી : એટલે આ સીધો માર્ગ છે. ઝટપટ ઉકેલ લાવી નાખીએ. પોતે જે દશાને પામ્યા છે એ દશામાં તમને બેસાડી દે.

શુદ્ધિ અહંકારની, અહંકારથી !

પ્રશ્શનકર્તા : અમુક ધર્મોમાં આ સમર્પણવાળું જે બતાવે છે, કે હું સમર્પણ કરું છું, તો પછી હું અને સમર્પણ બે જુદા રહે છે એ અહંકારી સમર્પણ ખરુંને ?

દાદાશ્રી : અહંકારી સમર્પણ પણ કોણ કરે છે ? મારું કહેવાનું કે અહંકાર તો છે જ ને ? ક્રમિક વિજ્ઞાન શું કહે છે કે 'અહંકારને શુદ્ધ કરો.' ત્યારે કહે, 'શી રીતે શુદ્ધ કરીએ ?' આ બધા સંસારની મમતાથી શુદ્ધ કરો. પહેલો મમતાથી, પછી ક્રોધ-માન-માયા-લોભ આંતરિક દુશ્મનોથી શુદ્ધ કરો. અને જે અહંકારમાં અહંકાર-મમતા એ કોઈ ગુણ ના હોય, એ શુદ્ધ અહંકાર. એ (શુદ્ધ) અહંકારમાં ઇગોઇઝમ ના હોય.

પ્રશ્શનકર્તા : શુદ્ધ અહંકારમાં અહંકાર ના હોય તો શું હોય ?

દાદાશ્રી : ઇગોઇઝમ ના હોય. 'હું છું' એટલું જ, 'હું છું' એટલે પોતાના અસ્તિત્વનું ભાન છે એટલું જ. અને ઇગોઇઝમમાં તો હું આમ છું, તેમ છું, એ આરોપિત ભાવ હોય. ઇગોઇઝમ કોને કહેવાય ? 'હું ચંદુભાઈ છું ને ફલાણો છું' એ આરોપિત ભાવને. અને પેલો તો શુદ્ધ અહંકાર. એ ક્રમિક માર્ગમાં આગળ જ્ઞાનીઓને અહંકાર શુદ્ધ થતો થતો ૮૦ ટકા શુદ્ધ થયો હોય તો ૨૦ ટકા અહંકાર હોય.

પ્રશ્શનકર્તા : એ અહંકારનું શુદ્ધ થવું એ વ્યવસ્થિતને આધીન છેને ?

દાદાશ્રી : એ વ્યવસ્થિતને માનતો જ નથીને ! અહંકાર છે એટલે કર્તાપદ એને માને છેને !

પ્રશ્શનકર્તા : હા, પણ કર્તાપદેથી તો થાય એવું નથીને ? એટલે જ આ મોડું થતું હશેને ?

દાદાશ્રી : તેથી જ મોડું થાયને. એટલે બહુ મુશ્કેલી ! કર્તાપદ જેમ જેમ એને સમજાય કે આ ખરેખર કર્તા નથી, એટલો ભાગ છૂટ્યો ને જેટલો કર્તા છું, એટલો ભાગ આગળ રહ્યો હજુ. એટલે પાછો આટલો અમથો કર્તા, 'હું ના કરું તો શી રીતે ચાલે ?' એટલું રહ્યા કરે.

પ્રશ્શનકર્તા : પછી છેવટના સ્ટેજે અહંકાર નીકળી જાય ?

દાદાશ્રી : પછી એને જ્ઞાની મળી આવે. દરેક શાળાના પેલા શિષ્યો તૈયાર થાયને તે પ્રમાણે એને માસ્તર મળી આવે છે, એવા આ જગતના નિયમ છે. બધા પદ્ધતિસરના, જે જે જરૂરિયાત છે તે બધી જરૂરિયાત પ્રમાણે મળી આવે. આ 'અક્રમ' તો જાણે અપવાદ છે. પેલી વ્યવહારિક વસ્તુ જુદી છે. ત્યાં તો એક જ્ઞાની પુરુષ થાય, ત્યારે વધારેમાં વધારે ત્રણ કે ચાર શિષ્ય પામે. શાસ્ત્રકારોએ બે કે ત્રણ જ કહ્યા છે, ચારેય નથી બોલ્યા. આ 'અક્રમ' તો અપવાદ છે. કો'ક ફેરો બને આવું.

ગો ટુ જ્ઞાની !

પ્રશ્શનકર્તા : હવે અહંકાર ઓછો કરવા માટે આપણે શું કરવું જોઈએ ?

દાદાશ્રી : જેનો અહંકાર ખલાસ થઈ ગયો હોય ત્યાં જવું અને નહીં તો અહંકાર વધારવો હોય તો આ ગુંડા લોકોની પાસે ગયા કે અહંકાર ખૂબ વધી જાય. જેવો સંગ એવો રંગ લાગે.

અહંકાર જ આ કર્મ બાંધે છે અને અહંકારને કાઢી નાખે, એટલે કર્મ બંધાતાં અટકી ગયાં અને આપણો સંસાર અટકી ગયો. પણ જેની પાસે ઇગોઇઝમ છે ત્યાં આપણો ઇગોઇઝમ શી રીતે નીકળે ? એટલે મારી પાસે આવશો તો હું તમને ઇગોઇઝમ કાઢી આપીશ.

જ્ઞાની સમર્પણે, અહમ્ શૂન્યતા !

પ્રશ્શનકર્તા : આ અક્રમ માર્ગમાં, ઇગોઇઝમ જે છે એ જ્ઞાની પુરુષને સરેન્ડર (સમર્પણ) કરો તો જ ઇગોઇઝમ જાયને ?

દાદાશ્રી : એ તો સેકન્ડરી સ્ટેજ થયું. પણ જ્ઞાની પુરુષ જે પહેલાં થાય, એણે કોને સરેન્ડર કરવાનું ? જ્ઞાની પુરુષને જ્ઞાનથી આ ઇગોઇઝમ બધો ઊડી જાય. જ્ઞાન થતાંની સાથે જ ઈગોઈઝમ ઊડી જાય. અમારે બહુ ઇગોઇઝમ હતો. ૧૯૫૮ પહેલાં ઘણો ઇગોઇઝમ હતો પણ જ્ઞાન થતાંની સાથે જ ઇગોઇઝમ બધો સાફ થઈ ગયો.

હવે અહીં તમે બધું સમર્પણ કરો એટલે ઇગોઇઝમ જાય. આ જ્ઞાન પછી તમને પણ ડિપ્રેશન કે એલિવેશન ના થાય. અને કોઈ ટૈડકાવે કે જેલમાં ઘાલી દે તોય ડિપ્રેશન આવે નહીં, એનું નામ વિજ્ઞાન કહેવાય. આ વૈજ્ઞાનિક રસ્તો છે.

લાખ અવતાર નાગા થાય તોય આ સંસારનો મોહ છૂટે એવો નથી. અહંકાર કોઈ દહાડો ઓગળે તેવો નથી. અહંકાર ફ્રેક્ચર થાય એવો નથી, મમતા જાય એવી નથી અને માયા તો આઘી ખસે જ નહીં. એક કેરી હોયને તોય રાત્રે સંતાડી રાખે, કહેશે, 'સવારમાં ખાઈશ.' જંગલમાં રહેતો હોય તોય માયા જોડે હોય ! એટલે આ તો આવો લિફ્્ટ માર્ગ નીકળ્યો છે ! તમારું પુણ્ય છે, તે અમે ભેગા થયા છીએ, સરળ માર્ગ છે ! એટલે 'અહીં તમારું કામ કાઢી લો', એટલું કહી છૂટીએ.

ક્રમિક માર્ગમાં અહંકાર ઠેઠ સુધી !

બાકી ક્રમિક માર્ગમાં તો ધર્મ-અધર્મ બેઉ અહંકારે કરીને થાય છે. એ ધર્મ કરો કે અધર્મ કરો, બેઉ ભ્રાંતિ જ કહેવાય. ધર્મ-અધર્મથી પર જવાનું, તો એ આત્મધર્મ. એનો તો છાંટોય ના હોયને ? આ તો આખો અહંકાર જ કપટભાવવાળો છે અને જે કરે છે, એ તો ક્રિયાઓ બધી બરોબર છે પણ એ અહંકારને વધારે છે.

જે જ્ઞાનથી અહંકાર ઓછો થાય, એ વીતરાગી જ્ઞાન કહેવાય અને જે વર્તનથી, જે ક્રિયાથી, જે ક્રિયાકાંડથી અહંકાર ઓછો થાય એ ભગવાનની કહેલી આજ્ઞાપૂર્વકનું કહેવાય. એમ કરતાં કરતાં બધા અનુભવ ચાખી ચાખીને પછી આત્માનુભવ થાય. આ તો ઇગોઇઝમ વધી ગયો એ જ દુઃખ છે. સહુ સાધન એ બંધન છે. સાધનોથી તો પુણ્યૈ બંધાય. અહંકાર વધે ને પુણ્યૈ બંધાય. પણ અહંકાર વધે એ ખોટ ગઈ. પાશેર હતો તે અચ્છેર (અડધો શેર) થયો, તે મરતાં સુધી સવાશેર થાય. બહુ ઝીણી વાત છે આ.

અહંકાર લઈ લે એ વિરાટ પુરુષ !

પ્રશ્શનકર્તા : અહંકાર તો જે વ્યક્તિનો હોય, એ જ વ્યક્તિ કાઢી શકેને ? બીજું કોણ કાઢી શકે ?

દાદાશ્રી : બીજાનો અહંકાર લઈ લે એનું નામ વિરાટ પુરુષ કહેવાય.

પ્રશ્શનકર્તા : વિરાટનું દર્શન થાય એટલે અહંકાર જાય ?

દાદાશ્રી : અહંકાર જાય તો જ વિરાટ સ્વરૂપના દર્શન થયાં કહેવાયને !

પ્રશ્શનકર્તા : વિરાટનું દર્શન થવું એટલે જ્ઞાન થવું ?

દાદાશ્રી : વિરાટનું દર્શન એટલે જ્ઞાની પુરુષને ઓળખવા. ખરી રીતે વિરાટ કોને કહેવાય કે જે આપણા અહંકારને પણ ખાઈ જાય. આપણા અહંકારનેય ભક્ષણ કરી જાય, એનું નામ વિરાટ ! અને તેનું ફળ શું આવે ? આપણને વિરાટ બનાવે. વિરાટ સ્વરૂપ વગર કોઈ નમે જ નહીંને ! એવું કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાડ્યું ત્યારે નમેલોને, નહીં તો નમે નહીં.

લાખો અવતારેય આ અહંકાર જાય એવી વસ્તુ નથી. ત્યારે એક જણ મને કહે છે, 'તમે અહંકાર તો મારો લઈ લીધો !' ત્યારે એ જ વિરાટ પુરુષ ! ત્યાં પુસ્તકોનો વિરાટ પુરુષ ખોળવા જાવ છો ? જે આપણો અહંકાર લઈ લે, એ વિરાટ પુરુષ, બીજો વિરાટ પુરુષ દુનિયામાં કેવો હોય ? સાદી ને સીધી વાત ! લોક મને કહે છે, 'તમારે વિરાટ પુરુષ થવાનો શોખ છે ?' મેં કહ્યું કે આ વિશેષણ પાછું ક્યાં વળગાડું હું મહીં ? એ.બી.સી.ડી., એમ.બી.બી.એસ... ફલાણું ને આમતેમ. આ હું તો કંઈ વિશેષણવાળો છું ? (જ્ઞાની પુરુષ તો નિર્વિશેષ કહેવાય.)

વિરાટ સ્વરૂપ કોનું નામ કહેવાય કે જેનામાં સહેજ પણ બુદ્ધિ ના હોય, છાંટોય બુદ્ધિ ના હોય. આમ ગોદા મારી મારીને અહંકાર જ કાઢી નાખે, ટાયરમાંથી હવા જ કાઢી નાખે. એટલે જેનો અહંકાર સંપૂર્ણ ગયેલો હોય તે જ લઈ શકે. જેનો પોતાનો અહંકાર ખલાસ થયો એ આત્મજ્ઞાની, બીજાનો અહંકાર લઈ જે લે એ વિરાટ પુરુષ !

 

(૩)

અહંકાર મુક્તિ પછીની શ્રેણીઓ

એક જ છે ઉપાય !

પ્રશ્શનકર્તા : આ જ્ઞાન પછી નિરંતર અહંકાર રહિત કેવી રીતે થઈ શકાય ?

દાદાશ્રી : એ દશા જ થયેલી છે તમારી.

પ્રશ્શનકર્તા : ફાઈલ નંબર એકનું સતત નિરીક્ષણ કરવાથી અહંકાર રહિત થઈ શકાય ?

દાદાશ્રી : 'હું ચંદુભાઈ છું' એ ડ્રામેટિક (નાટકીય) એટલે નામને જાણવા ખાતર અને 'હું ખરેખર ચંદુભાઈ નથી ને હું શુદ્ધાત્મા છું' એ જ અહંકાર રહિત. પહેલાં તો 'હું ખરેખર ચંદુભાઈ' જ બોલતા'તા, એનું નામ જ અહંકાર અને 'હું શુદ્ધાત્મા છું' એવું ભાન થાય, તે પછી અહંકાર નહીં.

પ્રશ્શનકર્તા : રોંગ બિલીફ આપણે કહીએ છીએ, એ અને અહમ્ભાવ એ એક જ ?

દાદાશ્રી : રોંગ બિલીફ (અવળી માન્યતા) એ જ અહંકાર છે અને રાઈટ બિલીફ (સવળી માન્યતા) એ શુદ્ધાત્મા છે. મૂળ જગ્યાએ 'હું' હતું ને તે આરોપિત જગ્યાએ બેસે એનું નામ અહંકાર. કલ્પિત જગ્યાએ, જ્યાં નથી ત્યાં આગળ હું બોલવામાં આવે એ જ ઇગોઇઝમ અને મૂળ સ્વરૂપ બેસે, 'હું શુદ્ધાત્મા છું', એને ઇગોઇઝમ ના કહેવાય. એ છે જ, હકીકત છે જ.

અક્રમની અનોખી સિદ્ધિ !

ઇગોઇઝમ ઉડાડવાનો રસ્તો કોઈ જગ્યાએ વર્લ્ડમાંય નથીને !

પ્રશ્શનકર્તા : બરોબર છે. આ તો એક કલાકમાં ઇગોઇઝમ જતો રહે, એ કોઈએ સાંભળ્યું જ નથીને !

દાદાશ્રી : હા, અને પછી દિવ્યચક્ષુ સાથે જ !!

પ્રશ્શનકર્તા : અને કોઈ માનવા તૈયાર નહીં થાય.

દાદાશ્રી : માનવા તૈયાર નહીં, માને જ નહીંને ! તેથીને, મારા કેટલાય ઓળખાણવાળા નથી માનતા, તેથી નથી પામતા.

પ્રશ્શનકર્તા : પણ જેણે જ્ઞાન નથી લીધું એને એવું લાગે કે આ 'હું શુદ્ધાત્મા છું' બોલવું એ અહંકાર છે.

દાદાશ્રી : એને તો એવું જ લાગે. એ લોકોને સત્-અસત્નો વિવેક નથી હોતો. આપણને સત્-અસત્નો વિવેક હોય છે કે વ્યવહારથી અસત્ છું અને નિશ્ચયથી સત્ છું. આ દુનિયામાં કોઈને ખબર જ નથી આ, વ્યવહાર-નિશ્ચયનો ભેદ ! એટલે એ એમ જ માને કે વ્યવહારમાં હતો તેનો તે જ અત્યારે હું આ છું. એટલે એમને અહંકાર કહેવાય. અને એ પોતાનું જેવું માને એવું જ આપણને માને. એ જાણે કે હવે તમે શુદ્ધાત્માનો અહંકાર કરો છો !

આપણે સમજીએ કે આ જુદો અને હું શુદ્ધાત્મા છું, એવું આપણને શુદ્ધાત્માનું લક્ષ બેસી ગયું કે 'હું ખરેખર આ જ છું'.

આપણા જ્ઞાન લીધેલાંઓને જ્ઞાન આપ્યું તે દહાડે અહંકાર કાઢી નાખ્યો. પણ આમને બિચારાંને સમજણ ના પડેને ? આપણા મહાત્માઓ બધાનો અહંકાર ગયેલો જ છે. જેમણે જ્ઞાન લીધેલું નહીંને, એટલે એમનો અહંકાર ના જાય અને એ ડિસ્ચાર્જ (નિર્જીવ) અહંકારને જ અહંકાર સમજે.

પછી નથી કર્મ, હળુ કે ભારે !

અને આ તમારો અહંકાર આખોય ગયેલો છે, પણ તમને હજુ સમજ ના પડે. એવું છેને, અહીં તો પારસી ય ખરા. આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થઈ ગયાં છે એમને.

એવું છેને, આ અમે (જ્ઞાન આપ્યા પછી) જે દશા કર્યા પછી છોડનારો રહેતો નથીને. મેં કહ્યું કે નવું ગ્રહણેય નહીં કરવાનું ને જૂનું છોડવાનું નહીં. જે છે એ એની મેળે છૂટી જવું જોઈએ, ખરી પડવું જોઈએ. હા, તે દશ-પંદર વર્ષ પછી ખરી જાય. જેટલા મહીં સંસ્કાર પડેલા છે, એ ઓગળી જાય એટલે પડી જાય. પોતાને અહંકાર રહ્યો નહીં, એટલે પછી શી રીતે કાઢે ? અહંકાર જ મેં લઈ લીધો હોય ત્યાં ?

પ્રશ્શનકર્તા : હળુકર્મી-ભારેકર્મીનો આ આત્મજ્ઞાન મળ્યા પછી તો પ્રશ્શન જ નથી રહેતોને, અકર્તાપદ મળ્યા પછી ?

દાદાશ્રી : ના, આપણે શુદ્ધાત્મા થયા. હળુકર્મી-ભારેકર્મી વિશેષણવાળા હોય તે ચંદુભાઈ, આપણે શું લેવાદેવા ? અને તે તો નિકાલી બાબત છે. એ નિકાલ થઈ જવાનો. જેને દુકાન મોટી હોય કે નાની, પણ નિકાલ કરવા માંડ્યો એટલે મોટીનોય નિકાલ થઈ જાય અને નાનીનોય નિકાલ થઈ જાય. નિકાલ કરવા માંડ્યો પછી ઊલટી પાનની દુકાન ખાલી થતા વાર લાગે અને આ મોટી હોલસેલની દુકાન તો તરત ખાલી થઈ જાય, માટે કશો વાંધો નહીં. કારણ કે આપણે ત્યાં ગ્રહણીય બાબત નથી તેમ ત્યાગેય નથી. ત્યાગ અને ગ્રહણ એ અહંકારનાં લક્ષણ છે અને નિકાલ એ નિર્અહંકારનાં લક્ષણ છે. આપણે નિકાલ કરવાનો છે.

અહંકાર, મહાત્માઓનો !

પ્રશ્શનકર્તા : અહંકાર હોય તો જ માણસ જ્ઞાનમાં કંઈક આગળ વધી શકેને ?

દાદાશ્રી : ના, એ અહંકાર છે માટે નહીં. હવે આ અહંકાર છે, એ કેવો છે ? જેમ આપણે સત્સંગ માટે અહીંથી બોરીવલી ગયા હોઈએ, પણ પાછું તો આવવું પડેને ? એવું આ પાછો ફરતો અહંકાર, જે મોક્ષે જાય છે, તે ઉતરતો અહંકાર, સમાઈ જતો અહંકાર અને પેલો ઉત્પાત કરતો અહંકાર.

પ્રશ્શનકર્તા : એ અહંકાર ઉતરતો જાય, એમ સમતા ભાવ આવતો જાય ?

દાદાશ્રી : જેટલો જેટલો સમતા ભાવ થાય, એટલો એટલો ઉઘાડ ઉત્પન્ન થાય, એટલું એટલું અજવાળું દેખાતું જાય. અને સંપૂર્ણ સમતા થઈ ગઈ એટલે પૂર્ણ ઉઘાડ થઈ જાય. અહંકાર અંધારામાં છે. તે માર ખા ખા કર્યા કરે છે જાત જાતનો !

એક માણસ આપણા મહાત્માને માટે કહે છે, 'આ ફલાણાભાઈ અહંકારી છે.' ત્યારે મેં કહ્યું, 'એ પોતે અહંકારને જાણે છે એટલે અહંકારી નથી.' હવે પેલા કહેનારને શું થાય ? એ તો જેવું દેખે એવું જ કહેને. અને હું તો દેખું એવું ના કહું, એનું શું કારણ ?

પ્રશ્શનકર્તા : અહંકારને જાણનારો થયો, એટલે પોતાને અહંકાર નથી ?

દાદાશ્રી : હા, એ આત્મા છે.

અહંકાર ઓગાળવાનું એસિડ !

પ્રશ્શનકર્તા : આ (ચરણે) વિધિનું મહત્ત્વ જાણવું છે.

દાદાશ્રી : બહુ મોટું મહત્ત્વ. આનું મોટું મહત્ત્વ અહીં આગળ ! આ વિધિનો શો ગુણ છે ? આ વિધિ તો પગનો અંગૂઠો લઈને હું હઉ કરું છું, આમ પગ ઊંચા લઈને ! ઊંચો લેવાય કે ના લેવાય?

પ્રશ્શનકર્તા : લેવાય.

દાદાશ્રી : એટલે અમારી વિધિ હું જ કરતો'તો પહેલાં, પગ ઊંચો લઈને ! મહીં ભગવાન બેઠા છે, એને પહોંચવું તો જોઈએને ?

પ્રશ્શનકર્તા : દાદા ભગવાનની વિધિ છેને એ તો ?

દાદાશ્રી : હા, મારી નહીં. મહીં ભગવાન બેઠા છે. તારામાં બેઠા છે કે નહીં બેઠા ?

પ્રશ્શનકર્તા : છે.

દાદાશ્રી : તારામાં અવ્યક્ત છે ને આ વ્યક્ત છે. અવ્યક્તને બીજા શબ્દોમાં કહીએ તો અનાવરણ વિધિ જોયેલી, સ્ટેચ્યુ (પૂતળા)ની ? તે સ્ટેચ્યુની અનાવરણ વિધિ કરે ત્યારે દેખાય મહીં કે ટોપી પહેરી છે કે પાઘડી પહેરી છે, ત્યારે ખબર પડે. અને આમાં નિરાવરણ વિધિ કરે ત્યારે થાય. પેલી અનાવરણ વિધિ અને આ નિરાવરણ વિધિ ! તે આ નિરાવરણ થાય આનાથી ! રહસ્ય તો ખરું ને આમાં ?

પ્રશ્શનકર્તા : ઘણા લોકોને થાય કે દાદાજી આવું શું કામ કહે છે કે આવું નમન કરવાનું ને અહીં પગે વિધિ કરવાનું ?

દાદાશ્રી : ઈગોઈઝમ ઓગાળવાનું સાધન છે આ. અને મહીં ભગવાન પ્રગટ થયા છે ને, એ ભગવાનની શક્તિ ડિરેક્ટ (સીધી) પ્રાપ્ત થાય. જે માગું એ શક્તિ મળે. તમારે એક આંગળી પર દુનિયા ઝાલવી છે ? એક જ આંગળી પર ઊંચકી શકાય ! ઈન્ડિયન ફેલો (હિન્દુસ્તાનનો માણસ) એટલી બધી શક્તિ ધરાવે છે !

થોડી વાત સમજાય અહીં આગળ આવ્યા પછી ? જો ઈગોઈઝમ સંપૂર્ણ કાઢવો હોય તો અહીં આવજે. જ્યારે કાઢવો હોય ત્યારે, એટ એની ટાઈમ (ગમે ત્યારે). અહીં ચરણવિધિનો ઉદ્દેશ એ છે કે મહીં આત્મા જુદો પડે ને આત્માની શક્તિ વધી જાય અને અહંકાર ઓગળે.

પ્રશ્શનકર્તા : આ ચરણવિધિ જે બોલવાની થાય છે ને, જ્ઞાન લીધા પછી, એ કોણ બોલે છે ?

દાદાશ્રી : જેને છૂટવું હોય એ બોલે. બંધાયેલા હોય તે બોલે.

પ્રશ્શનકર્તા : હા, પણ એ કોણ છે ? એ કોણ બંધાયેલું છે ?

દાદાશ્રી : આ અહંકાર, પ્રતિષ્ઠિત આત્મા. શુદ્ધાત્મા તો બંધાયેલો છે જ નહીં ને ! જે બંધાયેલો હોય તે છૂટવા માટે બૂમો પાડે.

પ્રશ્શનકર્તા : હું 'દાદા ભગવાન'નો મહાત્મા છું એ મનમાં થાય એ અહંકાર કહેવાય ?

દાદાશ્રી : ના, ના, એ (જીવતો) અહંકાર ના કહેવાય અને એ અહંકાર જતો અહંકાર છે, ડિસ્ચાર્જ થતો અહંકાર છે.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23