ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૯)

આત્મઐશ્વર્ય, અક્રમ થકી !

વિખરાઈ વૃત્તિઓ વિધ વિધમાં....

મારી ચિત્તવૃત્તિ મારામાં જ રહ્યા કરે છે, તમારી વિખરાઈ ગયેલી છે. તમારી વિખરાઈ ગયેલી નથી ? બસ આટલો જ આમ તાત્ત્વિક દ્ષ્ટિએ ફેર છે. વધારે લાંબો ફેર નથી. જો તમે તમારી ચિત્તવૃત્તિઓ વિખરાવા ના દો, ધીમે ધીમે, તો તમે મારા જેવા જ થઈ જાવ.

આ તો શામાં શામાં વિખરાવા દીધી ? કંઈક ઊંચું ઘડિયાળ જોયું ને ખરીદવા માટે આજે પૈસા નથી, એટલે મનમાં પેઠું કે પૈસા જ્યારે આવે ત્યારે આ ઘડિયાળ લેવું છે. તે પાછી ચિત્તવૃત્તિઓ ત્યાં એ દુકાનમાં ને દુકાનમાં રહે જ. રાત પડે તોય પાછી ના આવે. આ સ્ત્રીઓ છે તે બજારમાં જાય છે, તે પેલા વેપારીઓ સાડીઓ સૂકવવા નાખે છે, દહાડે ? બબ્બે હજારની, ત્રણ-ત્રણ હજારની સાડીઓ સૂકવવા નાખે છે ને ? શા હારુ નાખતા હશે સાડીઓ ?

પ્રશ્શનકર્તા : આવનાર-જનાર જુએ એટલે.

દાદાશ્રી : કેવી સરસ સાડી છે, ઓહોહો ! કેવી સરસ !! એ જ સાડી જો મહીં દાબડામાં પડેલી હોય તો કશી ચિત્તવૃત્તિ ના થાય. આ તો ભાઈ ને બાઈ બે જતાં હોય ને સાડી જોવામાં આવી કે ચમક્યાં ! આપણે વેપારીને પૂછીએ કે, 'ભાઈ, તેં આ સાડીઓ સૂકવવા મૂકી છે ?' ત્યારે એ કહે, 'ના, લોકોને આકર્ષણ કરીને એમની પાસેથી પૈસા લેવા છે. મારે વેપાર કરવો છે.' 'અરે પણ સાડી, આ જડ વસ્તુ આકર્ષણ કરશે ?' ત્યારે કહે, 'ભલભલાને આકર્ષણ કરશે. પહેરનારીને આકર્ષણ કરશે ને પહેરનારા ના હોય તે પુરુષનેય આકર્ષણ કરશે.' આ સાડીમાં તો આટલી બધી શક્તિ મૂકી છે ! તે સાડી બાઈએ જોઈ અને ધણીને કહે છે, 'જોઈને તમે ?' ત્યારે ધણી જાણે કે આપણે માથે પડશે. 'હા, જોઈ, જોઈ. એવી બધી બહુ હોય છે.' એમ કહે. એ બાઈને પટાવવા ફરે પણ આ પટે નહીં ને પછી બાઈની ચિત્તવૃત્તિ ચોરાઈ ગઈ ત્યાં આગળ અને પછી બાઈ ઘેર આવે ને ત્યારે આપણે મોઢું જોઈએ તો, 'આપણે નીકળ્યા હતા ત્યારે હતું તેવું તારું મોઢું નથી. બજારમાં કશુંક ખોવાઈ ગયું.' ત્યારે કહે છે, 'આખું ચિત્ત ચોરાઈ ગયું છે, બિચારીનું. હવે સાડીમાં ને સાડીમાં ચિત્ત રહ્યા કરશે.' આ એવું તમારું ચિત્ત, ક્યાં ક્યાં બધે ખોવાઈ ગયું હશે ?

મને તો રસ્તામાં ભગવાન મળે ને તોય હું કહું કે 'ચિત્ત ખોવાઈ જશે, એના કરતાં આપણે એને પડતો મૂકોને અહીં આગળથી !' આ તો ચિત્ત આપણે ઘેર છે, તે ફરી પાછું ત્યાં ખોવાઈ જાય ! હા, વળી સાડીમાં ને ભગવાનમાં ફેર શું ? લોકોને માટે એની જરૂર. પણ મારે તો ચિત્તવૃત્તિઓ સ્થિર છે. હવે મારે શું કામ છે ? એ તો જેને એ સ્થિર ના હોય, તે સોદો કરે.

એટલે આ ચિત્ત, મારું મારામાં છે ને તમારું તમારામાં નથી. એ જો ધીમે ધીમે, અંશે અંશે તમે ફેરવવા માંડો તો વાંધો આવે એમ છે ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : આ લોકો જે કહે છે, એ રસ્તા ન હોય મોક્ષના ! અને સ્વતંત્ર થવાનાય રસ્તા ન હોય ને ધર્મનાય રસ્તા ન હોય ! રસ્તો તો આ ચિત્તવૃત્તિ પોતાની પાછી વાળી લાવવી એ જ રસ્તો. આ લોકો જે બખાળા પાડે છે, એ ધર્મનો રસ્તો મહીં એકુય સાચો રસ્તો નથી. છતાં એ બોલે છે એ ખોટુંય નથી. એ કેટલાંક લોકોને માફક આવે છે. દરેક સ્ટાન્ડર્ડ જુદાં છે. દરેક સ્ટાન્ડર્ડવાળાને જોઈએ તો ખરું ને કે ના જોઈએ ખોરાક ?

વધારેમાં વધારે ચિત્ત ફસાય શેમાં ? વિષયમાં. જેને વિષય ના હોય તેને આ બધું ચલાવી લેવાય તે વખતે. ચિત્તને ફસાવાનું મોટું સ્થળ કયું ? ત્યારે કહે, વિષય. બીજું સ્થળ કયું ? અનાવશ્યક ચીજો. પેટમાં ખાવા જોઈએ. તે ખાવાનું દાળ-ભાત કે રોટલા, જે જોઈએ તે જોઈએ, બીજું શું જોઈએ ? એટલી આવશ્યક કહેવાય. ખાવા-પીવાનું, લૂગડાં એ આવશ્યક ચીજો કહેવાય ને આ અનાવશ્યક. જેની કંઈ જરૂરિયાત નથી.

આ ચિત્ત વિખરાઈ ગયેલું હોય, તે ઘડિયાળના બાલચક્રની પેઠે હલાહલ કરે. અમારું ચિત્ત કશામાં નહીંને ! આ દેહમાંય નહીં ને ! ત્યારે વાણી નીકળે, ત્યારે બધંુ નીકળે.

આ તો જે દેખ્યું એમાં ચિત્ત ફસાઈ જાય. આમાં ફસાઈ જાય, તેમાં ફસાઈ જાય. જેટલી નવી વસ્તુઓ દેખે ને, પેલી મીણબત્તી દેખે ને, તે નવી જાતની દેખાય એટલે પછી એમાં ચિત્ત ફસાય. જો પેલી બાજુ કેવી સરસ દીવાદાંડી છે ને ! તો એમાં પાછું ચિત્ત ફસાય. ચિત્ત ફસાયું એટલું ઐશ્વર્ય તૂટી ગયું અને ઐશ્વર્ય તૂટ્યું એટલે જાનવર થયો.

વૃત્તિઓ વિખેરાવાનો આધાર !

પ્રશ્શનકર્તા : આ ચિત્તવૃત્તિ જે વેરાય છે તેનું મૂળ બેઝમેન્ટ (પાયામાં) શું ? શાથી વેરાય છે ?

દાદાશ્રી : નિશ્ચય બધો નક્કી કર્યા સિવાયનો, અને લોકોના કહેવાથી પોતે દોરાય તેથી. લોકોએ જેમાં સુખ માન્યું તેમાં પોતે માને કે બંગલા વગર તો સુખ પડે નહીં. અલ્યા, સારું ખાવાનું ના હોય તો સુખ ના પડે, બંગલાને શું કરવો છે તે ? રોજ લાડવા ખાવા મળતા હોય તો બંગલાની જરૂર ખરી ?

પ્રશ્શનકર્તા : તો લોકસંજ્ઞા ચિત્તવૃત્તિ વિખેરવામાં હેલ્પ કરે છે ?

દાદાશ્રી : લોકસંજ્ઞાથી જ ! આ ધોબીને પૈસા આપી દઈએ, એ રીત છે ? આપણા ઘૈડિયાએ ધોબીને પૈસો આપ્યો હતો ?

પ્રશ્શનકર્તા : ને આજે આવડાં નાનાં નાનાં છોકરાંય ઈસ્ત્રી કર્યા વગરનું નથી પહેરતાં.

દાદાશ્રી : એટલે આ ચિત્તવૃત્તિ બધી વિખરાઇ ગઈ છે. બીજાની જરૂર જ શું પડે આપણને આખો દહાડો ? બે લાડવા ને થોડુંક શાક મળ્યું હોય તો બીજા કોઈની જરૂર પડે ? બૂમ પાડવી પડે તમારે ? ફલાણા કાકા, અહીં આવો, ફલાણી કાકી અહીં આવો. જેટલી ચિત્તવૃત્તિ વિખરાઈ ગયેલી છે, તેનું ફળ આપણે ભોગવવું પડે. પણ આપણે નક્કી કર્યું છે એટલે હવે વિખરાયેલું છે, તે એક થવાનું છે. આપણી 'બિલીફ' આ બાજુ એક થવા માંડી છે.

પ્રશ્શનકર્તા : આપણી 'બિલીફ' આ બાજુ પાકી થયેલી, એટલે ચિત્તની જે વિખરાવાની ક્રિયા છે, તે વિખરાઈ પડ્યું છે, પણ પછી વધારે વિખરાતું ના જાય, પણ ભેગું થતું જાય ને ?

દાદાશ્રી : આ બાજુ 'બિલીફ' હોય, પછી વિખરાય જ શી રીતે ?

પ્રશ્શનકર્તા : પણ જે થોડું ઘણું ત્યાર પહેલાં વિખરાયેલું હોય, એનું ?

દાદાશ્રી : ના, કશું થાય નહીં. હવે દાદાને મળ્યા પછી તમારા જેવાને તો વિખરાય જ નહીં. જે પી.એચ.ડી થયેલા છે, જે કાંટો લઈને બેઠા છે, તેને તો વિખરાય જ નહીં. એને તો અમારે કશું કહેવું જ ના પડે ને ! કાંટેથી કામ કરે છે, કાંટો જોઈએ.

તમારી પહેલાની 'બિલીફ' રોંગ હતી, સમ્યક નહોતી કરાવી ત્યાં સુધી. તે એનું આ ફળ આવ્યું છે. તે તો તમારે ભોગવ્યે જ છૂટકો. પણ અત્યારે 'બિલીફ' તમારી જુદી જગ્યાએ છે, ઐશ્વર્ય એક કરવા તરફ જ 'બિલીફ' છે અને આમ વર્તનમાં ઐશ્વર્ય રહેતું નથી, વૃત્તિઓ રહેતી નથી. તે એનો વાંધો નથી પણ 'બિલીફ' ક્યાં છે એ જોયા કરવું. બસ રાતદહાડો 'બિલીફ' ક્યાં છે એ જોયા કરવું ને એ 'બિલીફ'ને ટેકા આપ આપ કરવા અને એ 'બિલીફ'ને વિટામિન આપ આપ કરવું. આમ આ વર્તન જોઈને ગભરાવાનું કોઈ કારણ નથી. આ વર્તન જોઈને ગભરાવાનું તો કોને કહીએ કે આ જેને બાળરમત હોય ને, નાનાં છોકરાં ભાન વગરનાં હોય, ત્યારે એને ટૈડકાવ ટૈડકાવ કરીએ. તમને કંઈ ટૈડકાવીએ. છીએ કોઈ દહાડો ? ના ટૈડકાવીએ. આ છોકરાંઓ બધાંને ટૈડકાવ ટૈડકાવ કરવાં પડે.

પ્રશ્શનકર્તા : જ્ઞાન લીધા પછી જે આ બધા મહાત્માઓ છે, એમની ચિત્તવૃત્તિ ધીમે ધીમે એક જગ્યાએ ભેગી થાય ને ?

દાદાશ્રી : આવડતું હોય તો એક થઈ રહે. હવે કાચો ના પડે ને ! અમારા વિજ્ઞાનમાં રહે તો એકાગ્ર થઈ જ જવાની છે, એક અવતારમાં. એવું છે ને, ભલે વર્તનમાં ના હોય, પણ બિલીફમાં છે ને !

પ્રશ્શનકર્તા : હા, બિલીફમાં છે.

દાદાશ્રી : ત્યાર પછી બિલીફમાં છે એ સત્ય, ભલે વર્તનમાં ના હોય. વર્તન એ આપણા હાથની, કાબૂની વાત નથી પણ બિલીફમાં છે ને ?

પ્રશ્શનકર્તા : બિલીફમાં પૂરેપૂરું.

દાદાશ્રી : નહીં તો વર્તનમાં જો કદી ના આવે અને વર્તનની 'નેસેસિટી' (જરૂરિયાત) હોત તો અમારે બધાને વઢવું પડત. અમે વર્તનને જોતા નથી. બિલીફને જોઈએ છીએ, કે તમારી બિલીફ ક્યાં છે ? અમારું વર્તન ને બિલીફ એક જ પ્રકારનાં હોય. તમારું વર્તન જુદી જાતનું હોય ને બિલીફ જુદી જાતની.

બધે શું કહે છે ? વર્તન સુધારો. ત્યારે મને દેખાડ એકુય વર્તન કોઈએ સુધારેલું ? સંડાસ જવાની શક્તિ નથી, તે શી રીતે વર્તન સુધારે ? વર્તન સુધારવાવાળા આવ્યા ! તે બધાય ધર્મવાળા વર્તન સુધારો, કહે છે. પણ અલ્યા આચાર, વિચાર ને ઉચ્ચાર તો સુધરતા હશે ? શેનાથી સુધરે એ શોધખોળ કર. તે અમારી તો વૈજ્ઞાનિક ઢબ છે આ, નહીં તો કોઈ માણસ આ દુનિયામાં સુધરેલો નહીં. આ તો કુદરત જ્યાં આગળ થાપોટ મારે છે, ત્યાં આગળ એ જાય છે, બસ. એનો પોતાનો મહીં કશો પુરુષાર્થ નથી અને આ તો વિજ્ઞાન આવ્યું, ત્યાંથી આ માણસ ફર્યું. આ વિજ્ઞાન આચાર, વિચાર ને ઉચ્ચાર માગતું જ નથી ને ! જગત તો એ જ માંગતું હતું. એટલે કહેશે, 'આ ભાઈ અવળું બોલે છે, તેને આપણે ધર્મિષ્ઠ કેમ કહેવાય ?' 'અલ્યા, અવળું બોલે છે, તેને આપણે શું લેવા ?' એમની 'બિલીફ' શું છે એ જો ને ?

પ્રશ્શનકર્તા : હા, બરોબર બિલીફ જ જોવી જોઈએ.

દાદાશ્રી : ભલે ને, અત્યારે દેશી કપાસ છે પણ એના નવાં બી કયા નંખાય છે તે જુઓને. આપણે બી તો ખાસ્સાં મોંઘા ભાવનાં લાવ્યા છે, એની તૈયારીઓ કરવા માંડી છે, ખાતર લઈ આવ્યા, એટલે આપણે ના જાણીએ કે આવતું વર્ષ ફક્કડ આવવાનું છે !

કહેશે, 'જપ કરો, ફલાણું કરો', પણ તે શેના હારુ કરો ? મારે ખેતી કરવી નથી હવે, બોલ તું શું કરવા અમારી પાસે ખેતી કરાવે છે ? અલ્યા પણ મારે સ્વતંત્ર થવું છે. મારે ખેતી કે કશું કરવું નથી. જેને ખેતી કરવી હોય, તે જપ કરે, તપ કરે, બીજું શું કરે ? એટલે આ તો પુસ્તક વાંચવું ના પડે એવો માર્ગ નીકળ્યો છે. હા, નહીં તો પુસ્તક વાંચી વાંચીને જડ થઈ ગયો હોય એ. પુસ્તકો વાંચીને ચોપડી થઈ જાય !

અહો ! અહો ! અક્રમનું ઐશ્વર્ય !!!

કેવું ઐશ્વર્ય પ્રાપ્ત થયું છે ! રસ્તો કેટલો સુંદર !! સહેલો, સરળ, નહીં ભૂખે મરવાનું, નહીં બટાકા છોડવાનાં, નહીં બધું ગળ્યું છોડવાનું, નહીં તીખું છોડવાનું, નથી બૈરી-છોકરાં છોડવાનાં, નથી બંગલા છોડવાના. આ બધું છોને રહ્યું, પણ આમાં ચિત્તવૃત્તિ શેને માટે જોઈએ ?

પ્રશ્શનકર્તા : એવું છે કે શુદ્ધાત્મા તરફ એક ફેરો ચિત્ત ખેંચાય અને એને મહીં જે ચોક્કસ ખાતરી થઈ જાય કે આ આપણો રસ્તો બરોબર છે, 'બિલીફ' બરોબર પાકી થઈ જાય. પછી કંઈક થોડા ઘણા અનુભવ થાય, પછી તો એકદમ પાકું થઈ જાય છે.

દાદાશ્રી : હા, તે અનુભવ તો થાય છે ને અત્યારે ? હવે આ અનુભવ થાય છે છતાં પણ જે ના ગમતું કરવું પડે છે, એનું કારણ પહેલાં બિલીફ વાંકી હતી, તેનું આજે ફળ આવ્યું છે. ગયા અવતારે દેશી કપાસ વાવેલો. તે અત્યારે સમજી જવાનું કે ભઈ, હવે તો પેલો કપાસ નાખવાનો છે અને આ પાછલાં તો ફળ ભોગવી લીધે જ છૂટકો છે. આ તો ફસલ ગઈ, એવું જ કહેવાનું. આવી બધી જાગૃતિ ના રહેવી જોઈએ ?

પ્રશ્શનકર્તા : રહેવી જ જોઈએ.

દાદાશ્રી : હા, અમને હઉ તરત માલમ પડે કે આ ફસલ ગઈ.

પ્રશ્શનકર્તા : આ ચિત્ત વિખરાય છે એવું ભાન જ નહોતું. હું તો સારું કરી રહ્યો છું, આત્મજ્ઞાન તરફ જઈ રહ્યો છું એવું લાગે એને.

દાદાશ્રી : કોને ઘેર જવું છે, એ તો નક્કી કર્યું નથી ને જઈ રહ્યો છે કોને ત્યાં, કશી ખબર જ નથી.

ચિત્ત ક્યારે ના ભટકે ? જગતમાં કોઈ ચીજની કિંમત ના લાગે તો. જેની કિંમત સમજાઈ, ત્યાં ચિત્ત ભટક્યા કરે. હમણે તાંબાનો ઘડો ખોવાઈ ગયો હોય તો ઉપાધિ થાય. સાધારણ માણસને જ્ઞાન ના હોય, તે માણસને ઉપાધિ અને પછી માટીનો આવડો મોટો ઘડો છે, તે ફૂટી જાય તોય જરાક ઉપાધિ થાય. પણ આવડી નાની માટલી ફૂટી જાય તો કહે, બે આનાની છે, એમાં શું ! કિંમત જ નહીં થઈને, એટલે ઉપાધિ ના થાય.

એટલે આ સંસારમાં આવશ્યક ચીજ કઈ ને અનાવશ્યક કઈ, તે નક્કી કરી લેવું. આવશ્યક એટલે અવશ્ય જરૂર પડે જ અને અનાવશ્યક તો માથે લીધેલું, મોહને લઈને. ગમે એટલી અનાવશ્યક ચીજો હોય એની પાસે રાજમહેલમાં, તોય બાર-સાડા બાર થાય એટલે પાછું આહાર લેવા તો આવવું જ પડશે ને ! કારણ કે એ આવશ્યક ચીજ છે. બીજું નહીં હોય તો ચાલશે. પાણી છે, ખોરાક છે, હવા છે, એ આવશ્યક ચીજો છે.

વિખરાયેલું ચિત્ત સમેટતાં, પરમાત્મા વ્યક્ત !

જેટલું ચિત્ત વિખરાયું એટલું ઐશ્વર્ય ખલાસ થઈ ગયું.

પ્રશ્શનકર્તા : એ એક્ઝેક્ટલી કેવી રીતે ખબર પડે કે આ ઐશ્વર્ય ઓછું થઈ ગયું ?

દાદાશ્રી : ખબર પડે જ છે ને અત્યારે કે ઐશ્વર્ય ઓછું છે ! તેથી તો કેટલાક લોકો ડખો કરે છે, લોકોનું સહન કરવું પડે, લોકો હેરાન કરે, બોસ ટૈડકાવે. એવું સહન ના કરવું પડે ?

પ્રશ્શનકર્તા : હા, સહન કરવું પડે છે.

દાદાશ્રી : એ ઐશ્વર્ય ઓછું ત્યારે જ ટૈડકાવે. નહીં તો ઐશ્વર્ય હોય તો એ શું ટૈડકાવે ? એટલે ઐશ્વર્ય ઓછું, તેનું ને ? ઐશ્વર્ય હોય તો તો એને કોણ ટૈડકાવનારો ? ટૈડકાવવા માટે આવે ને, તે મોઢું જોતાં પહેલાં આમ આમ થઈ જાય કે 'શું થશે ? શું થશે ?' કારણ કે ઐશ્વર્ય છે. જોતાંની સાથે જ એને ગભરામણ થાય, પસીનો છૂટી જાય ! માટે ઐશ્વર્યની જરૂર છે. બીજા કશાની જરૂર નથી. અને ચિત્તની સંપૂર્ણ એકાગ્રતા એ પરમાત્મા.

અમારું ચિત્ત કોઈ જગ્યાએ જવાનું જ નહીં. એવી કોઈ ચીજ નથી કે ચિત્તને ખેંચે. આ તો બધું કચરો માલ છે, રબીશ માલ છે. આ તો મહીં ભ્રાંતિ બધું ફસાવે છે. દરેક સાઈડના ચિત્ત ન વિખરાવાનું જુદું વાક્ય હોય. 'મારાથી કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત્ માત્ર અહમ્ ના દુભાય, ના દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય', આ બોલ્યા એટલે હવે પછી અહમ્ દુભાવવાને માટે જે ચિત્ત જતું હતું તે બંધ થઈ જાય. એવી આ નવ કલમો છે !

જેટલી ચિત્તવૃત્તિ વિખરાય એટલું ઐશ્વર્ય ઓછું થતું જાય. અને જેટલું મૂળ જગ્યાએ સ્ટેબિલાઈઝ થઈ જાય કે ઐશ્વર્ય ઉત્પન્ન થયું, સંપૂર્ણ ઐશ્વર્ય ! ગુરુપૂર્ણિમા, જન્મજયંતિ ને બેસતું વર્ષ, આ ત્રણ દહાડે 'અમારાં' તો સંપૂર્ણ દર્શન થાય. તેથી બધાંને દબાણ કરીએ કે આડે દહાડે દર્શન ન કરીશ તો ચાલશે, પણ તે દહાડે દર્શન કરી જા. કારણ કે સંપૂર્ણ ઐશ્વર્ય પ્રગટ થયેલું હોય. ચિત્તવૃત્તિ આખી સંપૂર્ણ શુદ્ધ થઈ ગઈને એટલે સંપૂર્ણ ઐશ્વર્ય ઊભું થયેલું. એ ઐશ્વર્યના દર્શન કરીએને, તે આપણું ઐશ્વર્ય પ્રગટ થાય !

ઇચ્છા વેરવાની, વિખરાઈ તેથી !

પ્રશ્શનકર્તા : હવે આ ચિત્તવૃત્તિ છે એ ઠામ ઠામ વેરી છે કે વિખરાઈ ગઈ છે ?

દાદાશ્રી : વિખરાઈ ગઈ છે.

પ્રશ્શનકર્તા : પણ એ તો એની મેળે જ વિખરાઈ જાય છે ને ?

દાદાશ્રી : વેરવાની ઇચ્છા તેથી વિખરાઈ ને ?

પ્રશ્શનકર્તા : એટલે મૂળ તો વેરવાની જ ઇચ્છા ને ?

દાદાશ્રી : હા, ઇચ્છા તેથી, નહીં તો ના વેરાય. આ તો ઇચ્છા છે એટલે પછી ત્યાં જમીનમાં ચિત્ત ગયું. જમીનમાં ગયું એટલે ત્યાં કોર્ટમાં ગયું, ફલાણામાં ગયું, ખેડૂતમાં ગયું, બળદમાં ગયું, કપાસમાં ગયું, એટલે વિખરાય પછી. હવે ત્યાં પછી આવશ્યક અને અનાવશ્યક નક્કી કરે, ત્યાર પછી ગાડું હેંડે.

પ્રશ્શનકર્તા : પણ દાદા, વિખરાવું એ એની મેળે થાય, પણ આપણે વેરીએ છીએ એનું શું ?

દાદાશ્રી : આપણે વેર્યું માટે વિખરાયું. આપણી ઇચ્છા હતી વેરવાની એટલે વિખરાઈ ગયું. આ અમારી બેગ છે ને, તે પૂછી જુઓ કે મહીં જોયું છે કે મહીં હાથ ઘાલ્યો છે ? મહીં શું છે કે શું નહીં, એ જોયું છે મેં ? પૂછી જુઓ ને ? કેટલાય વર્ષથી આ બેગમાં મેં જોયું નથી કશું અને લોક તો દહાડામાં બે વખત તપાસ કરે. અલ્યા, તપાસ શું કરવાની એમાં ? એની એ જ બેગ ને એના એ લૂગડાં. પણ ના, એનું ચિત્ત ત્યાં ને ત્યાં હોય ને !

પ્રશ્શનકર્તા : એટલે ચિત્તવૃત્તિ વેરવાની ઇચ્છાથી વિખરાઈ ગઈ ?

દાદાશ્રી : હા, આ તો તમે સો રૂપિયા લઈને ગયા હોય, ત્યાં ના વાપરવા હોય તો ના વાપરો ને ? એવું ચિત્તવૃત્તિનું છે. મેં વાપરેલી જ નહીં ને !

પ્રશ્શનકર્તા : એટલે વેરવાની ઇચ્છા નહીં, એટલે જ વપરાઈ નહીં ?

દાદાશ્રી : વિખરાવા દેવાની ઇચ્છા નહીં.

પ્રશ્શનકર્તા : કેટલીક વખત એવું થાય છે કે આપણે આપણું ચિત્ત નથી વિખેરવંુ ને, ત્યારે આ (બૈરાંઓ) બહુ વિખેરાવડાવે છે પાછાં.

દાદાશ્રી : એ તો એમનેય ચિત્ત વિખરાયેલું હોય અને બધાંય બૈરાંને વિખરાયેલું હોય, પણ એમને શું કરવા ફજેત કરો છો ?

વૃત્તિઓ વિખરાઈ, હિમાલય ને ડુંગરી વચ્ચે !

જ્યાં જ્યાં ચિત્તવૃત્તિ ફેલાઈ, જ્યાં જ્યાં ચિત્તવૃત્તિ વિખરાઈ ત્યાં આગળ આત્મા વિખરાઈ ગયો. એ ચિત્તવૃત્તિઓ બધી એક જગ્યાએ આવી જાય એટલે પરમાત્મા થાય. વિખરાય એટલે જીવાત્મા કહેવાય અને એક જગ્યાએ આવી ગયું એટલે હિમાલય ! ચિત્તવૃત્તિ વેરાઈ ન હતી ત્યાં સુધી હિમાલય કહેવાતો હતો અને ત્યાંથી થોડેક વેરાઈ એટલે પર્વત કહેવાય. એમાંથી થોડીક વેરાઈ ગઈ એટલે ડુંગર કહેવાય. એમાંથી થોડીક વધારે વેરાઈ એટલે ડુંગરી કહેવાય. પર્વત થતાંની સાથે ભાન જતું રહ્યું !

વૃત્તિઓ નિવર્તે સમાધાને...

પ્રશ્શનકર્તા : હવે એ ચિત્તવૃત્તિ વિષય તરફ બેઠી, તો જ્યાં સુધી એને સંતોષ ના આપો ત્યાં સુધી ઘેરાયેલી રહે ?

દાદાશ્રી : એનું સમાધાન કરવું. એ સમાધાન જ માગે. એમાં તો ચાલે નહીં. ઘણું ખરું સમાધાન તો અમે ચિત્ત શુદ્ધ કરી નાખ્યું એટલે થઈ ગયું. પણ બીજું છે તે હજુ બાકી રહ્યું ને ?

પ્રશ્શનકર્તા : ઘણી વખત હઠ કરીને પકડી રાખીએ છીએને, તો બીજું કામ પણ થવા દેતું નથી.

દાદાશ્રી : એ તો એને રાજીખુશીથી બધું નિકાલ કરીને પછી થાય.

પ્રશ્શનકર્તા : એમાં વચલો રસ્તો નથી, કોઈ કંટ્રોલિંગનો ? કારણ કે સમય બધો કંટ્રોલિંગમાં જ જતો રહે છે ને એના પછીનું કામ થવા નથી દેતું.

દાદાશ્રી : જ્ઞાનીઓ પાસે રસ્તા તો બહુ ભારે હોય અને તે શીખવાડીએ તોય આવડે નહીં, પેલાની પાસે ટકેય નહીં. આ તમે હઠ પકડી તોય વાંધો આવશે. એની આગળ તમારી હઠ ચાલે છે ? આ તો હઠાગ્રહીઓએ ગાંડાં કાઢેલાં. તે બહુ મુશ્કેલીમાં મૂકાયેલા. હઠાગ્રહવાળાને છેવટે ચિત્તવૃત્તિ હારે. પણ એ તો હઠાગ્રહીઓ જ કરી શકે અને આ તો હઠાગ્રહ કરે એટલે એક નહીં ને અન્ય પકડે. એટલે એના કરતાં પેલું હતું તે સારું હતું. જે ચિત્તવૃત્તિમાં દાદા રમે, એમાં કશુંય આવે નહીં, માયા ઘૂસે જ નહીં ને !

જ્યાં જ્યાં લીકેજ, ત્યાં ત્યાં દાટા...

આખા દહાડામાં કેટલી વખત ઘડિયાળ જોવી પડે ?

પ્રશ્શનકર્તા : વીસ-ત્રીસ વખત.

દાદાશ્રી : તો પછી આ ઘડિયાળ જોવાનું પચાસ-સાઠ સેકન્ડ ખાઈ જાય !

પ્રશ્શનકર્તા : તો ઘડિયાળ નહીં રાખવી જોઈએ ?

દાદાશ્રી : રાખવી જોઈએ. પણ આપણે અરધો માઈલ છેટે કોઈ ઘડિયાળ રાખતો હોય તો રાખવી પડે. પણ અત્યારે તો રસ્તો જનારને પૂછીએ તો ટાઈમ કહે. તે બધા નવરા જ છે, નવરાશવાળા. આ મારું ગણિત તમને પ્રિય છે ? ઠેર ઠેર ઘડિયાળ, તે કેટલા વાગ્યા પૂછો, તે ઊલટો 'મને પૂછ્યું ?' એમ ખુશ થઈને ટાઈમ કહે. બાકી આ તો ચિત્તની પરવશતા છે. ચિત્ત છે તે ફ્રેક્ચર થઈ જાય છે. એટલે ચિત્ત એકાગ્ર થાય તો પરમાત્મા છે. સંપૂર્ણ એકાગ્ર વર્તે તો પરમાત્મા છે અને ફ્રેક્ચર થયું તો પછી જાનવર કે મનુષ્યપણું થઈ ગયું. પછી ઐશ્વર્ય ફ્રેક્ચર થાય છે. એટલે જેટલા દાટા મરાય એટલા તો દાટા મારવા જોઈએ ને કે ના મારવા જોઈએ ? જેટલાં પાણી લીકેજ હોય, તો દાટા મારવામાં વાંધો શો તે ?

એવું છે ને, આપણે જિંદગીમાં આવશ્યક અને અનાવશ્યક બેનું લિસ્ટ બનાવવું જોઈએ. આપણા ઘરમાં દરેક ચીજો જોઈ લેવી અને આવશ્યક કેટલી અને અનાવશ્યક કેટલી. અનાવશ્યક ઉપરથી ભાવ ઉતારી નાખવો અને આવશ્યક જોડે તો ભાવ રાખવો જ પડે, છૂટકો જ નથી ને ! કોઈ રેડિયો લઈ આવ્યો, એટલે પેલોય રેડિયો લઈ આવ્યો. અલ્યા મૂઆ, બધે રેડિયા વાગે છે, ઊલટા કાન ફૂટી જાય છે. એ તો રેડિયો મુંબઈ એકલામાં જ હોય ને અહીં ના હોય તો એકાદ લાવવો પડે. આ તો ઘેર ઘેર રેડિયા. તે ઊલટા લોક કંટાળી ગયા. રેડિયા ય બંધ થઈ ગયા.

અને ચિત્ત છે તે આમાંથી વિખરાયું, કે પછી બેચિત્ત થઈ જાય માણસ. ચિત્ત વિખરાઈ ગયું બધું, મુંબઈ ગયું, આમ ગયું, તેમ ગયું, બધે ભટક ભટક કરે, ચિત્તવૃત્તિઓ ફેલાઇ ગઈ, એટલે બેચિત્ત થઈ જાય. પછી આપણે પૂછીએ કે શું ધંધો કરો છો ? ત્યારે કહે, 'મને સમજણ પડતી નથી.' હોય ૪૫ વર્ષનો પણ આવું બોલે. કારણ કે ચિત્તની વૃત્તિઓ બધી ફેલાઈ ગયેલી છે, તે બેચિત્ત થઈ ગયો.

આ તેટલા હારુ મેં કહ્યું કે રસ-રોટલી ખાજો, નિરાંતે ! ત્યારે એક જણ કહે છે, 'પણ ચિત્ત વેરાઈ નહીં જાય ?' મેં કહ્યું, 'અલ્યા, રસ-રોટલી ટેસ્ટથી ખાવાનું તને શાથી કહું છું ? એ તો મન ભોગવે છે, ચિત્ત નથી ભોગવતું.' ચિત્ત તો આવું તેવું ભોગવે જ નહીં. ચિત્ત તો દાવા કરે, ઝંખના કરે કે આમાં સુખ હશે કે આમાં સુખ હશે ? આમાં સુખ હશે કે આમાં સુખ હશે ? એ સુખ તો તારું મળી ગયું, હવે ચિત્ત શું કરવા બૂમાબૂમ કરે ? આ તો મન શાંત થાય છે. આ રસ-રોટલી ખાવ છો તો મનનું સમાધાન થાય છે. આ બાર રૂપિયે કિલોની કેરી લાવ્યો પણ કહેવું પડે ! ત્યારે મનનું સમાધાન થાય અને મોઢું બગડે એવું હોય તો મનને અસમાધાન થાય. એમાં ચિત્તને લેવાદેવા નથી. લોકો સમજે છે કે મારું ચિત્ત બગડે છે. અલ્યા, ના બગડે. એટલે ખા-પી નિરાંતે દાદાની આજ્ઞા નીચે !

દાદાઈ અગિયારસે, એક ચિત્ત !

પ્રશ્શનકર્તા : દાદા, તો આ (દાદાઈ) અગિયારસ કરે, તે વખતે મન, બુદ્ધિ, ચિત્ત ચૂપચાપ બેસી ગયેલાં હોય, કંઈ આપણને હેરાન કરે નહીં ?

દાદાશ્રી : એ અગિયારસ કરો છો તેથી બધું એકદમ મજબૂત થઈ જાય.

પ્રશ્શનકર્તા : પછી અગિયારસ કરી રહ્યા પછી, એવું આપણને ઘણા દહાડા શાંતિ ને એવું વર્તાય, એકદમ એમ ?

દાદાશ્રી : બહુ શક્તિવાળો થઈ જાય ને !

પ્રશ્શનકર્તા : પણ પછી પાછું પેલું ફાઈલ આવે ત્યારે પાછા આમતેમ થઈ જાય, એ કેમ ?

દાદાશ્રી : પણ એ તો થઈ જાય. હજુ તો શક્તિ આમ કરતાં કરતાં મજબૂત થશે. અનંત કાળથી બધું ચિત્ત વિખરાઈ ગયેલું. વિખરાઈ ગયેલાં ચિત્તને ઠેકાણે કરવા ટાઈમ લાગે ને ? આ અગિયારસ થાય છે, એ જ મોટી વાત છે ને !

 

(૧૦)

સચ્ચિદાનંદ

સત્ + ચિત્ + આનંદ

શુદ્ધાત્માને શું કહેવાય, તે જાણો છો ? શુદ્ધ ચિદ્રૂપ એનું નામ જ શુદ્ધાત્મા. જેનું જ્ઞાન-દર્શન શુદ્ધ થયું છે એવું રૂપ, સ્વરૂપ પોતાનું, સચ્ચિદાનંદ એ તો અનુભવ દશા છે અને આ શુદ્ધાત્મા એ પ્રતીતિ ને લક્ષ દશા છે વસ્તુ એની એ જ. શુદ્ધ ચિદ્રૂપ અને શુદ્ધાત્મા એક જ શબ્દ છે, બીજું કશું જ નહીં.

પ્રશ્શનકર્તા : સચ્ચિદાનંદ શબ્દનો અર્થ શું ?

દાદાશ્રી : સચ્ચિદાનંદ એ જ સ્વરૂપ છે પોતાનું. શુદ્ધાત્મા જે છે એ સત્-ચિત્-આનંદ. આ અસત્ ચિત્ત થઈ ગયેલું છે. અસત્ એમાં અશુદ્ધ ચિત્ત થઈ ગયું છે. ચિત્ત એટલે જ્ઞાન-દર્શન કહેવાય. એટલે જ્ઞાન-દર્શન અશુદ્ધ થયેલું છે. એ જ્ઞાન-દર્શન જ શુદ્ધ થયું એ સચ્ચિદાનંદ.

પ્રશ્શનકર્તા : અને સત્ શબ્દ જ છે ?

દાદાશ્રી : સત્ શબ્દ એટલે અવિનાશી. આ જગતનું સત્ય નહીં. આ જગતનું સત્ય વિનાશી સત્ય છે. આ જગતનું માનેલું સત્ય એ વિનાશી સત્ય છે અને મૂળ સત્ એ અવિનાશી છે, સનાતન છે.

પ્યૉર (શુદ્ધ) જ્ઞાન, પ્યૉર દર્શન અને સનાતન, એનું ફળ છે તે આનંદ. અત્યારે આ વિનાશી જ્ઞાન-દર્શન છે, કે 'આ મારું ઘર છે ને આ બધું મેં જાણ્યું છે.' એ જ્ઞાન બધું વિનાશી છે અને અવિનાશી તો પોતાનું સ્વરૂપ છે. એ જાણે ત્યાર પછી અવિનાશી જ્ઞાન ઉત્પન્ન થાય.

'સચ્ચિદાનંદ'ને 'જય સચ્ચિદાનંદ' !

પ્રશ્શનકર્તા : સનાતન સુખ અને આનંદ, એનો પરિભાષામાં કંઈક ફેર ખરો કે એક જ ?

દાદાશ્રી : એ એક જ વસ્તુ છે છતાં પણ આનંદ બે પ્રકારના હોય છે. એક તો સનાતન આનંદ અને બીજો તીરોભાવી આનંદ. એટલે આનંદ બે જગ્યાએ વપરાય છે. માટે આનંદ કરતાં સનાતન ઊંચી વસ્તુ છે.

પ્રશ્શનકર્તા : એટલે સચ્ચિદાનંદમાં જે આનંદ છે તે સનાતન આનંદ છે ?

દાદાશ્રી : એ જ સનાતન આનંદ છે. કેટલાક પક્ષવાળા કહે છે, 'સચ્ચિદાનંદ કેમ બોલો છો ? સચ્ચિદાનંદ આપણાથી બોલાય નહીં.' જાણે બીજા ધર્મનું વાક્ય હોયને ! સચ્ચિદાનંદ સમજો તો ખરા ! સચ્ચિદાનંદ તો એનું પોતાનું સ્વરૂપ છે અને બધાએ એક્સેપ્ટ કરવા જેવી વસ્તુ છે. એ વૈષ્ણવ હોય, જૈન હોય, ગમે તે જાતનો હોય, દરેકે સચ્ચિદાનંદ સ્વરૂપ એક્સેપ્ટ કરવાનું. કારણ કે સ્યાદ્વાદ માર્ગ છે આપણો !

અસત્ ચિત્ત કોને કહેવાય ? પુદ્ગલપક્ષી ચિત્ત છે, એ અસત્ ચિત્ત કહ્યું અને આત્મપક્ષી, સ્વપક્ષી થયું એટલે સત્ ચિત્ આનંદ.

અશુદ્ધ ચિત્ત એનું રિઝલ્ટ શાતા વેદનીય ને અશાતા વેદનીય. કલ્પિત સુખ અને કલ્પિત દુઃખ, સાચું સુખ એક ક્ષણ વાર જોયું ના હોય. સાચું સુખ જોયા પછી એ સનાતન હોય તો જ અનુભવમાં આવે.

સત્ એટલે અવિનાશી. અને પ્યૉર જ્ઞાન-દર્શન એ જ પ્રભુ છે. એબ્સૉલ્યૂટ પ્યૉર જ્ઞાન-દર્શન એ જ ભગવાન છે ને એ જ પરમાત્મા છે અને એ જ તમે છો, યોરસેલ્ફ.

પ્રશ્શનકર્તા : સચ્ચિદાનંદ સ્વરૂપ કોને કહેવાય ?

દાદાશ્રી : આ જોઈ લો સચ્ચિદાનંદ ! સચ્ચિદાનંદ !! આ સચ્ચિદાનંદ મુક્ત હાસ્યથી માલૂમ પડે. હાસ્ય વિધાઉટ એની ટેન્શન. ત્યાં સચ્ચિદાનંદ પ્રગટ ! સમજાય છે તમને ?

પ્રશ્શનકર્તા : કો'ક વિરલ જ સાચા સચ્ચિદાનંદવાળા હોય !

દાદાશ્રી : સાચા સચ્ચિદાનંદવાળા તો કો'ક, વર્લ્ડમાં એકાદ હોય, બેય હોય નહીં. અજોડ હોય, એની જોડ ના હોય. એટલે મુક્ત હાસ્ય એ સિવાય, બીજી બધી બહુ ચીજો હોય ! દરેક પ્રકારનું, તમે માગો એ મળે, તમે જે માગોને એ બધી મળે.

પ્રશ્શનકર્તા : આ વ્યાખ્યા તમે પૂરેપૂરી વિકસાવો.

દાદાશ્રી : જેનું ચિત્ત નિરંતર પોતાના આત્મામાં રહે છે એ સચ્ચિદાનંદ. જેનું ચિત્ત સહેજે આઘુંપાછું ભટકે નહીં, ગાળ દે તોય ભટકે નહીં, માર મારે તોય ભટકે નહીં, દુનિયાની કોઈ અસર ચિત્તને થાય નહીં, એ છે સચ્ચિદાનંદ.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23