ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23



આપ્તવાણી - 10 ઉતર્રાધ

(૪)

પરિણામો, ચિત્તની ગેરહાજરીનાં

ચિત્તને ચરવાનાં ગોચરો...

અહીં બેઠો હોય તે ખોવાઈ જાય તો જાણવું કે ચિત્ત ભટકવા ગયું છે. એવું ચિત્ત ભટકતું હોય તો પછી માણસ જ કેમ કહેવાય ? આ તો અહીં બેઠો હોય ને ચિત્ત ઘેર જાય અને વાઈફ જોડે વાતો કરે, 'આજ શું શાક કરો છો ?' 'અલ્યા અહીં બેસને, પાંસરો મરને મૂઆ !' કોઈ અવતાર પાંસરો મર્યો નથી આ. ભટક ભટક ભટક કર્યા કરે છે, અનંત અવતારથી.

આપણે અહીં બેન્ડવાજાં વાગે તોય જાનૈયા તન્મયાકાર નથી થતા. પછી એ અવાજ સહજ થઈ જાય. એ સંગીત તો ગમે એવી વસ્તુ છે, કાનને પ્રિય લાગે એવી વસ્તુ છે. છતાં લોક તો તે ઘડીએ વેપારમાં હોય ને ક્યાંના ક્યાં પડ્યા હોય ? વેપારમાં હોય કે ના હોય ?

હજુ તમારું ચિત્ત અહીં બેઠા હો તોય જતું રહે. વેપારીઓનું ચિત્ત કેવું હોય કે લપટું પડી ગયેલું હોય !

અહીં માળા ફેરવતો હોય અને મૂઓ વિકારોમાં ખોવાયેલો હોય ! માળા તો એનું નામ કહેવાય કે માળા હાથમાં ઝાલી કે ચિત્ત આઘુંપાછું ના થાય. તો માળા હાથમાં ઝાલવી, નહીં તો માળા ઝાલવી એ જોખમ છે. તો તમે શું ફેરવો છો, માળા ના ફેરવો ત્યારે ?

પ્રશ્શનકર્તા : એમ ને એમ દર્શન કરું છું.

દાદાશ્રી : તે આપણા લોક, પેલો છોકરો વાંચતો હોય ત્યારે નથી કહેતા કે તારું ચિત્ત ઠેકાણે રાખીને વાંચ. કારણ કે અહીં આમ વાંચતો હોય ને ક્રિકેટમાં ગયો હોય તે વખતે.

પ્રશ્શનકર્તા : વિદ્યાર્થી બહુ વાંચવા છતાં પરીક્ષામાં ભૂલી જાય છે, તેનું શું કારણ ?

દાદાશ્રી : ચિત્ત રમવામાં ના જાય અને વાંચે તો ભૂલાય નહીં. તું વાંચું છું ત્યારે રમવામાં જતું રહે છે ચિત્ત. જતું રહે ખરું ?

પ્રશ્શનકર્તા : ના.

દાદાશ્રી : તો ના ભૂલાય. ચિત્તને હાજર રાખીને જો વાંચવામાં આવે તો ભૂલાય નહીં. આપણો છોકરો વાંચતો હોય તે આપણે મહીં બેઠા બેઠા, સૂતા સૂતા સમજીએ કે શબ્દ એના એ સરસ વાંચે, પણ એ મૂઓ હોય ક્રિકેટમાં, શબ્દ વાંચતો હોય છતાં ક્રિકેટમાં ! બને કે ના બને ? જો બે કામ સાથે ચાલે છે ને ? તે બેઉ બગડે, હં કે. ના ક્રિકેટ સારી રીતે દેખાય, ના આ યાદ રહે, હં. ચિત્ત ભટકતું હોય ને, તો કશું યાદ ના રહે. ખાલી એ બધું મિકેનિકલી કર્યા કરે. એ તો ચિત્ત હાજર હોય તો જ કાર્ય થાય, નહીં તો કાર્ય થાય નહીં. તમે કોલેજમાં જાવ છો તો ઘણા ફેરા લેટ થઈ ગયા હોય, તો તમે જમતી વખતે તમારી કોલેજમાં ગયા હોય કે ના હોય ?

પ્રશ્શનકર્તા : હા, બહુ મોડું થયું હોય તો થાય.

દાદાશ્રી : તે આમ જમતા જાવ ને ચિત્ત ત્યાં ગયું હોય, બોલો હવે !

ચિત્ત એબ્સંટ હોય, તેનાથી ખવાય પણ નહીં.

જ્યાં ચિત્ત પ્રેઝન્ટ (હાજર) ના હોય, જ્યાં ચિત્ત એબ્સંટ (ગેરહાજર) હોય, એ કોઈ કાર્ય ફળે નહીં. એટલે સારું ના થાય.

ફળે નહીં એટલે શું કે તમને દવાખાનું હતું ને, તો તમારો ટાઈમ ખરો કે નહીં, દવાખાનામાં જવાનો ? હવે એ ટાઈમે જરાક પા એક કલાક લેટ થયું, તો તમારું ચિત્ત ત્યાં જતું રહે દવાખાનામાં અને તમે ચિત્ત વગર અહીં જમતા હો. બેન સમજી જાય કે આ ધોકડું ખાયા કરે છે. એ ચિત્તની એબ્સંટમાં જમવું એ ભયંકર ગુનો છે. તમારે ત્યાં જવાની જરૂર નથી, દવાખાનામાં જે થવાનું હોય તે થાય. કારણ કે એથી ફાયદો થતો નથી. ત્યાં આપણે જઈ શકતા નથી. ખાલી આ તો ચિત્તની ભાંજગડ જ છે. એટલે ચિત્તની હાજરી રાખીને પછી નિરાંતે ભજિયાંમાં શું શું નાખ્યું છે એ બધું જાણવું જોઈએ. પેલું ભજિયાંમાં શું નાખ્યું છે એય ખબર ના પડે. પછી રોગો ઉત્પન્ન થાય એનાથી. માટે ચિત્તને હાજર રાખજો. દરેક કાર્યમાં ચિત્તને હાજર રાખજો, સંડાસ જાઓ તોય, ચિત્ત હાજર ના હોય ને તો સંડાસમાં ભલીવાર ના આવે તમને.

ધોકડું ખાય ને ચિત્ત પહોંચે મિલમાં !

ચિત્ત બધું જતું રહેને ? એ માછલી જેવું હોય. પકડતાં પહેલાં હાથમાં જ ના રહે, સુંવાળી જાતને. તમારે હઉ જતું રહે ? કોર્ટમાં કેસ હોય અને કોઈ દહાડો કોર્ટમાં ગયા ના હોય, અને એ જમવા બેસે, ત્યારે સારી સારી રસોઈ હોય તોય એનું ચિત્ત ઠેકાણે હોય ? ખાવામાં મઝા જ ના આવે એને. ચિત્ત ઠેકાણે હોય તો જ બધું ફાવે.

ઘરમાં બધાય કહેશે કે 'કાકા, તમે ઓઢીને સૂઈ જાવ નિરાંતે.' પણ તોય પાછા મહીં યોજના ઘડ્યા કરે. અલ્યા, બે મિલો છે તોય હજી નિરાંત નથી ! શેઠને પ્રેશર તો થયેલું જ હોય. પાછું જમતી વખતે કોઈ દહાડો ચિત્ત એનું હાજર રહેતું ના હોય. ચિત્તની ગેરહાજરીમાં જમે રોજ. અલ્યા, મિલમાં શું કરવા પહોંચી ગયો ? અહીં આ જમી લે ને પૂરેપૂરું ! હવે તો જંપીને ખાવ ! અલ્યા, તારી દશા શી થશે ? તારા કરતાં તો આ ગાયો-ભેંસો બધી સુખી ! એ ચિત્તની હાજરીમાં ખાય-પીવે. પણ તારી તો દશા જ જુદી જાતની ! આ કઈ જાતનું ? આવી પુણ્યૈ ક્યાંથી લાવ્યો ? ગાંડી પુણ્યૈ ! પુણ્યૈ તો એનું નામ કે નિરાંતે ભોગવે. આ ચિત્તની ગેરહાજરીમાં બત્રીસ ભાતની રસોઈ જમે, તે શું કરવાનું ? અને ચિત્તની હાજરીમાં બે જ ગુલાબજાંબુ ખાધાં ને તો ત્યાં ને ત્યાં જ ફળ આપે અને પેલી બત્રીસ ભાતની રસોઈ પણ ધૂળધાણી થઈ જાય, ઊલટું પ્રેશર વધારે. હું તો આ મોટા મોટા શેઠિયાઓને એવું જ કહી દઉં છું કે 'તારું મને કહી ના દઈશ. હું તો જાણું છું. એમાં વળી તું મને શું કહેવાનો છું ?' આ તો બધા મરવાના રસ્તા ખોળી કાઢ્યા છે. કારણ કે એને સંસ્કાર જ આવા પડ્યા છે. બધા આવું ને આવું કરતા આવ્યા છે અને એનું એને ભાન નથી કે આમાં મારું શું અહિત થઈ રહ્યું છે ! મારું ચિત્ત બહાર જતું રહે છે, એવું એને બિચારાને ભાન નથી.

આ જમવાની થાળી આવી એટલે આ થાળીનો સંજોગ બાઝયો. એટલે એ થાળી ઈટસેલ્ફ શું કહે છે કે તમે નિરાંતે જમો. ત્યારે આ શું કરે છે ? જમતી વખતે જ એબ્સંટ રહે, મૂઓ ! અને જમતી વખતે એબ્સંટ રહેવાથી શું વધારે કમાણી કરી કોઈએ ? આપને કેવું લાગે, શે ? જમતી વખતે એબ્સંટ રહેવાનું કારણ શું છે તે ? એવી તે શી દુનિયા પડી જવાની છે ? કે નથી આ ભીંત પડવાની ! આ સૂર્યનારાયણ કોઈ દહાડો પડી જાય ખરા ? કશું પડવાનું નથી. માટે હાજર રહીને નિરાંતે જમોને ! આ હિન્દુસ્તાનની સ્ત્રીઓય જમતી વખતે કોઈ દહાડો એબ્સંટ થતી નથી. આ મજૂરો પણ એબ્સંટ થાય નહીં, નિરાંતે ખાય-પીએ. આ અક્કલવાળા શેઠિયાઓ બહુ એબ્સંટ રહે છે.

નથી જમ્યા કદી પાંસરી રીતે !

પ્રશ્શનકર્તા : એક વખત આપે પેલી વાત કરી હતી ને કે ધોકડું અહીં ખાય ને પોતે મિલમાં ગયો હોય.

દાદાશ્રી : એ તો એવું બનેલું, મારી જોડે એક મિલમાલિક શેઠ બેઠા હતા. શેઠ જમવા બેઠા હતા. હવે શેઠને ત્યાં તો બધી રસોઈ પૂરેપૂરી હોય, ચાંદીની થાળીઓ હોય, લોટા-પ્યાલા ચાંદીના હોય, તે જમવા બેઠા હતા. તે પછી શેઠાણી સામાં આવીને બેઠાં. ત્યાં મેં શેઠાણીને કહ્યું કે, 'બધું આવી ગયું છે, તમે જાતે શું કરવા આવ્યાં ?' ત્યારે શેઠાણી શું બોલ્યાં કે, 'આ પાંસરી રીતે જમતા નથી.' કોની ઉપર આંગળી કરી ? મારી પર નહીં, અમે બે જ જણ બેઠા હતા, તે શેઠ પર આંગળી કરી કે આ પાંસરી રીતે કોઈ દહાડો જમ્યા નથી. એટલે હું સમજી ગયો કે આ છે મિલમાલિક, પણ પાંસરો નથી. પેલીએ આવું કહ્યું ને, એટલે પછી શેઠની તો આબરૂ ગઈને, તે 'ઊઠ, તારામાં અક્કલ નથી, અક્કલ વગરની, જતી રહે અહીંથી' એવું કહેવા માંડ્યા. એટલે મેં કહ્યું કે, 'જુઓ શેઠ, તમે તો અક્કલના કોથળા છો. પણ આવું ના બોલશો. એ તમારા હિતને માટે કહે છે કે પાંસરી રીતે જમો.'

અત્યારે તમારું ચિત્ત મિલમાં પેસી ગયું હોય અને આ અહીં આગળ ધોકડું ખાયા કરે, તે શેનાં ભજિયાં હતાં તેય ખબર નહીં. પછી મને શેઠ કહે છે, 'મારે તો રોજેય આવું થઈ જાય છે. ચિત્ત તો રોજેય ત્યાં મિલમાં જતું રહે છે ને હું અહીં ખાઉં છું.' ત્યારે મેં કહ્યું, 'ચિત્તને ગેરહાજર રાખશો, એબ્સંટ રાખશો તો હાર્ટફેઈલ થશે, એની જવાબદારી તમારી છે. ચિત્તની હાજરીમાં જ જમવું જોઈએ.'

ચિત્તને કોઈપણ સ્થિતિમાં એબ્સંટ રખાય નહીં, તો જમવામાં તો ના જ રખાય ને ? એટલે શેઠ કહે છે કે 'પણ મારું ચિત્ત હાજર રહેતું નથી, એનું શું કરવું ?' આ તો ચિત્ત લપટું પડી ગયેલું, મન લપટું પડી ગયેલું. લપટું પડી ગયા પછી શીશીને બૂચ મારેલો શું કામનો ? પછી આપણે કહીએ, 'તું એકદમ ફિટ થઈ જા', તો ફિટ થઈ જાય ખરો ? લપટો પડી ગયેલો શી રીતે ફિટ થાય ? શીશી આડી થાય ત્યારે બૂચ નીકળી જાય એની મેળે. એવું ચિત્ત લપટું પડી ગયેલું હોય. પછી શેઠને મેં કહ્યું કે, 'જો લપટું પડી ગયું હોય તો એને વેલ્ડિંગ કરી આપું. પેલો બૂચ લપટો પડી ગયો હોય તો જરા વેલ્ડિંગ કરીએ કે ચોંટે પાછો.' એટલે પછી મેં વેલ્ડિંગ કરી આપ્યું. પેલા શેઠને કહ્યું ને કે ચિત્તની ગેરહાજરીમાં જમણ જમીએ તો હાર્ટની ઉપર જબરજસ્ત અસર થાય ને એટેક જલદી લાવે. એટલે જેને એટેક જલદી લાવવો હોય તેણે ચિત્તની ગેરહાજરીમાં જમવું. શું વાંધો છે ? પછી હાર્ટફેઈલની તૈયારી રાખજો. આવું કહેતાની સાથે અમારે ત્યાં સાન્તાક્રૂઝમાં ભીવંડીના એ શેઠ આવેલા, તે મને ખબર નહીં કે આ મિલના શેઠ છે. તે હું પેલા શેઠની વાત કરતો હતો ત્યારે આ શેઠ એમણે તો એમનું માથું છે તે મારા પગમાં મૂકી દીધું. મને કહે કે, 'હું જ ગુનેગાર છું.' મેં કહ્યું કે 'શું છે એ મને કહો તો ખરા.' ત્યારે કહે, 'હું પણ ભીવંડીમાં મિલનો માલિક છું ને હું પણ જમતી વખતે એવું જ કરું છું.' પછી મને કહે કે 'આપ કહો છો પણ મારું ચિત્ત સ્થિર રહેતું નથી, તેનું હું શું કરું ?' તે રડવા માંડ્યો. મેં કહ્યું, 'શા હારુ રડો છો ?' 'આવું જ કરું છું, દાદા' એણે કહ્યું. મેં કહ્યું, 'અમે કરી આપીશું. ડૉક્ટરની પાસે આવ્યા છોને ? આમાં રડો છો શું કરવા ? રડવાથી કંઈ સંસાર ડરીને નાસી જાય ? એ તો છે એમ જ રહેશે. એ તો અટાવી-પટાવીને કામ લેવાનું.' પછી મેં કહ્યું, તમારું ચિત્ત હાજર ના રહે એ સ્વાભાવિક છે, હું જાણું છું કે તમારું ચિત્ત લપટું પડી ગયેલું છે. ત્યારે એમના સુખેય કેવા કે શક્કરિયાં ભરહાડમાં મૂક્યાં હોય તેમ ચારે બાજુએ બફાય ! એવા આ શેઠિયાઓ બધા ચોગરદમ બફાયા કરે છે. હું શેઠને પૂછું છું કે આ શક્કરિયાં જેવા બફાવાનું ? ત્યારે કહેશે કે હા, એવું જ, એવું જ, એવું જ આખો દહાડો બળ્યા કરે છે. મેં કહ્યું કે કંઈક ફેરવોને સુખને ! હું તમને રસ્તો બતાડું બધો. એટલે આવી બધી મુશ્કેલીઓમાં આખો દહાડો રહ્યા કરવાનું !

ચિત્તની હાજરી, જમતી વખતે !

તમને સમજાયું હું શું કહેવા માગું છું ? તમે ચિત્તની ગેરહાજરીમાં જમેલા ?

પ્રશ્શનકર્તા : પણ ચિત્ત તો ફરતું જ હોય છે.

દાદાશ્રી : જમતી વખતે હાજર નહીં ? શાં દુઃખ એવાં આવી પડ્યાં છે, કે જમતી વખતેય હાજર નહીં ? ત્યારે બહુ ઉતાવળ હોય તો બે હાથે જમી લેવું ? શાં દુઃખ આવી પડ્યાં છે ? ચિત્તને કહીએ, 'બેસ અહીં આગળ, ચાલ શું શું જમવાનું છે તે મને કહે એક-એક !'

ચિત્ત ત્યાં જવાથી ત્યાં હેલ્પ થશે કે અહીં હેલ્પ થશે ? હેલ્પ થશે ખરી ?

પ્રશ્શનકર્તા : એટલોય કાબૂ નથી.

દાદાશ્રી : લો ત્યારે ! બધું આઉટ ઑફ કંટ્રોલ (બેકાબૂ) થઈ ગયું ? તેથી આ બધાને કંટ્રોલમાં લાવી આપું છું. એક કલાકમાં જ કંટ્રોલમાં આવી જાય છે, કાયમને માટે, પરમનન્ટ કંટ્રોલ. ચિત્ત તો પછી ખસે જ નહીં. ત્યાં સુધી આ દાદાનો ફોટો લઈ જાવ અને દાદા ભગવાનનું નામ દેજોને કે દાદા ભગવાનને નમસ્કાર કરું છું, પાંચ-દશ મિનિટ બોલશો એટલે ચિત્ત પાછું આવશે. તે ઘડીએ ચિત્ત સ્થિર રહેશે.

પ્રશ્શનકર્તા : તમે શીખંડ ખાવ છો તે તમને સ્વાદ કેવો લાગે ?

દાદાશ્રી : મારી ઉપર ઘંટ પડવાનો નહીં ને ! અને આ લોકોને તો માથે ઘંટ પડવાનો હોય એવી રીતે શીખંડ ખાય. આખા મુંબઈ શહેરમાં બધાને માથે ઘંટ છે. મેં જેને આ જ્ઞાન આપેલું છે, તેમને ઘંટ વગર જમજો કહ્યું છે, નિરાંતે ચાવી ચાવીને. ઘંટ નહીં એટલે એ મોજશોખ કરી શકે.

ચિત્તની હાજરી વગર કરેલું કોઈ પણ કાર્ય નકામું જાય. એને બે ચિત્ત કહે છે લોકો. અમારું ચિત્ત જ્યાં હોઈએ ત્યાં રહે. આખું જગત ખાય છે પણ ભોગવતા નથી.

આ મશીનરી હોય છે, એને પેટ્રોલ-ઓઈલિંગ બધું કરીએ છીએને, એવું આ દેહેય મશીનરી છે. તે સવારના પહોરમાં વાઈફ બ્રેકફાસ્ટમાં કેવું સારું સારું પેટ્રોલ (નાસ્તો) મૂકે, તે પેટ્રોલ પૂરો પછી ઓફિસે જાવ. પણ ત્યારે આ તો આમ ઘડિયાળ સામું જુએ ને પેટ્રોલ પૂરતાં પહેલાં તો ઓફિસમાં જતા રહ્યા હોય. ઓફિસમાં જવાનો ટાઈમ થઈ ગયો હોય, જમવાનું બાકી હોય તોય ત્યાં ઓફિસમાં પહોંચી જાય, નહીં ?

પ્રશ્શનકર્તા : હા, ચિત્ત જતું રહે.

દાદાશ્રી : જુઓ હવે, આવું ને આવું બધે થાય છે.

આ જ્ઞાન મળ્યા પછી જમતી વખતે જમવાનું. નોકરી કરતી વખતે નોકરી કરવાની. જમવાનું લેઈટ થયું ને ત્યાં મોડા પહોંચ્યા ઓફિસે ને શેઠ વઢે, તે ઘડીએ સાંભળવાનું. શેઠ વઢે ત્યારે શું કરવાનું ? તે ઘડીએ બૂટ કાઢવા જઈએ તો નોકરી જતી રહે. એવું ના કરીએ.

આ વકીલોને તો રોજ થાય છે. તે પાછો હું શીખવું છું ત્યારે એ ઠેકાણે આવે છે. આ વકીલનેય ઘેર ખાતી વખતે ચિત્ત કોર્ટમાં પહોંચી ગયું હોય. સાચી રીતે તો કો'ક જ ખાતો હશે. બાકી અગિયાર વાગી ગયા કે ઘડિયાળ જોતો હોય ને એ તો જજની પાસે ત્યાં પહોંચી ગયો હોય. આ તો આપણે અહીં 'જ્ઞાન' આપ્યા પછી વકીલો નિરાંતે ખાય છે. ત્યારે એને અનુભવેય થાય છે કે કશું કામ બગડતું નથી. તે મને કહી જાય કે, 'દાદા આજે તો, હું સવા અગિયારે કોર્ટમાં ગયો હતો. મને એમ લાગતું'તું કે આજે મોડું થઈ જશે. પણ તમે ચિત્ત હાજર રાખીને જમવાનું કહ્યું હતું, તે ચિત્ત હાજર રાખીને હું જમ્યો. પછી 'વ્યવસ્થિત'ને જોયું. ત્યારે ત્યાં તો જજ સાહેબ જ સાડા અગિયારે આવ્યા અને કેસ મારો જ પહેલો ચાલવાનો હતો'. મેં કહ્યું કે, 'આવું જ હોય.' માટે શું કામ ભડકો છો ? આ નથી ભડકવા જેવું જગત ! જજનીય માલિકી છે ને તમારીય માલિકી છે, આરોપીનીય માલિકી છે અને ફરિયાદીનીય માલિકી છે. બધાની માલિકીવાળું આ જગત છે. અને બધાના 'એડજસ્ટમેન્ટ' લેવાય છે, એ કંઈ ગપ્પું નથી આ.

ચિત્તને એબ્સંટ કોઈ જગ્યાએ મૂકાય નહીં. જમતી વખતેય ના મૂકાય અને સંડાસ જતી વખતેય ચિત્તને એબ્સંટ ના મૂકાય. નહીં તો બંધકોષનો રોગ થઈ જશે. અહીં કેટલાક વકીલો એવા છે કે સંડાસમાં અરીસો મૂકેલો હોય, રેઝર મૂકેલું હોય, બ્લેડ મૂકેલી હોય. 'સાહેબ, મહીં શું કામ ?' ત્યારે કહે, 'મને ટાઈમ નથી,' તે આ એક કામમાં બે કામ થાય ને !' 'અલ્યા ચક્કર ! મરવાનું ના હોય તો આવું કર !' અને પાછો દુઃખી હોય !!

મોટામાં મોટું, ચિત્ત !

આખા શરીરમાં મોટામાં મોટી વસ્તુ હોય તો ચિત્ત છે. મન તો જાણે કે બહુ ચાલતું હોય તોય કશો વાંધો નહીં ને ના ચાલતું હોય તોય વાંધો નહીં, પણ ચિત્તની જ ભાંજગડ છે બધી ! અમારે તો ચિત્ત વશ રહ્યા કરે, પછી છોને મન કૂદાકૂદ કરે !

અમારે ધંધામાં ચિત્ત ઘાલ્યું હોય તોય ના રહે. હા, એ ધંધામાં ચિત્ત જાય, બીજા લોકોને. લોકોને તો ચિત્ત ગમે ત્યાં જતું રહેને ! આજુબાજુ ફેરવવું હોય તો ફેરવાયને ? અને અમારે તો એવું ના હોય ને અમારે કોઈ ઘેર જવાની રજા નહીંને, 'પર' ઘેર જવાની રજા નહીં. એટલે અમારે તો જ્ઞાનમાં જ રહેવું પડે ને !

ચિત્તને શાંતિ થાય એવું હોય, તો પછી એ રખડે નહીં, બહાર ના જાય. ચિત્ત બહાર ન જાય એવું આપણે કરવાનું છે. આ આપણું વિજ્ઞાન કેવું છે કે ચિત્ત આપણી પાસે રહે, ખસે નહીં. ચિત્ત બહાર ગયું એટલે આ બધુંય, હુલ્લડ ચાલ્યા જ કરે. પછી ચિત્ત બહાર ના જવું જોઈએ. આ તો આવી ચોપડીઓ 'આપ્તવાણી', અક્રમ વિજ્ઞાન તમારા માટે ને જે આવું બધુંય મળ્યા કરશે. પછી ચિત્ત જ બહાર ના જાય. જમ્યા પછી થોડા વખત આરામ કર્યા પછી થોડીવાર અડધો કલાક-કલાક વાંચ્યું હોય તો ચિત્ત ફર્સ્ટ ક્લાસ થાય. એટલે ચિત્તને રાગે પાડવા માટે આવું બધું કરવું પડશે ને ? અમારું ચિત્ત ક્યાં ક્યાં ભટકતું હશે ?

પ્રશ્શનકર્તા : ક્યાંય નહીં ભટકતું હોય.

દાદાશ્રી : હા, એટલે જ્યાં છે ત્યાં જ બધું રાખો. અમારે જ્યાં હોઈએ ને, ત્યાં જ બધું હોય. આઘુંપાછું કોઈ થાય નહીં, એકુય નહીં. જ્યાં હોઈએ ત્યાં બધુંય, રાજા ય ત્યાં ને લશ્કરેય ત્યાં. કોઇ આઘુંપાછું થાય નહીં. અમારી જોડે બેસો એટલે તમારું લશ્કરેય એવું થઈ જાય, વિનયવાળું. ચિત્ત તો આ શરીરનું માલિક છે, એને ગેરહાજર ના રખાય. તમે ચિત્તને નમસ્કાર કરો છો ? કૃપાળુદેવ કહેતા'તા, 'હે ચિત્ત, તને પણ નમસ્કાર છે અમારા !'

ભગવાન ભેટે ત્યારે ચિત્ત ભટકે ?

તમને કોઈ દહાડો ભગવાન ભેગા થાય છે ? વાતચીત કરે છે ? પણ તમારું ચિત્ત જ એ બાજુ નહીં ને ! ચિત્ત જ બહાર ને બહાર. એને ભગવાને શું કહ્યું ? બહિર્મુખી કહ્યું. અંતર્મુખી થયેલાં કોઈ દહાડો ?

પ્રશ્શનકર્તા : કો'ક કો'ક વખત એનો આનંદ મળે છે.

દાદાશ્રી : એ અંતર્મુખ ના કહેવાય. એ તો અંતર્દ્ષ્ટિ કરી કહેવાય. અંતર્મુખ તો જુદી વસ્તુ છે. અંતર્મુખ તો હેંડતા-ચાલતા, ઉઘાડી આંખે બહાર જોતો જાય, છતાં અંદર અંતર્મુખ હોય !

અને ચિત્ત ભગવાનમાં રહે તો સંસારમાં કશો બોજો જ ના લાગે. એટલે પોતાના સ્વરૂપમાં ચિત્ત રહેતું હોય, તેને શાનો બોજો લાગે ? સમાધિ જ રહે.

હું તો માર્કિંગ કર્યા કરતો. બીજા કશામાં જેનું ચિત્ત ના હોય એ માર્કિંગ કર્યા કરે ને ! મને એ ભાંજગડ હતી નહિ કોઈ જાતની. મને આ માર્કિંગ જોઈએ. છતાંય આ માર્કિંગ કરેલું જ્ઞાન નથી. આ તો ગિફ્્ટ છે. નહિ તો આવડું મોટું અવિરોધાભાસ વિજ્ઞાન ઊભું કેમ કરીને થાય ?

ચિત્ત દાદા ભગવાનને યાદ કરે, જેમાં ને તેમાં દાદા દેખાય તે ચિત્ત બહુ સારું કહેવાય. એ ઘણા મહાત્માઓને રહે છે. ઘણાખરા મહાત્માઓને થોડું વત્તા-ઓછા પ્રમાણમાં રહે. કોઈને વધુ પ્રમાણમાં રહે ને કોઈને ઓછા પ્રમાણમાં રહે અને દાદા ભગવાન એ પોતાનો શુદ્ધાત્મા છે. એટલે ચિત્ત શુદ્ધાત્મામાં રાખો કે દાદા ભગવાનમાં રાખો, બધુંય એકનું એક જ છે.

આ ભાઇને ચિત્તની ડખલ નહીંને, એ એમનું જુદું કહેવાય. લૉ બુકેય જુદી. ચિત્તની ડખલ ના હોય તેને ગમે તે ચાલે. બાકી, જગતમાં ચિત્તની જ ડખલ છે ને, બધી. આમને તો દાદા અને હું, દાદા અને હું, બસ આ જ ચિત્તમાં. બીજું કશું રમે જ નહીં ને ! પછી તો ચિત્ત બગડતું જ નથી, ચિત્ત તો દાદામાં જ તન્મયાકાર.

આ સંસારમાં જેનું ચિત્ત નથી અને દાદા ભગવાનમાં જ ચિત્ત છે, એને શું અડે ? એટલે આત્મામાં ચિત્ત છે, પાંચ આજ્ઞા પાળે છે, એનું ચિત્ત પાંચ આજ્ઞામાં જ છે. એટલે કોઈ દહાડો કશું અડે નહીં. તેથી આપણે કહીએ છીએ ને, સંસારમાં રહેવા છતાં અક્રમ વિજ્ઞાનથી મોક્ષ જ વર્તે છે.

એ ચિત્ત પમાડે પરમાત્મપદ !

સંસારમાં તો એ પરણીને ઘેર આવ્યો, તોય છે તે સાસરીમાં જાય, તે ચિત્ત છે ! વરરાજા અહીં આવ્યા હોય પણ ચિત્ત સાસરીમાં જતું રહે. વરરાજા તો અહીં આવ્યા, તે લોક જાણે કે બધી સામગ્રી જોડે આવી ગઈ ને જાન-બાન બધું આવી ગયું. પણ ચિત્ત તો ત્યાં જતું રહ્યું હોય. ચિત્તનું કામ એવું છે. એને કોઈ પરદો નહીં, બરદો નહીં. કોઈની લાજ-શરમ કશું જ નહીં ને, એટલે પેસી જવાનું. ધણી જોડે ચિત્ત જતું રહેતું હોય તો એ સંસારમાં ચિત્ત છે, એમ માનવું. બહારના માણસ જોડે ચિત્ત હોય તો એ લબાડ ચિત્ત છે એમ માનવું અને જ્ઞાની પુરુષમાં ચિત્ત જતું હોય તો ભગવાન પદની પ્રાપ્તિ થઈ રહી છે.

એ આનંદ આવે એકાગ્રતામાંથી !

ચિત્તની ઉપર સવારી કરતા આવડે તો કામ થઈ ગયું. ચિત્તને આમ ફેરવીએ કે 'જાવ, તમે ડાકોર જઈને દર્શન કરાવો' તો પાછું તેય જાય. એને એવું કશું નથી. એને ભટકવાની ટેવ પડી છે. એટલે ભટકવાના રસ્તેથી લઈ લેવું પડે. ચિત્ત એકાગ્ર થયું એટલે થઈ ગયું. લોકો એકાગ્રતા શેને માટે કરે છે ? મનને માટે નથી કરતા પણ ચિત્તની સ્થિરતા ખોળે છે.

પેલો કહેશે, 'મને રમવામાં આનંદ આવે છે.' ત્યારે પેલો કહેશે, 'મને ક્રિકેટ જોવામાં આનંદ આવે છે.' શામાંથી આનંદ આવે છે તે જગતને ખબર નથી. એ બધાં તો એમ જ જાણે કે ક્રિકેટમાંથી આનંદ આવ્યો. તે ક્રિકેટમાંથી આનંદ આવ્યો હોય તો તમારા જેવાં અમુક માણસોને તેડી જાય તો સો રૂપિયા આપે તોય ના બેસે. ચિત્ત તમારું એકાગ્ર જ્યાં થયું ત્યાં તમને આનંદ આવે. પછી ટેમ્પરરી એડજસ્ટમેન્ટમાં થયું તોય આનંદ આવે. ગમે તે કચરામાં પણ તમારું ચિત્ત એકાગ્ર થયું એટલે આનંદ આવે.

એક માણસ મને કહેતો'તો કે આ કોઠીના ચાર રસ્તા પર ૧૦૦-૧૫૦ ફૂટ ઊંચે ધૂળ ઊડાડે તો બે હજાર માણસ ભેગું થઈ જાય. એનું શું કારણ કે આ લોકોનું ચિત્ત એકાગ્ર થતું નથી. કોઈ જગ્યાએ ચિત્ત એકાગ્ર થતું નથી. ધૂળ ઊડતી દેખાય તો 'જુઓ, જુઓ' કહેશે. એટલો વખત ચિત્ત એકાગ્ર થઈ ગયું.

અમારી પોળમાં એક વખત હું ઘરમાંથી બહાર નીકળ્યો, ત્યારે લોક પચાસ-સો ભેગું થઈ ગયું. મેં કહ્યું, 'શું છે ભઈ આમાં ?' હું પૂછું નહીં, હું જાણું કે આ લોકો શાથી ભેગા થયા છે ને શાથી વિખરાય છે, એનું ભાન નથી. ત્યારે કહે છે, 'આ દૂધવાળો એમને ગાળો ભાંડે છે ને એ આને ગાળો ભાંડે છે.' 'મૂઆ, આમાં તે શું ભેગું થવાનું ?' તેમાં ઘરમાં ચા પીતો પીતો અરધી ચા મૂકીને દોડેલો. 'અલ્યા, આ કઈ જાતના ચક્કરો છે ! તમારી શી દશા થશે ? અહીં જીવતાં જ ના આવડ્યું, તો મરતાં શી રીતે આવડશે, આ બધાને ? ચા અરધી મૂકીને નાઠા. 'અલ્યા, શેના હારુ આ ?' ત્યારે કહે, 'ચિત્ત એકાગ્ર થતું નથીને' ! કોઈ એવી જગ્યા નથી કે ચિત્ત એકાગ્ર થાય. જ્યાં સુધી ચિત્તની શુદ્ધિ ના થાય ત્યાં સુધી આ ભટકવાનું છે. ચિત્તની શુદ્ધિ થવી જોઈએ.

પ્રશ્શનકર્તા : એના માટે મુખ્ય ઉપાય શું ?

દાદાશ્રી : એ જ્ઞાની પુરુષ જ કરી આપે. તમારાથી થાય એવું નથી. તમારી જાતથી થાય એવું નથી આજના મનુષ્યોને. એટલે જ્ઞાની પુરુષ પોતે કરી આપે. પછી આપણી ચિત્તશુદ્ધિ થયા કરે. પછી આપણે કશું કરવાનું રહ્યું નહીં. પછી એકાગ્ર જ રહેશે. એટલે આઘુંપાછું કરવું હોય તોય જાય નહીં. પછી આપણે કહીએ, 'આઘુંપાછું જા.' ત્યારે કહે, 'ના, હવે નહીં.' અમારે ચિત્ત નિરંતર એકાગ્ર જ રહે. આઘુંપાછું થાય જ નહીં.

એકાગ્રતા, અધ્યાત્મના આંદોલનમાં !

આ સત્સંગ સાંભળતા હતા, તે ઘડીએ એકાગ્રતા થઈ હતીને ? તે ઘડીએ મહીં અંતર્શાંતિ ઉત્પન્ન થઈ જાય. તમને એવું નહોતું થયું ? હા, અને બહારવટિયાનું પુસ્તક વાંચે તો એકાગ્રતા થઈ જાય. ચિત્તનો સ્વભાવ છે એ તો. આ એકાગ્રતા ઊંચે ચઢાવે અને પેલી એકાગ્રતા નીચે ઊતારે, સ્લીપરી (લપસાવનારી) છે.

અને જ્યારે અમે બોલીએ ને, તે અમારંુ ચિત્ત બસ એને સાંભળ્યા જ કરે. ખુશ, ખુશ, ખુશ, ખુશ થયા કરે, જાણે મોરલી સાંભળતું હોય એવી રીતે. અમારું ચિત્ત તો સાપની પેઠે મોરલી સાંભળીને નાચે એવી રીતે નાચ્યા કરે. બહાર ભટકવા શાનું જાય તે ? ભટકે કોનું ? ઘેર મજા ના આવે ત્યારે. પોતાને અંદર મજા ના આવે તે આમ ભટકે, તેમ ભટકે, છેવટે તાજમાં જઈને ચા ય પી આવે. ચા-નાસ્તો કરી આવે. અહીં સત્સંગમાં હો તે ઘડીએ મહીં રહેતું નથી એકાકાર ?

પ્રશ્શનકર્તા : રહે છે.

દાદાશ્રી : નિરંતર રહે છે કે, કોઈ ઘર-બર જતા નથી ? એ તો બધું આમ બહાર જાય, તેમ જાય પણ એકાકાર રહે, એનું નામ જ ઉપયોગ ! અને એમ એકાકાર ના રહેવાય ને એકલા પડીએ ત્યારે પાછું દુરુપયોગ થાય, ત્યારે પછી ત્યાં આગળ આપણે જાગૃતિ રાખવાની.

પ્રશ્શનકર્તા : દાદા, આઘું ખસતું જ નથી.

દાદાશ્રી : એમ ધન્ય છે તમને ! જોબ ઉપર આપણેે જ્યારે હોઈએ ત્યારે એમાં જતું રહે. ત્યાં આગળ ઠેકાણે રહેવું જોઈએ. જોબ સારી રીતે કરો, ચિત્ત ઠેકાણે રહેવું જોઈએ અને તેને આપણે જાણીએ કે આ ચિત્ત ઠેકાણે છે. અને ચિત્ત ઠેકાણે એટલે આત્મા ઠેકાણે.

ચિત્તની તો ગેરહાજરી નહીં રાખવી. બીજી બધી ગેરહાજરી હશે તો ચાલશે. બુદ્ધિ ગેરહાજર હશે તો ચાલશે. ચિત્ત તો એબ્સંટ રહેવું જ નહીં જોઈએ કોઈ પણ સ્થિતિએ. આ તમારી સાથે હું વાતચીત કરું છું, એમાં અમારું ચિત્ત એબ્સંટ થાય તો શું રહ્યું ? નર્યું ચિત્ત જ છે, જે અનંત કાળથી અશુદ્ધ થતું આવ્યા કર્યું છે, તે મારી હાજરીમાં મારી સામે એક ચિત્તે રહ્યું તો શુદ્ધિ થયા જ કરે. અને જ્યારે ત્યારે ચિત્તને શુદ્ધ જ કરવાનું છે. ચિત્તશુદ્ધિનો ઉપાય છે આ. આ તમે અમને પૂછો અને જો તમારી એકાગ્રતાએ ચિત્ત સ્થિર રહ્યું તો શુદ્ધ જ થયા કરે.

 

(૫)

વિશ્શલેષણ, ચિત્તવૃત્તિઓ તણું !

પર્યાય, ચિત્તના મુખ્યતઃ

પ્રશ્શનકર્તા : ચિત્તનો મુખ્ય પર્યાય કયો ?

દાદાશ્રી : 'આ શું હશે, તે શું હશે ?' એની તપાસ કરવાનો પર્યાય એનો.

પ્રશ્શનકર્તા : મુખ્ય ?

દાદાશ્રી : હા. આ ઇચ્છા કે 'આ શું હશે ?' આંબા ઉપર કેરી લટકતી દીઠી, એટલે 'આ શું હશે ?' એ પછી જો કદી સરસ લાગ્યું તો ત્યાં ને ત્યાં જાય પછી ને ના સરસ લાગ્યું તો ના જાય. ના સરસ લાગે ત્યાં મોકલીએ તોય ના જાય.

ચિત્તનો સ્વભાવ એવો છે કે જ્યાં એક ફેર એને આનંદ આવે ત્યાં જ દોડ દોડ કરે છે. એને આનંદ આવવો જોઈએ. ચિત્ત આનંદ ખોળે છે અને તે આનંદ એકલો ખોળતું નથી, પોતાનું ઘર ખોળે છે. પોતાનું મૂળ માલિકીનું હોય, એ ખોળે છે. મારે ઘેર આટલું બધું સુખ હતું તે આ બધું ક્યાં ગયું ? તે ચિત્ત પોતાનું ઘર ખોળે છે. તે આમાં સુખ હશે કે તેમાં હશે ? છેવટે કેરી સારી દેખાય તોય ચાખી જુએ કે આમાં કંઈ સુખ આવે છે ? પછી કહે, 'ના, આમાંય સુખ નથી.' એના લક્ષમાં હોય કે 'તે' જેવું આ નહીં. એમ કરતું કરતું છોડતું જાય.

રહસ્ય, ચિત્તની ભટકામણ તણા...

ચિત્ત શાથી ભટકે છે ? કારણ કે સુખ ખોળે છે, કે મારે ઘેર સુખ હતું ને આ બધું કેમ ? આ સોફાસેટમાં સુખ હશે, આમાં હશે, તેમાં હશે એવું ભટક ભટક કરે છે. અને પછી અનુભવ કરે છે. સોફાસેટ અહીં લાવે એટલે એને એમાં સુખ ના રહે. પછી પાછું બીજું કંઈ ખોળી કાઢે. બંગલો બંધાતા સુધી ચિત્ત એમાં રહે. બંગલો બંધાઈ જાય પછી કશું જોઈતું નથી. બંગલો બંધાઈ રહ્યો એટલે પછી ગાડીની ચિંતા થાય.

એટલે એ તો આપણે એક લાઈન દોરી બાંધીએ, લિમિટ રાખીએ, તો એનો ઉકેલ આવે. નહીં તો આનો કંઈ ઉકેલ આવે એવો નથી. એક મકાન બાંધી દેવું છે ફક્ત રહેવા પૂરતું, પછી ગાડી બીજું કશું જોઈતું નથી એવું નક્કી કરીએ, નહીં તો આનો પાર જ નથી આવે એવો, અપાર છે.

પ્રશ્શનકર્તા : આ ટેમ્પરરી સુખ લાગે છે એટલે અંદર જાય છે ને ?

દાદાશ્રી : એવું છે ને, પરમનન્ટ સુખ છે એવું ભાન નથી રહ્યું પોતાને અને ટેમ્પરરી જે કંઈ આવે છે તે સારું લાગે છે. મહીં કેરી ખાય ખરો પણ સહેજ ખાટી છે, એટલે પછી ત્યાં છોડી દે પાછો. બીજી એથી મીઠી ખોળી કાઢે. એટલે આ કોણ ? ચિત્તવૃત્તિ ખોળે છે, કે આમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે ! પછી એમાં નથી લાગતું એટલે પછી નાખી દે છે. પછી થોડા દહાડા ભાવતું ખાય ને તો આ સુખ કેવું થાય ? સુખનોય અભાવ થાય પછી. તે લગ્નમાં પંદર દહાડા જમાડોને ત્યારે કંટાળીને નાસી જાય ને ઘેર ખીચડી ખાય. 'અલ્યા, સરસ જમવાનું હતું તોય ?' ત્યારે કહે, 'ના, એ કંઈ કાયમ ભાવતું હશે ?' તો જે સુખનો અભાવ થાય ને, એ સુખ સુખ ગણાય જ નહીં. એ સુખની ડેફિનેશનમાં ના ગણાય.

આંજણ આનંદ તણા અંજાયે આત્મસંગ રે...

પ્રશ્શનકર્તા : દરેક વ્યક્તિ આત્માનો આનંદ નથી શોધતો ?

દાદાશ્રી : એણે જેમાં આનંદ ચાખ્યો છે ને, ત્યાં ચિત્તવૃત્તિ જાય. ચિત્તવૃત્તિ એક ફેરો જાણતી થાય કે આત્મામાં આનંદ છે, ને જો ચાખ્યો હોય તો જ આત્મામાં જાય પણ ચાખ્યો ના હોય ને ત્યાં સુધી જેમાં આનંદ ચાખ્યો હોય, તેમાં ચિત્તવૃત્તિ જયા કરે. બહારનો આનંદ ચાખ્યો હોય તો એમાં જતી રહે.

જ્ઞાની પુરુષ મળે, એ સંગ મળે, ત્યારે ચિત્તને ત્યાં આનંદ થાય કે બીજે હતા તેના કરતાં આ આનંદ કંઈક સારો લાગે છે. બીજે જે આનંદ કરીએ છીએ, તેના કરતાં અહીં આગળ આપણને કંઈક વિશેષ પ્રકારનો આનંદ થાય છે; કંઈ નવી જ પ્રકારનો, નિરાંતવાળો. આપણને નિરાંત જેવું લાગે, નિરાકુળતા લાગે.

અમથો અંગૂઠે હાથ અડી ગયો હશે ને, તોય કલ્યાણ થઈ જાય એવું છે. અહીં ચરણે વિધિ કરે છે ત્યારે મહીં સમાધિ થઈ જાય છે. પછી તો ઊઠાડવા પડે છે કે ભઈ, ઊઠ હવે. કારણ કે મહીં સ્વાદ ઉત્પન્ન થાય. મહીં ચિત્તવૃત્તિ બંધ થઈ જાય. કોઈ એવી દવા નથી વર્લ્ડમાં કે જેનાથી ચિત્તવૃત્તિ બંધ પડે !

આત્માના સુખનો અભાવ જ ના થાયને ! પોતાના સ્વાધીન સુખનો અભાવ જ ના થાય ને ! એ સ્વાધીન સુખ રહે છે, તેનો અભાવ થાય છે તમને ? હવે તમને કયું સ્વાધીન સુખ રહે છે ? સાંસારિક દુઃખનો અભાવ. જે સ્વાભાવિક જ્ઞાનથી પ્રાપ્ત થયો. પછી થોડાક વર્ષો પૂરાં થઈ જશે એટલે સ્વાભાવિક સુખનો સદ્ભાવ શરૂ થશે.

વૃત્તિઓ વહે નિજઘર તરફ...

અમે ચિત્તની શુદ્ધિ કરી આપીએ તમને. અને વૃત્તિઓ જે ભટકવા જતી હતી, તે બધી પાછી ઘેર આવવા માંડી.

પ્રશ્શનકર્તા : વૃત્તિનો જન્મ ક્યાં થાય છે ? હવે આપણે ચિત્તને ચેતન કહીએ છીએ ને ?

દાદાશ્રી : હા, ચિત્ત એ ચેતન છે અને એને વૃત્તિ થઈ છે.

પ્રશ્શનકર્તા : એ મનનો ડિસ્ચાર્જ ભાગ છે ?

દાદાશ્રી : ના, ચિત્તનું જ છે. ચિત્તવૃત્તિઓ છે કે મારે આ જાણવું છે ને આ જોવું છે ને આ કરવું છે.

પ્રશ્શનકર્તા : ચિત્તવૃત્તિ અને ચિત્ત એ બેનું જરા બરાબર ના સમજાયું. આપે કહ્યું ને કે ચિત્ત એટલે જ્ઞાન-દર્શન. હવે જ્ઞાન-દર્શન જતું નથી પણ વૃત્તિઓ ગઈ કહેવાય, એ ફોડ જરા સમજાવોને.

દાદાશ્રી : અહીં સૂર્ય આવે છે કે કિરણો અહીં આવે છે ?

પ્રશ્શનકર્તા : કિરણો અહીં આવે છે.

દાદાશ્રી : એ એવું છે.

પ્રશ્શનકર્તા : એટલે આ કિરણો એ વૃત્તિઓ કહેવાય ?

દાદાશ્રી : વર્તીને પાછું જતું રહે, એ બધું વૃત્તિઓ કહેવાય.

પ્રશ્શનકર્તા : શુદ્ધ ચિત્ત હોય, એને વૃત્તિ ના રહે એ બરોબર ?

દાદાશ્રી : શુદ્ધ ચિત્ત, પોતે જ થયો છે.

પ્રશ્શનકર્તા : હા, પોતે જ થઈ ગયો.

વૃત્તિ વહાવો નિજભાવમાં...

પ્રશ્શનકર્તા : હવે મનની વૃત્તિઓ તો ખરીને ?

દાદાશ્રી : મનની વૃત્તિઓ સીમિત હોય છે.

એવું છે ને, જ્યારે વિચારોનું જ ગૂંચળું ફર્યા કરે, વિચારનાં વમળ ફર્યા કરે, ત્યારે એ વમળ એને મન કહેવાય છે. વૃત્તિઓને અને એને લેવાદેવા નથી. વિચારવાનું વમળ ફરે છે તે વખતે મન હોય છે સ્વતંત્ર રીતે ને વૃત્તિઓ પછી ઉત્પન્ન થાય છે. તે પછી આઘીપાછી થયા કરે.

આ તો વૃત્તિઓ ઘરમાં પાછી આવે. જેનાં ઘરમાંથી ચિત્તવૃત્તિ બહાર જતી જ નથી, કોઈ જગ્યાએ એની તો વાત જ શી ? ચિત્તવૃત્તિઓ થાકી થાકીને હેરાન થઈ ગઈ, લોથ થઈ ગઈ છે. તે ચિત્તવૃત્તિઓ, દાદાનાં સ્વપ્નમાં દર્શન થાય ત્યારે વિશ્રામ પામે છે. આ બધું આનંદનું સ્થાન છે. આનંદ મહીંથી આવે છે પણ આ સંયોગ ભેગો થવાથી, પરમાનંદી પુરુષનો સંયોગ ભેગો થાય એટલે આનંદ ઉભરાય.

વૃત્તિઓ કુંઠિત તે વૈકુંઠ !

પ્રશ્શનકર્તા : આપ કહેતા ને કે અમને જગત રળિયામણું લાગે ?

દાદાશ્રી : છે જ, રળિયામણું જ છે. એની વૃત્તિઓ લક્ષ્મીમાં છે એટલે રળિયામણું શી રીતે દેખાય ? એની વૃત્તિઓ ઘેર છોકરાઓમાં છે, એટલે શી રીતે દેખાય ? એક્ઝેક્ટ જોવા માટે વૃત્તિઓ ક્મ્પ્લીટ જોઈએ, ચિત્ત તૈયાર જોઈએ, મન તૈયાર જોઈએ અને મન ડખો ના કરે, બુદ્ધિ ડખો ના કરે અને અહંકાર તો બધું જોનારો છે, તો પછી બહુ સુંદર જુએ.

કોઈ કોઈ ઋતુમાં તો કવિઓને પણ લાગે કે ઓહોહો ! કેવું સુંદર છે જગત ! જેમ મોરને થાય છે ને ! કોઈ કોઈ ઋતુમાં કવિઓ મોર જેવા કહેવાય. બાકી, આ વેપારીઓનેય કોઈ દહાડો બિચારાને જગત સારું નથી લાગતું. ચિત્ત વૈકુંઠમાં જાય ત્યાર પછી મઝા આવે. ત્યાર પછી ચિત્ત સારું થાય. કૃષ્ણ ભગવાન કહે છે કે વૈકુંઠમાં તેડી જઈશ. કૃષ્ણ ભગવાનની ભક્તિથી વૈકુંઠમાં ચિત્ત જાય. ત્યાર પછી કરવું ના પડે કશું. એટલે વૃત્તિઓ જ ઊભી ના થાય કશી, કુંઠિત થઈ ગયેલી હોય બધી. અને ત્યાર પછી જ મોઢા પર ટેન્શન રહિત હાસ્ય આવે, નહીં તો ટેન્શન જ ખેંચ્યા કરતું હોય. વૃત્તિઓ બધી જ્યાં જાય ત્યાં ટેન્શન કરે.

એક મોટા ભક્ત હતા, વૈષ્ણવના. મને કહે છે, 'અમે તો વૈકુંઠમાં જવાના.' મેં કહ્યું કે અત્યારથી જ જાવને વૈકુંઠમાં ! ત્યાં ઠેકાણું તો કોઈ એવી જગ્યાએ નથી ને એવું વૈકુંઠ ગામેય નથી ! અહીં વૃત્તિઓ કુંઠિત થાય એ વૈકુંઠ. એ કંઈ મોક્ષ નથી, એ સિદ્ધક્ષેત્ર નથી, એ તો છે વૈકુંઠ.

રાત્રે હઉ રખડે, વૃત્તિઓ !

આ અમે તમને જ્ઞાન આપીએ છીએ ત્યાર પછી તમારી ચિત્તવૃત્તિઓ જે આમથી આમ બહાર જતી હતી, તે બધી પાછી વળવા માંડી. કોઈની ચિત્તવૃત્તિ પાછી ના વળે. અરે, રાત થાય ને નવરી પડે એટલે ફોર્ટ એરિયામાં ફરવા જાય. અલ્યા, રાતે શું દાટ્યું છે ત્યાં આગળ ? અને નહીં તો ઘરનું કોઈ માણસ ના આવ્યું હોય, સાડા દસ વાગ્યા સુધી, તો ચિત્તવૃત્તિ કહેશે, 'આ આવ્યા નથી, શું થયું હશે ? શું થયું ?' એટલે આપણને ઉપાધિ પાછી. 'શું થયું' કહ્યું કે ઉપાધિ. 'ગાડીમાં કપાયા હશે કે પડી ગયા હશે ?' એવું બધું બતાડે.

ચિત્તવૃત્તિઓની નિર્મળતા, ત્યાં...

તમે શુદ્ધાત્મા થયા, પણ ચિત્તવૃત્તિની નિર્મળતા હોય તો ગૂંચો ના પડે અને સંસારી કામ સરળ થતાં જાય. ચિત્તવૃત્તિની નિર્મળતા નથી તેથી સંસારી કામ સરળ નથી થતાં. અહીં બેસી રહે છે એટલે ચિત્તવૃત્તિ નિર્મળ થયા કરે પછી તેને સંસારી કામ આગળ આગળ સહજ થયા કરવાનાં.

દેહ ને આત્મા જુદા જ છે પણ દેહનાં સંસારી કામ સરળ થતાં જાય, બધી આગળ આગળ તૈયારીઓ થયા જ કરે. આ તો જ્યાં સુધી આપણે હાથમાં ઝાલી રાખીએ છીએ ને, ત્યાં સુધી મુશ્કેલી છે. દાદાને સોંપી દો તો મુશ્કેલી જ ના હોય. મુશ્કેલી આવે જ નહીં. મુશ્કેલી કેમ કરીને આવે ? આપણને વિચાર આવે ત્યારથી એ કામ થયા જ કરે. મુશ્કેલી આવે નહીં, મુશ્કેલી આવતાં પહેલાં ઓગળી જાય. આવડો મોટો પથ્થર વાગવાનો હોય, તેને બદલે આટલો પથ્થર વાગીને જતો રહે. આ વિજ્ઞાન બહુ જુદી જાતનું છે.

ધન્ય છે 'આ' (દાદાની) ચિત્તવૃત્તિઓને ! આ અમારા જેવી ચિત્તવૃત્તિ થવા માંડી ! અમારું ચિત્ત આઘુંપાછું જ ના થાય કોઈ દહાડો. હેય ! મોરલી વાગતી હોય તો સાપ શું કરે ? સત્યાવીસ વર્ષમાં કોઈ દહાડોય ચિત્ત આઘુંપાછું નથી થયું, મન આઘુંપાછું નથી થયું.

આ તમે છે તે મારી નકલો કરવા માંડ્યા. નકલ એટલે દાદાના કહ્યા પ્રમાણે આજ્ઞામાં રહ્યા તો થઈ ગયું, પૂરા થયા ! આ પૂર્ણાહુતિ એ દાદાની દશા ! આપણા હાથમાં જ છે ને, દાદાના કહ્યા પ્રમાણે ચાલે તો !

પ્રશ્શનકર્તા : ચિત્તવૃત્તિને પાછી વાળવી અને જ્ઞાતા-દ્રષ્ટા રહેવું એ બે એક જ છે ?

દાદાશ્રી : ના, જુદી વસ્તુ છે. જ્ઞાતા-દ્રષ્ટા તો સ્વાભાવિક વસ્તુ છે. ચિત્તવૃત્તિ તો વૃત્તિ છે. ખાલી કહેવાય છે ચિત્તની એટલું જ, બાકી વૃત્તિ છે.

ચિત્તે ગરબડ કરી, મને અભિપ્રાય ધરી !

પ્રશ્શનકર્તા : હવે ચિત્તનું જરા બરાબર સમજાવો કે ચિત્ત ક્યાં ક્યાં ગરબડ કરે છે ?

દાદાશ્રી : ચિત્ત બધું જોઈ આવે છે. ગયા અવતારની જે ફિલ્મ પડેલી છે, તેને ચિત્ત જુએ છે અને એમાં મન છે તે ખાલી અભિપ્રાય આપે છે કે આ સારું છે ને આ ખરાબ છે.

પ્રશ્શનકર્તા : મન એ અભિપ્રાય અને ગાંઠોથી બનેલું છે ને ?

દાદાશ્રી : મન એ તો વસ્તુ જ નથી, એ તો તમારા ખાલી અભિપ્રાય જ છે. અને તે તમારા શું અભિપ્રાય હતા તે દેખાડે છે.

પ્રશ્શનકર્તા : તો પછી આપણા સંસારનું મુખ્ય કારણ મન છે કે ચિત્ત છે ?

દાદાશ્રી : ચિત્ત છે. તમે છે તે કોઈ જગ્યાએ ગયા હોય અને ભડક્યા હો, તો તમારું ચિત્ત વારેઘડીએ ત્યાં જ જાય. તે તમને ઘેર બેઠાં ભડકાય ભડકાય કરે.

પ્રશ્શનકર્તા : અભિપ્રાય તો મન આપે છે ત્યારે ભડકાવે છે શું ?

દાદાશ્રી : અભિપ્રાય તો મન બાંધે છે, બાકી ચિત્ત જ ભડકાય ભડકાય કરે છે. ભડકવાની ફિલ્મ જોઈ, તે ભડકાટ ભડકાટ કર્યા કરે. બાકી ચિત્ત બધું જોયા કરે છે. હવે એ અભિપ્રાય તો એને જે જ્ઞાન મળેલું છે, તેનાં આધારે એ આપે છે.

પ્રશ્શનકર્તા : પણ માણસને બાંધે છે શું ?

દાદાશ્રી : ચિત્ત જ બાંધે છે ને !

ભટકતી વૃત્તિઓ, ચિત્તની !

જેટલી ચિત્તવૃત્તિઓ ભટકે તેટલું આત્માને ભટકવું પડે. જ્યાં ચિત્તવૃત્તિ જાય, તે ગામ આપણે જવું પડશે. ચિત્તવૃત્તિ નકશો દોરે છે. આવતા ભવને માટે જવા-આવવાનો નકશો દોરી નાખે. એ નકશા પ્રમાણે પછી આપણે ફરવાનું. તો ક્યાં ક્યાં ફરી આવતી હશે ચિત્તવૃત્તિઓ ?

પ્રશ્શનકર્તા : પણ ચિત્ત ભટકે એમાં શું વાંધો ?

દાદાશ્રી : એ જ્યાં જ્યાં ભટકે છે ને, તે જવાબદારી આપણી. ચિત્ત જે પ્રમાણે પ્લાનીંગ (યોજના) કરે, તે પ્રમાણે આપણે ભટકવું પડશે. માટે જવાબદારી આપણી.

એનો ફોટોગ્રાફીનો ધંધો ધમધોકાર !

ચિત્ત આખા શરીરમાં અહીંથી અહીં સુધી ભટકે અને બહાર આખા બ્રહ્માંડમાં ભટકવાનું.

પ્રશ્શનકર્તા : ચિત્તનું બહાર ભટકવાનું કારણ ગ્રંથિઓને ?

દાદાશ્રી : ના, એ પોતાની ફિલ્મના આધારે ભટકે છે. અને ગ્રંથિઓના આધારે મન ફર્યા કરે છે. પણ ચિત્ત તો પોતાની જ સ્વતંત્ર ફિલ્મના આધારે છે. ગ્રંથિઓ બધી મનની હોય. એ ગ્રંથિઓના આધારે મન ચાલે છે પણ ચિત્ત તો પોતાની જ સ્વતંત્ર વસ્તુ છે. એટલે અહીંથી મુંબઈ જાય અને કોઈ સ્ત્રી એણે જોયેલી હોય ને સ્ત્રી એને ફરી દેખાય હઉ પાછી, ઊઘાડી આંખે. ત્યારે આપણે એને કહીએ, મૂઆ, તારું ચિત્ત ચોંટી ગયું છે. એવું આપણા લોક નથી કહેતા ? એવું દેખાય કે ના દેખાય ? એક્ઝેક્ટ મોઢું-બોઢું દેખાય ને ? વાતો હઉ કરતા દેખાય. હવે આનો ક્યારે પાર આવે ? મનને એવું નથી.

પ્રશ્શનકર્તા : ધ્યાન કરવાનો સૂક્ષ્મ પણ હેતુ હોય તો ટેપ ઊતરે છે. પણ જેમાં કોઈ હેતુ નથી, સ્વાભાવિક, નૈસર્ગિક છે, અંતઃકરણનું ધ્યાન નથી તો તેમાં ટેપ ઊતરે કે નહીં ?

દાદાશ્રી : એ તો એમ ને એમ જ ફિલ્મ ચાલ્યા કરે. ચિત્તની જેટલી શુદ્ધિ થાયને પછી ફિલ્મ પડતી બંધ થતી જાય. ચિત્ત અશુદ્ધ છે, ત્યાં સુધી ફિલ્મ પડ્યા જ કરવાની અને એ ફિલ્મ એ જ સંસાર. જે જુએ ત્યાં ફિલ્મ પડે, જે જુએ ત્યાં ફિલ્મ પડે. બે ભાવ ઉત્પન્ન થાય, કેટલું સરસ છે, કેટલું સરસ છે અથવા તો કેટલું ખરાબ છે, કેટલું ખરાબ છે. એ ભાવથી વધ્યા કરે.

પ્રશ્શનકર્તા : આ કુદરતી સૌંદર્ય જે ફૂલ-ઝાડ, નદી-નાળાં એ બધી વસ્તુઓ આપણને ગમી જાય તો એનાંથી કર્મબંધ કે માયાબંધ થાય ?

દાદાશ્રી : હા, બધું ગમી જાય તે એનાંથી ટેપ બગડે આપણી એટલી. જે જે ગમે એના ફોટા લે છે ને લોકો ? એટલા ફોટા બગડી ગયાને ?

પ્રશ્શનકર્તા : હા.

દાદાશ્રી : એવી રીતે આમાં પેલી ચિત્તની ટેપ બગડે. એટલે ચિત્ત અશુદ્ધ થયા કરે. અને છેવટે તો ચિત્તને શુદ્ધ કરવાનું છે. આ સંસારનું ચિત્રપટ નહીં એવું ચિત્ત શુદ્ધ કરવાનું છે. હવે ફોટા બહુ ના લેવા અને લેવા હોય તો આ દાદાનો ફોટો લે લે કરવો. બહુ કામ આપશે.

એવું છે ને, આ દેરાસરમાં શું કરેલું હોય છે ? જો સુગંધી કરેલી હોય છે, પછી પેલું આમ આમ ફેરવવાનું આપે છે (ચામર), પછી ઘંટ વગાડવાનું હોય છે. એ બધું જ તમને એકાગ્ર કરવા માટે છે. એની જે આંગીઓ કરે છે, તે બધું તમારું મન બહારથી સ્થિર થઈ જવા માટે. ઈન્દ્રિયો એકાગ્ર થાય તો માણસ એકાગ્ર થાય. એકાગ્ર થાય તો ચિત્તવૃત્તિ અહીં આગળ ફોટોગ્રાફી લઈ લે. એ હેતુ માટે આ બધાં સાધનો છે.

અને ઘંટ તો શા માટે વગાડવામાં આવે છે કે બહારનો કોલાહલ સંભળાય નહિ. જેમ આપણે વાજીંત્ર વગાડીએ છીએ ત્યારે જેને આવડતું ના હોય તે એક સૂર ખુલ્લો રાખે છે અને પછી શીખે છે, એવી રીતે બહારનો કોલાહલ સંભળાય નહીં અને ત્યાં આગળ ચિત્ત એકાગ્ર થાય. એક ફેરો પ્રિન્ટ થયું તો ઘણું હિતકારી થાય. ચિત્ત ફોટો જ લે છે. ચિત્તનો સ્વભાવ શું ? ફોટોગ્રાફી લીધા જ કરવી.

અંતે અંત, અનંત અવતારની યાત્રાનો !

પ્રશ્શનકર્તા : આ ચિત્ત તો દરરોજ ક્યાંય ને ક્યાંય ભટકે, તો પછી આપણે બધે ઠેકાણે ભટકવાનું છે ?

દાદાશ્રી : હા, એવું ભટક ભટક કરવું પડે.

પ્રશ્શનકર્તા : તો અંત કેવી રીતે આવે ?

દાદાશ્રી : ના, પણ આ જ્ઞાન પછી હવે તમારે વૃત્તિઓ ભટકતી નથી.

પ્રશ્શનકર્તા : પણ વિચારો તો ભટક્યા કરે ને ?

દાદાશ્રી : ના, એને ચિત્તવૃત્તિ ના કહેવાય. ચિત્તવૃત્તિ તો એને કહેવાય કે એ નકશો ચિતરે છે કે ભઈ, આવતે ભવ મારે ક્યાં ક્યાં જવું છે, એ નક્કી કરી આપે છે. જે જે ખૂણામાં પેસે છે એ ખૂણાના સંસ્કાર લાવીને ભેગા કરીને પછી આવતા ભવનો નકશો ચિતરે, એ બધું ચિત્તવૃત્તિનું કામ છે. એટલે આ જગતને ભટકાવનાર હોય તો એ ચિત્તવૃત્તિ છે, ચિત્ત જ છે. મન કંઈ ભટકાવે એવું નથી. મનનો કોઈ દોષ નથી.

હવે એ ચિત્તવૃત્તિ ભટકે છે કેમ ? અજ્ઞાનતાથી. એ અજ્ઞાન 'જ્ઞાની પુરુષ' પાસેથી જાય ત્યારે ચિત્તવૃત્તિ પાછી ફરે. તમારે તો ચિત્તવૃત્તિ પાછી વળી ગઈ છે. જરાય બહાર જતી નથી. તમને કેમ એવું લાગે છે ?

પ્રશ્શનકર્તા : કોઈ વખત બેઠા હોય ત્યારે વિચાર તો બધા આવે ને.

દાદાશ્રી : એ વિચારોનો વાંધો નહીં. વિચાર તો મનના છે. મનને જેટલા વિચાર કરવા હોય એટલા એ કરે. પણ ચિત્તવૃત્તિ હવે તમારી ભટકતી નથીને ? હવે તો પહેલાં જે ચિત્તવૃત્તિ બહાર જ ભટકતી હતી, એ હવે અંદર પાછી ઘેર આવવા માંડી. હવે પોતાને ઘેર પાછી વળે. એ ચિત્તવૃત્તિઓ પાછી વળે ત્યારથી જ મોક્ષ થવાની નિશાની મળી ગઈ અને મોક્ષ અહીંથી જ થવો જોઈએ. અહીં સંસારમાં જ ચિંતા બધું બંધ થાય તો જાણવું કે મોક્ષ થવાનો થયો.

બીજું બધું બંધાય પણ ચિત્ત બંધાય નહીં. ચિત્ત શુદ્ધ થઈ ગયું એટલે ફિલ્મો પડતી બધી બંધ થઈ ગઈ. મન કામ કરતું બંધ થઈ જાય. એટલે મન જૂનું હોય એટલું જ ડિસ્ચાર્જ થયા કરે. નવું ઉત્પન્ન ના થાય. અહંકાર કામ કરતો બંધ થઈ જાય. જૂનો છે એટલો જ ડિસ્ચાર્જ થયા કરે. નવો ઉત્પન્ન ના થાય. બુદ્ધિ ય જૂની છે એ ડિસ્ચાર્જ થયા કરે, બીજી ઉત્પન્ન ના થાય.

 

ભાગ
1-2 -3 - 4 - 5 - 6 - 7 - 8 - 9 - 10 - 11 - 12 - 13 - 14 - 15 - 16 - 17 - 18 - 19 - 20 - 21 - 22 - 23